jal parini prem kahani - 37 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલ પરીની પ્રેમ કહાની - 37

Featured Books
Categories
Share

જલ પરીની પ્રેમ કહાની - 37

મહારાજ ની આજ્ઞા થી મંત્રી  શર્કાને આજનો મુદ્દો રાજસભા સમક્ષ રજૂ કરવાં માટે કહ્યું.


        એક શિપાઈ જેવો દેખાતો વ્યક્તિ આગળ આવ્યો અને એણે જોરથી બૂમ પાડીને બોલવાનું શરૂ કર્યું. 

      આજની રાજસભા આ અચાનક આપણાં દેશમાં આવી ચડેલા આ પૃથ્વી નિવાસી માનવ ના કારણે બોલવામાં આવી છે. આપ સૌ નગર વાસી જાણો છો કે માનવ એ શરૂઆત થીજ આપણાં શત્રુ છે. માનવે આપણને આપણાં પોતાના રાજ્ય થી પલાયન કરવા પર વિવશ કરી દીધા હતા, આપણાં એકના એક રાજકુમાર અને અન્ય ઘણાં પ્રજા જનો ના મૃત્યુ નું કારણ પણ આ માનવો જ છે. આજે અહીં અચાનક આવી ચડેલ આ માનવ પણ આપણાં સમુદાય માટે ભયજનક છે માટે આપ સૌ નગર વાસીઓ આ માનવ માટે જે કંઈ નિર્ણય કરશો તે જ ન્યાય હશે.


      પેલો વ્યક્તિ પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ ઉપસ્થિત સૌના મનમાં ભૂતકાળ ની વાતો થી રોસ વ્યાપી ગયો,સૌ હાથ ઊંચો કરીને બોલવા લાગ્યા આ માનવ ને મૃત્યુદંડ આપો. પ્રજાનો રોષ જોઈ મંત્રી શર્કાન ને પ્રસન્નતા થઈ રહી છે તે સ્પષ્ટ પણે તેના ચહેરા ના હાવભાવ થી જણાઈ આવે છે.


       રાજકુમારી મીનાક્ષી ના મનમાં પણ અપાર રોષ છે પણ ફર્ક એટલો છે કે એ રોષ મુકુલ માટે નહિ પણ લંપટ મંત્રી શર્કાન માટે છે. મીનાક્ષી વધુ સમય હવે શાંત રહી શકે તેમ નથી. તેણે ખિન્ન સ્વરે હાથ ઊંચો કરતા જોરથી બૂમ પાડી શાંત થઈ જાઓ.


       ભીડનો અવાજ બંધ થયો. આ કેવો ન્યાય છે અને આ કેવી ન્યાય સભા છે ? અહીં આ માનવ ને આપે ન્યાય કરવા માટે નહિ પરંતુ મૃત્યુદંડ આપવા માટે જ ઉપસ્થિત   કર્યા છે. જો બધું જ પૂર્વ નીયોજીત જ છે તો પછી આ ન્યાય સભાનો આડંબર રચવાની જરૂર જ ક્યાં છે  મહારાજ? મીનાક્ષી નું આટલું રોદ્ર સ્વરૂપ પહેલાં ક્યારેય કોઈએ નોતું જોયું. મીનાક્ષી ના આ વર્તન થી બધાજ સ્તબ્ધ થઈ ગયા.


      રાજકુમારી મીનાક્ષી પોતાના શબ્દો ને સંયમ માં રાખો, મહારાજે ક્રોધિત થઈ ને કહ્યું. અન્યાય સામે વિવેક અને સંયમ ના હોય પિતા મહારાજ વિરોધ હોય. મીનાક્ષી....પિતા મહારાજ આટલા ઉત્તેજિત ના થશો આપના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.


      પિતા મહારાજ મંત્રી શર્કાન ફરીથી એક વાર ભૂતકાળ ને યાદ કરાવી ને પ્રજા જનો ને ઉશ્કેરી રહ્યા છે, અને આતો કેવો ન્યાય કે એક વ્યક્તિ ને ફક્ત એની જાતિ નો દંડ મળે? આ માનવ નો ગુનો શું છે એજ ને કે તે એક માનવ છે? 


       હાં, રાજકુમારી જી...મંત્રી શર્કાને હવે ચર્ચા ની દોર પોતાના હાથમાં લીધી. માનવો આપણાં શત્રુ છે અને શત્રુ ને મૃત્યુદંડ જ અપાય. મંત્રી શર્કાન તમે શત્રુતા થી આગળ જઈને ક્યારેય કશું વિચારી શકો છો? તમને ફક્ત ને ફક્ત આ માનવ ને મૃત્યુ આપવા માંગો છો એ પણ તમારા નીજી અહંકાર ને પોષવા માટે, પણ આ ન્યાય સભા છે અને હું આપણી ન્યાય સભા ને કલંકિત નહિ થવા દઉં.


       નગર જનો હું આપને પૂછું છું કે આ માનવે આપને કોઈ પ્રકારની હાની પહોંચાડી નથી તો બીજા લોકો એ કરેલા કૃત્યો નો દંડ આ માનવ ને શા માટે?  શું આ યોગ્ય ન્યાય છે? 


      રાજકુમારી મીનાક્ષી ની વાતો એ પ્રજાજનો ના મનમાં ઉઠેલા રોષ ને શાંત કરી દિધો છે એ વાત મંત્રી શર્કાન ને સમજાઈ ગઈ અને એણે તરત જ પોતાનો દાવ બદલ્યો, ઠીક છે રાજકુમારી માન્યું કે આ માનવ નો કોઈ ગુનો નથી તો પણ આ માનવે અહીં આપણાં રાજ્ય ને જોયું છે તો શું એને જીવિત જવા દેવો યોગ્ય હશે.


       વર્ષો થી આ પૃથ્વી નિવાસી માનવો મત્સ્ય લોક ની શોધ ખોળ કરી રહ્યા છે અને હવે જ્યારે આ માનવે આપણાં લોક ને જોઈ લીધો છે તો શું એ આપણાં માટે ભયજનક નથી? રાજકુમારી આપના માટે આ પરલોક નિવાસી માનવ ના જીવન ની કિંમત વધારે છે કે તમારા પોતાના રાજ્યના લોકો ના જીવન નું મહત્વ વધારે છે? તમે પહેલાં જ આ માનવ ને અહી લાવી અને છુપાવી ને રાખી ને આપણાં રાજ્યનું ઘણું અહિત કરી દીધું છે.


       મંત્રી શર્કાન.... તમારી મર્યાદા માં રહો, મને પ્રશ્ન કરનાર આપ કોણ છો? મને પ્રશ્ન કરવાનો અધિકાર અહીં ફક્ત પિતા મહારાજ ને જ છે શું એ ભૂલી ગયા છો? રાજકુમારી મીનાક્ષી એ મંત્રી શર્કાન પર પોતાનો આક્રોશ ઠાલવ્યો.


       રાજકુમારી મીનાક્ષી આપ કદાચ આ રાજ્યના રાજકુમારી ના હોત તો આપણાં શત્રુ સમાં આ માનવ ની સહાયતા કરવા માટે અને તેને બધાની નજર થી છુપાવી ને રાખવા માટે આપ પણ અહીં આરોપી થઈ ને ઉભા હોત. મંત્રી શર્કાને બહું કુટિલતા પૂર્વક બધાની નજરમાં મીનાક્ષી ને પણ ગુનેગાર બનાવવાની ચાલ ચાલી.


        મીનાક્ષીએ ક્રોધ ભરી નજરે મંત્રી શર્કાન સામે નજર કરી, એની આંખો માંથી જાણે દાવાનળ વહી રહ્યો છે જે હમણાં ને હમણાં જ આ લંપટ શર્કાન ને બાળી ને રાખ કરી દેશે. 


        મંત્રી શર્કાન તમારી જિહ્વા ને મર્યાદા માં રાખો, કોણ ગુનેગાર છે અને કોણ નિર્દોષ એના થી હું જરા પણ અજાણ નથી. તમારુ વાક ચાતુર્ય પિતા મહારાજ ને ભોળવી શકે મને નહીં. 


       રાજકુમારી મીનાક્ષી મર્યાદા માં રહેવાની જરૂર તમને છે. મીનાક્ષી પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ મહારાજે ક્રોધિત થઈ ને કહ્યું. મહારાજ પોતાના સિંહાસન પરથી ઉભા થઇ ગયા,એમનો ચહેરો ક્રોધથી ધખધખતા સૂર્ય જેવો થઈ ગયો છે. હવે આગળ કોઈ ચર્ચા નહિ થાય બસ હવે આખરી નિર્ણય જ થશે અને મારો નિર્ણય એ છે કે આ માનવ ને મૃત્યુ........


         મહારાજ આગળ બોલે તે પહેલાં જ બહાર થી એક દરવાન જેવો દેખાતો વ્યક્તિ રક્ષા મહારાજ રક્ષા કરો ની બૂમો પાડતો દોડતો સભા ખંડમાં પ્રવેશ્યો. એ એટલી હદે ઘાયલ હતો કે ત્યાજ ઢળી પડ્યો. સભામાં ઉપસ્થિત સૌના જીવ તાળવે ચોંટી ગયા. સૌ ડરી ગયા. કોઈ અણધારી આફત ના એંધાણ સ્પષ્ટ નજરે પડતાં હતાં.


       મંત્રી શાર્કાન એ દરવાન ની નજીક પહોંચ્યો, વાત શું છે, અને તારી આ હાલત? મંત્રી જી આપણાં શત્રુ જાદુગર પિરાને આપણાં રાજ્ય પર હુમલો.....આટલું બોલતા બોલતા તેનું મૃત્યુ થઈ ગયું. આ વાત સાંભળતા જ સભાખંડમાં ચિત્કાર થવા લાગ્યો બધા આમ તેમ ભાગવા લાગ્યા.


                                  ક્રમશઃ........