lakshmi na pagala in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | લક્ષ્મીના પગલા

Featured Books
Categories
Share

લક્ષ્મીના પગલા

લક્ષ્મીના પગલા

 

સાંજના પોણા આઠ વાગ્યાનો સમય હતો. શહેરની એક નાની પરંતુ ચમકતી જૂતાની દુકાનમાં પ્રવેશ કર્યો એક યુવાને. ગામડાનો રહેવાસી હતો, પરંતુ તેની ચાલમાં એક અજબની તેજસ્વીતા અને આત્મવિશ્વાસ ઝલકતો હતો. તેનું બોલવું ગામઠી ઢબનું  હતું, પણ શબ્દો એટલા ઠરેલા અને વજનદાર કે જાણે કોઈ જૂના વડીલ બોલતા હોય. ઉંમર લગભગ બાવીસ-તેવીસ વર્ષની હશે.

દુકાનદારની નજર સીધી તેના પગ પર પડી. પગમાં ચમકતા ચમડાના જૂતા હતા, એટલા બધા પોલિશ કરેલા કે તેમાં પોતાનો ચહેરો પણ દેખાય.

“કહો ભાઈ, શું સેવા કરું?” દુકાનદારે મીઠી મુસ્કાન સાથે પૂછ્યું.

યુવાને શાંતિથી કહ્યું, “મારી મા માટે ચપ્પલ જોઈએ છે, પણ એવી કે પગને કોમળતા રહે, ટકાઉ હોય!”

“મા અહીં આવ્યા છે કે? અથવા તેમના પગનો નંબર કહો તો અલગ અલગ ચપ્પલ બતાવું.”

યુવાને પોતાનું જૂનું વૉલેટ કાઢ્યું. તેમાંથી ચાર વાર ઘડી કરેલો એક કાગળ બહાર કાઢ્યો. તે કાગળ પર પેનથી બંને પગની બાહ્ય રેખા બરાબર દોરેલી હતી.

દુકાનદાર હસી પડ્યો, “અરે બેટા, મને તો નંબર જોઈએ છે, આ પગનો નકશો કેમ બતાવે છે?”

યુવાને ખુબ ગંભીરતા થી કહ્યું. “સાહેબ, કેવો નંબર કહું? મારી મા એ  જિંદગીમાં કદી પગમાં ચપ્પલ પહેરી જ નથી. તેં ખેતરોમાં, કાંટાળી ઝાડીઓમાં, પશુઓની સાથે કાળી મહેનત મજુરી કરીને મને ભણાવ્યો છે. આજે મારી પહેલી નોકરી લાગી, પહેલો પગાર હાથમાં આવ્યો છે. આ દિવાળીએ ઘરે જાઉં છું, તો વિચાર્યું કે માને માટે શું લાવું? તો મનમાં આવ્યું કે પહેલી કમાણીમાંથી માના પગમાં ચપ્પલ પહેરાવું!”

 

આ સાંભળી દુકાનદારની આંખો ભીની થઈ ગઈ. તેણે એક જોડી ખૂબ જ મજબૂત, ટકાઉ ચપ્પલ કાઢી. તેણે કહ્યું “કિંમત આઠસો રૂપિયા. આ ચાલશે?”

યુવાને તરત જ હા પાડી.

દુકાનદારે ઔપચારીક્તાથી પૂછી લીધું, “બેટા, તારો પગાર કેટલો છે? “

“હમણાં તો બાર હજાર. અહીં રહેવું-ખાવું મળીને સાત-આઠ હજાર તો ખર્ચ થઈ જશે. બાકીના ત્રણ હજાર મા માટે મોકલીશ.”

“અરે, તો આ ચપ્પલ ના આઠસો રૂપિયા... ઘણા તો નહીં થાય?”

યુવાને વચ્ચે જ કાપી નાખ્યું, “ના સાહેબ, કંઈ નહીં થાય. મા માટે તો આ પણ ઓછું છે.”

દુકાનદારે ચપ્પલનું બૉક્સ પૅક કરી દીધું. યુવાને પૈસા આપ્યા અને ખુશખુશાલ બહાર નીકળવા લાગ્યો.

પરંતુ દુકાનદારે પાચળથી બુમ પાડી, “થોભો બેટા!”

તેણે બીજું એક બૉક્સ યુવાનના હાથમાં મૂક્યું. “આ ચપ્પલ માને તારાં આ ભાઈ તરફથી ભેટ  છે. માને કહેજો કે પહેલી જોડી ખરાબ થાય તો આ બીજી પહેરજો. ખુલ્લા પગે ક્યારેય ન ફરજો. અને આ ચપ્પલ લેવાની મને ના ન પાડતા.”

યુવાનની આંખો છલકાઈ ઊઠી. બંનેની આંખોમાં આંસુ હતા.

દુકાનદારે પૂછ્યું, “માનું નામ શું છે?”

“લક્ષ્મી.”

“તો તેમને મારા પ્રણામ કહેજો. અને મને એક વસ્તુ આપીશ?”

 

“કહો.”

 

“આ કાગળ... જેમાં તેં પગની નકશી દોરી છે, એ મને આપીશ?”

 

યુવાને કાગળ આપી દીધો અને ખુશીથી ચાલતો થયો.

 

તે યુવાનના ગયા પછી જોયું. પગની દોરેલી રેખાઓ કંકુ ના રંગની લાલ થઇ ગઈ હતી. દુકાનદારે તે કાગળને લઈને દુકાનના પૂજાઘરમાં મૂકી દીધો. તેના બાળકોએ જોઈ લીધું અને પૂછ્યું, “પપ્પા, આ શું છે?”

દુકાનદારે લાંબી શ્વાસ લઈને કહ્યું, “આ લક્ષ્મીજીના પગલાં છે, બેટા! એક સાચા ભક્તે બનાવ્યા છે. આનાથી ધંધામાં વૃદ્ધિ આવે છે.”

બધાએ મનોમન તે પગલાંને અને તેના પૂજનારા પુત્રને પ્રણામ કર્યા.

માતૃ દેવો ભવઃ

માતાને ભગવાન સમાન માનીને તેમની પૂજા કરો, તેમની સેવા કરો.

ખરેખર, મા એ સાક્ષાત્ લક્ષ્મી છે, જે ઘરમાં વસે છે ત્યાં બરકત વરસે છે.

કાંટાળી ઝાડીમાં ચાલી મા, 

ઉગાડા પગે સપનાં ઉગાડ્યાં. 

પોતે ભૂખી રહીને રોટલો આપ્યો, 

પુત્રને આકાશ આંગણે ચડાવ્યો. 

આવી માતૃભક્તિની વાર્તાઓ જ ધરતીને પવિત્ર બનાવે છે. જય માતૃશક્તિ!