Umbaro in Gujarati Love Stories by Dhruti Joshi Upadhyay books and stories PDF | ઉંબરો

Featured Books
Categories
Share

ઉંબરો

આજે પ્રથમ વખત પુષ્પાનો હાથ એનાં હાથને સ્પર્શ્યો. જાણે મખમલ લસરાઈને ચાલ્યું ગયું હોય એવું તેને લાગ્યું. પ્રણવની પહેલી નજરનો પ્રેમ હતી પુષ્પા. તેનાં લાંબા અને કાળા વાળ જાણે ધરતી પર જ અવકાશ પાથરતા હતાં. તેનાં ગાલ જાણે તડકામાં માછલી ચમકી ઉઠે તેમ ચમકદાર અને સુંવાળા. પુષ્પા ગામનાં જમીનદારની દિકરી, અને પ્રણવ! પ્રણવને ગામનાં પાદરમાં સાયકલ રિપેર કરવાની નાનકડી એવી દુકાન. 

“અરે ઓ પ્રણવ બાબુ.... રાજકુમારીનાં સપનાં જોવાનું છોડી દે, અને જમીન પર આવી જાવ હવે...” પ્રણવનાં મિત્ર બકુલે તેને કહ્યું.

“ અરે રાજકુમારી નહિ બકુલ્યા..... તારી ભાભી છે ભાભી.... જલ્દી હવે ભાભી કહેતાં શીખી જા....” પ્રણવે બકુલને ખુબ જ આત્મવિશ્વાસ થી કહ્યું.

     પ્રણવની દુકાન ગામનાં પાદરમાં જ એટલે કે નગરની મુખ્ય બજારમાં જવાં માટે ત્યાંથી જ નીકળવું પડે. ગામની મુખ્ય બજારમાં જવાનો એ એક માત્ર રસ્તો હતો. અવાર નવાર પુષ્પા ત્યાંથી પોતાની સહેલીઓની સાથે નીકળતી. રોજની જેમ આજે પણ પુષ્પા ત્યાંથી નીકળી. પણ આજે એનાં શણગારમાં કઈક અલગ વાત હતી.

     તેનાં ઘાઘરામાં રહેલાં આભલાં જાણે તેને જ જોઈને લજ્જાથી સંકોચાઈ ગયેલાં. તેનાં દુપટ્ટામાં ટાંકેલા મોતીની એક હાર છૂટી ગઈ હતી, અને એમાંથી ધીમે ધીમે સરકતાં મોતી જાણે ફૂલડાંની જેમ તેને વધાવતા હતાં. પગમાં પહેરેલી એ ભરત ગૂંથણ વાળી મોજડી અને ઠુમ્મક ઠુમ્મક તેની ચાલ જાણે કેટલાંય ને ઘાયલ કરી નાખતી. 

“અરે એ છોકરાં.... મારા બાપુ જમીનદાર છે જમીનદાર... અહીંયાથી નીકળે તો આ ચિઠ્ઠી.... મારો સંદેશો આપી દેજે તું..... અને કહી દેજે ઘરે પોગતાં દી આથમશે...” પુષ્પાએ અચકાય વિના પ્રણવને કહ્યું.

     પ્રણવ પુષ્પાની આંખોમા જોતો જ રહી ગયો. પુષ્પાની કાળી ભમ્મર આંખોમાં જાણે સદીઓથી જીવન ભર્યું પડ્યું છે. પુષ્પાની આંખોમાં જોતાં જ તેની રગોમાં તેજ ગતિએ પ્રવાહ વહેવા લાગે છે. પુષ્પા ત્યાંથી ચાલતી થઈ અને પગમાં ઠેસ વાગતાં જ પ્રણવ તેને બાથ ભીડી લે છે. એ ઠેસ વાગતાની સાથે જ તેની આંખો ખૂલે છે.

     આંખો ખુલતાની સાથે જ તે જોવે છે કે પોતે એક આઈ. સી. યુ નાં એક બેડ ઉપર સૂતી છે. હાથમાં ભરાવેલી કેટલી બધી સોય અને પોતે ઓક્સિજ ઉપર હોવાનાં લીધે સાવ અશક્ત થઈ ચૂકી છે. સિત્તેર વર્ષની પુષ્પાનાં મોંમાં દાંત પણ નથી. ઉંમરના કારણે શરીરે આવી ગયેલી એ કરચલીઓ પ્રણવ અને પુષ્પાનાં પ્રેમની સાક્ષી હતી. પુષ્પા કેન્સરથી પીડાઈ રહી છે. કેન્સરના કારણે તેનાં માથાનાં વાળ જે પ્રણવને ખુબ જ વ્હાલાં હતાં તે ક્યાંક ખોવાઈ ગયા છે. આંખોની નીચે કાળા ઘેરા અને એ જ આંખોમાં પ્રણવની બેશુમાર ચિંતા. 

     રજાઈની કરચલીઓને પ્રેમથી સંકેલતો હોય તેમ પ્રણવ ડોસો પુષ્પાનાં માથા પાસે બેસીને તેને માથે હાથ ફેરવે છે. ક્યારેક તેને પાણીનું પૂછે છે તો ક્યારેક તેને ઓઢાડેલી ચાદર સરખી કરે છે. ક્યારેક તેને હસાવે છે કે ક્યારેક તેને પંપાળે છે. પંચોતેર વર્ષની ઉંમરે પણ પ્રણવ ડોસાને દવાખાનામાં દોડાદોડી કરવા માટે દવાખાનામાં દાખલ પત્નીના પ્રેમની હૂંફ જ કાફી છે, અને ઓક્સિજન ઉપર રહેલ પુષ્પાને આ ઉંમરે પણ ખાલી પ્રણવની હિંમત જ કાફી છે. 

“અરે પ્રણવ... લોકો ભલે ને કહેતાં આપણને વાંજ, લોકો તો બોલ્યા જ કરવાનાં, અને એમ પણ આપણે બંને છીએ તો ખરાં એકબીજા માટે....” પ્રણવને પુષ્પાનાં કહેલાં આ શબ્દો યાદ આવ્યાં. 

“હા પુષ્પા આપણે બાળકો નથી તો શું થયું! બંને સાથે સાથે જ મરીશું. એમ પણ આપણે છીએ જ ને એકબીજાનો સહારો...” પ્રણવને પોતે કહેલી વાત પણ યાદ આવી. 

     પ્રણવ અને પુષ્પાનાં લગ્નજીવનને આશરે પચાસેક વર્ષ જેવું થઈ ગયું હતું. તેમ છતાંય તેઓને કોઈ સંતાન ન્હોતું. જોકે તેઓએ આ ખોટને ક્યારેય અનુભવી નથી. કેમ કે બંને સાથે મળીને સંપીને રહેતા. પ્રણવ પણ ઘરનાં કામોમાં પુષ્પાને મદદ કરાવતો. પ્રણવ લસણ ફોલે, તો પુષ્પા શાક સુધારે, પ્રણવ રોટલી શેકે તો પુષ્પા રોટલી બનાવે. પુષ્પા અને પ્રણવ બંને આજીવન ગાઢ મિત્રની માફક રહ્યાં. 

     પ્રણવને સૌથી વ્હાલાં હોય તો એ છે પુષ્પાનાં લાંબા વાળ. લગ્ન પહેલાં જ પ્રણવે પુષ્પાને ક્યારેય વાળ ન કપાવવા કહી દીધું હતું. બંને સાથે માત્ર રહેતાં જ નહિ પરંતુ ખરાં અર્થમાં જીવન જીવતાં. આઈ. સી. યુ માં રહેલી પુષ્પાને જોઈને પ્રણવ કયારેય રડતો નહી.પરંતુ તે એને હિંમત આપતો. પણ એ આઈ. સી. યુ.ની બહાર નીકળતા જ ભાંગી પડતો.

“અહ..... અહહ્..... બકુલ ભાઈ.... આટલા વર્ષ તારી ભાભીની હૂંફમાં રહ્યો છું. એનાં સિવાય કોઈ નથી મારું... એને કઈક થઈ જશે તો....” પ્રણવ ડોસાએ આઈ. સી. યુ.ની બહાર નીકળીને તેનાં બાળપણના મિત્ર બકુલને કહ્યું. 

“એ પ્રણવ... ભાભીને કંઈ નઈ થાય, અને તું શું આમ સાવ ભાંગી પડ્યો છે. તારે તો ભાભીને હિંમત આપવાની હોય હિંમત...” બકુલે પ્રણવને ખંભે હાથ મૂકીને આશ્વાસન આપ્યું.

“બાળકો નથી તેમ છતાં તારી ભાભીએ ક્યારેય એવો અહેસાસ થવા નથી દીધો, અને હું ભાંગી પડું તો મને સંભાળી લેતી. ક્યારેક ઘરમાં તંગી હોય તો ખભે હાથ મૂકીને મિત્ર બનીને આશ્વાસન આપતી. પણ આજે... આજે મને સંભાળવા એ નથી બકુલ્યાં..... નથી.....” પ્રણવ ડોસાએ રડતાં રડતાં બકુલને કહ્યું. 

   આ ઉંમરે પણ તેઓને સંસાર સુખીથી ચાલતો હતો. કેન્સર હોવાને કારણે પુષ્પાની તબિયત અચાનક બગડી હતી. તેની હાલત એટલી ગંભીર થઈ ચૂકી હતી કે તેને દવાખાને લઈ જતી વેળાએ એ ખબર જ નહોતી કે પુષ્પા પાછી આ ઘરમાં આવશે કે નહી? પુષ્પાને બાથમાં લઈને દવાખાને લઈ જતી વખતે તેનાં ઘરનો એ ઉંબરો ઓળંગતા તો પ્રણવ ડોસાને જાણે સદીઓ લાગી હતી. 

     પ્રણવ ડોસો આઈ. સી. યુ. ની બહાર રહેલા ટેબલ ઉપર બેઠાં બેઠાં તેણે પુષ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણોને યાદ કરે છે. એનાં હાથ પકડીને ફરેલાં એ ચાર ફેરા અને એને નિભાવવાનો એ જુસ્સો. એટલામા જ ડોકટર ત્યાં આવે છે. 

“હવે કંઈ ચિંતા જેવું નથી. તમે હવે તમારા પત્નીને ઘરે લઈ જઈ શકો છો. બસ એકાદ કલાકમાં તેઓને રજા મળી જશે.” ડોકટરે પ્રણવ ડોસાને ખુશખબરી આપી.

     પુષ્પાને ઘરે લઈ જવાનું વિચારીને પ્રણવ ડોસો રાજીના રેડ થઈ ગયો. તે દોડીને પુષ્પા પાસે ગયો, અને તેને બથ ભરીને રડી પડ્યો. તેને જાણે બીજી વખત જીવનદાન મળ્યું હતું. આઈ. સી. યુ. માં પુષ્પા હતી અને શ્વાસ પ્રણવ ડોસાનાં રુંધાય ગયાં હતાં. તે પોતાનાં બંને હાથ વડે પુષ્પાનાં મુખને પકડીને વારંવાર તેને ચૂમવા લાગ્યો. પુષ્પા પાછી ઘરે આવવાની હતી એટલે પ્રણવ ડોસો જલ્દી જલ્દી દવાખાનાનાં બિલ ચૂકવી, બધી કાર્યવાહી પૂરી કરીને નવરો થઈ ગયો. 

“અરે બકુલ્યા... તારી ભાભીને તું અને મારા ભાભી બેય જલ્દી ઘરે લઈને આવો. હું ઘરે જઈને ફટાફટ તેનાં આગમનની તૈયારી કરું છું.” પ્રણવ ડોસાએ તેનાં મિત્ર બકૂલને કહ્યું.

     પ્રણવ ડોસાનાં જીવમાં જીવ આવી ગયો હતો. તેને લાકડીના ટેકાની કે પછી કોઈ દવાની જરૂર નથી રહી હવે. કેમ કે તેની જિંદગી હવે તેને પાછી મળી ગઈ છે. તે ઘરે જઈને પુષ્પા માટે જ્યુસ તૈયાર કરે છે. પુષ્પા અને પ્રણવ કેટલાય દિવસથી દવાખાનામાં હતાં. એનાં કારણે ઘરમાં ધૂળનું એક થર જામી ગયું છે. સાવરણી વડે તે ઘરની ધૂળ સાફ કરે છે. ઘરની ઓસરીની ડાબી બાજુએ પડેલાં એક પલંગમાં તે ગાદલા પાથરે છે. મખમલી ચાદર પાથરીને ત્યાં પુષ્પા માટે પલંગ તૈયાર કરે છે.

     પુષ્પાને મનપસંદ અત્તર તે આખા ઘરમાં ફેલાવી નાખે છે. ઘરનું બધું કામ પતાવીને તે પુષ્પા માટે તૈયાર કરેલ પલંગ ઉપર બેસે છે. ઘરનું બધું કામ તો પતી ગયું પણ.....પણ પુષ્પા હજુ ક્યાંય દેખાતી નથી... પ્રણવ ડોસો પુષ્પાને આવવાની રાહમાં દરવાજા તરફ નજર કરીને બેઠો છે. ઉંમરના લીધે હવે તો આ ડોસાને પણ હાંફ ચઢે છે. એટલામાં જ બકુલ ત્યાં આવી પહોંચ્યો. 

     પ્રણવ ડોસાને બકુલની નહિ પણ પુષ્પાની રાહ હતી. બકૂલની સાથે તેને તેની પુષ્પા ક્યાંય દેખાતી ન્હોતી. તેણે બકુલનાં મોંઢા સામે જોયું તો મોંઢા પર વહેલાં બાર અને આંખોમાંથી વહેતા ચોધાર આંસુ. આ જોઈને પ્રણવ ડોસાનાં પેટમાં એક ફાડ પડી. તે દોડીને ઘરનાં દરવાજા તરફ જાય છે. દરવાજાની બહાર જુએ છે તો તેની પુષ્પા સફેદ કાપડમાં લપેટાઈને જમીન પર પડી હતી. ડોકટરે પુષ્પાને રજા તો આપી દીધી હતી. પરંતુ ત્યારે જ તેને હુમલો આવવાને કારણે તેનું મૃત્યું થઈ ગયું હતું. 

     પુષ્પાનો મૃતદેહ જોઈને પ્રણવ ડોસો સ્તબ્ધ થઈ ગયો. અત્યાર સુધી પુષ્પા સાથે જીવેલી તેની દરેક ક્ષણો તેનાં સ્મૃતિપટ ઉપરથી દોડીને જતી હતી. પ્રણવ ડોસાને બહુ જ મોટો આઘાત લાગ્યો. બંને જીવનસાથી સુખ દુઃખની દરેક ક્ષણોમાં એકબીજાની સાથે રહ્યાં. પણ પુષ્પાની અંતિમ ક્ષણમાં પ્રણવ તેની સાથે રહી શક્યો નહિ. પ્રણવ દોડીને પુષ્પાના મૃતદેહને સ્પર્શવા જાય છે. પરંતુ ત્યાં તેનો પગ નથી ઉપડતો. તેનાં પગ સાવ ભારે થઈ ગયાં છે.

     ઘરનો બસ એ એક ઉંબરો પ્રણવ ડોસો પાર કરી ન શક્યો. તે અસહાય થઈ ગયો. તેનાં જીવનનો સહારો તેનાથી છીનવાઈ ગયો. ઉંબરાની પેલે પાર પુષ્પા હતી. બસ આટલું જ અંતર પ્રણવ અને પુષ્પા વચ્ચે હતું. જીવનભર બંને સાથે રહ્યાં. પરંતુ અંતિમ ક્ષણોમાં પ્રણવ આ એક ઉંબરો પણ પાર કરી શક્યો નહી. તેણે પુષ્પા તરફ આગળ વધવા જેવો પોતાનો પગ આગળ વધાર્યો કે તેવો જ પોતે ત્યાં જમીન ઉપર ઢળી પડ્યો. પ્રણવ ડોસાએ પણ ત્યાં જ પોતાનો દેહ ત્યાગી દીધો. 

     પ્રણવ અને પુષ્પા બંને સંતાન ન હોવા છતાંય ખરાં અર્થમાં દામ્પત્ય જીવન જીવ્યા. 


ધ્રુતિ જોષી___✍🏻