Marriage is not a Gender Competition. in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | Marriage is not a Gender Competition.

Featured Books
Categories
Share

Marriage is not a Gender Competition.

મેરી કોમ એક પ્રસિધ્ધ બોકસર અને ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવેલા અને ખાસ કરીને તેમના "આપ કી અદાલત" ના ઇંટરવ્યૂ પછી જુદા જુદા લોકો પોતાની સૂઝ સમજ મુજબ આખી ઘટનાને નિહાળી અને સોશિયલ મીડિયા પર ચગાવી. આ વાત પર આપણે વધુ કઈં ચર્ચા કરીએ તે પહેલા થોડો સંદર્ભ આપ સૌ વાચક મિત્રોને આપી દઉં.

મેરી કોમ અને કે. ઑનલર કોમના લગ્ન 2005માં થયેલ, તેમને ચાર સંતાનો છે. અને 2023માં તેઓ ડિવોર્સ લઈને છૂટા થયા, આ આખી ઘટના પછી વર્ષ 2026 જાન્યુઆરી મહિનામાં મેરી કોમએ તેમના ઇંટરવ્યૂ દરમ્યાન જણાવ્યું કે, "Who is this man sits and lives on woman's earnings?" અને વધુમાં જણાવાયું કે તેમના ભૂતપૂર્વ પતિએ તેમની સાથે નાણાંકીય ફોર્ડ અને ચીટિંગ કર્યું છે, તેનું ક્યારેય કોઈ કરિયર હતું જ નહીં, આખી વાત ખૂબ ચર્ચામાં આવી અને ત્યારબાદ તેના પ્રતિઉતર રૂપે, કે. ઑનલરએ જાણવાયું કે, મેરી કોમના આ બધા જ આરોપો ખોટા છે, વાસ્તવિકતામાં મેરી કોમના લગ્ન બહારના અનૈતિક સબંધોના (Extra Marital Affair) કારણે અમે છૂટા પડયા હતા.

આ ઉપરાંત ક્રિકેટરો, એક્ટર્સ અને નામચીન લોકોના છૂટાછેડાના સમાચારો અવારનવાર આપણે કાને પડે છે, ખાલી સિલિબ્રિટસ નહીં પણ આપણી આસપાસના ઘરોમાં પણ છૂટાછેડા એટલા જ સહજ થઈ રહ્યા છે આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં વર્ષ 2024માં 62,146 જેટલા મરાઈટલ ડિસપયુટને લઈને કોર્ટ કેસો નોંધ્યા જે 2023 કોર્ટ કેસોમાં 27,194 હતા. આ આંકડાઓનો પ્રવાહ અને યુવાનોનો ટકાઉં લગ્નજીવન પરનો વિશ્વાસ બે અલગ દિશામાં વધી રહયો છે . બે વ્યક્તિઓના છૂટા પડવાની ઘટનામાં ઘણી વખત માત્ર એક-બે કારણો બહાર આવતા હોય છે પણ મોટાભાગના કેસોમાં ડિવોર્સ એ ઘણા સમયથી ચાલતા મૂંગા આવેગાત્મક યુદ્ધનો અંત હોય છે.

તો આજે આ મુદ્દા પર વાત કરીએ, લગ્નજીવનમાં જીવતા બે વ્યક્તિઓનું વર્તન, પ્રેમ અને તેમનો એકમેક પ્રત્યેનો સંબંધ સમય અનુસાર બદલાય છે અને જો એક જૂની માનસિકતા લઈને લગ્નજીવન કે પ્રેમજીવનનો આરંભ કરીશું તો બહુ લાંબુ નહીં જ ટકે, કાં જેવુ તમે ધાર્યું હશે તેવું નહીં ચાલે.

1. લગ્ન એટલે એકમેકની ભાગીદારી, આ કોઈની સત્તાનું પિરામિડ નથી.

લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો કાયમી કરાર છે, આમાં કોઈ મોટું કે નાનું નથી. બંને પક્ષ પોતપોતાની જગ્યા પર સમાનતા અને વિભિન્નતા સાથે જોડાય છે. લગ્નની વિધિઓ પણ એ જ કહે છે અને આપણા રિવાજો પણ. ભારતીય લગ્નોમાં મોટાભાગે પુરુષોનું સ્થાન ઊંચું રહ્યું છે, પુરુષએ લીધેલ નિર્ણય જ ફાઇનલ માનવામાં આવે, અને કેટલાક બધા ઘરો તો એવા છે જ્યાં આવા વ્યવહારીક કે ધંધાકીય નિર્ણયોમાં સ્ત્રીઓની હાજરી નિર્જીવ ફર્નિચર જેવી હોય છે. અને ઘણી જગ્યાઓ પર જ્યારે જાગૃત સ્ત્રીઓ ચર્ચમાં ઉતરે છે ત્યારે તેઓનું મોં બંધ કરી દેવામાં આવે છે કાં તો વડીલો દ્વારા મેણાં ટોણાં મારીને, કાં તો પછી સ્ત્રીના opinionને અવગણીને.

2. આર્થિક પારદર્શકતા એ અતિ આવશ્યક છે.

આધુનિક ભારતમાં જ્યાં બંને પતિ-પત્ની અર્થોઉપાર્જન કરે છે ત્યારે એ બહુ જરૃરી છે કે, આર્થિક પારદર્શીપણું રહે, આવક કેટલી આવે છે અને ક્યાં અને કઈં રીતે વપરાશે અને સેવિંગ્સ થશે. ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં સ્ત્રીઓ પોતાની કમાણી ભેગી કરીને રાખે અને ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષના ખંભે લાદી દેવામાં આવે, અને ઘણી વખત આનાથી એકદમ વિરુદ્ધ પણ થતું હોય છે, ત્યારે રોમાન્સની રૂહ મરી પરવારે છે અને કાંતો કોઈ વ્યક્તિ જતું કરે છે કાંતો આખો સંબંધ પડી ભાંગે છે. ત્યારે ઘરમાં આવતી આવકની એક ચોક્કસ રૂપરેખા જો અગાઉથી દંપતિ મળીને નક્કી કરી રાખે તો સંબંધ વધુ મજબૂત બનાવી શકાય અને એક વ્યક્તિને આ ભારથી દબાતો અટકાવી શકાય.

3. સપોર્ટ એ જાતિગત નહીં પણ પરસ્પરની સમજણનું પાસું છે.

માત્ર સ્ત્રી હોવાથી તે ઘર સંભાળશે અને પુરુષ હોવાથી તે "Bread Earner" (કમાતી વ્યક્તિ) બની જશે આ વ્યાખ્યા સદીઓ જૂની થઈ ગઈ, આજે પતિ-પત્ની પોતાની પસંદગી અને અંગત સમજૂતીને આધારે નક્કી કરશે કે કોણ પદડાની આગળ આવીને ભૂમિકા ભજવશે અને કોણ પડદાની પાછળનો કારભાર ઉપાડશે, જેટલા યુગલોએ પરસ્પરની સમજણ સાથે આ નિર્ણયો લીધા હોય છે તેમનો પ્રેમ, ખુશી અને બેંકની આવક ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે છે, બાકી આપણે બધા સાક્ષી જ છીએ કે છ-બાર મહિનાની વચ્ચે યુગલો લગ્ન મંડપથી ફેમિલી કોર્ટ સુધી પહોંચી જતાં હોય છે.

4. અંગત ઓળખ એ લગ્ન જીવનને ટકાવે છે.

2012માં આવેલી English Vinglish ફિલ્મઆનું ઉતમ ઉદાહરણ છે, જ્યારે વ્યક્તિ પતિ પત્નીના લેબલથી પર થઈને પોતાની ઓળખ ઊભી કરે છે ત્યારે માત્ર આત્મવિશ્વાસ નથી વધતો પરંતુ તેના સંબંધને એ નવી રાહ મળે છે. એ પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે જરૂરી છે, પ્રેમમાં ઉગવું, અને જેટલું તે પોતાની જાતને ઉજવવાની ક્ષમતા ધરાવે છે તેટલું જ વધુ સારું સમાયોજન તેઓ લગ્નજીવનમાં કરી શકે છે.

5. સમસ્યા સહજ છે પણ તેનો ઉકેલ એકમેકના સમ્માન સાથે મેળવવો એટલું જ અગત્યનું છે.

જીવન છે ત્યાં સુધી કોઈને કોઈ મૂંઝવણ અને સમસ્યા રહેવાની જ છે, પણ તે કપરા સમયમાં તમે એક યુગલ તરીકે પરસ્પર કઈ રીતે વર્તો છો તે સાબિત કરે છે, કે લગ્નનો પાયો કેટલો ઊંડો છે. રોમાન્સથી લબલબતા સમયમાં અને યુવાનીના આવેશો સમી ગયા પછી અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમના નગારાં વગાડીને અસલ જીવનમાં એકબીજાનું સમ્માન ના કરી શકતા હો તો સમજવું કે તમારો સંબંધ પણ "Dil Dhadkene Do" ફિલ્મના માનવ અને આયેશા જેવો ખોખલો જ છે.

6. સંબંધને કોઈ જાતિ નથી.

કોઈ જોબ એપ્લિકેશન કરતી વખતે તેમાં સ્પષ્ટ શબ્દોમાં તમારો રોલ અને જવાબદારી લખેલી હોય છે, લગ્નની કંકોત્રીઓમાં કે લગ્નની ચોરીની બહાર આવી કોઈ પણ પ્રકારની ડિસ્ક્રીપશન હોતી નથી. પતિ અને પત્ની મળીને પોતાના નિયમો નક્કી કરે છે જે તેમના માટે અને તેમની આવનારી સંતતિ માટે યોગ્ય પરિણમે, એટલે સંબંધ અને તેને લગતી ભૂમિકા જાતિગત નહીં પણ વ્યક્તિગત રીતે નક્કી થાય છે. આનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના ડૉ. આઈ. કે. વીજળીવાળા અને તેમના પત્ની કૃતિકાબહેન છે. જ્યારે તેઓ માતા પિતા બન્યા ત્યારે બંનેએ પરસ્પરની સમજણથી નક્કી કર્યું કે, કૃતિકબહેન તેમના ટાઈમટેબલ અનુસાર 11 થી 6 શાળામાં વિધ્યાર્થીઓને ભણાવા જશે, તે સમયગાળામાં ડૉ. આઈ. કે. વીજળીવાળા પોતાની ક્લિનિક બંધ રાખીને એક પિતાની ભૂમિકા ભજવશે તે જ મુજબ ડોકટરની ગેરહાજરીમાં કૃતિકાબહેન પોતાની માતા હોવાની ભૂમિકા અદા કરશે.

7. પ્રેમ સંબંધને એક ચોક્કસ સમજણરૂપ બાઉન્ડ્રીની જરૂર છે, નહીં કે આંધળા વિશ્વાસની.

"પ્યાર મેં આદમી અંધા હો જાત હૈ!" આ કહેવત ઘણી વખત સાચી પડતાં જોઈ છે, અને પ્રેમમાં માત્ર માણસ આંધળો જ નહીં લાચાર અને પાંગળો પણ થઈ જતો હોય છે, લગ્ન પહેલા જે રીતે આપણે બધી પ્રારંભિક તૈયારીઓ આદરીએ છીએ, પ્રિ - વેડિંગ શુટથી લઈને હનીમૂન સ્વીટ સુધીની અને ઘણી વાર લિવ-ઇનમાં રહીને શારીરિક જરૂરતની કમ્પેનિયનશીપની ખાત્રીઓ પણ કરીએ છીએ ત્યારે આપણે આપણી માનસિક જરૂરત અને આંતરિક જાતનો સુમેળ ચકાસવો અતિ આવશ્યક છે.

રિસર્ચ અનુસાર 75% યુવાનનો માને છે, તેમના માટે લગ્ન જરૂરી નથી, યોગ્ય લગ્ન જરૂરી છે. મોટી ઉંમરે લગ્ન બહુ કોમન છે. આજના લગ્નોમાં જેમ નવતર ટ્રેન્ડ આવે છે તેમ લગ્નને ટકાવી રાખવા એક નવો ટ્રેન્ડ શરૂ કરવો જ રહ્યો જો આપણે ખરેખર એક મજબૂત અને ટકાઉં દાંપત્ય જીવન ઇચ્છતા હોઈએ. જેમાં સમ્માન પહેલા અને અહમ પછી રાખવામાં આવે, જ્યાં મનોસ્થિતિ અને પરિસ્થતિનું મહત્વ હોય નહીં કે રિવાજો અને રૂઢિઓને આંધળું અનુકરણ અને ખાસ તો જ્યાં પાર્ટનારશીપ હોય નહીં કે પાવરશીપ.

Happy Valentine's Day

લી. ડૉ. હિરલ મહેશભાઇ જગડ

(Counseling therapist, PhD, RCT-C) hirb2624@gmail.com