* [| *વિચારોનું વૃંદાવન* |] *
!!! સફર !!!
વરસાદી માહોલમાં મોસમ બેમિસાલ ખીલ્લી છે. કયાંક ઝાપટાં તો કયાંક ઝરણાં વહી રહ્યા છે. પ્રકૃતિએ જાણે સોળ શણગાર સજી તેનો પાલવ હરિયાળો કરી પાથરી નાખ્યો છે. તેમાં પડતા એક-એક બુંદ હીરાની જેમ ચમકી રહ્યા છે. એમાંય એ પાલવ અને બુંદની અનુભૂતિ કરવી હોઈ તો સહ્યાદ્રીની પર્વતમાળાને તમે નજરઅંદાજ કેમ કરી શકો !!! જેને પહાડોથી પ્રેમ છે એ વરસાદી વાતાવરણમાં ભીંજાયા વગર રહી શકે એ માન્યામાં જ કેમ આવે??? એમાંનો એક પ્રેમી એટલે હું. હું એટલે ક્રીશાલ કલાપી. અઠાવનની ઉંમરે પહોંચેલો. કરહરી કિલ્લાની ઊંચાઈના મઘ્ય ભાગમાં આવેલા પગથિયાંની બાજુમાં બેસીને મારી પત્ની સાથે વાતો કરતો હતો. અમારી સામેથી પસાર થતા ઘણાં લોકો એમને જોઇને બસ એક જ વાત મનમાં બોલી જતાં કે "મરવાની ઉંમરે પહોંચેલા માણસો મંદિરની જગ્યાએ પહાડને પામવા આવ્યા છે." હવે એમને કોણ કહે કે પહાડના આ પગથિયાંથી પાંગરેલો પ્રેમ આજે ૩૫ વર્ષે પહોંચ્યો છે. દર વર્ષે આ જ જગ્યા અને એજ તારીખ અમારી નક્કી જ હોય. જિંદગીમાં મળેલા પ્રેમની એક એક ક્ષણ એના સથવારે વાગોળવાની અવસર આજ છે. દુનિયા ભલેને ગમે તે વિચારે પણ પ્રેમ ઉંમરનું ક્યાં કોઈ દિવસ વિચારે છે!!!!
યુવાનીના ઉંમરે પહોંચતા સુધી તો પ્રેમની લાગણીઓ કેવી કેવી હોઈ એનો આબેહૂબ અનુભવ થઈ ગયેલો. વેદનાના ઘેરાયેલા વાદળો વચ્ચે હવે જીંદગીથી વિસરાઈને વાદળોથી પણ ઉપર જવાના વિચાર આવતા. જિંદગીની સફરના દરેક રસ્તાના વળાંકમાંથી પસાર થયેલો. બસ હવે છેવટે એક જ પ્રેમની લાગણી બાકી હતી અને એ હતી પહાડોને પામી લેવાની, મન ભરીને માણી લેવાની અને જીવનની છેલ્લી ઉડાન પહાડથી ભરી પરમાત્માને પામી જવાની. બુંદની માફક જીવનમાંથી ખરી પડવા વાદળ જેટલી ઊંચાઈ તો જોવેને.!!! જિંદગીમાંથી ક્યારે એક બુંદની જેમ ખરી પડીએ એનો ખ્યાલ ક્યાં હોય છે.પરંતુ એ ખ્યાલને આજે હકીકતમાં બદલવા કરહરી કિલ્લાના પગથિયાની કતાર મારી રાહ જોઈ રહી હતી.
કરહરી કિલ્લાની ઊંચાઈના બરાબર મધ્ય ભાગમાં પહોંચ્યો હતો. વરસાદની વરસતી એ ધારાઓ અને કપરાં ચઢાણ હૃદયને બેઘડી થંભાવી દે એવો માહોલ જમાવી જતાં હતાં. થાકની અસર આસમાને આંબવા જતી એટલે થયું કે એક વિરામ લઇ પછી આગળનું અંતર કાપવું યોગ્ય રહેશે. પવન પણ શરીરને પામી સર સર કરતો નીકળી જતો અને હું બેઘડી વિરામ કરવા બેઠો. પ્રકૃતિ એ ફેલાવેલા વિશાળ પાલવની ભાત નયનથી બહુ જ નિરાળી લાગતી હતી. સંસારની બધી જ ઝંઝટથી દૂર પહાડોમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી. કુદરતનું કામણ મનને મોહી લેતું હતું. બેઘડી બેસતા જ મન નયનરમ્ય નજારા વચ્ચે નીરવ શાંતિનો અહેસાસ કરી જતું હતું. હજી વિચારોનું વંટોળ પવનની જેમ પામીને નીકળે ત્યાં તો ધડ ધડ અવાજ સાથે એક યુવતી પગથિયાંને પામતી પામતી મારી તરફ આવી રહી હતી. કિલ્લાના પાથરેલા એ પગથિયાં એ સાથ છોડી દીધો અને ઊંડી ખાઈમાં પડતા પહેલાં જ મેં તેનો હાથ પકડી લીધો. તેનું આખું શરીર ફંગોળાઈને નીચે ખાઈ તરફ લટકતું રહ્યું. જાણે ક્રિશ પિકચરમાં ક્રિષ્ના પ્રિયાને પેરાશૂટમાંથી બચાવે એ સીનનું રિહર્સલ હોય. હાથ છૂટે તો સમજો શરીરથી આત્મા છૂટે. મહા મહેનતે તેને બચાવી લીધી પરંતુ તેના હૃદયથી નીકળેલું લાગણીનું તીર તો છૂટી જ ગયું. પહાડ જેવું કઠણ કાળજું આખરે પીગળી ગયું અને જીવનની નવી શરૂઆત થઈ. પરંતુ કોના જીવનની નવી શરૂઆત થઈ એનો જવાબ કદાચ કુદરતે મને આપી જ દીધો...!!!
પામી લે હવે તું એક પળ
જીવનનો જ છે એક વળ
રાખમાં જ ભળવાનો છે
પછી તું ક્યાં મળવાનો છે.
-- મરુભુમીના_માનવી~મૃગજળ