ગઢવી ના ગયા પછી ધીમે ધીમે ડાયરો પણ વિખાણો અને બાપુ પોતાની કેસર પાસે આંટો મારી ને મેડીએ પોરો ખાવા ગયા.
થોડાક દિવસો પસાર થયા અને એક દિવસ બાપુ પોતાની કેસર ને લઈ ને વાડીએ આંટો દેવા ગયા હતા એટલા માં સમાચાર મળ્યા કે બાબરીયાવાડ થી મૂળુ કાઠી અને વીહા ખુમાણ આવ્યા છે એટલે શાર્દુલ બાપુ મારતી ઘોડીએ ગામ માં પાછા ફર્યા.
ડેલી માં વીહો ખુમાણ અને મૂળુ કાઠી બેઠા છે,ડેલી આગળ બાપુ એ કેસર ને થંભાવી અને કેસર પર થી ઊતરતા જ બોલ્યા આવ મૂળુ ભા,આવો ભા, વિહા ખુમાણ અને મૂળુ કાઠી ને સંબોધી ને આવકાર આપ્યો.કા ભા આમ ઓચિંતો ?બધું હેમખેમ તો છે ને?
હા દરબાર બધું હેમખેમ છે આ અમારા વિહા આપા છે એને આવવું થું તો ભેગો આવો છું.
ભલે ભા સુખે થી પધારો કહેતા દરબારે કેહુર ને બોલાવી હુક્કા પાણી ની વ્યવસ્થા કરી અને ધીમે ધીમે વિહા આપા સાથે વાતો એ વળગ્યા.
બાપુ એ કેહુર ને સાદ દઈ ને કહ્યું ,જા કેહુરયાં ઓરડે બેન બા ને જરાક કઈ આવ કે બાબરિયાવાડ થી મૂળુ ભા અને વીહા આપા આવ્યા છે બપોરા ઝટ તૈયાર કરે. ભલે બાપુ કહેતા કેહુર ઓરડે દોડી ગયો.
ત્રણે જણ બેસી ને વાતો કરે છે એવામાં ગામનો ડાયરો પણ આવી પહોંચ્યો,અને પછી તો અલક મલક ની વાતો અને કસુંબા ની મોજ મણાય છે.
મોજ માં ને મોજ એ ખબર પણ ના રહી કોઈને કે બપોર નો વખત થઈ ચૂક્યો છે,ખબર પડતા ડાયરો બપોરા કરવા વિખાણો,એવામાં ઓરડે થી કેણ આવ્યું કે બપોરા તૈયાર છે.
બાપુ એ કહ્યું ચાલો ભા છાસુ પીવા
દરબાર,મૂળુ કાઠી,વીહો ખુમાણ અને બીજા બે - ચાર જણ બપોરા કરવા ઓરડે ગયા.
મૂળુ કાઠી ને લાપસી વાલી એટલે ઘી થી લથપથ લાપસી ની તાણ કરી કરી ને મેમાન ને જમાડે છે દરબાર.
દરબાર ની આગતાસ્વાગતા અને મેમાન પ્રતિ વેગ અને લાગણી જોઈને વિહા આપા તો રાજી ના રેડ થઈ ગયા,દીકરી માનબાઈ ના રૂપ એના તેજ અને માન મર્યાદા આગળ વિહા ખુમાણ ની ડોક ઢળી જ ગઈ.
થોડો વખત રોકાઈ સગપણ નક્કી કર્યું,ઘડિયા લગ્ન લેવાયા.
લગ્ન ની તૈયારીઓ માં દિવસો પસાર થઈ ગયા અને આખરે લગ્ન ની દિવસ પણ આવી ગયો,આજે દરબાર ના મોઢા પર નું તેજ સંતાઈ ગયું છે ચહેરો ગમગીન બન્યો.
દીકરી ની વિદાઈ કયા બાપ ને વહમી નો લાગે!આંગણા માં કૂદનારી, ઢીંગલે પોતીએ રમનારી,હેત થી બાપ ની ડોકે વળગી જનારી અને બાપ ના મોઢા ની એક રેખા આડા અવળી જોઈ ને આખી વાત જાણી જનારી આજે આ ઘર આ બાપ બધું જ મૂકી ને ચાલી જવાની છે આ વિચાર માત્ર દરબાર ની આંખો ભીંજવી જાય છે.
ગામને પાદર જાન આવી પહોંચી છે જોરશોર થી સામૈયા થાય છે ,વરરાજા ના ઓખણા પોખણા થયા, માયરા થયા બધી લગ્ન વિધિ પછી આખરે વિદાય નો સમય આવ્યો.
ભારે હૈયે અને ભીંજાયેલી આંખે પોતાની વ્હાલસોઈ દીકરી,પોતાના કાળજાના કટકાને વળાવ્યો.
દીકરી ને વળાવ્યે દસેક દિવસ થઈ ગયા પણ તો એ દરબાર ના મોઢા પર હજી નૂર આવ્યું નઈ કેહુર એ ઘણી ઘણી મહેનત કરી પણ દરબાર તો બસ ઘોડાહર માં કેસર પાસે ઘણો વખત બેસી રહે અને મેડી એ જઈ ને સૂઈ જાય.
થોડા વખત પછી દીકરી અને જમાઈ આંટો મારવા આવ્યા દરબાર ગાંડા બની આગતાસ્વાગતા કરવા લાગ્યા થોડા દિવસ રોકાણા પછી ફરી દરબાર ની ડેલી સુની થઈ પણ આ વખતે દીકરી ના કહેવાથી દરબાર સુનમુન નથી બેસી રહેતા.
આમ ને આમ વૈશાખ મહિનો આવ્યો બધા ખેતી ના કામ માંથી પરવારી ગયા,વૈશાખ ઊતરી જેઠ મહિનો બેઠો બધા નેવાં કરી કરી ને આકાશ સામું મીટ માંડી રહ્યા છે k હમણાં વાદળી ચડશે ને હમણાં વરસશે પણ વાટ વાટ માં ને અષાઢ પણ ગયો અને શ્રાવણ આવ્યો .
શ્રાવણ માં બધા ને આશા હતી કે આવશે વરસાદ પણ આવ્યો નઈ અને ગોકુળ આઠમ પણ આવી ગઈ ઉત્સવ રખાયો પણ કોઈ ના મોઢા પર હરખ નથી દેખાતો.
ભગવાન કૃષ્ણ ને બે હાથ જોડી દરબાર વિનવે છે પણ આજે તો કુદરત પણ રૂઠ્યો હોય એવું લાગે છે,રાપર માં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ નું એક ટીંપુ એ નથી પડયું,ચારે બાજુ હાહાકાર,પાણી ની તંગી અને ભૂખમરી ફેલાવા લાગી છે.