Shadow The legacy of one generations dream - 7 in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 7

Featured Books
  • అంతం కాదు - 73

    ధర్మాత్మ విస్తరణ: కొత్త సైన్యాలు, గ్రహాల విలయంఇక అక్కడితో కట...

  • అఖిరా – ఒక ఉనికి కథ - 5

    ఆ రాత్రంతా అఖిరా నిద్రపోలేక అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోయ...

  • అంతం కాదు - 72

    ఫైనల్కదాఅయితే ఇప్పుడు విలన్ ధర్మాత్మ నా అని ప్రతి ఒక్కరూ నిత...

  • అంతం కాదు - 71

    దుర్యోధనుడు ఏంటి మామ వీడిని చంపడానికి నువ్వు వెళ్లాలా నేను చ...

  • ​నా విజయం నువ్వే

    ​నా విజయం నువ్వేScene 1 — EXT. HIGHWAY – DAYబస్సు రోడ్డుమీద...

Categories
Share

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 7

પ્રકરણ ૭: સંબંધોનો સંઘર્ષ અને વારસાગત સપના

નાનકડા પ્રોજેક્ટની સફળતા પછી યશ અને નિધિના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થયો હતો. આ સફળતા અને સમયસર કામ પૂરું કરવાની તેમની નીતિ, તેમના જીવનના મોટા ધ્યેયને સિદ્ધ કરવા માટેનું પ્રથમ મજબૂત પગથિયું બની. બજારમાં 'યશ-નિધિ કન્સ્ટ્રક્શન્સ અને ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ' ની શાખ (પ્રતિષ્ઠા) વધવા લાગી.

તેમની નાનકડી કન્સ્ટ્રક્શન ફર્મ કામની ગુણવત્તા જાળવીને નિયત સમય મર્યાદામાં યોગ્ય કામ કરી આપવા બાબતે જાણે રોકેટ ગતિ પૂરી પાડી રહી હોય તેમ, તેમને પ્રોજેક્ટ્સ માટે અવનવા કામો મળતા રહ્યા. તેઓ આ તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરતા રહ્યા અને તેમની પ્રગતિનો ગ્રાફ સતત ઊંચો જતો રહ્યો. યશને લાગવા માંડ્યું કે ભૂતકાળનું જે સ્વપ્ન હતું, તે આજે તેના ભવિષ્યના સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ રહ્યું છે અને વાસ્તવિક આકાર લઈ રહ્યું છે. સફળતાનો સિમેન્ટ ચારેકોર ફેલાઈ રહ્યો હતો, જે ભવિષ્યના ખૂબ મોટા નિર્માણનું સૂચન કરી રહ્યો હતો.

પરંતુ સફળતા હંમેશાં તેની સાથે નવી મુશ્કેલીઓ અને જવાબદારીઓ લાવે છે. જેમ જેમ તેમની કંપની મોટી થતી ગઈ, તેમ તેમ કામનું દબાણ પણ વધતું ગયું. કંપનીમાં હવે માત્ર થોડા નહીં, પણ ડઝનબંધ મજૂરો અને એન્જિનિયરો કામ કરતા હતા, જેમનો પગાર, વીમો અને અન્ય કાયદાકીય જવાબદારીઓ યશના માથે હતી. આર્થિક જોખમો અને કાયદાકીય જટિલતાઓ પણ વધી ગઈ હતી.

સાથે સાથે, સંબંધોના મોરચે પણ એક નવી સમસ્યા માર્ગમાં ઊભી થઈ. ભૂતકાળના જે જૂના સંબંધો એક સમયે મદદ કરવા તત્પર રહેતા અને તેમની કામગીરીના વખાણ કરતા, તેઓ આજે આ સફળતાના માર્ગમાં ઈર્ષ્યાનો પથ્થર બનીને તેમનો માર્ગ રોકવા આવી રહ્યા હતા. યશ અને નિધિની સફળતાથી જે લોકો એક સમયે ખુશ થતા હતા, તેઓ હવે ઈર્ષ્યાની ભાવનાથી જોવા લાગ્યા હતા.

💰 લોહીના સંબંધોનો બોજ

ખાસ કરીને, યશના કાકા-કાકી, જેમણે શરૂઆતમાં કોઈ મદદ કરી નહોતી, તેઓ હવે અવારનવાર ઘરે આવતા અને યશની કંપનીમાં 'પોતાના પુત્રને સાથે રાખવાની' વાત કરતા.

"બેટા યશ, તું હવે આટલો મોટો માણસ બની ગયો. તારી કંપનીમાં તારા નાના ભાઈને પણ થોડું કામ આપ, તારો સગો ભાઈ છે," યશના કાકી હંમેશાં લાગણીનો રોલ ભજવતા કહેતા. "સફળતા એકલા હાથે નથી મળતી, લોહીના સંબંધોને પણ યાદ રાખવા જોઈએ."

આ સાંભળીને યશને મનોમન ખૂબ જ ગુસ્સો આવી જતો. તેને તરત જ સંભળાવી દેવાનું મન થઈ આવતું કે, "અત્યાર સુધી જ્યારે હું એક મજૂરની જેમ ઘર-પરિવાર, મારી ખુશી, મારું જીવન – આ બધું દાવ પર લગાવીને સંઘર્ષ કરતો રહ્યો, ત્યારે ક્યાં હતાં તમે લોકો? શું એ વખતે લોહીના સંબંધો યાદ નહોતા રહ્યા? શું એ સમયે તમારી ફરજ નહોતી એક પરિવાર તરીકે સાથે ઊભા રહેવાની, ફૂલ નહીં તો ફૂલની પાંખડી બનીને સરખે ભાગે જવાબદારી ઉપાડી લેવાની? હવે જ્યારે બધું સરખું થઈ રહ્યું છે, મને અને મારી પત્નીને માતા-પિતાના સપોર્ટને લીધે જીવનમાં આગળ વધવાની કેડી મળી ગઈ, ત્યારે તમે આવી ગયા સીધો લાભ લેવા?"

યશ એ પણ જાણતો હતો કે તેના પિતરાઈ ભાઈમાં કામ કરવાની ખાસ આવડત કે લગન નહોતી, અને તેને સીધો કંપનીમાં મૂકવો એ કંપનીની ગુણવત્તા સાથે સમાધાન કરવા જેવું હતું. આનાથી સીધી પોતાની કંપનીની શાખ પર અને ભવિષ્યની ઉન્નતિ પર અસર થાય તેમ હતી. પરંતુ તે પોતાના માતા-પિતા, હરગોવનદાસ અને લક્ષ્મીબેન, સામે કાકા-કાકીની વાતનો વિરોધ પણ નહોતો કરી શકતો. તે માત્ર પિતા સામે દૃષ્ટિ નાખીને ચૂપ રહી જતો, જાણે પિતાને મનોમન ફરિયાદ કરી લેતો હોય.

"કાકી, તમે ચિંતા ન કરો. હું જરૂર વિચારીશ," એવું જણાવી યશ હંમેશાં હસીને વાત ટાળી દેતો.

તેના પિતા પણ સાચી હકીકતથી વાકેફ હતા. પણ ઘરના એક વડીલ તરીકે, તેઓ ઘર-પરિવાર-કુટુંબને સમય સાચવીને સાચવી લેવામાં માનતા હતા. સાથે જ, પોતાના પુત્રની ફરિયાદને ન્યાય પણ આપવા માગતા હતા. આથી યશની પરિસ્થિતિને પામી જઈને જવાબ પણ તેમણે જ આપી દીધો: "ભાઈ, ચિંતા ન કરો. એ કહે છે તો એને થોડો વિચારવાનો સમય આપો. પોતાના ભાઈ માટે યોગ્ય સમય અને કામગીરી મળશે એટલે સામે ચાલીને તમને જાણ કરશે અને બોલાવી પણ લેશે. એને લાયક કામ પણ શોધવું પડશે ને, ભાઈને એમ જ કંઈ અન્ય કર્મચારીની જેમ થોડી ને લઈ શકાય!"

નિધિ પણ યશની આ મજબૂરી સમજતી હતી. એક સાંજે, જ્યારે યશ કામના ભારથી થાકીને ઘરે આવ્યો, ત્યારે તે નિધિ પાસે બેઠો અને પોતાના મનની વાત કરી.

"નિધિ, મને ક્યારેક એવું લાગે છે કે મારું જીવન એક મોટા પ્રોજેક્ટ સાઇટ જેવું બની ગયું છે," યશે નિસાસો નાખ્યો. "એક તરફ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવાની દોડ છે, અને બીજી તરફ આ સંબંધોનો બોજ. મને એવું લાગે છે કે જેમ જેમ હું સફળ થઈ રહ્યો છું, તેમ તેમ લોકો મારી આસપાસ એક દિવાલ ચણી રહ્યા છે."

ત્યારે નિધિએ યશનો હાથ પકડ્યો.

"યશ, સિમેન્ટ અને રેતીની જેમ, સંબંધોમાં પણ તિરાડો આવે છે. પરંતુ તારી તાકાત તારી કામગીરીની ગુણવત્તા છે. તું તારા લક્ષ્ય પર ધ્યાન આપ. સફળતાનો પાયો એટલો મજબૂત બનાવ કે ઈર્ષ્યાના પથ્થરોથી એ દીવાલ તૂટી ન શકે."

યશ અને નિધિએ એકબીજાના મજબૂત સહકારથી આ પડકારોનો સામનો પૂર્ણ આત્મવિશ્વાસથી અને હસતા મોઢે આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું.

👶 વારસાગત સપનાનું આગમન

વર્ષો વીતતા ગયા અને યશ-નિધિની મહેનત ખરેખર રંગ લાવી. તેઓએ પોતાના માટે એક નાનકડું પણ સુંદર ઘર ખરીદ્યું, જે ખરેખર તો પોતાનું પ્રથમ સ્વપ્ન હતું. કંપની સ્થાપવાની વાત આવી ત્યારે તે મુલતવી રહ્યું હતું, પણ સમય સારો આવે ત્યારે ધારેલું ફળ પણ મળી જ જાય છે.

તેમ છતાં, તેમના જીવનમાં એક એવી ઘટના બની, જેને દુનિયાની સૌથી મોટી ખુશી કહી શકાય – એક વાહલી, પ્યારી અને દિલ-દિમાગને આનંદ આપી જાય તેવી અડચણ તેમના માર્ગમાં આવીને ઊભી રહી.

તેમના જીવનમાં સૌથી મોટી ખુશીનું આગમન થયું – તેમનો પુત્ર, વિસ્મય.

વિસ્મયના જન્મ સાથે જ ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. બાળકની કિલકારીઓ અને હાસ્યથી આખું ઘર ગુંજી ઉઠ્યું. બાળકની સંભાળ માટે, નિધિએ કંપનીના કામકાજમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો. આ એક મોટો ત્યાગ હતો. જે છોકરી પોતાના પગ પર ઊભી હતી, તેણે હવે સંપૂર્ણપણે ઘરની જવાબદારી સ્વીકારી લીધી હતી. સાસુ લક્ષ્મીબેન પણ આ સમયે વહુની પડખે ઊભાં રહ્યાં હતાં.

નિધિના આ નિર્ણયથી કંપનીની તમામ જવાબદારી, સાથે આર્થિક બોજ, સંપૂર્ણપણે યશ પર આવી ગયો. તેની મહેનત હવે બમણી થઈ ગઈ. તે સવારથી સાંજ સુધી પોતાની કંપનીના સ્થળ પર હાજર રહીને કામ કરતો અને સાંજે ઘરે આવીને પોતાના કમ્પ્યુટર પર બેસી જતો. તે વધારાના પ્રોજેક્ટ્સ લેવા લાગ્યો. ઘણીવાર તો તે રાતના બે વાગ્યા સુધી કામ કરતો. તેને ઊંઘ નહોતી આવતી, પણ સપના આવતા હતા. સપના હતા પોતાની કંપનીને ઉચ્ચતમ સ્થાને લઈ જવાના, પોતાના નામનો ડંકો વગાડવાના. યશને લાગતું હતું કે હવે તેને કોઈ રોકી નહીં શકે. તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું અને તે તેને પામવા માટે દરેક પડકારનો સામનો કરવા તૈયાર હતો.

વિસ્મય પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. તે હસતો, રમતો અને પોતાના પિતાના દરેક કામનું અવલોકન કરતો. એક દિવસ યશ પોતાના સ્ટડી રૂમમાં બેસીને કોઈ મોટા પ્રોજેક્ટનો નકશો (ડ્રાફ્ટિંગ) બનાવી રહ્યો હતો. યશના ચહેરા પર ગંભીરતા હતી, તેની આંગળીઓ પેન્સિલ પર જાણે નૃત્ય કરી રહી હતી. તે જ સમયે, પાછળના રૂમમાંથી વિસ્મયનો અવાજ આવ્યો.

નાના વિસ્મયે આ દૃશ્ય જોયું અને તેના મગજમાં એક વિચાર આવ્યો. તે દોડીને તેની માતા પાસે ગયો અને એક કોરી નોટબુક અને પેન્સિલ માંગી.

"મમ્મી, મને પણ પપ્પા જેવું ડ્રોઇંગ કરવું છે," તેણે નિર્દોષતાથી કહ્યું.

નિધિ હસી પડી. તેણે તેને વસ્તુઓ આપી અને વિસ્મય તેના પિતાની બાજુમાં જમીન પર બેસી ગયો. તે યશની જેમ જ નકશો બનાવવાની નકલ કરવા લાગ્યો. તે કાગળ પર આડીઅવળી લીટીઓ દોરતો હતો અને મોટેથી બોલતો હતો, "પપ્પા, હું પણ તમારી જેમ જ એન્જિનિયર બનીશ."

તેના આ શબ્દો સાંભળીને આખો પરિવાર ભાવુક થઈ ગયો. હરગોવનદાસ અને લક્ષ્મીબેન, જેમને હંમેશાં યશે સોનીકામનો વારસો ન અપનાવ્યાનું દુઃખ હતું, તેઓ આજે ખુશ હતા.

હરગોવનદાસે હસતાં હસતાં કહ્યું, "યશ, આ તારો ખરો પડછાયો છે. જોજે, મોટો થઈને બિલકુલ તારા જેવો જ થશે. તારા સપના પણ તે જ પૂરા કરશે."

આ વાત સાંભળીને યશને મનોમન ખૂબ ગર્વ થયો. વિસ્મય ખરેખર તેના પિતાનો પડછાયો બની ગયો. તે યશની દરેક વાત, દરેક ચાલ, દરેક ટેવની નકલ કરતો. યશ જ્યારે ફોન પર વાત કરતો ત્યારે વિસ્મય પણ પોતાના રમકડાના ફોનથી વાત કરતો. યશ જ્યારે કામ પર જતો ત્યારે વિસ્મય પણ તેના બૂટ પહેરવાની કોશિશ કરતો. આ રીતે તેનું બાળપણ પિતાના પડછાયામાં પસાર થઈ રહ્યું હતું.

વિસ્મય હવે લગભગ પાંચ વર્ષનો થયો હતો અને તે એક મોટો માથાનો દુખાવો બની રહ્યો હતો. નહીં, તે કોઈ તોફાન નહોતો કરી રહ્યો. એક દિવસ તે પોતાના રમકડાંની બ્લોક બિલ્ડિંગને એકસાથે જોડીને પોતાનો 'સૌથી મોટો ટાવર' બનાવી રહ્યો હતો, અને જોરથી બૂમો પાડી રહ્યો હતો, "પપ્પા, જુઓ! મારો ટાવર સૌથી ઊંચો છે! હું એન્જિનિયર બની ગયો!"

વિસ્મયની આ નિર્દોષ ખુશી અને પિતાના પગલે ચાલવાની ઝંખનાએ યશના ચહેરા પરનું તમામ ટેન્શન દૂર કરી દીધું. યશ હસી પડ્યો. તે ઊભો થયો અને વિસ્મયને તેડવા માટે દોડ્યો.

"હા, મારો દીકરો સૌથી મોટો એન્જિનિયર છે!" યશે તેને હવામાં ઉછાળીને કહ્યું. "અને હવે તારો પપ્પા તને એક નવો ટાવર બનાવવામાં મદદ કરશે. એક એવો ટાવર જે કોઈ તોડી નહીં શકે."

યશને યાદ આવ્યું કે તેનું લક્ષ્ય માત્ર પૈસા કે પ્રતિષ્ઠા નહોતું. તેનું લક્ષ્ય તો વિસ્મયના ભવિષ્યનો એક મજબૂત પાયો નાખવાનો હતો, એક એવું સામ્રાજ્ય બનાવવાનું હતું જેનો વારસો વિસ્મય ગર્વથી સંભાળી શકે. ભલે ગમે તેટલા પડકારો આવે, તે હાર માનવાનો નહોતો.  (ક્રમશઃ)