Listen to your heart. in Gujarati Motivational Stories by Mital Patel books and stories PDF | તું સુન તેરે મન કી

Featured Books
Categories
Share

તું સુન તેરે મન કી

🖊️📖


તું સુન તેરે મન કી...✍️💫




         કેટલીક વાર જીવનમાં સામા પ્રવાહે તરવાનું આવે ત્યારે મન સહેજ દ્વિધામાં હોય એ સહજ છે. મન ત્યારે જ મક્કમ મનોબળથી પોતાનાં સ્થાન પર અટલ રહી શકે જ્યારે તેની જાતને ખબર હોય કે તેનો તે કાર્ય કરવાનો હેતું ઉમદા છે. અને ઉમદા હેતુ હેઠળ થતું કાર્ય સીધુ, સરળ ભાગ્યે જ હોય છે. અંતરાત્માના અવાજને અનુસરવું અને સતત અનુસરવું જીવનમાં દરેક પરિસ્થિતિમાં તે દરેક માટે શક્ય નથી‌ હોતું અને એ અવાજને સાંભળી શકવા સક્ષમ અંતઃ કર્ણ કેળવી શકે તો ય ઘણું!! પર્વત જેવી તકલીફો સાવ ક્ષુલ્લભ લાગવા માંડે અને મન આપણને પર્વતો વચ્ચેથી રસ્તો કાઢી દરિયા સુધી, પોતાનાં ધ્યેય સુધી પહોંચાડી દે તેવી ક્ષમતા માત્ર આપણા અંતરમન પાસે જ છે. તે માટે પોતાની જાત સાથે એકદમ પ્રમાણિક રહીને જીવવું પડે. તમે પોતાનાં નાના નાના સ્વાર્થ માટે પોતાની જાતને સતત છેતરતા રહેતા હશો તો શ્રેષ્ઠ પામવું ક્યારેય શક્ય નહીં બને. કારણ કે તમારી જાત તમને ડંખશે. ગિલ્ટ ફીલ કરાવશે. હળવાશ નહિ અનુભવવા દે. પોતાનાં નિમિત્તિક કર્મ જો સાચાં મનથી તમે કરતાં હશો તો તમારે મંદિરમાં જવાની પણ જરૂર નહીં પડે. કારણ કે મંદિરમાં જે સહજ શાંતિ અને ઈશ્વર સાથે કનેક્ટ થવાની ફીલિંગ છે તે તમને તે કર્મમાંથી જ મળી રહેશે.





વાંછટ આવે ત્યારે....
     વરસાદની રોકવા ન જવાય....

વાંછટિયુ પોતાનાં મન પર નાંખી દેતા.....
     તોફાનો કંઈ કેટલાય સમી જાય છે!!




         " તત્" સુધી પહોંચવાનો રસ્તો કર્મ છે. કર્માધીન પ્રવૃત્ત થતું મન અને આત્મા એ "વિચાર પ્રેરિત" હોય છે. વિચારબીજ રોપવાનું કાર્ય અંતરમન કરે છે . અને બીજું બાહ્ય માધ્યમો કરે છે જેટલાં બાહ્ય દ્વેષભાવ, કપટ, સ્વાર્થ, બનાવટ, કૃત્રિમતાઓનાં ઘોંઘાટથી દૂર રહીશું, તેટલું મનને નિર્મળ રાખીને આપણાં અંતરમને આપણાં માટે જે શ્રેષ્ઠ છે, તે કરવાં માટે ક્રિયાશીલ બનવા દઈ શકીશું. તે આપોઆપ પ્રવૃત્ત થશે. આપણને શ્રેષ્ઠ તકો, શ્રેષ્ઠ સ્થાન અને જીવનમાં જે શ્રેષ્ઠ છે બધું જ આપશે.



            પોતાના અંતર આત્માને અનુસરવાની હિંમત સાહસ અને વૃત્તિ બધામાં હોતી નથી અને તેને કેળવવાની નિયત પણ કોકમાં જ હોય છે. જ્યાં દંભ નથી જ્યાં દેખાડો નથી જ્યાં જે નથી એ બતાવવાની લાલચ નથી એ વ્યક્તિ જ પોતાના મનને અનુસરીને પોતાની જાત સાથે પ્રમાણિક રહીને પોતાના અંતરાત્માના અવાજને સાંભળીને તે મુજબ જીવવાની જીજિવિષા દેખાડી શકે છે. જીવનમાં સાર્થક ક્ષણો ને ઉમેરવી હોય જીવનમાં શાશ્વતી નેપામવી હોય અને જે પણ સાર્થક કરવું હોય તો કોઈ શું વિચારે છે કોઈના અભિપ્રાય આપણા માટે કેવા છે એ બધા વિચાર છોડીને હું મારા માટે શું વિચારું છું મારું અંતર મન મને સ્વીકારે છે કે નહીં એ બાબતોને વધારે મહત્વ આપી મનના અવાજને સાંભળીને તે મુજબ જીવવું જોઈએ. એ જ સાચી જીવનશૈલી છે. અને એ જ સાર્થક જીવન છે.


       


મુંઝારો છોડીને તું કર કર્મ...
જેનાં માટે તું નીમાયો છે...


વખત જતાં સમજાશે કે 'તું માત્ર નિમિત્ત છે'...
તે ઈશ્વર જ એક તારો "તારો" છે...!!

તું મુંઝાઈશ નહીં 
તું કરમાઈશ નહિ,
તું આજુબાજુના અવાજથી ભરમાઈશ નહીં.
સદંતર દેખાતું બધું અને સંભળાતું બધું માત્ર ભ્રમ છે 
તને તારા માટે સંભળાય છે એ "તારું" છે. 
અને એ જ સાચું છે.



         તું જ્યારે સ્વાર્થ વગર, સરળ બનીને સહજ બનીને જીવતા થઈશ ત્યારે ઈશ્વર તને માર્ગદર્શન આપશે.. ઈશ્વર તને રસ્તો બતાવશે ઈશ્વર તને મુશ્કેલીમાંથી રસ્તો કાઢવાનો માર્ગ બતાવશે ઈશ્વર તને હિંમત આપશે અને ઈશ્વર તને સાચો છે. અને આ બધું કરવા માટે ઈશ્વર માત્ર તારા અંતરાત્મા ના અવાજ સ્વરૂપે માર્ગદર્શન આપશે

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ