Mara Anubhavo - 60 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 60

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 60

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 60

શિર્ષક:- ભ્રષ્ટ હો ગયા

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 60.."ભ્રષ્ટ હો ગયા"



અમે ચાર સાધુઓ -જેમાં એક અત્યંત સંપન્ન મહન્ત હતા – અમરનાથની યાત્રા કરવા નીકળ્યા. ફરતા ફરતા જમ્મુ પહોંચ્યા. સમાચાર મળ્યા કે પુષ્કળ વરસાદ પડવાથી એંશી પુલો તૂટી ગયા છે એટલે કાશ્મીર જવાનું શક્ય નથી. હજી વરસાદ ચાલુ હતો અને વરસાદ બંધ રહે તોપણ તૂટેલા પુલોને ચાલુ કરતાં ઘણો સમય લાગે તેમ હોવાથી કાશ્મીરયાત્રાનું ચિત્ર અસ્પષ્ટ થઈ ગયું હતું. અમે એક મંદિરમાં ઊતર્યા હતા. અમારી જ માફક ઘણા યાત્રાળુઓ જમ્મુમાં ઊતર્યા હતા. કેટલાક નિરાશ થઈને પાછા ફરી રહ્યા હતા. અમારી વચ્ચે પણ મતભેદ થઈ ગયો હતો. મારું કથન હતું કે હવે આવ્યા છીએ તો કોઈ પણ ભોગે યાત્રા પૂરી કરવી. મહન્તજીનું કથન હતું કે, ના, પાછા ફરવું. સાહસ કરવા જેવું નથી. તે વખતે જમ્મુથી શ્રીનગરના વિમાન પ્રવાસનો ખર્ચ પિસ્તાળીસ રૂપિયા આવતો. મારો આગ્રહ હતો કે આપણે ચારે વિમાનમાં શ્રીનગર જઈએ. પણ ધનાઢ્ય મહંતજી તે માટે તૈયાર ન હતા.


મેં જણાવી દીધું કે તમે કોઈ નહિ આવો તો હું એકલો જઈશ. બસો નહિ ચાલે તો પગપાળો જઈશ, રેલમાં તણાઈ જવું પડશે તો તણાઈ જઈશ, પણ પાછો નહિ ફરું, મારી મક્કમતા બાકીના ત્રણેને ગમતી ન હતી. તેમને ચિંતા હતી કે જો હું યાત્રા પૂરી કરી શકું અને તેઓ અધૂરી યાત્રાએ પાછા ફરે તો થોડી બદનામી થાય. એટલે તેઓ મને સાથે જ પાછા ફરવા સમજાવતા હતા. પણ હું મક્કમ હતો. મારી પાસે મારા અંગત પિસ્તાળીસ રૂપિયા હતા. આટલા પૈસાથી વિમાનમાર્ગે શ્રીનગર તો પહોંચાય પણ બીજા પૈસા પણ જોઈએ ને ! મારી કમજોરી તે સમજી ગયા. સૌએ નક્કી કર્યું કે આને બીજા પૈસા આપવા નહીં. પૈસા વિના કેવી રીતે યાત્રા કરશે ? અમરનાથ જવા માટે ગરમ કપડાં, ભાડું, ભાતું વગેરે ઘણું ઘણું જોઈએ. અમારી રકઝકમાં આઠ દિવસ નીકળી ગયા. મારે તો કોઈ પણ ભોગે અમરનાથ જતું જ હતું. પણ પૈસા વિના કેમ જવાય?



જમ્મુનિવાસના સાતમા દિવસે મારું નામ બોલતો બોલતો તારવાળો  આવ્યો. “આપકા તાર હૈ.' હું વિચારમાં પડી ગયો. મારો તાર અત્યારે ક્યાંથી,કોણે કર્યો હશે? મેં તાર માગ્યો એટલે પોસ્ટમૅને મને સો રૂપિયા આપ્યા. અને કહ્યું, “યહાં સહી કીજિયે.' મારું આશ્ચર્ય ઓર વધી ગયું. તેણે ચોખવટ કરી. ફ્લાણાભાઈએ તમને તારથી સો રૂપિયા મોકલ્યા છે. મને યાદ આવ્યું જમ્મુ આવીને મેં બે-ચાર સ્નેહીઓને પત્રો લખેલા કે હું જમ્મુમાં આવી ગયો છું, અમરનાથ જવું છે પણ પુલો તૂટી જવાથી માર્ગ બંધ છે વગેરે. તેમાંથી એક ભાઈએ – નક્કી પરમેશ્વરની પ્રેરણાથી જ – મને એક સો રૂપિયા તારથી મોકલ્યા હતા. આ રૂપિયા મળતાં જ મારી હિંમત વધી ગઈ. જાણે કોઈ ભામાશા મળ્યો હોય તેવું મને લાગ્યું. બસ, હવે તો સારી રીતે યાત્રા કરી શકીશ તેવું નક્કી થયું. મારી પાસે એકસો રૂપિયા આવ્યા છે તે જાણીને મારા સાથીઓને ચિંતા થઈ. 'હવે આ હઠીલો જરૂર યાત્રા કરશે." હું હિમ્મતમાં આવી ગયો હતો અને પેલા ત્રણે વધુ નિરાશ થયા હતા. આઠ દિવસથી અમે જમ્મુમાં પડ્યા હતા. બીજા કેટલાય યાત્રાળુઓ માર્ગ શરૂ થવાની આશાએ ત્યાં રહ્યા હતા. અંતે અમે નક્કી કર્યું કે મારે વિમાનમાર્ગે શ્રીનગર જવું બાકીનાએ પાછા ફરવું. પેલા ત્રણ સાધુઓને યાત્રાની નિષ્ફળતાનું એટલું દુઃખ ન હતું જેટલું દુઃખ મારી યાત્રા ચાલુ રહેવાનું અને સફળ થવાની સંભાવનાનું હતું. પણ હું કોઈ પણ ભોગે પાછો ફરવા તૈયાર ન હતો.



એટલામાં રાતના દશ વાગ્યે જાહેરાત થઈ કે આવતી કાલે સવારે ટ્રાયલ કરવા એક બસ શ્રીનગર જવાની છે. પોતાના જોખમે જેને જવું હોય તે જઈ શકે છે. જેમ તેમ સમજાવીને બાકીના ત્રણે જણાને બસમાં આવવા તૈયાર કર્યા.



બીજા દિવસે અમારી બસ રવાના થઈ. પુલો તૂટી ગયા હતા ત્યાં વૃક્ષોનાં થડીયાં ગોઠવીને જેવાતેવા ડગુમગુ થતા પુલો તૈયાર કરાયા હતા. અમારી બસના ડ્રાઇવર એક કુશળ અને હિંમતવાળા સરદારજી હતા. આવો પુલ આવે કે તરત જ આખી બસ ખાલી થઈ જાય, કારણ કે આવા નવા અને અવિશ્વસનીય પુલો ઉપર ચાલવું એ સ્પષ્ટ જોખમ હતું. કેટલાંક સ્થળે પહેલાંની  પડી ચૂકેલી બસો તથા ટ્રકો જોઈને વધુ ભયંકર લાગતો હતો. સરદારજીને મેં કહેલું કે હું બસમાંથી નહી ઊતરું. મરશું તો આપણે બન્ને સાથે મરશું. તમે એકલા જ ઊંડી ખીણમાં પડો તે ઠીક નહિ. મારી મૂર્ખામી ઉપર સૌ હસતા. મારા સાથીદારોને તો નક્કી જ થઈ ગયું હતું કે આનું ભેજું ચસકી  ગયું છે. ઈશ્વરની કૃપા જ હતી કે અમને કશું જ ન થયું. આઠ કલાકમાં શ્રીનગર પહોંચતી બસ ઠેઠ બીજા દિવસે શ્રીનગર પહોંચી.



અમારા મહંતજી  બહુ કર્મકાંડી હતા. લગભગ ત્રણ મણ વજનવાળી લોખંડની પેટીમાં તેમના કેટલાક ઠાકોરજીઓ તથા પૂજાની અન્ય વસ્તુઓ ભરી હતી. યાત્રામાં આટલા બધા ઠાકોરજીઓ ન લેતાં માત્ર એકાદ લેવાની મારી સલાહ તેમને જરા પણ ગમી ન હતી. બસના છાપરા ઉપરથી બધા સામાનની સાથે પેલી પેટી પણ મજૂરે ઉતારી તથા ઘોડાગાડીમાં ગોઠવી આપી. ત્યારે તેનો દેખાવ જોઈને મહત્તજીએ મને પૂછ્યું, “યહ કિસ જાતિકા હૈ ? મેં તેઓને કહ્યું કે અહીં પંચાણું ટકા વસ્તી મુસ્લિમ છે. એટલે જાતિ પૂછ્યાનો કશો અર્થ નથી. અહીં બધું જ કામ મુસ્લિમો દ્વારા થાય છે. મારી વાત સાંભળીને તે આકુળવ્યાકુળ થઈ ગયા. હમારે સબ ઠાકોરજીકો ભ્રષ્ટ કર દિયા,કોઈ હિન્દુ કુલી નહિ મિલા ? અબ ક્યા હોગા તેમની વ્યગ્રતા અને વ્યાકુળતા ઘોડાગાડીની ગતિ કરતાં પણ વધુ ગતિથી વધી રહી હતી. મેં તેઓને સમજાવ્યા કે અહીં હિન્દુ કુલી મળવો શક્ય ન હતો, એટલે મુસ્લિમ કુલી પાસે પેટી ઊતરાવી, અને કહ્યું, ચિંતા ન કરો, ઠાકોરજી કદી ભ્રષ્ટ થાય જ નહિ, જે ભ્રષ્ટ થાય તે ભગવાન જ ન હોય. ભગવાન તો ભ્રષ્ટને પણ શુદ્ધ કરે. મારી ફિલસૂફી તેમના ગળે ઊતરતી ન હતી. હિન્દુ ધર્મને વિશ્વનો સૌથી આભડછેટિયો ધર્મ કહી શકાય. જેમ જેમ તમે વધુ ને વધુ ધર્મનું પાલન કરો તેમ તેમ તમને વધુ ને વધુ ભ્રષ્ટ થઈ જવાનાં કારણો મળતાં રહે જેટલા જલદી તમે ભ્રષ્ટ થઈ જાઓ તેટલા જ લોકોમાં તમને વધુ શુદ્ધ ગણવામાં આવે.



અંતે અમે સૌ એક પરિચિત મઠમાં પહોંચ્યા. મહંતજીના  ભ્રષ્ટ થઈ ગયેલા ઠાકોરજીવાળી પૂજાપેટી અમે સૌએ જાતે ઉતારી (બીજા કોઈ કુલી વગેરેને અડવા ન દીધા.) જે મઠમાં અમે ઊતર્ચ હતા. ત્યાં જોયું તો પાણી ભરનાર, કચરાવાસણનું કામ કરનાર તથા બીજા નાનામોટાં કામ કરનારા બધાં  નોકરો મુસ્લિમ હતા. તેઓ બધે જ હરતાફરતા હતા. કશું કંઇ અભડાતું ન હતું. મહંતજીને  જ્યારે ખબર પડી કે અહીં બધું કામ મુસ્લિમોના જ હાથે કામ થઈ રહ્યું છે ત્યારે તેઓ બહુ દુઃખી થયા. “અરે ઇસ મ્લેચ્છ દેશમેં કહાંસે આ ગયા ?” મને ચિંતા હતી કે તેઓ ક્યાંક ખાવાનું જ બંધ ના કરી બેસે ! આભડછેટની મનોવૃત્તિ માણસના મનમાં એટલી ઊંડી બેસાડાઈ છે કે માણસ જીવનભર ડગલે ને પગલે તેમાં અટવાયા કરે છે. સાચો ધર્મ બાજુએ રહ્યો પણ આ આભડછેટિયા ધર્મની શિલાઓ ગળે બાંધીને ધાર્મિકતાનો ડોળદંભ કર્યા કરે.



અમે ઊતર્યા હતા તે મઠના અધ્યક્ષશ્રી ભલા તથા સમજુ હતા. તેમણે મહત્તજીને શાંતિથી સમજાવ્યા. અહીં કાશ્મીરમાં કોઈ અભડાતું નથી. અહીં રહો ત્યાં સુધી તમે પણ અભડાવાના નથી. પાછા જમ્મુ જાઓ તે પછી પાછા હતી તેવી જ પદ્ધતિ ચાલુ રાખશો. કચવાતા મને તેમણે અધ્યક્ષની સલાહ માની.



પેલી ત્રણ મણની પૂજાની પેટી અમને મઠ સુધી નડતી રહીં. પહેલગામથી જે ઘોડાં કર્યાં – માલસામાન લઈ જવા – તેમાં આ પૈકીને મેળ જ ના બેસે. એક તરફ ત્રણ મણની પેટી મુકાય તો પોઠની માફક બીજી તરફ પણ ત્રણ મણ વજન મૂકવું પડે. તો જ સંતુલન રહે. પણ છ મણ વજન તો ઘોડું ઉપાડી ન શકે. હવે શું કરવું ? સૌ યાત્રાળુઓ ચાલી નીકળ્યા પણ આ પેટીના કારણે અમે ત્રણ કલાક મોડા પડ્યા. ફરી શ્રીનગરમાં મેં સલાહ આપેલી કે આ પેટીને હલકી કરી નાખો. વધારાના ઠાકોરજીઓ અહીં મૂકે દો, પણ મહંતજીને તો એકે ઠાકોરજી વધારના ન હતા. તેમણે આખી પેટી અકબંધ લીધેલી. માલસામાનની જેમતેમ અમે વ્યવસ્થા કરીને નીકળ્યા. સૌથી પાછળ ચંદનવાડી પહોંચ્યા. જેમતેમ જમ્યા અને રાત રોકાયા. જેમતેમ એટલા માટે કે પાણી એટલું બધું ઠંડું કે અડો તો જાણે વીંછી કરડ્યો હોય તેવું લાગે. જેમતેમ ચૂલો સળગાવીને કલાકોની માથાકૂટ પછી કાંઈક પેટમાં પધરાવાય તેવું થયું.



બીજા દિવસે અમે સૌ નીકળ્યા. ચાલતા જ યાગ કરતા હતા. અમરનાથની યાત્રા કઠિન. ભૈરવઘાટી, પિસ્સુઘાટી અને મહાગુણાસ પહાડની આ બધી ચડાઈઓ અત્યંત વિકટ યાત્રા થાકી જાય, હારી જાય અમને વારંવાર સાવધાન કરવામાં આવેલા ખબરદાર,રસ્તામાં કોઈ પણ છોડ કે વેલીને અડશો નહિ. અહીં કેટલીક ઝેરી ઔષધિઓ પણ થાય છે. જો તેને અડ્યા તો બેભાન થઈ જશો. આવી તાકીદ હોવા છતાં અમારા મહંતજી માને એવા ન હતા. તેઓ પોતાને આયુર્વેદના જ્ઞાતા સમજતા હતા. એટલે રસ્તામાં કેટલીય ઔષધિઓને અડતા, તોડતા-સૂંઘતા ચાલતા રહ્યા. શેષનાગ આવતાં પહેલાં તો તે માંદા પડી ગયા. બેભાન થવા લાગ્યા. હવે શું કરવુ ? બન્ને તરફ બે સાધુઓએ તેમના હાથ પોતાના ખભા ઉપર મૂકીને જેમ તેમ શેષનાગ ભેગા કર્યા. તે વખતે કોઈ ડૉક્ટરી સગવડ નહિ. માર્ગના એક કિનારે અમે તેમને સુવાડ્યા. અધૂરામાં પૂરું અમારા ધાબળા વગેરે સામાનવાળાં ખચ્ચર પંચતરણી ચાલી નીકળ્યાં હતાં. શેષનાગમાં પ્રાણવાયુનો ભારે અભાવ, ઠંડી ઘણી, માણસો તો શું ઘોડાય મરી જાય તેવું વાતાવરણ હવે શું કરવું? મહન્તજી પોણા ભાગના બેહોશ થઈને પડ્યા હતા. એક સાધુને પંચતરણી વિદાય કર્યો, કારણ કે અમારા સામાનની દેખરેખ રાખવાની હતી. બીજા અમે બે મહન્તજી પાસે રહ્યા.



અમે ચિંતાતુર બેઠા હતા ત્યાં ઘોડા ઉપર ગુજરાતી પ્રવાસીઓ નીકળ્યા મેં કોઈની પાસે દવા હોય તો આપવા જણાવ્યું. એક બહેન પાસે અમૃતધારા હતી તે તથા બીજા એકે મહંતજી તડકામાં સૂતા હતા તે છાંયો કરવા પોતાની છત્રી આપી દીધી. આમે છત્રીની જરૂર હતી. કારણ કે ઓચિંતાનો વરસાદ આવી જાય તો શું કરવું ? અમે છત્રી ઓઢાડીને મહંતજીના મોઢા ઉપર છાંયો કર્યો, તથા અમૃતધારાનાં ટીપાં મોંઢામાં તથા નાકમાં મૂક્યાં, થોડી અમૃતધારા છાતી- માથે ચોળી પણ ખરી. પંદર-વીસ મિનિટના પરિશ્રમ પછી મહંતજી હોશમાં આવ્યા. ધીરે ધીરે તે સ્વસ્થ થયા, બેઠા થયા. અમારા ટેકે ચાલી શકે તેટલી સ્વસ્થતા થઈ. શી દવા કરી ? વગેરે પ્રશ્નો તેમણે પૂછ્યા. અમે પેલી અમૃતધારાની શીશી બતાવી જે હવે ખાલી થઈ ચૂકી હતી. અમે કહ્યું કે ગુજરાતી યાત્રાળુ બહેને આ અમૃતધારા આપી તથા તેમના પૈકીના કોઈ યાત્રાળુએ આ છત્રી આપી જે તમને ઓઢાડી હતી.



મહંતજી ફરી દુઃખી થઈ ગયા. “અરે યહ તો ઉસકી જૂઠન હોગી…’ અર્થાત આ અમૃતધારા તો તેની વાપરેલી હશે. તેની વાપરેલ અમૃતધારા  મારા મોઢામાં મૂકી એટલે તમે મને ભ્રષ્ટ કરી નાખ્યો. અને આ છતરી પણ તેની ઓઢેલી જ હશે. તે તેની ઓઢેલી છતરી તમે મને ઓઢાડી એટલે મને  ભ્રષ્ટ કરી નાખ્યો. ભ્રષ્ટતા સંબંધી મહંતનું ગણિત બહુ જબરું અને વિચિત્ર હતું. અમે, ખાસ કરીને હું, તેમના આવા ગણિતથી કંટાળ્યો હતો. પણ હવે  શું થાય?



જેમતેમ કરીને મોડી સાંજે અમે પંચતરણી પહોંચ્યા. ત્યારે આજના જેટલી ભીડ ન થતી, એટલે અમે એક મકાનમાં ઊતર્યાં. અમારો સમાન લઈને પેલા સાધુ ત્યાં જ જગ્યા રોકીને બેઠા હતા.



મકાનમાં દાખલ થતાં પહેલાં મેં મહંતને ચેતવ્યા, જોજો હો તમે આ મકાનમાં આવતા નહિ, કારણ કે આની છત આજ સુધી કેટલાય માણસોના માથા ઉપર રહી ચૂકી છે. મારો વ્યંગ છત્રી સંબંધી મહંતજીની માન્યતા પ્રત્યે હતો. તેઓ સમજી ગયા. થોડું હસ્યા, થોડું ખિજાયા પણ શું બોલે ? જો આ છત નીચે ન સૂઈ રહે તો બહાર તો બરફની ઠંડીમાં કોકડું જ થઈ જાય.



આવી આભડછેટમાં માનનારા માત્ર એક્લા મહંતજી જ ભારતમાં નથી વસતા. લાખો સ્રીપુરુષો આથી પણ વધુ આભડછેટને ધર્મ સમજીને પાળી રહ્યા છે. આ ગંધાઈ ગયેલાં મસ્તિષ્કો ઘડનાર ગુરુઓને ગુરુ કહેવા કે કુગુરુ કહેવા?



અમે ભગવાન અમરનાથની ગુફામાં બરફના શિવલિંગનાં દર્શન કર્યાં આ શિવલિંગ વિષેની કેટલીક ભ્રામક વાતો ફેલાઈ છે. ખરેખર તેમાં કાંઈ જ ચમત્કાર નથી. ગુફામાં અત્યંત ઠંડુ રહે છે. એટલે ઉપરથી ટપકતું પાણી બરફ થઈ જાય છે. આવા બરફના ત્રણ ચાર ઢગલાને પૂજારીઓ શિવજી ગણેશજી, પાર્વતી વગેરે નામ આપે છે. ઘણી વાર જો બરફનો ઢગલો પીગળી ગયો હોય તો નીચેથી બરફ લાવીને આકાર બનાવાય છે, જેમાં યાત્રાળુઓ દર્શન કરી શકે. એક રીતે સારું પણ છે કે આ નિમિત્તે લોકો આટલે દૂર સુધીની યાત્રા કરવા પ્રેરાય છે.



મને યાદ છે, વળતાં એક જ દિવસમાં લગભગ બત્રીસ કિલોમીટરની યાત્રા પૂરી કરીને રાતના નવ વાગ્યે પહેલગામ પહોંચી ગયેલો.



છેલ્લે છેલ્લે એક નવી મુસીબતની ચર્ચા કરી લઉં. મહન્તજી પોતાના અઢાર ઠાકોરજીઓની પૂજા ષોડશોપચારથી કરતા. એક વાર એવું બન્યું કે સ્નાન કરાવેલા પાણીમાં સૌથી નાના ઠાકોરજી રહી ગયા હશે ને પાણી દૂર વાડામાં પધરાવી દીધું હશે. બીજા દિવસે સત્તર જ ઠાકોરજી દેખાયા. પેલા અઢારમા તો પૂજા વખતે ક્યાંય બીજા ગામ રહી ગયા હતા. આ ઘટનાથી મહન્તજી ફરી પાછા વ્યથિત થયા. તેમનું કથન હતું કે ‘વહી હમારે ખાસ ઠાકોરજી થે, દાદાગુરુજીને દીયે થે.' તેમની વાતથી મને હસવું અને રડવું બન્ને આવતું હતું. મેં કહ્યું, હજી સત્તર તો રહ્યા છે ને? આટલા શું મોક્ષ માટે ઓછા છે?



પ્રતીકપૂજા અવલંબન માટે જરૂરી લાગે છે. પણ આ પ્રકારનું વેવલાપણું એ પ્રતીકપૂજા ન કહેવાય. આ તો અનિશ્ચિતતા અને અવ્યવસ્થા જ કહેવાય.



આભાર

સ્નેહલ જાની