Mardani 3 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | મર્દાની 3

Featured Books
Categories
Share

મર્દાની 3

મર્દાની 3
- રાકેશ ઠક્કર
 
         રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 2’ (૨૦૧૯) ને પહેલા દિવસે રૂ.3.8 કરોડ મળ્યા હતા.   ‘મર્દાની 3’ (૨૦૨૬) ને રૂ.4 કરોડ મળ્યા છે. આનો અર્થ એ છે કે રાનીના જે વફાદાર ચાહકો છે તે જ આ ફિલ્મ જોવા જાય છે. નવી પેઢી કે માસ ઓડિયન્સ આ ફ્રેન્ચાઈઝીમાં ખાસ ઉમેરાયું નથી. વર્ષો વીતવા છતાં કલેક્શનમાં મોટો ઉછાળો ન આવવો એ નિર્માતાઓ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આ સૂચવે છે કે ફ્રેન્ચાઈઝીએ હવે તેના 'કન્ટેન્ટ' અથવા 'પ્રેઝન્ટેશન' માં મોટા ફેરફારો કરવાની જરૂર છે જેથી તે માત્ર જૂના ફેન્સ પૂરતી સીમિત ના રહે.
 
         આજકાલ ક્રાઈમ થ્રિલર કન્ટેન્ટ OTT પ્લેટફોર્મ્સ પર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પ્રેક્ષકોને લાગે છે કે આવી ફિલ્મો થોડા દિવસોમાં ઘરે બેઠા જોઈ શકાશે. તેથી તેઓ થિયેટર સુધી જવાનું ટાળી રહ્યા છે. ફિલ્મને OTT પર રજૂ કરવાની જરૂર હતી એમ પણ લાગશે. રાની મુખર્જી ફરી એકવાર એસ.પી. શિવાની રોયના દમદાર અંદાજમાં પાછી ફરી છે. આ વખતે આઠ વર્ષ બાદ તેનો મુકાબલો એવા વિલન સાથે છે જે જોવામાં સીધા લાગે છે પણ અંદરથી ખતરનાક છે.
 
         આ ફિલ્મ એક તરફ રાની મુખર્જીના અભિનયની પરાકાષ્ઠા છે તો બીજી તરફ બોલિવૂડની ટિપિકલ ક્રાઈમ થ્રિલર ફોર્મ્યુલાનું પુનરાવર્તન પણ છે. રાનીએ ફરી સાબિત કર્યું છે કે લેડી સિંઘમ કે લેડી કોપનો રોલ તેના સિવાય બીજું કોઈ આટલી શિદ્દતથી ભજવી શકે તેમ નથી. શિવાની તરીકે તેની ગંભીરતા, વાત કરવાની રીત અને એક્શન દ્રશ્યોમાં તેની એનર્જી કમાલની છે.
 
         ફિલ્મમાં કોઈ ફાલતુ ગીતો કે ગ્લેમર નથી. માત્ર અને માત્ર શિવાનીનો કેસ ઉકેલવાનો જુસ્સો છે. ‘મર્દાની’ સીરીઝ હંમેશા તેના ખતરનાક વિલન માટે જાણીતી રહી છે. પહેલા ભાગમાં તાહિર રાજ ભસીન અને બીજા ભાગમાં વિશાલ જેઠવાએ જે સ્તર સ્થાપિત કર્યું હતું તેને અમ્મા (મલ્લિકા પ્રસાદ) એ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેણે પોતાના પાત્રમાં અદભૂત કામ કર્યું છે. અમ્મા એક એવી સ્ત્રી છે જે દેખાવમાં ભલી લાગે છે પણ તેની અંદર એક ક્રૂર રાક્ષસ છુપાયેલો છે. તેની દેહાતી બોલી અને ઠંડા કલેજે કરેલા ગુનાઓ જોઈને પ્રેક્ષકોના મનમાં તેના પ્રત્યે નફરત પેદા થાય છે. જે એક કલાકારની સફળતા છે.
 
         એ સાથે જ જાનકી બોડીવાલાનું પાત્ર એક મોટું સરપ્રાઈઝ પેકેજ છે. ગુજરાતી સિનેમામાંથી બોલિવૂડમાં આવેલી જાનકીએ સાબિત કર્યું છે કે તે માત્ર ગ્લેમરસ રોલ્સ માટે નથી. ગંભીર અભિનયમાં પણ તે માહેર છે. ગુજરાતી ફિલ્મ 'વશ' થી જાણીતી બનેલી જાનકીએ આ ફિલ્મમાં એક મહત્વનું અને રહસ્યમય પાત્ર ભજવ્યું છે, જે ફિલ્મમાં મહત્વના વળાંકો લાવે છે. 'મર્દાની 3' ની સૌથી મોટી ખાસિયત જ એ છે કે આ વખતે રાની મુખર્જી સામે એક નહીં પણ બે એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના અભિનયથી પડદા પર મજબૂત હાજરી નોંધાવી છે.
 
         તટસ્થ રીતે જોઈએ તો મલ્લિકા પ્રસાદ અને જાનકી બોડીવાલાએ રાનીને માત્ર સાથ જ નથી આપ્યો, પણ ઘણી જગ્યાએ કાંટાની ટક્કર પણ આપી છે. રાની મુખર્જી જ્યારે શિવાની રોય તરીકે ગર્જના કરે છે, ત્યારે મલ્લિકા પ્રસાદ તેની સામે બિલકુલ વિચલિત થયા વગર જે ઠંડો આક્રોશ બતાવે છે તે કાબિલ-એ-તારીફ છે. જો આ બંને કલાકારો આટલા મજબૂત ન હોત તો શિવાની રોયનું પાત્ર આટલું ખીલીને બહાર ન આવ્યું હોત. કલાકારો વચ્ચેની આ જુગલબંધી જ ફિલ્મને જોવી મજેદાર બનાવે છે. ફિલ્મના ‘તૂ ઓરત હૈ, ઈસકા મતલબ યે નહીં કિ તુઝે રિયાયત મિલેગી. યાદ રખના, પાપ કા કોઈ જેન્ડર નહીં હોતા, ઔર મેરી સજા કા ભી નહીં’ અને ‘ડર સિર્ફ તબ તક લગતા હૈ જબ તક આપ શિકાર હૈં, જિસ દિન આપ શિકારી બન ગએ, ઉસ દિન ડર કા પતા બદલ જાતા હૈ’ જેવા સંવાદ રંગ જમાવે છે.
 
         ફિલ્મનો અંત થોડો અનુમાનિત છે. એવું લાગે છે કે વિલન શિવાની સામે બહુ જલ્દી હથિયાર હેઠા મૂકી દે છે. વાર્તામાં ટ્વિસ્ટ લાવવાના ચક્કરમાં બીજા ભાગમાં ફિલ્મ થોડી ખેંચાયેલી લાગે છે. ફિલ્મની ટ્રીટમેન્ટ ક્યાંક ને ક્યાંક ક્રાઈમ સીરીઝ જેવી લાગે છે. જેના કારણે સિનેમેટિક અનુભવ થોડો ઓછો લાગે છે. જો ત્રણેય ભાગમાં માત્ર શિવાની રોયનો અંદાજ અને ક્રાઈમ જ જોવા મળતું હોય તો પ્રેક્ષકોને તેમાં નવીનતા નથી લાગતી. નવા પ્રેક્ષકો ત્યારે ઉમેરાય જ્યારે ફિલ્મમાં કંઈક એવું હોય જે અગાઉ ક્યારેય ન જોયું હોય.
 
         આ ફિલ્મની વાર્તા સામાજિક બુરાઈઓ અને ક્રૂરતા પર આધારિત હોય છે. તે કોઈ 'ફેમિલી એન્ટરટેઈનર' કે 'મસાલા ફિલ્મ' નથી કે જેને દરેક વર્ગના લોકો જોવા જાય. આ ગંભીરતા જ કદાચ નવા પ્રેક્ષકોને ઉમેરાતા અટકાવે છે. જો ‘મર્દાની 4’ માં પણ એ જ ઘસીપીટી પોલીસ-વિલનની વાર્તા લાવવી હોય તો ચોક્કસપણે હવે તેને વિરામ આપવો જોઈએ. હવે જો તેઓ તેને OTT પર શિફ્ટ કરે અથવા વાર્તામાં કોઈ ક્રાંતિકારી ફેરફાર કરે તો આ બ્રાન્ડ જીવતી રહી શકે છે. ઘણીવાર કોઈ પાત્રને યોગ્ય સમયે ગુડબાય કહેવું તેના સન્માનમાં વધારો કરે છે.
 

         જો ‘મર્દાની’ ના નામે નબળા ભાગો બનતા રહેશે તો પહેલા ભાગની જે સારી છાપ છે તે પણ ધૂંધળી થઈ જશે. એક બાજુ સલમાન-શાહરુખ ‘સ્પાય યુનિવર્સ’ માં હેલિકોપ્ટરો ઉડાવે છે અને બિલ્ડિંગો તોડે છે અને બીજી બાજુ બિચારી ‘શિવાની રોય’ હજુ પણ મુંબઈની એ જ અંધારી ગલીઓમાં ટોર્ચ લઈને ચોર-પોલીસ રમી રહી છે. આદિત્ય ચોપરાએ બધું બજેટ ‘પઠાણ’ અને ‘ટાઈગર’માં વાપરી નાખ્યું અને રાનીને માત્ર એક જીપ અને બે કોન્સ્ટેબલ જ આપ્યા છે?!