પ્રકરણ ૧૨: વિક્ટરનો સીધો પ્રહાર
સમય: ટકરાવના ૨૩ દિવસ પછી.
સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને પૃથ્વીના પેટાળમાં દોડતી હાઈ-સ્પીડ શટલ.
સેક્ટર-૯ માં મળેલી જીતનો આનંદ ક્ષણિક હતો. લોકો પાસે હવે અનાજ હતું, પણ ભય હજુ પણ હવામાં ઓગળેલો હતો. માયા અને કબીર જાણતા હતા કે વિક્ટર સ્ટીલ આ અપમાનનો બદલો લીધા વગર નહીં રહે અત્યારે તેની પાસે તમામ સંસાધનો અને શક્તિ હતી.
"આપણે આ બંકરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી પડશે," માયાએ હાંફતા અવાજે કહ્યું. "વિક્ટરના સૈનિકો ગમે ત્યારે પાછા આવશે."
વિક્ટરની આગે કૂચ જારી હતી.
એન્ટાર્કટિકાના 'ઝીરો બંકર' માંથી એક અત્યાધુનિક, બુલેટપ્રૂફ શટલ રવાના થઈ હતી. આ શટલ પૃથ્વીના પેટાળમાં બનેલી વેક્યુમ ટનલ દ્વારા માત્ર ૨ કલાકમાં વિશ્વના કોઈપણ બંકર સુધી પહોંચી શકતી હતી. વિક્ટર સ્ટીલ પોતે આ શટલમાં હતો. તેની સાથે 'બ્લેક ગાર્ડ્સ' નામની તેની ખાનગી સેનાના ૧૦૦ કમાન્ડો હતા.
"સર, આપણે સેક્ટર-૯ ની નજીક છીએ," કમાન્ડર હર્ષલે રિપોર્ટ આપ્યો.
વિક્ટરના ચહેરા પર કોઈ લાગણી નહોતી. "મારે માત્ર બળવો નથી દબાવવો, મારે એક ઉદાહરણ બેસાડવું છે. જે કોઈ પણ આલ્ફા બંકરના આદેશનું ઉલ્લંઘન કરશે, તેને શ્વાસ લેવાનો અધિકાર નથી. મારો આદેશ પથ્થર પર લીટી છે !"
સ્પેસ સ્ટેશન પર ભયનો માહોલ હતો.
આર્યને 'ગ્રીન-ઝોન' પરથી જોયું કે ઝીરો બંકરમાંથી એક હાઈ-સ્પીડ ટ્રેક એક્ટિવેટ થયો છે. "ઈશાન! વિક્ટર પોતે સેક્ટર-૯ જઈ રહ્યો છે. તેની સાથે મોટી સેના છે!"
"આર્યન, આપણે કંઈક કરવું પડશે!" ઈશાન ગભરાઈ ગયો. "જો તે બંકરની અંદર ઘૂસી ગયો, તો તે માયા અને બધાને મારી નાખશે."
આર્યને ઝડપથી ગણતરી કરી. "આપણી પાસે બંકરની સિસ્ટમ પર હવે કંટ્રોલ નથી, કારણ કે ઈવાએ 'લોકલ લોક' એક્ટિવેટ કરી દીધું છે. પણ... આપણે બંકરની બહારની સિસ્ટમને અસર કરી શકીએ છીએ."
યુદ્ધના મેદાનમાં ફેરવાયેલ પરિસ્થિતિ કોઈ પણ સમયે નવું રૂપ લઈ શકતી હતી.
અચાનક સેક્ટર-૯ ના મુખ્ય દરવાજા પાસે એક ભયાનક ધડાકો થયો. વિક્ટરની શટલ આવી પહોંચી હતી. દરવાજો તૂટી પડ્યો અને કાળા ગણવેશમાં સજ્જ સૈનિકો અંદર ધસી આવ્યા. તેમના હાથમાં લેસર ગન હતી.
"બધા ઘૂંટણિયે બેસી જાઓ!" કમાન્ડર હર્ષલે ગર્જના કરી.
માયા અને કબીરે જોયું કે લોકો ડરના માર્યા થથરી રહ્યા હતા. વિક્ટર શટલમાંથી બહાર આવ્યો. તેના બૂટનો અવાજ શાંત બંકરમાં ગુંજી રહ્યો હતો. તેણે માયા તરફ જોયું.
"તો, તું જ છે એ જેણે મારા સામ્રાજ્યમાં તિરાડ પાડવાની કોશિશ કરી? મારા સામ્રાજ્ય માં ?" વિક્ટરે કટાક્ષ અને ગુસ્સામાં પૂછ્યું.
"આ તમારું સામ્રાજ્ય નથી, વિક્ટર. આ પૃથ્વીનો અંતિમ ખૂણો અને માનવજાતનું અંતિમ ઘર છે," માયાએ હિંમત ભેગી કરીને જવાબ આપ્યો.
વિક્ટરે પોતાની ગન કાઢી અને માયાના કપાળ પર ટેકવી. "ઘર માલિક વગર નથી હોતું, છોકરી. અને આ દુનિયાનો માલિક હું છું. એ તારા આ ભેજાં માં ઊતરી લે"
બરાબર એ જ ક્ષણે, આખા બંકરમાં એક જોરદાર ધ્રુજારી અનુભવાઈ. બંકરની લાઈટો લાલમાંથી જાંબલી થઈ ગઈ. આર્યને અવકાશમાંથી સ્પેસ સ્ટેશનના હાઈ-પાવર સોલર કિરણોને બંકરના એન્ટેના પર કેન્દ્રિત કર્યા હતા, જેનાથી બંકરની મેગ્નેટિક ફીલ્ડ ખોરવાઈ ગઈ હતી.
"વિક્ટર!" આર્યનનો અવાજ આખા બંકરના સ્પીકર્સમાં ગાજ્યો. "તેને છોડી દે, નહીંતર હું અત્યારે જ આ બંકરનું પ્રેશર ચેમ્બર ખોલી નાખીશ. તારી સાથે તારા સૈનિકો પણ સપાટી પરની ઝેરી હવામાં શ્વાસ લેતા થઈ જશે!"
વિક્ટર આશ્રય સાથે થંભી ગયો. તેણે ઉપર જોયું, જાણે તે આર્યનની આંખોમાં જોઈ રહ્યો હોય. હવે આ જંગ માત્ર સંસાધનોની નહોતી, આ અહંકાર અને અસ્તિત્વની લડાઈ બની ગઈ હતી.
આગળ શું થશે?
શું આર્યન ખરેખર બંકર ખોલવાનું જોખમ લેશે? વિક્ટર અને આર્યન વચ્ચેની આ 'ચેસની રમત' માં હવે કોનો વારો છે?