Film Review - Lalo in Gujarati Film Reviews by SUNIL ANJARIA books and stories PDF | ફિલ્મ રીવ્યુ - લાલો

Featured Books
Categories
Share

ફિલ્મ રીવ્યુ - લાલો

ગઈકાલે બીજાઓથી મોડું પણ ઓચિંતું લાલો ફિલ્મ જોઈ. 

સાચે જ સરસ સ્ટોરી.  પરેશ રાવળ ની OMG જોઈ હોય તો એમાં એક રીતે, અહીં બીજી રીતે, કૃષ્ણ સહાય કરે છે. યુદ્ધ તો આપણે જ લડવાનું. એ રસ્તો ચોક્કસ બતાવશે. જ્યાં આપણે અટકીએ ત્યાં. 

દૂબળો પાતળો,  ઝંટીયા વધી ગયેલો રિક્ષાવાળો આબેહૂબ ઉપસાવ્યો છે.

શરૂઆતમાં એને સહુ સાથે મિત્રતા કરતો, પોતાના પેસેન્જરને હોંશથી ફેરવતો, પોતાને ખર્ચે જમાડી સોરઠી મહેમાનગતિ કરતો બતાવ્યો છે. એમાં જૂનાગઢ નાં સ્થળોના દર્શન સારી રીતે બતાવ્યાં છે.

આમ એ મિત્રવત્સલ, કુટુંબવત્સલ  છે , સીધી લાઇનનો છે પણ એને દીકરીના ઓપરેશન વખતે પૈસાની જરૂર પડતાં મજબૂરીથી ખોટી સોબત, વ્યાજે પૈસા, દારૂ અને કોઈને શંકાસ્પદ રીતે પૈસા ભરેલી બેગ લઈ અવાવરુ બંગલામાં ઘૂસતો જોઈ પીછો કરે છે અને પેલો તો જતો રહે, પોતે એ બંગલામાં ફસાઈ જાય છે. બહાર નીકળવાની જાળીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે એનો જોરદાર શોક પણ લાગે છે. એ બધા પ્રયત્નો કરે પણ કશું વળતું નથી.  ઘરના નળમાં પાણી પણ નથી આવતું. એ વરસાદનું ટપકતું પાણી પી તરસ છિપાવે છે. બહાર જે દેખાય એને પોતાને કાઢવા બૂમો પાડે છે, વાંસ સળગાવી ધ્યાન ખેંચે છે પણ રડ્યો ખડ્યો  કોઈ આવે એનું ધ્યાન  તેની તરફ જતું નથી.

આમ પૂરા 24 દિવસ  ખાધા પીધા વગર પસાર કરે છે પણ ચમત્કાર, એ જીવી જાય છે!

કદાચ એ જ સ્થિતિમાં હેલ્યુસિનેશન થતાં પોતાની  સામે કૃષ્ણને જુએ છે.

એ બંગલામાં કૃષ્ણ અને અન્ય દેવોની ધાતુની  કિંમતી મૂર્તિઓ ચોરાઈને  ત્યાં સંઘરેલી છે. પોલીસ એની તલાશમાં છે જ. ખૂબ પૈસા ભરેલી બેગ પણ લાલો એના પેસેન્જરને ત્યાં લઈ જતો જુએ છે એટલે પોતે જરૂર હોઈ લલચાઈ જાય છે અને ભરાઈ પડે છે.

આ બાજુ એ દિવસો સુધી ન આવતાં એની પત્ની પોલીસ ફરિયાદ કરે છે પણ આ માણસ દારૂડિયો છે, ક્યાંક  દારૂ પીને પડ્યો મરી ગયો હશે  કહી  પોલીસ ધ્યાન આપતા નથી. 

એ ખૂબ અકળાય છે, વેદના અનુભવે છે, છૂટવાના ધમપછાડા કરી થાકી ને બેહોશ જેવો થઈ પડી જાય છે. ત્યાં આખરે એણે કદાચ ભ્રમણા  થાય છે કે ખુદ કૃષ્ણ જ  બંગલાની બહાર આવી એને છૂટવાનો રસ્તો બતાવે છે,  કહે છે કે હું રસ્થાતો બતાવીશ,  લડવાનું તારે જ છે. 

એ પ્રયત્નો કરે છે અને આખરે થાકીને સતત  એક ભીંત સાવ નાના સળિયાથી ખોદી આખરે એ બહાર નીકળે છે, ત્યાં બેભાન થઈ જાય  છે અને  એને ગોતતી  પોલીસ આવી પહોંચે ત્યાં પેલો મૂર્તિચોર બંગલામાં જતો  પોલીસ જુએ છે અને એ પકડાઈ જાય છે. આને  લાલચમાં મળેલી પૈસાની બેગ ત્યાં જ પડી રહે છે.

આમ એનો  પુરાઈ રહેવાનો સંઘર્ષ પ્રતિકાત્મક છે.

ઘણાં ખરાં દ્રશ્યોમાં લીલોછમ ગિરનાર પાછળની બાજુએથી ખૂબ સરસ બતાવ્યો છે એ જ માણવા  જેવાં દ્રશ્યો છે.

મને તો  ચલચિત્ર ગમ્યું. ઘરના લોકોને સ્ટોરીમાં સવાલ ઉઠ્યા. વર  15 દિવસથી લાપત્તા હોય તો વહુ શણગારીને ગરબામાં ફરે? ઘરમાં ખાલી બસો રૂપિયા હોય ત્યારે પત્ની કેમ કામ કરવા ન ગઈ ને પછી  ગઈ? પોલીસને લાલા ના ફિંગર પ્રિન્ટ મૂર્તિઓ કે બેગ પર કેમ ન મળ્યાં? ઘરનાઓએ સવાલ ઉઠાવ્યા પણ ફિલ્મ છે. કેટલુંક ચાલે. 

ભજનો થોડાં વધુ છે અને ફિલ્મ જુનાગઢ દર્શન ઉપરાંત કૃષ્ણ સંબંધી યાત્રાસ્થળો ના દર્શન વધુ કરાવે છે એમ પણ લોકો કહેતા હતા. 

મેં તો તર્કશક્તિ બહાર મૂકી ફિલ્મ માણી. એકાંત બંગલામાં જીવન મરણ સામે ચોવીસ દિવસ ઝઝૂમતા રિક્ષાવાળા યુવાન ની અને એની ઈશ્વર પર શ્રદ્ધાની વાત છે. 

લાલો સદા સહાયતે. "હાક પાડ, હાજર છું " મારી જ એક કવિતાની પંક્તિ. એ જ સંદેશ અહીં. 

ગુજરાતી ફિલ્મ તરીકે એક મારી દ્રષ્ટિએ ખૂબ સારી ફિલ્મ.