વૃક્ષ અને વિહંગની વાર્તા
એક વિશાળ જંગલમાં એક પ્રાચીન વટવૃક્ષ ઉભું હતું. તેની ઘટાદાર ડાળીઓ આકાશને આલિંગન આપતી હતી, અને તેના મૂળ ધરતી ને ચીરીને ઊંડાણમાં ફેલાયેલા હતા. આ વૃક્ષની એક ડાળ પર એક પક્ષીનો માળો હતો. આ પક્ષી ના માળામાં એક બચ્ચું જનમ્યું. વિહંગ . એક નાની વિહંગ – નામ તેના મમ્મી પપ્પા એ ‘કિરણ’ રાખ્યું. તેના માતા-પિતા તેને દાણા ચણતા, પાંખો ફફડાવતા શીખવતા. સાથે વૃક્ષની મજબૂત ડાળીઓ તેનો પહેલો આધાર બની.
પહેલી વાર જ્યારે કિરણે પોતાના નાના પાંખો ફફડાવીને ઉડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેને પોતાના પર અપાર ગર્વ થયો. તે વિચારવા લાગી, “આ પાંખો મારી છે, આ શક્તિ મારી છે!” પરંતુ દર વખતે તે ડગમગીને વૃક્ષની ડાળ પર જ પડતી. વૃક્ષ તેને ચુપચાપ સહારો આપતો, તેને પડવાથી બચાવતો, હવાના સુસવાટાથી રક્ષણ આપતો. વૃક્ષ તેનો આધાર બન્યો હતો.
गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरः ।
गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
વટવૃક્ષ કિરણનો પહેલો ગુરુ બન્યો – જેણે તેને જીવનના પાયાના પાઠ શીખવ્યા.
ધીમે ધીમે કિરણ મોટી થઈ. તેણે સંતુલન બનાવવું શીખ્યું, હવામાં ઊંચે ઉડવું શીખ્યું. હવે તે આકાશમાં ઊંચી ઉડાન ભરવા લાગી. નીચે ઊભેલો વટવૃક્ષ તેને નાનો દેખાવા લાગ્યો.
કોઈ પણ જયારે પોતાના જણ થી દુર દુર જાય ત્યારે તેને પોતાના જણ નાના દેખાવા લાગે.
તેને લાગ્યું, “હવે મને કોઈના સહારાની જરૂર નથી. હું તો મારા બળે બધું કરી શકું છું!” ગર્વના નશામાં તે વૃક્ષને ભૂલી ગઈ.
ઘમંડનું માથું મોટું થાય, પણ તેનું પગારું નાનું રહે.
પોતાના પર કરેલો ઉપકાર અને પ્રેમ જે ભૂલી જાય છે તે કૃતગની નો અંત હંમેશા નાનો અને દુ:ખદાયક હોય છે.
कुतः कृतघ्नस्य यशः कुतः स्थानं कुतः सुखम्।
જે વ્યક્તિ કૃતઘ્ન છે – એટલે જે પોતાના ઉપકાર કરનારાઓને ભૂલી જાય છે, તેમનો આભાર માનતો નથી કે તેમની કૃતજ્ઞતા રાખતો નથી – તેને ક્યારેય સાચો યશ (પ્રતિષ્ઠા કે સન્માન) પ્રાપ્ત થતો નથી, સમાજમાં માન-સ્થાન મળતું નથી અને અંતરનું ખરું સુખ પણ તેને ક્યારેય મળતું નથી.
સમય વીતતો ગયો. કિરણની ઉડાન વધુ લાંબી થતી ગઈ. તે દૂરના જંગલોમાં, પર્વતો પર, સમુદ્ર કિનારે ઉડી. પરંતુ સાથે થાક પણ વધતો ગયો. મોસમ બદલાયા – તોફાનો આવ્યા, વરસાદ પડ્યો, ઠંડી વધી. આકાશમાં તો માત્ર ઉડાન જ હતી, ક્યાંય આશ્રય નું સ્થાન નહીં. થાકેલી કિરણને હવે સત્ય નું જ્ઞાન થયું કે આકાશની આઝાદીમાં એકાંત અને અસુરક્ષા છે. તેને સહારાની, આરામની જરૂર પડી.
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ।** (ભગવદ્ગીતા)
અહંકારથી મૂઢ થયેલો આત્મા “હું જ કર્તા છું” એમ માને છે.
કિરણ પાછી વળી. તે જૂના વટવૃક્ષ પાસે આવી. પરંતુ સમયના પ્રવાહમાં ઘણું બદલાઈ ગયું હતું. તોફાનોમાં વૃક્ષની કેટલીક ડાળીઓ તૂટી ગઈ હતી, તે વધુ વૃદ્ધ થયો હતો. તેમ છતાં તેણે કિરણને સહારો આપ્યો. કિરણને હવે સત્યનો સ્પર્શ થયો. –આપણી સાંસ્કૃતિક વિરાસત ના મુળ ને ભૂલવું સહેલું છે, પરંતુ તેમની જરૂરિયાત ક્યારેય સમાપ્ત નથી થતી.
ઊંચે ઉડતાં પંખીને ગર્વ થાય છે ઘણો,
નીચે વૃક્ષ નાનો લાગે, ભૂલી જાય છે તે જડો.
થાકે ત્યારે યાદ આવે સહારાનું મૂલ્ય,
જડ વિના ઉડાન પણ અધૂરી રહે, એ સત્ય છે અમૂલ્ય.
અંતે કિરણ વૃક્ષની ડાળ પર બેસીને વિચારે છે. તે સમજે છે કે સાચી આઝાદી તો જડો સાથે જોડાયેલી હોય છે. ગર્વનો નાશ થાય ત્યારે જ સાચું જ્ઞાન આવે છે. વટવૃક્ષ ચુપચાપ ઊભો રહ્યો – જેમ હંમેશા રહે છે, પોતાના પાલનહાર તરીકે.
માતા-પિતા, ગુરુ, કે પોતાના મૂળ – તેમને ભૂલવાથી જીવનની ઉડાન પણ થાકી જાય છે. વિનય અને કૃતજ્ઞતા જ જીવનનું સાચું બળ છે.
મૂળ ભૂલ્યો તો ફૂલ ના ફાલે.” એટલે જડો ભૂલી જાઓ તો ફળ પ્રાપ્ત નહીં થાય.
તેથી
यथा वृक्षस्य संपुष्पितस्य दूरात् गन्धो वायति एवं पुण्यस्य कर्मणो दूरात् गन्धो वायति
વૃક્ષના મૂળને પાણી આપવાથી સમગ્ર વૃક્ષ તૃપ્ત થાય
કિરણ હવે શાંતિથી વૃક્ષની છાયામાં આરામ કરે છે, અને નવા પક્ષીઓને પોતાના અનુભવની વાતો કહે છે. જંગલનો પવન તેની વાર્તા દૂર દૂર સુધી લઈ જાય છે – કે જીવનની સાચી ઉડાન તો જડોના સહારે જ શાશ્વત બને છે.