ગિરિનગરના પહાડો હવે દૂર ક્ષિતિજમાં ધૂંધળા દેખાતા હતા. રસ્તો પથરાળ હતો અને ચારેબાજુ ગાઢ જંગલો હતા. ચંદ્રપ્રકાશ, જે અત્યારે મગધના એક ભટકતા ભિક્ષુકના વેશમાં હતો, તેના મનમાં અનેક પ્રશ્નો ઘૂમતા હતા. તેની પીઠ પરના ઘા હજુ પૂરેપૂરા રુઝાયા નહોતા, પણ નિષ્કાંતે આપેલી જડીબુટ્ટીઓએ તેને ચાલવા જેટલી શક્તિ આપી દીધી હતી. નિષ્કાંત તેની સાથે નહોતો, તે કોઈ ગુપ્ત માર્ગે પાછો ફરી ગયો હતો, પણ તેણે ચંદ્રપ્રકાશને એક નાની મુદ્રિકા આપી હતી જે મુસીબતના સમયે મગધમાં છુપાયેલા ચાણક્યના જાસૂસોને ઓળખવામાં મદદરૂપ થવાની હતી.
ચંદ્રપ્રકાશ જ્યારે પાટલીપુત્રના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી રહી હતી. મગધની રાજધાની તેની ભવ્યતા અને સૈન્ય શક્તિ માટે જાણીતી હતી. દ્વાર પર સૈનિકોની કડક તપાસ ચાલી રહી હતી. ચંદ્રપ્રકાશે જોયું કે સૈનિકો આવતા-જતા દરેક વ્યક્તિની ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા, ખાસ કરીને જે લોકો ઉત્તર દિશાથી આવતા હતા. કદાચ ગિરિનગરની ઘટના પછી મગધ વધુ સતર્ક થઈ ગયું હતું.
ચંદ્રપ્રકાશે પોતાની લાકડી ટેકવી અને ધ્રૂજતા અવાજે એક સૈનિક પાસે જઈને પૂછ્યું, "ભાયા, આ નગરમાં કોઈ ધર્મશાળા મળશે? હું ઘણો દૂરથી આવું છું અને અત્યંત ભૂખ્યો છું."
સૈનિકે તેને ઉપરથી નીચે સુધી જોયો. ચંદ્રપ્રકાશના ચહેરા પર લાગેલી રાખ અને તેના ફાટેલા વસ્ત્રો જોઈને સૈનિકને તેના પર શંકા ન ગઈ. "જા પેલા ખૂણામાં, ત્યાં ગરીબો માટે અન્નક્ષેત્ર ચાલે છે. પણ સાવધાન રહેજે, પાટલીપુત્રમાં અત્યારે હવા બરાબર નથી," સૈનિકે તેને અંદર જવાનો ઈશારો કર્યો.
નગરમાં પ્રવેશતા જ ચંદ્રપ્રકાશ આશ્ચર્યચકિત થઈ ગયો. એક તરફ ભવ્ય મહેલો અને સોનાથી મઢેલા સ્તંભો હતા, તો બીજી તરફ ગલીઓમાં ગરીબી અને લોકોના ચહેરા પરનો ડર સ્પષ્ટ દેખાતો હતો. ધનનંદના અત્યાચારે પ્રજાને અંદરથી તોડી નાખી હતી. ચંદ્રપ્રકાશ એક જૂના વટવૃક્ષ નીચે બેસી ગયો. તેની નજર સામે જ મગધના સૈનિકો એક વેપારીને રસ્તા વચ્ચે ફટકારી રહ્યા હતા કારણ કે તેણે કર (ટેક્સ) ભરવામાં એક દિવસનો વિલંબ કર્યો હતો.
તે રાત્રે ચંદ્રપ્રકાશને નિષ્કાંતના શબ્દો યાદ આવ્યા: "તમારે પાટલીપુત્રના 'નીલકંઠ' અખાડામાં જવાનું છે. ત્યાં તમને આગળની સૂચના મળશે." ચંદ્રપ્રકાશે ગુપ્ત રીતે એ અખાડાની શોધ શરૂ કરી. અંધારી ગલીઓમાં ભટકતા તેને અહેસાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તેણે ચાલવાની ઝડપ વધારી, પણ પાછળ આવતા પગરવ પણ તેજ થયા. તે એક સાંકડી ગલીમાં વળ્યો અને અચાનક દીવાલ સાથે લપાઈ ગયો.
જેવો પીછો કરનાર વ્યક્તિ ખૂણા પર આવી, ચંદ્રપ્રકાશે તેને પકડીને દીવાલ સાથે અથડાવી. "કોણ છે તું? અને મારો પીછો કેમ કરે છે?" ચંદ્રપ્રકાશનો અવાજ ગંભીર હતો.
તે વ્યક્તિએ પોતાની ઓઢણી હટાવી. તે એક સ્ત્રી હતી, જેની આંખોમાં ગજબની તેજસ્વીતા હતી. "શાંત થાઓ, રાજકુમાર. તમારી મુદ્રિકા ચમકી રહી છે," તેણે ચંદ્રપ્રકાશના હાથમાં રહેલી નિષ્કાંતની મુદ્રિકા તરફ ઈશારો કર્યો. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ 'છાયા' હતી, જે મગધમાં ચાણક્યની સૌથી વફાદાર જાસૂસ માનવામાં આવતી હતી.
છાયાએ તેને એક સુરક્ષિત ભોંયરામાં લઈ ગઈ. ત્યાં દીવાબત્તીના આછા પ્રકાશમાં ચંદ્રપ્રકાશે જોયું કે દિવાલો પર મગધના મહેલના નકશા કોતરેલા હતા. "આચાર્ય ચાણક્ય જાણે છે કે તમે જીવતા છો, પણ અત્યારે તમારે આ નગરમાં અદૃશ્ય રહેવાનું છે. ધનનંદ આવતીકાલે એક મોટું આયોજન કરી રહ્યો છે. તે પોતાની વિજયયાત્રાની જાહેરાત કરશે, જેમાં તે ગિરિનગરના વિજયનો અને તમારા મૃત્યુનો જશ્ન મનાવશે," છાયાએ વિગતો આપી.
ચંદ્રપ્રકાશની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. "તેને ઉજવણી કરવા દો છાયા, કારણ કે એ તેની છેલ્લી ઉજવણી હશે. પણ મારે પહેલા એ જાણવું છે કે મગધની સેનામાં કેટલા ગદ્દારો છે જે હજુ પણ ગિરિનગર અને તક્ષશિલા વચ્ચેના માર્ગને રોકી રહ્યા છે."
તે રાત્રે ચંદ્રપ્રકાશને ઊંઘ ન આવી. તેને સુવર્ણાનો ચહેરો યાદ આવતો હતો. તેને ખબર હતી કે સુવર્ણા તેને મૃત માનીને અત્યંત દુઃખી હશે, પણ રાષ્ટ્રનું હિત અત્યારે સર્વોપરી હતું. બીજી તરફ, પાટલીપુત્રના રાજમહેલમાં ધનનંદ પોતાની રાણીઓ સાથે મિજબાની માણી રહ્યો હતો. તેને અંદાજ પણ નહોતો કે જે કાળથી તે ડરતો હતો, તે અત્યારે તેના જ મહેલની છાયામાં આશ્રય લઈ રહ્યો હતો.
ચંદ્રપ્રકાશે છાયાને પૂછ્યું, "આચાર્યનો આગલો આદેશ શું છે?"
છાયાએ એક નાનો પત્ર ચંદ્રપ્રકાશના હાથમાં મૂક્યો. તેમાં ચાણક્યના હસ્તાક્ષરમાં માત્ર એટલું જ લખ્યું હતું: "શત્રુના ઘરમાં શત્રુ બનીને નહીં, પણ શત્રુના વિશ્વાસપાત્ર બનીને રહો. કાલથી તું મગધના નવા સૈન્ય ભરતી મેળામાં જોડાઈશ."
ચંદ્રપ્રકાશ સમજી ગયો. તેને મગધની સેનાની અંદર ઘૂસીને તેના મૂળિયાં ખોખલા કરવાના હતા. આ કામ જોખમી હતું, પણ તક્ષશિલાના જ્ઞાન અને ચાણક્યની નીતિ પર તેને પૂરો ભરોસો હતો.