vismtuti - 4 in Gujarati Love Stories by Devisha Gajjar books and stories PDF | વિસ્મૃતિ - ભાગ 4

Featured Books
Categories
Share

વિસ્મૃતિ - ભાગ 4

ક્વીન મેરી યુનિવર્સિટી લાયબ્રેરી, લંડન

લંડનનું આકાશ આજે થોડું ભૂખરું દેખાઈ રહ્યું હતું. જાન્યુઆરીની થીજવી દેતી ઠંડીમાં આખું શહેર બરફની ચાદર ઓઢીને સૂતું હતું, પણ રિયાની આંખોમાં ગઈકાલથી ઊંઘનું એક ટીપું પણ નહોતું... ગઈકાલે સેલ્ફ્રીજીસના પેલા શાંત કાફેમાં અભીરે જ્યારે મજાકમાં 'રી-પુ' શબ્દ ઉચ્ચાર્યો, ત્યારથી રિયાના મગજમાં વિચારોનું એક વંટોળ સર્જાયું હતું...  એ નામ સાંભળતા જ તેના મગજમાં જે વીજળી જેવો ઝબકારો થયો હતો, તે કોઈ સામાન્ય ઘટના નહોતી. તેને લાગતું હતું કે તેના ભૂતકાળના બંધ દરવાજા પર કોઈ સતત ટકોરા મારી રહ્યું છે...

સવારે વહેલા ઉઠીને, નિહારિકા હજુ ઊંઘતી હતી ત્યારે જ રિયા તૈયાર થઈને યુનિવર્સિટી પહોંચી ગઈ હતી. તેને આજે ક્વોન્ટમ ફિઝિક્સના અઘરા લેક્ચરમાં જરાય રસ નહોતો... તેના પગ આપોઆપ લાયબ્રેરી તરફ વળ્યા.

લાયબ્રેરીની એ જૂની સુગંધ, શાંતિ અને હજારો પુસ્તકો વચ્ચે તે પોતાને સુરક્ષિત અનુભવતી હતી... પણ આજે એ શાંતિ તેને ડરાવી રહી હતી...

તે લાયબ્રેરીના સૌથી છેવાડાના અને એકાંત ખૂણામાં જઈને બેઠી. તેણે પોતાની બેગમાંથી પેલી બુક કાઢી જેમાં તેને ગત રાત્રે એક પત્ર મળ્યો હતો. ધ્રૂજતા હાથે તેણે એ પીળો પડી ગયેલો, કરચલીવાળો પત્ર ફરીથી ખોલ્યો. પત્રના એક ખૂણે લોહીના ડાઘા જે હવે કાળા પડી ગયા હતા, પણ તે જોઈને રિયાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું... આ લોહી કોઈની વેદના અને જાનના જોખમની સાક્ષી પૂરતું હતું...

પત્રમાં લખેલા શબ્દો રિયાની નજર સામે તરવા લાગ્યા..

"તેઓ જૂઠું બોલે છે, અકસ્માત થયો નહોતો... અકસ્માત કરવામાં આવ્યો હતો!"

રિયા આ શબ્દોને વારંવાર વાંચી રહી હતી, જાણે તેમાંથી કોઈ ગુપ્ત સંકેત શોધવાની કોશિશ કરી રહી હોય... તેને યાદ આવ્યું કે બે વર્ષ પહેલા જ્યારે તે હોસ્પિટલના સફેદ રૂમમાં ભાનમાં આવી હતી, ત્યારે તેની આસપાસ સફેદ એપ્રોન પહેરેલા ડોક્ટરો અને તેની રડતી મમ્મી હતી. તેની યાદશક્તિનો એક મોટો હિસ્સો - ખાસ કરીને અકસ્માતની આસપાસના છ મહિના... સાવ ભૂંસાઈ ગયા હતા. તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે તે એક સાધારણ હાઈવે અકસ્માત હતો, જેમાં કાર સ્લિપ થઈ ગઈ હતી...

"પણ જો આ પત્ર સાચો હોય તો?" રિયા મનોમન વિચારી રહી હતી. "તો એનો અર્થ એ કે મમ્મી, મીરા અને કદાચ એ લોકો પણ જેમને હું ઓળખતી નથી, તે બધા જ મારી સાથે એક ભયાનક જૂઠ રમી રહ્યા છે. પણ કેમ? મને સત્યથી દૂર રાખીને કોને ફાયદો થઈ રહ્યો છે?"

તેણે બેભાન અવસ્થામાં જ પોતાના ગળામાં રહેલા પ્લેટિનમ લોકેટને હાથમાં લીધું. આ લોકેટ તેના શરીરનો એક હિસ્સો બની ગયું હતું. તે જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ત્યારે પણ આ લોકેટ તેના ગળામાં હતું. તેને યાદ નહોતું કે આ તેને કોણે આપ્યું હતું, પણ તેની મમ્મીએ કહ્યું હતું કે તે તેના પિતાની છેલ્લી નિશાની હતી. પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું... "સત્ય આ લોકેટમાં છે."

રિયાએ લોકેટને આંખની નજીક લાવીને ધ્યાનથી જોયું. તેની કોતરણી અત્યંત બારીક હતી. તેણે તેને ખોલવાની કોશિશ કરી, નખથી તેને દબાવ્યું, પણ તે સાધારણ લોકેટની જેમ ખૂલતું નહોતું. અચાનક તેને લોકેટની પાછળના ભાગમાં એક અત્યંત ઝીણું કાણું દેખાયું, જે કોઈ સોય જેવી વસ્તુથી દબાવી શકાય તેમ હતું.

"આ કોઈ સિમ્પલ લોકેટ નથી, આ કંઈક બીજું જ છે," રિયાના મનમાં એક તાર્કિક બુદ્ધિ જાગી. પણ અત્યારે તેની પાસે એવું કોઈ સાધન નહોતું જેનાથી તે આ રહસ્ય ઉકેલી શકે... તે ઝડપથી પીજી તરફ જવા નીકળી...

મુંબઈ, ભારત - પ્રિયાંકનો આલીશાન બંગલો

લંડનથી હજારો માઈલ દૂર, મુંબઈની ગરમી અને કોલાહલ વચ્ચે પ્રિયાંક બંસલ તેના અંધારા રૂમમાં એકલો બેઠો હતો... તેની સામે એક વિશાળ ટેબ્લેટ સ્ક્રીન હતી, જેમાં રિયાના લંડન સ્થિત પીજી અને તેની યુનિવર્સિટીના કેટલાક વિસ્તારોના સીસીટીવી ફૂટેજ લાઈવ દેખાતા હતા. પ્રિયાંકે રિયાની સુરક્ષાના નામે તેના જીવન પર એક અદ્રશ્ય જાળ બિછાવી રાખી હતી...

પ્રિયાંકના હાથમાં રિયાનો એક જૂનો ફોટો હતો - જેમાં તે હસી રહી હતી, તેની આંખોમાં એ સમયે કોઈ ડર નહોતો. તે રિયાના અસ્તિત્વથી સાવ અજાણ બનીને, દુનિયાની નજરમાં એક પથ્થરદિલ બિઝનેસમેન તરીકે જીવી રહ્યો હતો, પણ તેનું હૃદય આજે પણ દરેક ધબકારે 'રી-પુ' નું નામ જ રટતું હતું...

અચાનક તેના ટેબ્લેટ પર એક 'રેડ એલર્ટ' ઝબક્યું. તેના સિક્યોરિટી સોફ્ટવેરે રિયાના ચહેરાના હાવભાવને સ્કેન કરીને 'Extreme Distress' (અત્યંત ગભરાટ) ની ચેતવણી આપી હતી. પ્રિયાંકે જોયું કે રિયા લાયબ્રેરીના ખૂણામાં બેસીને કોઈ પત્ર વાંચી રહી હતી અને તેના હાથ ધ્રૂજી રહ્યા હતા...

"રિશી!" પ્રિયાંકે ફાટેલા અવાજે બૂમ પાડી. રિશી, જે પ્રિયાંકનો પડછાયો હતો, તે તરત જ રૂમમાં દાખલ થયો. "શું થયું પ્રિયાંક? આટલો ચિંતિત કેમ છે?"
પ્રિયાંકે સ્ક્રીન તરફ ઈશારો કર્યો. "જો રિશી, કોઈ રિયા સુધી પહોંચી ગયું છે. મેં બે વર્ષથી જે સત્યને કબરની જેમ દાટી રાખ્યું હતું, તેને કોઈકે ઉખેડવાની કોશિશ કરી છે. તેને એ પત્ર મળી ગયો છે જે કદાચ તેને એ રાતની યાદ અપાવી દેશે."

રિશીનો ચહેરો પણ સફેદ પડી ગયો. "પણ પ્રિયાંક, આપણે રિયાને લંડન એટલે જ મોકલી હતી ને કે તે જૂના દુશ્મનોથી દૂર રહે? જો તેને બધું યાદ આવશે, તો તે પાછી જોખમમાં મુકાશે. અને સૌથી મોટો ડર એ છે કે તે તને ઓળખી જશે. તારા આટલા મોટા ત્યાગનો અંત શું આવશે?"

પ્રિયાંકની આંખોમાં અત્યારે ભયંકર ગુસ્સો, પ્રેમ અને લાચારીનું મિશ્રણ હતું. તેણે પોતાની મુઠ્ઠી જોરથી ટેબલ પર પછાડી. "મારે રિયાના પ્રેમની જરૂર નથી રિશી, મારે માત્ર તેની જિંદગી જોઈએ છે. જો સત્ય તેને મારી નાખશે, તો હું એ સત્યને ક્યારેય બહાર નહીં આવવા દઉં. પણ હવે મોડું થઈ ગયું છે. માયા (મેરા) ની ચેતવણી સાચી પડી રહી છે. સ્મૃતિના પડછાયા હવે જાગી ગયા છે. મારે લંડન જવું જ પડશે."...

લંડન - ક્વીન મેરી યુનિવર્સિટી (બપોરનો સમય)

રિયા લાયબ્રેરીમાંથી બહાર નીકળી ત્યારે તેની ચાલમાં પહેલા જેવો આત્મવિશ્વાસ નહોતો. તે સતત આજુબાજુ જોઈ રહી હતી, જાણે તેને લાગતું હોય કે દરેક વ્યક્તિ તેને જોઈ રહી છે. ઠંડો પવન તેના ચહેરા પર અથડાતો હતો, પણ તેને પરસેવો વળી રહ્યો હતો.

યુનિવર્સિટીના ગેટ પાસે જ તેને સામેથી અભીર (એબી) આવતો દેખાયો. અભીર હંમેશ મુજબ તેના લાક્ષણિક અંદાજમાં હતો... બ્લેક જેકેટ, હાથમાં કોફીનો મગ અને ચહેરા પર એ જ કાતિલ સ્મિત. પણ આજે રિયાને એ સ્મિતમાં કઈક અજીબ લાગ્યું.

"હેલો રિયા! અરે, ક્યાં ખોવાયેલી છે? સવારથી તારો કોઈ પત્તો જ નથી. નિહારિકા તો ચિંતા કરતી હતી કે તું લેક્ચરમાં પણ નથી આવી," એબીએ તેની નજીક આવીને અત્યંત સહજતાથી પૂછ્યું. રિયાએ ઝબકીને પોતાની બેગ વધુ જોરથી પકડી લીધી, જેમાં પેલો રહસ્યમય પત્ર હતો. "કંઈ નહીં એબી, બસ લાયબ્રેરીમાં થોડું રિસર્ચ વર્ક કરતી હતી. મોબાઈલ સાયલન્ટ પર હતો એટલે ખબર ના પડી," રિયાનો અવાજ થોડો ધ્રૂજતો હતો, જે એબીની તેજ નજરથી છુપાયેલું ના રહ્યું.

એબીએ તેની આંખોમાં ઊંડાણથી જોયું. "રિયા, તું કંઈક છુપાવે છે. તારી આંખો જૂઠું બોલી રહી છે. કાલે કાફેમાં પણ તેં પેલું નામ સાંભળીને જે રિએક્શન આપ્યું હતું... શું તને હજુ પણ એ વાત પરેશાન કરે છે? જો રિયા, એ તો બસ મેં મજાકમાં કીધું હતું. 'રી-પુ' નામમાં તને આટલો ડર કેમ લાગે છે?"

રિયાએ પરાણે સ્મિત લાવવાની કોશિશ કરી, પણ તેના હોઠ ધ્રૂજતા હતા. "ના એબી, એવું કંઈ નથી. બસ થોડો થાક લાગ્યો છે. ચાલ, મારે પીજી પર જલ્દી જવું છે, મારે મમ્મી સાથે વાત કરવી છે."

રિયા ત્યાંથી ઝડપથી ચાલવા લાગી. એબી ત્યાં જ ઉભો રહીને તેને જતી જોઈ રહ્યો. તેના ચહેરા પરથી પેલું સ્મિત ગાયબ થઈ ગયું હતું અને તેની આંખોમાં એક અજીબ ગંભીરતા આવી ગઈ હતી. રિયાએ પાછળ ફરીને જોયું તો એબી હજુ પણ તેને જ જોઈ રહ્યો હતો. રિયાના મનમાં એક શંકા જાગી... શું એબી માત્ર એક મિત્ર છે? કે પછી તે પણ આ રહસ્યમય રમતનો એક હિસ્સો છે?

રિયાને પહેલીવાર અહેસાસ થયો કે લંડનનું આ સુંદર, રોમેન્ટિક શહેર હવે તેના માટે એક માયાજાળ બની રહ્યું હતું. અહીંની ઠંડી હવે તેને થીજવી રહી હતી, પણ શાંતિ નહીં, ડર આપી રહી હતી. સત્ય જાણવા માટે તેણે હવે એ પગલું ભરવું જ પડશે જેની ના તેને વારંવાર પાડવામાં આવી હતી. તેણે હવે એ 'અંધારા ભૂતકાળ' માં ઉતરવું પડશે, જ્યાંથી કદાચ પાછા આવવાનો કોઈ રસ્તો નહોતો.


શું રિયા લોકેટની અંદર છુપાયેલી વસ્તુ શોધી શકશે?
રિયા જ્યારે તેની મમ્મીને પત્ર વિશે પૂછશે, ત્યારે મમ્મીના ગભરાટ પાછળનું કારણ શું હશે?
પ્રિયાંક લંડન પહોંચીને રિયાની રક્ષા કેવી રીતે કરશે જ્યારે રિયા તેને ઓળખતી જ નથી?

વધુ આવતા અંકે...