"દરેક દિવસ અનંત અપેક્ષાથી શરૂ થાય છે અને, એક અનુભવથી પૂર્ણ થાય છે." આ વાક્ય વાંચવામાં જેટલું સરળ એટલું જ ગૂઢ છે. વાચક મિત્રો , હું સારી લેખક છું કે નહીં એ તો ખબર નથી પણ આ રચના દ્વારા બનવાનો પ્રયત્ન જરૂર કરીશ.
આપણા જીવન દરમિયાન અપેક્ષાઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
મિત્રો, અપેક્ષાઓ... મારા મતે અપેક્ષાઓ એ દરેક દુઃખનું કારણ છે.
એનો મતલબ એ નથી કે અપેક્ષાઓ રાખવી જ ન જોઈએ..અપેક્ષાઓ હોવી જોઈએ ,અપેક્ષાઓ એ આપણા જીવનનો જ ભાગ છે એના વિના કોઈપણ સંબંધ શક્ય જ નથી અપેક્ષાઓ એ દરેક સંબંધનો મુખ્ય આધાર છે ..પરંતુ, એ વાસ્તવિક હોય એ પણ એટલું જ જરૂરી છે.અવાસ્તવિક અને નિરાધાર અપેક્ષાઓ અંતે નિરાશાનું કારણ બને છે. એ પછી પોતાનાથી હોય કે બીજાથી.
વાસ્તવિક રીતે જોઈએ તો અપેક્ષાઓ એ આપણા મનની કાલ્પનિક ધારણા છે. દા.ત.આપણે હંમેશા એવું વિચારીએ કે સામેવાળી વ્યકિત આપણી ધારણા મુજબ અમુક વર્તન કરે કે પછી અમુક વ્યવહાર કરે અને એવુ અમુક વાર શક્ય પણ બને છે કે એ વ્યકિત આપણી અપેક્ષાઓ પર ખરી ઊતરે પરંતુ દરેક વખતે એવું બને એવું માનવું કે એવો આગ્રહ રાખવો એ અવાસ્તવિક અને અશક્ય છે.કારણકે દરેક વ્યકિતનું જીવન અલગ હોય છે જીવન જીવવાની રીત અલગ હોય છે .એટલે દરેક વ્યકિતના જીવન ના અનુભવો,રીતો,આદતો કે પછી જીવન પ્રત્યેનું વલણ અલગ અલગ હોય છે.તેના લીધે વ્યકિત દીઠ અપેક્ષાઓ ના પ્રતિભાવ પણ અલગ હોય એ સ્વાભાવિક છે જેથી કરીને વિચારો માં અને વ્યવહારો માં અંતર હોય છે અને એના કારણે અપેક્ષાઓનું અપૂર્ણ રહેવુ સ્વાભાવિક છે.જેનો સ્વીકાર કરવો જોઇએ.
અમુકવાર આપણી અપેક્ષાઓ પૂર્ણ થાય એટલે એ વ્યકિત તરફ આપણી અપેક્ષાઓ વધે એ સ્વાભાવિક છે.પરંતુ,જ્યારે એ અધુરી અને અપૂર્ણ રહે ત્યારે એ નિરાશામાં પરિવર્તિત થાય છે. પછી આપણું મન વ્યથિત થઈ જાય છે.
દરેક વ્યકિત આપણી અપેક્ષા મુજબ વર્તન કરે એવું માનવું ભૂલભરેલું છે અને એવો આગ્રહ ન રાખવો એ આપણી ફરજ છે.કેટલીક વાર એવો આગ્રહ સામેની વ્યકિત માટે બંધનરૂપ બની જાય છે ખાસ કરીને નજીકના સંબંધોમાં એ બંધનરૂપ બને છે.કેટલીક વાર સંબંધ ટકાવી રાખવા માટે પણ સામેવાળા ની અપેક્ષાઓ પર ખરુ ઊતરવુ પડે છે પછી ઈચ્છા હોય કે ન હોય... પરંતુ પોતાની ઈચ્છાઓને મારીને બીજાની અપેક્ષાઓ પૂરી કરવી એ કેટલા અંશે યોગ્ય ગણાય? એ તો પોતાની સાથે અન્યાય કર્યો કહેવાય.
માટે અપેક્ષાઓ વાસ્તવિક હોય એ જરૂરી છે.
અપેક્ષાઓ રાખ્યા અને તૂટયા પછી એ વાતનો સ્વીકાર કરવો કે અપેક્ષાઓ હંમેશા પૂર્ણ થાય એ જરૂરી નથી એ પરિપક્વતાની નિશાની છે. સ્વીકૃતિ એ પરિપક્વતાની નિશાની છે. એક પ્રખ્યાત લેખકે કહ્યું છે કે "જેટલું તમે લોકો પાસેથી અપેક્ષાઓ રાખવાનું ઓછું કરશો એટલું તમારું જીવન સુખદ અને સરળ રહેશે."
તો વાચકમિત્રો, આપણી ફરજ છે કે આપણી અપેક્ષાઓ વાસ્તવિક હોય ,એ કોઈના માટે બંધનરૂપ ન હોય , અને સૌથી મહત્વની વાત કે અપેક્ષાઓ અપૂર્ણ રહે તો નિરાશ થવાને બદલે એનો સ્વીકાર કરીએ અને એનુ યોગ્ય સંચાલન કરશો તો જીવન વધુ સરળ બનશે. અહી એક વાત સ્વીકારવી પડે કે અપેક્ષાઓ હંમેશા પૂર્ણ નથી થતી અને એ જ જીવનની વાસ્તવિકતા છે.
અપેક્ષાઓથી સ્વીકૃતિ તરફ સુધી પહોંચવું એ પણ એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય.
તો વાચક મિત્રો,આશા કરું છું કે મારા અનુભવ તમને મદદરૂપ થાય .અને અંતે એક વિનંતી કે તમારા મત જણાવશો comments માં કે તમારો સફર કેવો રહયો "અપેક્ષા થી અનુભવ સુધી"?