"આ મૂર્તિ આમ પણ ખંડિત થઈ ગઈ છે. તો બદલાવવી પડશે. આ ખંડિત મૂર્તિ સ્થાપિત કરેલી તો ન રાખી શકાય.
આમ પણ આ મૂર્તિ સમુદ્રમાં પધરાવવાની છે. આ મૂર્તિ આ શૈતાનને આપી દઈએ તો એમાં આપણું શું બગડે? અને આ મૂર્તિ ના બદલામાં એ નિલમાધવની નવી મૂર્તિ થો આપે છે." આમ એક બાજુ ઉભીને સેન્ટિનલ કબિલાનો સરદાર સુહાન જંગલનાં સરદાર હારે વાત કરી રહ્યા હતાં.
કબીલાના સરદારની આ વાત સાંભળતા જ નિલક્રિષ્ના નિલમાધવની મુર્તી સુધી પહોંચવા પ્રયત્ન કરવા લાગી ગઈ...
આ મૂર્તિ તેનાં હાથમાં કેવી રીતે આવશે એ જ વિચાર સાથે દર્શનાર્થી વચ્ચેથી પસાર થઈ એ તરફ આગળ વધવા લાગી. થોડા સમયમાં ગુફાની અંદર ભીડ વધતા દર્શનાર્થીઓનો પ્રવેશ પણ બંધ થયો.
દૂર નજર કરતાં નિલક્રિષ્નાને દેખાયું કે એ સરદાર એની સૈના સાથે એ વ્હીલ વાળી ગાડીને ખેંચીને દરિયાનાં મોજાં સાથે બીજે જવા નીકળી ગયાં. એ અંધાર્યા ટાપુમાં વસવાટ કરતા કબીલાના લોકો સાથે સતત સંપર્કમાં હતાં.
એ અંધારિયો ટાપુ આ નિલમાધવના સ્થાનથી દસ-બાર કલાકની દુરી પર દરીયાની વચ્ચે હતો. આ જગ્યાએથી એનો પીછો કરતા નિલક્રિષ્ના ને અવનિલ એ લોકોને શોધવામાં સફળ રહ્યા. નિલક્રિષ્નાને તો દરિયાઈ જ્ઞાન પ્રાપ્ત હતું. પરંતુ અવનિલ પણ એની સાથે આ રીતે સમુદ્રનાં પાણીમાં રસ્તો કરી નિકળી રહ્યો હતો. એ જોઈને નિલક્રિષ્નાએ એને પૂછ્યું,
" આટલી દરિયાઈ ઊંડાઈ તું ખેડી શકીશ?"
" હા, હુ કરી શકીશ, કદાચ પૂર્વભવનું જ્ઞાન છે!"
આ વાત પુરી કરતાં ફરી મસ્તીમાં એ કહેવા લાગ્યો,
" નિલક્રિષ્ના તું જાણતી નથી! વિષ્ણુનો મત્સ્ય અવતાર
મેં જ ધારણ કર્યો હતો...!"
દરિયાનાં મોજાંની સાથે એ હસી ખુશીનું મોજું એ બન્ને પરથી લહેરીને ઉંચુ ઉઠ્યું.
સમુદ્રમાં દુર અંધારિયા ટાપુમાં વસવાટ કરતી સેન્ટિનલ જનજાતિની પ્રજા"લોના બેના" ફેસ્ટીવલની તૈયારી કરી રહી હતી. આ વર્ષે આ ઉત્સવમાં આ કબીલાની બહારનાં બીજા દરિયાઈ કબીલાનાં જૂથોનાં લોકોનો પણ પ્રવેશ થયો હતો. ત્યાં પહોંચીને આ કબીલાનાં લોકોની વાતો એ છાની છુપી રીતે સાંભળવા લાગ્યા.
આવું કેમ એ સમજાતું ન હતું? જે કબીલા હંમેશા કોઈ
માણસ વસાહતો કે બાજુના શહેરોની આસપાસ ફરકતાં પણ ન હતા, અને કોઈને પોતાની જગ્યા સુધી પહોંચવા પણ દેતા ન હતા. એ અચાનક બધાને આ અંધારિયા ટાપુમાં આવવાનું આમંત્રણ આપવા લાગ્યાં.
આગળ થોડેદૂર ચાલતા એનાં કાન સુધી કબીલાના લોકોનાં અવાજની કિલકારીઓ વધુ સંભળાવવા લાગી.
એ અવાજો કરી મહોત્સવની ખુશી વ્યક્ત કરી રહ્યા હતાં. બીજી બાજુ બહારથી આવેલા કબીલાનાં લોકોનું સ્વાગત થઈ રહ્યું હતું. ઠેકઠેકાણે નજર કરતાં લાકડા સળગાવેલા હોય એવું દેખાઈ રહ્યું હતું, અને એ આગમાં કંઈક રંધાતું હોય એવું દેખાતું હતું.
દીવથી આ મહોત્સવમાં પોતાનો માલ લઈને આવ્યા હતાં એ લોકો માલ સાથે અહીં પહોંચ્યા હતાં. નિલક્રિષ્ના અને અવનિલ ત્યારે પણ જાણી શક્યાં ન હતાં કે આ ગાડીમાં છે શું? અને અહીં ફરીથી એજ બાર વ્હીલ વાળી ગાડી જોઈને એ હેરાન હતાં. આ લોકોને આવતા જોઈ એ ગાડીને ખેંચવા અહીંના કબીલાની પ્રજા ત્યાં સુધી દોડીને પહોંચવા લાગી.
પોતાની પાસે રહેલ દૂરબીનથી જોતાં અવનિલને ખબર પડી કે, "કબિલાના એક ભાગમાં ડેડ બોડી રાખેલી છે." જે માણસ પૃથ્વી પર મૃત્યુ પામતો એ બોડી આ કબીલાના લોકો ચોરી લેતા હતાં. એ વાતની જાણ પૃથ્વી પર કોઈને હજુ સુધી કદાચ થઈ ન હતી. આ ડેડ બોડી કબીલાના માણસો દ્વારા આકાશી માર્ગથી આવેલા આ રાક્ષસોને સોંપવામાં આવી રહી હતી. કબિલામા આ બધું થતું જોતાં એ બંને જંગલમાં અંદર આગળ ઘુસવા લાગ્યા.
થોડેદુર જતાં એણે જોયું કે, "આ રાક્ષસો અને કબિલાના લોકો વચ્ચે કોઈ વસ્તુ માટે મિત્રતા થઈ રહી છે."
એક સજીવ માણસનું હજાર વર્ષનું જીવન થાય, એ માટે સામે એક લાશની માંગણી થઈ રહી હતી. એક અનોખી ડીલ થતી જોઈને એ બન્ને ચોકી ગયા.
"આમ પણ આપણે ક્યાં ખોટું કરી રહ્યા છીએ. મરણ થતાં ડેડ બોડીને તો બધાં સળગાવી જ નાખે છે. એ કોઈનાં ઉપયોગમાં તો નથી આવતી. આ લાશોથી આપણને જીવન મળે અને એ પણ હજાર વર્ષનું આયુષ્ય તો શું ખોટું ?"
આ આખો પ્લાન સાંભળી અવનિલ અને નિલક્રિષ્નાના પગ તળેથી જમીન સરકી રહી હતી.
પાશાણ યુગથી ચાલી આવતી પરંપરામાં ઘણાં આદિવાસીઓએ આધુનિકતા અપનાવી હતી. અને ધણાં બદસે બદતર થતાં જતાં હતાં. કદાચ અહીં એવા કાંઈક ષડયંત્રની શરૂઆત થઇ ચૂકી હતી કે, લોકો હેવાન બની રહ્યા હતાં.
આ બધું સાંભળ્યા પછી અવનિલ એ ટાપુના ખૂણે ક્યાંક અઘોચરમાં છુપાવા જતો હતો. અહીંથી કંઈ બાજુ જવું એ એને ખબર ન પડી. ખુંખાર પ્રાણીઓનો ડર પણ લાગવા લાગ્યો. અહીં આદિવાસી કરતાં પણ જંગલી પ્રાણી વધારે દેખાતાં હતાં. એટલું ગાઢ જંગલ હતું.
ત્યાં નિલક્રિષ્ના પણ એજ જગ્યાએ આવી પહોંચી જ્યાં અવનિલ ફસાયો હતો. બન્ને ત્યાંથી જેમ જેમ આગળ વધવાની કોશિશ કરતા હતાં, તેમ તેમ આદિવાસીઓનો ખૌફ વધુ લાગતો જતો હતો. ત્યારે અચાનક તેનાં પગમાં કંઈક અથડાયું.
તેનાં પગમાં કંઈક આવતા એને નીચે જોયું તો ખબર પડી કે, એ આગળ ચાલતા રસ્તે માણસોની ખોપરીઓ, હાડપિંજર અને માસ, મટનનાં લોચા પડ્યા હતાં. આગળ જતાં પ્રાણી અને મનુષ્યો બન્નેની ખોપરીઓનો ઢગલો હતો. "માણસ મળતા માણસ અને પ્રાણી મળતા પ્રાણીનું ભક્ષણ કરી જતાં હોય એવું આ કોણ હશે ?"
આ બધું જોતાં લાગ્યું કે, આ કબીલાનાં માણસોનું કાર્ય હોય શકે. થોડું આગળ ચાલતા ખબર પડી કે, 'આગળનાં કબીલા નરભક્ષી કબીલા છે.'
જે જગ્યાએ નિલમાધવની મુર્તી કબિલાનો સરદાર આ શૈતાનોને આપી રહ્યો હતો, એ જગ્યાએ નિલક્રિષ્ના આવી પહોંચી. એ રાખેલ મૂર્તિમાં રહેલું હ્દય લઈને એ ત્યાંથી છાને પગે કોઈને પણ ખબર ન પડે એ રીતે બહાર નીકળી ગઈ. નિલક્રિષ્નાએ એ હ્દય અવનિલને સાચવવા આપી દીધું. હવે જે કામ માટે એ બન્ને આવ્યાં હતાં. એ કામ પૂરું થઈ ગયું હતું. તેથી એ બન્ને છુપાઈને અહીંથી બાર નિકળી જવા માંગતાં હતાં. ત્યાં અચાનક પાછળથી એનાં શરીરમાં ભાલાની અણીઓ ખૂચવા લાગી. પાછળ વળીને જોયું તો એ બન્ને આદિવાસીઓનાં કબજામાં આવી ગયા હતાં.
કબીલાનાં સિપાહીઓ દ્વારા એ બન્નેને અંદર કબીલા તરફ લઇ જવામાં આવ્યા. આ આદિવાસીઓને પોતાની કોઈ ભાષા ન હતી. એ લોકો એકબીજાને ઈશારો કરીને સમજાવતાં હતાં.
"નિલમાધવનું હ્દય ચોરાઈ ગયું છે." એ વાતની કબીલામાં આવેલા દૈત્ય રાક્ષસોને ખબર પડે, એ પહેલાં આ સિપાઈઓના કબજામાંથી એ બન્ને છટકી જવા માંગતા હતાં.
ત્યાં કબીલાના માણસ દ્વારા એ શૈતાનનાં રાજાને ખબર પડી કે, "કોઈ અજાણ્યા બે વ્યક્તિ એનાં ટાપુમાં ઘુસ્યા છે." એ શેતાનના રાજાએ એ બન્નેનાં મરેલા મૃતદેહને આરોગવાની કામના બતાવી. એણે રાતોરાત એક શૈતાનને એનો ખાતમો કરવા મોકલી દીધો.
જ્યાંરે એ બન્ને કબીલાનાં લોકોથી છૂટીને ભાગી રહ્યાં હતાં. ત્યારે દૂરથી એક ધારદાર હથિયારનો ઘા અવનિલને અડતાં રહી ગયો. ત્યારે જ નિલક્રિષ્ના મનમાં એક વિચાર આવ્યો. અને એને તરત જ એ વિચારનો અમલ કર્યો.
નિલક્રિષ્નાએ આ કબીલાના સિપાહીનું રૂપ ધારણ કરી લીધું. અને અવનિલને થોડેદુર જંગલમાં પહોંચતાં કહ્યું કે, "આ દિલને તું તારી પાસે સુરક્ષિત રાખજે. અને મને આ કૃત્રિમ દુનિયામાં કોઈ મારી શકશે નહીં. પરંતુ, તારી જાનને જોખમ છે. હવે આ કબીલાનાં લોકો આપણને અહીંથી આગળ વધવા નહીં દે...! એ શક્તિશાળી છે. શૈતાનોના રાજાએ આપણને રાતોરાત મારી નાખવા અને આપણા મૃતદેહ એનાં સમક્ષ પેશ કરવાનું કહ્યું છે. એટલાં માટે હું આ સિપાહી બનીને તારી સમક્ષ એટલે આવી છું કે, આપણે બંને આમ સાથે ભાગી નહીં શકીએ. પરંતુ તું જેટલું દૂર ભગાઈ એટલું ભાગી જા...! હું તારાં અને મારાં મૃત દેહ કબીલાના સરદાર પાસે લઈને જાઉં છું. આ ભ્રમ હશે! પરંતુ શેતાનોને આ સત્ય જ લાગશે. હું સિપાઈ વેશમાં છું. એટલે કોઈ મને ઓળખી નહીં શકે અને આપણાં મૃત દેહ ત્યાં પહોંચી જશે એટલે કોઈ તારી પાછળ તને શોધવા નહીં આવે. તું સુરક્ષિત રીતે બહાર નીકળી ને સમુદ્રનાં રસ્તેથી ફરી સોમનાથ પહોંચી જજે, હું આ કૃત્રિમ દુનિયામાંથી નિકળીને તને મળવા આવીશ. તું હવે ભાગ જલ્દી, મેં આપેલું આ દિલ સંભાળીને રાખજે, અસલી દુનિયામાં આપણે ફરી મળીશું."
અવનિલને નિલક્રિષ્નાને મૂકીને જવાનું મન થતું ન હતું. પરંતુ નિલક્રિષ્નાએ અવનિલને પોતાની વાત રાખવાનો મોકો જ ન આપ્યો. આખરે અવનિલ ત્યાંથી બહાર નીકળી આગળ કબીલાની સીમા ઓળંગીને પેલે પાર ઉતરી ગયો.
હવે બહાર નિકળવા માટે અવનિલ પાસે એક જ રસ્તો હતો. એ રસ્તો સમુદ્રમાંથી થઇને નિકળતો હતો. અવનિલે સમુદ્રમાં કૂદકો માર્યો ત્યાં જ અચાનક એની ઘોડી એનાં સમક્ષ પ્રગટ થઈ ગઈ. અને એ નિલક્રિષ્નાએ આપેલા દિલને લઈને સમુદ્રમાં ડુબકી મારી આ ખતરાની નિશાની વટી તરતી ધોડી પર બેસીને ત્યાંથી દુર નિકળી ગયો. ઘણે દૂર સમુદ્રમાં આગળ વધતાં અચાનક એને એક ખુલ્લી જગા જોઈ, અવનિલ એની ઘોડી સાથે એ જગાએથી સોમનાથ તરફ જવાનો રસ્તો શોધવા લાગ્યો.
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️