( આગળનાં ભાગોમાં આપણે જોયુ હતું કે, સમુદ્રની ઊંડાઈ સુધી રેતમહેલમાં પહોંચેલી ધરા ને હેત્શિવાએ સન્માન સાથે પોતાની સખી બનાવી હદયમાં સ્થાન આપ્યું હતું. અગ્નિ મહોત્સવમાંથી છુટા પડ્યાં પછી ધરા રેતમહેલ પહોંચી શકી ન હતી. અત્યારે એ ક્યાં છે, એ વિશે હેત્શિવા કશું જાણતી ન હતી.
ધરા ને યાદ કરતાં બાબા આર્દે હેત્શિવાને કહ્યું,
"ધરા રેતમહેલમાં ફરી ન પહોંચી એનું મૂખ્ય કારણ રાક્ષસી વૃજા છે. રાક્ષસી વૃજા તો તને યાદ જ હશે ને! આજે આટલા વર્ષો પછી પણ નિલક્રિષ્ના માટે એ તડપે છે. એ જ કારણસર એ ધરાને પવનમહેલમાં ઉઠાવી ગઈ છે."
આ સાંભળી હેત્શિવા ક્રોધે ભરાઈ. હજું પણ એને વર્ષો પહેલાંનો એ દિવસ યાદ હતો. એ દિવસે વૃજાને જીવિત છોડવાની એને મોટી ભૂલ કરી હતી.
આ ઝૂંપડીની બારીએથી પવનમહેલમાં એ જોઈ રહી હતી કે, વૃજા ધરા પર જુલમ કરી રહી છે. આ જોઈને પોતાનો ગુસ્સો પોતામાં જ એ સમાવા લાગી. કેમ કે, એ વૃજા સમક્ષ પ્રગટ થશે તો નિલક્રિષ્નાનો ગુપ્ત વાસ એને ખબર પડી જશે.
બાબા આર્દે એની સાધના અને તપથી જોયેલું એક રાજ હેત્શિવાને કહેવા લાગ્યા,
" સ્યામંતક મણીની શોધ માટે દૈત્યો શૈતાની તાકતનાં એ નર્કના દ્વાર ૫૦૦૦ વર્ષ પછી ખોલવાનાં છે. કેમ કે, એ મણી નિલક્રિષ્ના પાસે હોય એવો સંકેત એને મળે છે."
હેત્શિવા : "શિવમન્યુએ મહાદેવનાં અસ્ત્રથી વિરમન્યુને માર્યો હતો. મને હજું પણ એ દિવસ યાદ છે. વિરમન્યુ અને શિવમન્યુ બન્નેને મેં એક સાથે જ મોટાં કર્યાં હતાં. એ બન્નેને મેં એકસરખો જ પ્રેમ આપ્યો હતો. જ્યારે વિરમન્યુને દૈત્યો લેવા આવ્યાં ત્યારે મેં વિરમન્યુને દૈત્યોને હવાલે ન કરતાં એનો સારો ઉછેર કરવાની પુરતી કોશિશ કરી. કેમ કે, શૈતાન દૈત્યો એને ખરાબ વૃતિનાં પાઠ જ શીખવવાનાં હતાં એનાં વરદાનથી પ્રાપ્ત કરેલાં સમુદ્ર પુત્ર વિરમન્યુ પર પોતાનો હક જતાવી દેવતાઓ જબરદસ્તી કરવાં લાગ્યાં.
હાં, સમુદ્રકે દૈત્યોને એક પુત્ર આપવાનું વરદાન આપ્યું હતું. પરંતુ હું એ વરદાન સાથે બંધાયેલી ન હતી. શૈતાનો સામે યુધ્ધ કરીને મેં વિરમન્યુને દૈત્યોને હવાલે ન થવા દીધો. પરંતુ હું એને ગમે એટલા સંસ્કાર આપવા મથું તોય એનાંમાં જે રાક્ષસી દૈત્યો જેવી વૃતી હતી એ દિવસે ને દિવસે વધતી જતી હતી. સમુદ્રકના પુત્ર વિરમન્યુ અને શિવમન્યુ વિશે તમે જાણતા જ હશો. દેવી પૂત્ર શિવમન્યુ પૃથ્વીનાં મનુષ્યની ભલાઈ ઈચ્છતો હતો. જ્યારે દૈત્ય પૂત્ર વિરમન્યુ શૈતાની રાક્ષસી વૃત્તિ ઘરાવતો હતો. એ આખી પૃથ્વી પર પોતાનું આધિપત્ય ઈચ્છતો હતો. બન્ને ભાઈઓ વચ્ચે હંમેશા યુદ્ધ થતું રહેતું. ભગવાન શિવનાં વરદાનથી મળેલા બ્રહ્માસ્ત્રથી શિવમન્યુએ વિરમન્યુના પ્રાણ લીધા. છેલ્લા શ્વાસે સમુદ્રમાં ઉંડે સુધી ઉતરી રહ્યો હતો, ત્યારે વિરમન્યુ એ શિવમન્યુને કહ્યું હતું કે,
"હું આવીશ પૃથ્વીનો વિનાશ કરવા! હું હજારો ગણી શક્તિઓ લઈને ફરી આવીશ. મને મારી શૈતાની તાકત પર પુરો વિશ્વાસ છે. યાદ રાખજે લોકોનાં મનમાં મુકેલી છાપો, ભક્તિની વાતો, ભગવાન પરની શ્રધ્ધા અંનતકાળથી ચાલતી બધી જ રસધાર શૈતાની ચાલમાં ચાલશે. તું શૈતાનોનું કંઈ બગાડી નહીં શકે. હું સમુદ્રની નીચે સુતાં સુતાં પણ સૃષ્ટિનાં એંસી ટકા લોકોને રાક્ષસ બનાવીને જંપીશ. હું ગમે એમ કરીને મનુષ્યોની પ્રભુભક્તિ છોડાવી દઈશ. અને એજ એંસી ટકા લોકો મને જીત સુધી પહોંચાડશે. તું જોતો રહીશ! ને કંઈ કરી નહીં શકે. આ દૈત્ય અને દેવતાની લડાઈમાં જીત શૈતાની તાકતની જ થશે. તું બહું મોટો દેવ થઈને ફરે છે ને...! આ એંસી ટકા લોકો તારા જેવા કરી ને બતાવ તો હું માનું કે, દેવ મોટો!
તું જોઈ લેજે બહું જ્ઞાની થઈને ફરે છે ને...! અત્યારે જે માણસાઈ છે એની કોઈ કિંમત નહીં હોય. પૈસા માટે પોતાનાં ધર્મનેં વહેંચી નાખનાર માણસનું જ એ યુગમાં સ્થાન હશે. આજ ભલે મારા તે પ્રાણ લીધા. પરંતુ મોતને હું નહીં ભેટુ, મેં જે શૈતાની બીજ રોપ્યા છે એ મારા ફરીથી ઉભા થતાં પારસમણી બની જશે. એ શૈતાનની જય જય થશે. શૈતાની શક્તિ બધામાં જાગેલી રહેશે. પૃથ્વી પરના બધાં માણસો એકબીજા પરથી વિશ્વાસુ ગુમાવી દેશે. લોકોમાં પરસ્પર સાથ સહકાર જોવાં મળશે નહીં. પોતાના જીવનનો સાચો ધર્મ શું છે? એવી તો કોઈ મનુષ્યને સમજ જ નહીં હોય."
આવાં અનેક કટાક્ષો કરી અત્યંત શૈતાની વૃતી સાથે અંતિમ સમયે વિરમન્યુ આવું કહેતો હતો."
બાબા આર્દ : "આ શેતાનનાં દ્વાર ખુલશે એટલે ધરતી પર એનો અતી રોબ જામશે. એનું નુકશાન મનુષ્યોએ ભરવું પડશે. કરોડો માણસની હત્યા કરી પોતાની જાતને સૌથી નીચ બનાવી જીવવાનો એને શોખ છે. માણસાઈને સાવ જડમૂળમાંથી હટાવી એ ધરતી પરથી પૌરુષ તત્વનો નાશ કરશે. સમજ કે, આ દૈત્યોએ આ વિરમન્યુને શૈતાની અવતાર ધારણ કરાવી એક જ્વાળામુખી પહેલેથી જ તૈયાર કરી લીધો છે. સોમનાથમાં છુપાયેલી સ્યામંતક મણી દ્વારા એ પોતાનું દૈત્ય લોક સોનાનું બનાવવાની કોશિશ કરશે. આ દૈત્ય રાક્ષસનાં વિશાળ સ્વરૂપને રોકી શકે એવી એક જ તાકત છે, એ છે નિલક્રિષ્ના!
નિલક્રિષ્નાની તાકત આ તલવારમાં છે. આ તલવાર દ્વારા એ સમુદ્રમાં ગમે ત્યાં રસ્તો બનાવી શકશે. માણસોને બચાવવાની એ પુરી કોશિશ કરશે. એ પહેલાં લોહીની નદીઓ વહેશે, દૈત્ય એ બનાવેલી વિરાસતમાં કળયુગ લાવવાની પુરી કોશિશ થશે. સતયુગનો દરવાજો સદા માટે બંધ થઈ જશે. અને લોહી લુહાણ થતાં લાખો લોકો મોતને ભેટી જશે. ફરી પૃથ્વી કેવી હશે અને એ માટે નિલક્રિષ્ના શું કરશે. એ બધી ભગવાનની લીલા હશે. નિલક્રિષ્ના અત્યારે મેં બનાવેલી કૃત્રિમ પૃથ્વીમાં એવાં વિશ્વની શોધ કરવા ગઈ છે. જે પૃથ્વીથી એકદમ સમાન હોય. આવનાર ભવિષ્ય હવે નિલક્રિષ્નાનાં હાથમાં છે."
હેત્શિવા: "આ શૈતાન દૈત્યો મનુષ્યનાં સાદગીભર્યો જીવનમાં પ્રવેશી સ્વાર્થવૃત્તિ, ઈર્ષા, અદેખાઈ, ચઢીયાતાપણું અનેક અવગુણોને ફેલાવી માનવતા મટાડી રહ્યા છે. અહીં ગુનાખોરી, અપહરણ કરતી વગેરે અલગ અલગ ગેંગનું સામ્રાજ્ય છવાયું છે. આ બંધી ગેંગનાં મૂળ આ દૈત્યોએ જ નાંખ્યું છે. એનું મગશદ દેવતાઓને હંમેશને માટે આ સૃષ્ટિથી દુર રાખવાનું છે. આમ કરી દૈત્યોએ તો અમને રાક્ષસોને પણ સારાં કહ્યાં. રાવણને તો મનુષ્યોએ ખોટો બદનામ કર્યો છે. રાવણમાં તો ઘણી બુધ્ધી હતી. આમ, દૈત્યો જે રીતે મનુષ્ય પર શૈતાની તાકતથી હાવી થયા છે, એ પરથી એવું લાગે છે કે, કોઈપણ મનુષ્યમાં સત્વ રહેશે નહીં.
બાબા આર્દ: " હા, સત્ય કહ્યું, દૈત્યોએ તો આખી સૃષ્ટિમાં દાનવીવૃત્તિ ફેલાવી રાખવાં માટે જ આ તોફાન ચાલુ કર્યું છે. પરંતુ મનુષ્યોએ પોતા પર શું કામ આવી શૈતાની બુધ્ધીને હાવી થવા દેવી જોઈએ."
હેત્શિવા: "દૈત્યોની શૈતાની બુધ્ધી એવી છે કે, એણે આ કેવી અજીબ વ્યુહરચના કરી વિરમન્યુને બનાવ્યો છે.
એનાંમાં રહેલી બુધ્ધી જો સાચી દિશામાં વળત તો આ સૃષ્ટિ ટેકનોલોજીમાં એક યુગ આગળ વધી જાત. પરંતુ જ્ઞાન સાથે એનામાં કૂટનિતી કૂટી કૂટીને ભરેલી છે."
આમ, બાબા આર્દ અને હેત્શિવા વાતોમાં મગ્ન હતા ત્યાં જ નિલક્રિષ્નાનો આવવાનો પગરવ સંભળાયો.
નિલક્રિષ્ના પોતાનું કાર્ય પૂર્ણ કરી સમય રહેતાં ઝૂંપડીમાં પહોંચી હતી. એને આવેલી જોતાં જ હેત્શિવાએ એને છાતી સરખી ચાંપી લીધી. નિલક્રિષ્નાને સોમનાથ મહાદેવ સમક્ષ ઉપસ્થિત કરવાનો સમય થઈ ગયો હતો.
એ અંધાર્યા ટાપુનાં એ કબીલામાં શું હતું એ બધી વાતો હેત્શિવાને કહેવા લાગી વાતોનાં અંતે નિલક્રિષ્ના એ પૂછ્યું કે,
"મા મને મળેલ આ કૃત્રિમ દુનિયાનો વ્યક્તિ અવનિલ ફરી અસલી દુનિયામાં ક્યારે મળશે? "
નિલક્રિષ્નાએ પોતાના કાર્યની શરૂઆત તો કૃત્રિમ દુનિયામાં જ કરી દીધી હતી.
બાબા આર્દ કહ્યું કે, "જે કૃત્રિમ દુનિયામાં છે એજ માણસો અસલ દુનિયામાં છે. એથી એ વસ્તુ સાફ સાફ કહી શકું કે, અવનિલ છે, પરંતુ એને કેટલું યાદ છે અને કેટલું યાદ નથી એ તો એને મળ્યા પછી જ ખબર પડે!
નિલક્રિષ્ના : એની શોધ જરૂરી છે. કેમ કે, આ કૃત્રિમ દુનિયામાં અવનિલને સંભાળીને રાખવા માટે મેં નિલમાધવની મુર્તિમાં રહેલું હૃદય આપેલું.
હેત્શિવા : " અવનિલ કોણ છે?
નિલક્રિષ્ના: " એનાં વિશે હું કશું જાણતી નથી, માતા!
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️