Mara Anubhavo - 64 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 64

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 64

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 64

શિર્ષક:- કુટીયા બનાવું?

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 64. "કુટીયા બનાવું?"



શરીર પ્રત્યે જેટલી ઉપેક્ષા ગુજરાતમાં રખાય છે, તેટલી બીજે ભાગ્યે જ રખાતી હશે. આ ઉપેક્ષાના કારણે સામાન્ય રીતે ગુજરાતી પ્રજાનાં શરીર એકવડિયાં તથા નિર્બળ હોય છે. આહાર, વ્યાયામ તથા યોગ્ય માવજતના અભાવે શરીર દુર્બળ થાય છે. ગુજરાતનું દૂધ દિલ્હી અને કલકત્તા સુધી પહોંચે છે. અને દિલ્હી-કલકત્તાની દવાઓ ગુજરાત સુધી પહોંચે છે. મૂળમાં ગુજરાતની પ્રજા નિરામિષભોજી છે. તેમાં પણ ધાર્મિક કારણોસર લસણ-ડુંગળી તથા કંદમૂળ વગેરે પોષક વનસ્પતિઆહારને પાપ માનનારી પણ છે. જોકે કાંદા-લસણ-બટાટા વગેરે ન ખાનારામાંથી કેટલાક લાંચ ખાવામાં પાપ નથી માનતા. ભારે વ્યાજ પણ ખાઈ શકાય. પણ કાંદા-લસણ ન ખવાય.

વિચિત્ર તથા પરિણામહીન ધાર્મિકતાએ પ્રજાના આહારને અવૈજ્ઞાનિક બનાવી દીધી છે. જીવન માટે જરૂરી પ્રોટીન, વિટામિન, ક્ષાર વગેરે તત્ત્વોનો વિચાર કર્યા વિના અખાદ્ય વસ્તુઓનું લાંબું લિસ્ટ પ્રજા સમક્ષ મૂકી દેવામાં આવ્યું છે. ધર્મપ્રચારકો આ અખાદ્ય વસ્તુઓથી દૂર રહેવા ઉપર અતિશય ભાર મૂકતા હોય છે. દૂધ-ઘી અને છાશ ગયાં, લસણ-ડુંગળી જેવી ગરીબોની કસ્તૂરી પણ જાય તો હવે શું ખાશે પ્રજા ? કોઈ પ્રજાને શારીરિક રીતે મારી નાખવી હોય તો બંદૂકો ચલાવ્યા કરતાં ધાર્મિક રીતે આવા ચુસ્ત નિયમો તેમના જીવનમાં બેસાડી દો, પ્રજા આપોઆપ દુર્બળ થશે. તેની અસર તેના મન ઉપર પડશે. એટલે ભીરુ થશે. આ ભીરુતા ગુલામીને નોતરશે એટલે તો ગુજરાત ઉપર કાં તો નવાબોએ રાજ કર્યું. કાં મરાઠાઓએ રાજ્ય કર્યું.

જે છોકરાઓ અમેરિકા-ઈંગ્લૅન્ડ રહેવા જાય છે. બે-ચાર વર્ષ રહીને જ્યારે પાછા ફરે છે ત્યારે તેમનો દેખાવ બદલાઈ જાય છે, હૃષ્ટપુષ્ટ અને જુદા જ દેખાય તેવા થઈને આવે છે, કારણ કે ત્યાં તેઓ ભરપૂર કેલરીવાળું, ભોજન પામતા હોય છે. પૂર્ણ સંતુલિત ભોજન શરીરને હૃષ્ટપુર તથા સુદ્રઢ બનાવે છે. બળવાન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધુ રહે છે. એટલે વ્યક્તિ  ઓછી બીમાર પડે છે. આવું આરોગ્યવાળું શરીર, સાંસારિક સુખો માટે વધુ સક્ષમ બને છે. એટલે મળેલા સુખને તે સારી રીતે ભોગવી શકે છે. લાંબું આયુષ્ય અને સ્વાધીનતાભર્યું જીવન જીવી શકે છે. તેની ઊંચાઈ પહોળાઈ આકર્ષક થાય છે. તેના વ્યક્તિત્વમાં એક પ્રકારની ખુમારી પ્રગટે છે. આવી સશક્ત, બાહોશ અને હિમ્મતવાળી પ્રજા કંતાઈ ગયેલી દુર્બળ પ્રજા ઉપર આધિપત્ય ભોગવે તેમાં શી નવાઈ? પ્રજાનાં દુર્બળ શરીરોમાં ધાર્મિક માન્યતાઓએ કેટલો ભાગ ભજવ્યો છે એનો વિચાર કરવો જોઈએ.

આહાર સંબંધી મેં કેટલાયે પ્રયોગો કરેલા. મહાત્મા ગાંધીજીનો પ્રભાવ તથા બ્રહ્મચર્ય પાલન કરવાની તીવ્ર લગનીએ મેં કેટલોક સમય શાકભાજી ખાઈને, કેટલોક સમય ફળફળાદિથી, કેટલોક સમય મસાલા-તેલ વિના, કેટલોક સમય ગળપણ વિના તો કેટલોક સમય માત્ર એક જ સમય જમીને મેં પ્રયોગ કરેલા. વર્ષો સુધી માત્ર ફોતરાંવાળી મગની સાદી દાળ તથા રોટલી કે રોટલા ખાઈને રહ્યો છું. વર્ષો સુધી દૂધનો સદંતર ત્યાગ કર્યો છે. આ બધા પ્રયોગોથી મારું શરીર વધુ દુર્બળ તથા અક્ષમ બન્યું છે. હા, જુદા જુદા કઠોર નિયમો પાળવાથી આધ્યાત્મિક ક્ષેત્રોના માણસોને સંસારી લોકો ખૂબ પ્રતિષ્ઠા આપતા હોય છે.

ઉપરના નિયમોથી મને શારીરિક હાનિ થતી (જે હું ત્યારે સમજી ન શકતો) પણ લોકોમાં મારી પ્રતિષ્ઠા થતી. લોકો કહેતા બાપજીને તો જરાય મોહ નથી, રંગ-રાગ અને ચટકા તો આપણને જોઈએ છે. અરેરે.... આપણાથી તો આવું ખવાય જ નહિ... સાવ મોળું મોળું છાણ જેવું !' આવી વાતો લોકો કહેતા. ત્યાગનું સર્વાધિક પોષકતત્ત્વ પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા મળતી હોય તો લોકો ગમે તેવું કઠોર જીવન જીવવા તૈયાર થાય. જો કોઈ ત્યાગીની નોંધ પણ ન લે તો તેવો ત્યાગ કરમાવા લાગે. આહાર સંબંધી મારા નિયમોથી મને પ્રતિષ્ઠા મળતી એટલે પણ તેને વળગી રહેવા લોભ થતો. જોકે હું માત્ર પ્રતિષ્ઠા માટે જ આવા નિયમો પાળતો ન હતો, મેં જે કાંઈ વાંચેલું-સાંભળેલું તે પ્રમાણે નિર્વિકારી જીવન જીવવા આવા નિયમો પાળતો. મારે સ્વીકાર કરવો જોઈએ કે આવા નિયમોથી આધ્યાત્મિક રીતે આંતરિક ક્ષેત્રમાં કોઈ ખાસ લાભ થયો મને જણાયો નથી. વર્ષો સુધી આ રીતે આહાર નિયમન કરવાથી મને પુરતાં પ્રોટીન, વિટામિન કે ક્ષાર વગેરે ન મળતાં, એટલે મારું શરીર દુર્બળ રહેતું. ત્યારે મારી શારીરિક દુર્બળતાનાં કારણો સમજાતાં નહિ આજે પણ હું જોઉં છું કે આહાર સંબંધી અતિશય નિયમો પાળનારા મોટે  ભાગે કૃશ - દુર્બળ તથા અવિકસિત હોય છે. આનો અર્થ એવો નથી કરવાનો કે હું સંયમિત આહારનો વિરોધ કરી રહ્યો છું. સંયમિત આહાર તો હોવો જ જોઈએ, પણ મારો વિરોધ અપૂરતા, અપોષણક્ષમ અને સ્વાદહીન આહાર પ્રત્યે છે. વ્યક્તિને પૂરેપૂરી કેલરી મળવી જ જોઈએ.

મારા જેવા સાધુ-સંન્યાસી માટે તો સ્વીકાર્ય તેવું જે કાંઈ અન્ન સમય ઉપર મળે તે જમી લેવામાં કલ્યાણ છે. કઠોર નિયમોથી પોતે તો દુ:ખી થાય છે. જમાડનારને પણ દુઃખી કરે છે; કારણ કે રોજ નવા નવા ઘરે જમવા જવાની પૂરી રુચિ તથા પૂરી સગવડ સચવાઈ શકતી નથી. નિશ્ચિત જ પ્રકારનો આહાર કરનારાં આંતરડાં એવાં થઈ જાય છે કે જરાક ખોરાક બદલાય કે તરત જ પેટ બગડે. આહાર સંબંધી કઠોર નિયમો પાળનારા મોટા ભાગના યોગીઓ તથા સાધુઓ પેટના રોગથી રિબાતા હોય છે. તેમનાં આંતરડાં કમજોર થઈ ગયાં હોય છે, જીવનની ઉત્તરાવસ્થામાં તો તે બહુ દુઃખી થતા હોય છે.

એક વાર મારે ચારધામ યાત્રા કરવા જવાનું થયું. મારી ઇચ્છા ન હતી, પણ આપોઆપ ઊભું થયું. રેલવેનો સ્પેશિયલ ડબો જઈ રહ્યો હતો, તેમાં કેટલાક પરિચિત માણસો સાથે હું પણ રવાના થયો. આખી યાત્રાના કેટલાય કડવા-મીઠા અનુભવો છે, પણ તેની ચર્ચા નહિ કરું. લગભગ બે મહિના સુધી ચારે ધામની યાત્રા કરીને અમે પાછા તો આવ્યા, પણ હું મરડાનો રોગ લઈને પાછો આવ્યો. કાચી રસોઈ, તેલ-મરચાંની રસોઈ તથા સમય-કસમયનું જમવાનું – આ બધાંના કારણે મને મરડો થઈ ગયો. મારા સિવાય કોઈને મરડો થયો ન હતો. મને મરડો થયો હતો તેનું મુખ્ય કારણ એક જ પ્રકારના ખોરાકથી ટેવાયેલાં મારાં આંતરડાં હતાં. બીજાને ન થયો તેનું કારણ જે આવે તે ખાવાની ટેવવાળાં આંતરાંડા હતાં. ત્યારે આ વાત હું સમજતો ન હતો. સાધુઓ વાતવાતમાં પૂર્વનાં કર્મોને કારણ બનાવે છે તેમ હું પણ પૂર્વનાં કર્મોને કારણ માનતો હતો.

મરડાથી મારું શરીર વધુ દુર્બળ થઈ ગયું હતું, પણ પ્રતિદિન સવાર-સાંજ જુદા જુદા ઘરોમાં જમવા જવાનું એટલે પથ્ય પાળી શકતું ન હતું. મરડો વધતો જ જતો હતો. હવે શું કરવું ? મને થયું કે કોઈ એવી જગ્યાએ જઈને રહું જ્યાં એકાદ મહિનો પથ્યપૂર્વક  રહી શકાય. આવું એક ગામ  ધ્યાનમાં આવ્યું. આ ગામ મને અત્યંત શ્રદ્ધાથી માને, જમાડવા માટે પડાપડી થાય. બસ નક્કી કર્યું કે આ ગામમાં એક મહિનો દર્હી-ખીચડી ખાઈશ એટલે મરડો મટી જશે.

મોટી આશાએ હું તો પહોંચ્યો પેલા ગામ આખું ગામ ભેગું થઈ ગયુંઃ મહારાજ આવ્યા..... મહારાજ આવ્યા... સૌને ઉત્સાહ હતો. સૌ કોઈ મારી  કથા સાંભળવા ઉત્સુક હતાં. પણ.... પણ.... મારું નખાઈ ગયેલું શરીર જોઈને સૌને નવાઈ લાગી. સૌ પૂછતાં અથવા અંદર અંદર ચર્ચા કરતાં, મહારાજ કેમ સાવ આવા થઈ ગયા?' મેં સૌને સમજાવવા પ્રયત્ન કર્યો કે ‘મને મરડો  થયો છે. યાત્રામાં જમવાની પ્રતિકૂળતાએ આ દશા કરી છે એટલે શરીર સારું થાય ત્યાં સુધી કથા કરવાની નથી, માત્ર દહીં ને ખીચડી ખાવાની છે.' મારી દશા ઉપર કેટલાકને લાગણી થઈ, પણ કેટલાકને નવાઈ પણ લાગી ગામના મુખી બોલ્યા, “મહારાજ, માંદા તો અમે સંસારી પડીએ, તમે તો બ્રહ્મચારી રહ્યા, તમને વળી મંદવાડ કેવો?”

લોકો સાધુઓ પાસે કેવી અપેક્ષાઓ રાખે છે તેનો આ એક નમૂનો કહી શકાય. તેમને કોણ સમજાવે કે સાધુનાં આંતરડાં કાંઈ લોખંડનાં ન હોય, કુપથ્ય થાય તો તે પણ માંદાં પડે જ. તેમાં પણ મેં તો મારા અવિવેકથી ખોટા નિયમો પકડીને મારાં આંતરડાંને વધુ દુર્બળ બનાવી દીધાં હતાં. મારા એ અવિવેકી નિયમો લોકોને ગમતા, મારી પ્રશંસા કરતા, પણ એ જ નિયમ મારી બીમારીમાં પણ કારણ છે તે વાત તે કે હું કોઈ જાણતા ન હતા મુખીની  આવી આવી વાતોથી મને લાગી આવતું. વળી તે તો એક દોહરો પણ વારંવાર સંભળાવતા :

"રામનામકી ઔષધિ ખરા ખંતસે ખાય,અંગપીડા વ્યાપે નહિ, મહારોગ મિટી જાય."

આ બધાનો ફલિતાર્થ એ હતો કે જે બ્રહ્મચારી હોય તે માંદો પડે નહીં, અને કદાચ માંદો પડે તો રામનામથી જ સાજો થઈ જાય. રામનામમાં મારી શ્રદ્ધા હતી જ, પણ અમુક સમયે રામનામની સાથે દવા તથા પથ્યની પણ જરૂર હોય છે જ.

મુખી તથા બીજા કેટલાક અવારનવાર આવી વાતો સંભળાવતા, તેથી મને દુ:ખ થતું. મને થતું કે હિન્દુ સાધુ માટે ક્યાં જગ્યા છે ? પોતાનું વ્યક્તિત્વ હોય તો ઠીક, નહિ તો આજે પ્રજા ફૂલે પૂજતી હોય પણ સમય આવ્યે પાણી પણ ન આપે. આ ગામ છોડી દેવાની ઇચ્છા થઈ. હું જ્યારે કથા સંભળાવતો ત્યારે મને જમાડવા માટે પડાપડી કરતા, પણ હવે જ્યારે માંદો પડ્યો છું ત્યારે કાં તો ઉપેક્ષા કરે છે અથવા મને ઉપદેશ આપે છે. મારા પૂજ્યગુરુદેવ વિરક્ત હતા અને મારે પણ જીવનભર વિરક્ત રહેવાની ઇચ્છા હતી. મઠ-આશ્રમ બાંધવા પ્રત્યે મને સખત અણગમો હતો. પણ આ કડવા અનુભવે મારા મનમાં બીજ રોપ્યું કે જો એકાદ ‘કુટિયા’ પોતાની હોય તો આવા સાજા-માંદા પ્રસંગે પડી રહી શકાય. કોઈની લાચારી તો નહિ. પરિસ્થિતિએ મારા વિચારોમાં વાસ્તવિકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

કોઈ વ્યક્તિ સાચા ત્યાગથી ઘરબાર છોડીને સાધુ થાય, અકિંચન રહીને ભ્રમણ કરે, લોકો બહુ જ રાજી થાય, પણ ધીરે ધીરે એ જ વ્યક્તિ કુટિયા બનાવે, રસોડું બનાવે તો મહેમાનોની સરભરા કરવી પડે. ગાદલાં-રજાઈઓ રાખવાં પડે. ધીરે ધીરે આશ્રમ-મઠનો વ્યાપ વધતો જાય. લોકો કહે કે આ મહારાજ તો પ્રથમ બહુ ત્યાગી હતા, હવે જુઓ ને, કેટલું વધાર્યું છે!

ત્યાગ, વૈરાગ્ય વગેરે ગુણો સ્થાયી ભાવવાળા નથી હોતા. આંધીની માફક, ઊભરાની માફક આવે, પણ ઓછાયે થઈ જાય અને અમુક કાળ પૂરતા સમાપ્ત થઈ જાય.

જીવનમાં મુખ્ય બે સ્થિતિઓ છે : વાસ્તવિક સ્થિતિ તથા વિશેષ સ્થિતિ. એક નટ દોરડા ઉપર ખેલ કરે છે, તે તેની વિશિષ્ટ સ્થિતિ છે. દોરડા ઉપર અડધો કલાક કે કલાક રહી શકાય, જીવનભર ન રહેવાય. પણ તે જ નટ જમીન ઉપર ઊભો રહે છે કે ખાટલા ઉપર બેસે છે તે વાસ્તવિક સ્થિતિ છે. તે રીતે આખું જીવન જીવી ન શકાય. માણસ પણ કોઈ વિચારોની આંધી કે ઊભરામાં કઠોરમાં કઠોર ત્યાગ કરી શકે, પણ પછી આંધીનું પ્રમાણ ઘટવાથી ધીરે ધીરે તેને વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે.

ઘરમાં રહેવું, સુખસગવડો ભોગવવી એ વાસ્તવિકતા છે, ઘર છોડવું અને સુખસગવડોને લાત મારવી એ વિશેષતા છે. આવી વિશેષતા સમય જતાં વાસ્તવિકતા તરફ આવી જતી હોય છે, એટલે ગૃહત્યાગી આશ્રમ બાંધતા હોય છે, સંસારત્યાગી, એક નવો સંસાર ઊભો કરતા હોય છે, કુટુંબત્યાગી, એક નવા પ્રકારનું કુટુંબ રચતા હોય છે. સંબંધત્યાગી, એક નવા જ પ્રકારના સંબંધોના તાણાવાણા ગોઠવતા હોય છે. કારણ કે જીવનની આ વાસ્તવિકતા છે.

મને પણ થયું કે લાવ એક નાની સરખી કુટિયા બનાવું જેથી લોકોની લાચારી ન રહે. પડ્યા તો રહેવાય.


આભાર

સ્નેહલ જાની