|| # વિચારોનું વૃંદાવન # ||
!!! પ્રેમનો બદલાવ !!!
રાજુ એટલે મારી ઓફિસનો એક પટાવાળો. શાહપુરના મારા ત્રણ વર્ષના નોકરીના સમયગાળામાં એ મારી આદતમાં ઢળી પડ્યો હતો. તેની કામ પ્રત્યેની લાગણી અને ફરજ નિભાવવાની નિષ્ઠામાં કયારેય કોઈ કમી નહોતી આવી. મારા અમુક સ્ટાફ કરતા રાજુની વાત ઘણીવાર હું સ્વીકારી લેતો કારણ કે એની વાત અંતરના આત્મામાંથી નીકળેલા શુધ્ધ શબ્દોથી હોય. કોઈપણ જાતની વધુ અપેક્ષા વગર એના કામ કરવાની ભાવનાથી એ મારા હૃદયમાં વસી ગયો હતો. તેના ઘરે પ્રથમ દીકરીનો જન્મ થયેલો ત્યારે પ્રથમ જલેબીનું બોક્ષ મને આપેલું અને પછી જ તેના પરિવારમાં વહેંચેલી. ત્યારે મેં હસી મજાકમાં કહેલું કે "રાજુ, તું દીકરીનું નામ પાયલ રાખીશ તો હું તેનું કન્યાદાન કરીશ." રાજુ પળભર મારી સામે નજર નાખી કાયમની જેમ હળવું હાસ્ય કરી ઘરે જવા નીકળી ગયેલો.
લગભગ ૨૦-૨૧ વર્ષ પછી કોર્ટમાં એક કેસની જુબાની આપવા મારે શાહપુર આવવાનું થયેલું. કોર્ટમાં હાજરી આપી હું પરત નોકરીએ જવા નીકળતો ત્યારે વિચાર આવ્યો કે અંહી સુધી આવ્યો છું તો એકવાર મારી જૂની ઓફિસ પર પણ જતો આવું. ઓફિસ પહોંચી તપાસ કરી તો જાણવા મળ્યું કે બધો સ્ટાફ રાજુની દીકરીના લગ્નના જમણવારમાં ગયો છે. રાજુની દીકરીના લગ્ન છે તોય એને મને કેમ આમંત્રણ નથી આપ્યું. ત્યાં જ ઘરેથી ફોન આવ્યો તો જાણવા મળ્યું કે એક મહિના પહેલા કંકોત્રી આવીને પડી પડી ધૂળ ખાઈ છે. મને અંદરનાં આત્માથી થયું કે અહીં સુધી આવ્યો છું તો હાલને રાજુના ઘરે સુધી જઈ આવુ એટલે રાજુને ગમશે કે સાહેબ બહુ દૂર હતા છતાંય આવ્યા તો ખરા. રાજુના આંગણે રૂડા લીલુડા તોરણ અને માંડવા રોપાયેલા હતા અને માંડવામાં એક ટોળું અંદરો અંદર કંઇક ચર્ચા કરતું હોય એવું લાગ્યું. મને થયું કે કાંઈક એમના રીતિ રિવાજ હશે એટલે બધા આમ ભેગા થયા હશે. દરવાજાની બહાર હાથઘરેણુ લખવા બેઠેલા ભાઈ પાસે જઈને મેં પૂછ્યું "રાજુ ક્યાં મળશે." એને ટોળા તરફ ઈશારો કરી બતાવ્યું કે સામેના ટોળામાં છે. મેં કહ્યું કે "એને થોડીવાર બહાર બોલાવોને મારે કામ છે." તો તેણે મારી તરફ ખુરશી ધરી કહ્યું કે " અંહી બેસો થોડીવાર, એક સાહેબે વર્ષો પહેલાં એની દીકરીનું કન્યાદાન કરવાનું કહેલું પણ એ આવ્યા નથી એટલે રાજુ માનતો નથી તો બધા એને સમજાવે છે." એના શબ્દો સાંભળી મારા મનમાં અચાનક ધ્રાસકો પડી ગયો અને પછતાવાનો પાર ન રહ્યો. વર્ષો પહેલાં મેં કહેલા કન્યાદાનના મારા શબ્દો પળભરમાં મને સાંભરી આવ્યાં. કેટલો વિશ્વાસ હશે એને કે વર્ષો પહેલાં કહેલાં મારા વેણને એને જીવ સાથે જકડી રાખ્યા હતા. આભમાં નજર કરીને ભગવાનનો આભાર માન્યો કે ભગવાન ખરેખર તું સાચાનો આધાર છે. મને અંહી લાવવામાં તે કેટલી કળા કરી હશે. કોઈએ તારા પર મુકેલા વિશ્વાસનો મને નિમિત્ત બનાવીને તારા પરચાને હું આજ નજર સમક્ષ નિહાળી રહ્યો છું. ટોળાની નજીક ગયો તો મુરઝાયેલા મુખવાળા રાજુને સૌ મનાવવા કાલા વાલા કરી રહ્યા હતા.
"રાજુ, હવે તું કન્યાદાન કરી નાખ, હવે મોડું થતું જાય છે, થોડુ તો સમજ તું ક્યાં અને એ સા'બ ક્યાં, આંગણે આવેલી જાનને જવામાં મોડું થશે."
"ના એતો બનશે જ નહિ, સાહેબે મને તે વખતે કીધેલું કે રાજુ તારી પાયલનુ કન્યાદાન હું કરીશ, તું એના લગ્ન કરે એટલે મને કહેજે."
"આ ગાંડો થઈ ગયો છે હવે કોઈનું નહિ માને, આને કોઈક પાસેથી નંબર લઈ સાહેબ સાથે ફોનમાં વાત કરાવી દો એટલે શાંતિ થાય અને કન્યાદાન કરી નાખે." ટોળામાંથી કોઈક બોલ્યું કે " સાહેબ, ક્યાં ફોન ઉપાડે છે, સમયે આવ્યે સૌ રંગ બદલે છે." ખિસ્સામાં રહેલો મારો સાઈલન્ટ ફોન પણ મુક બધિર બની વાતો સાંભળી રહ્યો હતો પણ વધુ હું કાંઈ સાંભળુ એ પહેલાં જ ટોળાને વિંધી રાજુ પાસે પહોંચી ગયો. રાજુના ખભે હાથ મૂકી મારાથી શબ્દો નીકળી જ ગયા. "રાજુ, કન્યાદાન તો હું જ કરીશ.". મારા શબ્દો ટોળામાં વિજળીની જેમ ચમકી ગયા. રાજુ મારી તરફ ફરી મને ભેટી પડ્યો. કળયુગમાં કૃષ્ણ સુદામાના સાક્ષાત દર્શન થયા હોઈ એવા બધાના મોઢાં પરથી લાગતું. કન્યાદાન કરી હું મારા ઘર તરફ નીકળી પડ્યો.
મનમાં અઢળક વિચારો અને લાગણીઓ હતી કે કોણ બદલાવની ઝંખનાના ઝરૂખે ઝુલે છે. સમાજની સમરસતા વચ્ચે પીસાતા પ્રાણના પ્રણેતા કોણ બનશે?? સુધરેલાના સહકારથી જ સમાજ બદલાવની ઝંખના જપશે બાકી ભગવાન તો છે જ તેના ભરોસે તો કેટલીય નાવડિયું દરિયો પાર કરી જાય છે.....
સમયે આવ્યે તો રંગ બદલે સૌ હજારો,
ઝંખના હોઈ ઝાંપે તો જ બદલે નજારો...
- મરુભુમીના_માનવી ~ મૃગજળ