જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૪
(ગત ભાગથી આગળ)
આપણે બીજાના ચરિત્ર પર ડાઘ શોધીએ છીએ પણ આપણું મન જે બારી છે, તેના પર અહંકાર, ઈર્ષ્યા અને પૂર્વગ્રહની કેટલી ધૂળ જામી છે તે જોતા નથી. આપણે બીજાને બદલવાની કોશિશમાં આખી જિંદગી વિતાવી દઈએ છીએ પણ જો આપણે માત્ર આપણી દ્રષ્ટિનો કાચ સાફ કરી લઈએ તો આખી દુનિયા આપોઆપ સુંદર દેખાવા લાગશે. કહેવાય છે કે ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.’ જો તમારું મન પવિત્ર છે અને તમે તમારી જાત સાથે સત્ય વચનથી જોડાયેલા છો તો તમને બીજામાં પણ દેવત્વ દેખાશે.
આજના સમયમાં માનસિક શાંતિ એ સૌથી મોટું લક્ઝરી છે અને તે ત્યારે જ મળે જ્યારે તમે ‘લાઇવ એન્ડ લેટ લાઇવ’ (જીવો અને જીવવા દો) ના સિદ્ધાંતને અપનાવો. બીજાની જિંદગીમાં માથું મારવા જતાં આપણે આપણા પોતાના જીવનના મહત્ત્વના નિર્ણયો લેવાનું ચૂકી જઈએ છીએ. પંચાત કરવાથી આપણને ક્ષણિક આનંદ મળી શકે છે પણ તે આત્માને ક્યારેય તૃપ્તિ આપતું નથી. જ્યારે તમે પોતાની પર પંચાયત બેસાડો છો ત્યારે તમે તમારી ક્ષમતાઓને ઓળખો છો, તમારી ભૂલોને સ્વીકારો છો અને એક બહેતર ઇન્સાન બનવાની દિશામાં ડગલું માંડો છો.
જે દિવસે તમને બીજાની ટીકા કરવામાં રસ પડતો બંધ થઈ જાય અને પોતાની જાતને ઘડવામાં રસ જાગે તો સમજજો કે તે દિવસે તમે સાચી શાંતિના માર્ગે ચાલવા લાગ્યા છો. જીવન ટૂંકું છે અને કામ ઘણું છે તો પછી બીજાના જીવનની વાર્તા લખવાને બદલે પોતાના જીવનનું મહાન પુસ્તક કેમ ન લખવું? યાદ રાખજો, જ્યારે તમે બીજા તરફ એક આંગળી ચીંધો છો ત્યારે બાકીની ત્રણ આંગળીઓ તમારી તરફ જ હોય છે. એટલે જ હંમેશાં પહેલા પોતાની બારીનો કાચ સાફ રાખજો તો આખી સૃષ્ટિ તમને નિર્મળ દેખાશે.
એક ગામમાં મગનભાઈ રહેતા હતા. મગનભાઈને ઊંઘવાની બહુ આદત અને સવારે મોડા ઉઠવાની ટેવ. એક દિવસ ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે ગામના કેટલાક તોફાની છોકરાઓએ મજાક કરવાનું વિચાર્યું. તેમણે મગનભાઈની મૂછ પર થોડું ગંધાતું માખણ (જે સાવ બગડી ગયેલું હતું) લગાવી દીધું. થોડી વાર પછી મગનભાઈ જાગ્યા. જેવા તે જાગ્યા કે તરત જ તેમને ખૂબ ખરાબ દુર્ગંધ આવવા લાગી. તેમણે આજુબાજુ જોયું અને બોલ્યા, ‘અરે! મારા આ ઓરડામાં કેટલી ગંદી વાસ આવે છે!’ તે તરત જ રૂમની બહાર નીકળીને રસોડામાં ગયા. ત્યાં પણ ગંધ આવતી હતી. તેમણે બૂમ પાડી, ‘આખું ઘર ગંધાઈ રહ્યું છે!’
તે ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયા અને રસ્તા પર ઉભા રહ્યા. પણ નવાઈની વાત એ હતી કે રસ્તા પર પણ તેમને એ જ દુર્ગંધ આવતી હતી. તે ગામના પાદરે ગયા, ખેતરોમાં ગયા પણ ગંધ તેમનો પીછો છોડતી નહોતી. મગનભાઈએ માથું પકડી લીધું અને જોરથી બૂમ પાડી, ‘આખી દુનિયા ગંધાઈ રહી છે! લોકો કેવી રીતે જીવતા હશે?’
ત્યાંથી એક સમજદાર બુઝુર્ગ પસાર થતા હતા. તેમણે મગનભાઈને પરેશાન જોઈને પૂછ્યું, ‘શું થયું ભાઈ?’
મગનભાઈએ રડમસ અવાજે કહ્યું, ‘દાદા, ખબર નહીં આખી દુનિયાને શું થઈ ગયું છે. હું જ્યાં જાઉં છું ત્યાં અસહ્ય બદબૂ આવે છે.’
પેલા વડીલે ધ્યાનથી મગનભાઈના ચહેરા સામે જોયું અને હસી પડ્યા. તેમણે ગજવામાંથી રૂમાલ કાઢ્યો અને મગનભાઈની મૂછ પર લાગેલો પેલો ગંદો પદાર્થ સાફ કરી નાખ્યો. મગનભાઈએ તરત જ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ‘અરે વાહ! હવે દુનિયા એકદમ ચોખ્ખી લાગે છે. અચાનક બધી દુર્ગંધ ક્યાં જતી રહી?’
વડીલે શાંતિથી કહ્યું, ‘બેટા, દુનિયામાં ગંધ હતી જ નહીં. ગંધ તારી નાકની નીચે જ હતી. તારે બહાર સફાઈ કરવાની જરૂર નહોતી બસ પોતાની જ મૂછ સાફ કરવાની જરૂર હતી.’
આપણે પણ ઘણીવાર મગનભાઈની જેમ આખી દુનિયાને 'ગંધાતી' (ખરાબ) કહીએ છીએ. આ જમાનો જ ખરાબ છે, નસીબ જ ખરાબ છે, પાડોશીઓ જ ખરાબ છે. પણ જો આપણે થોડો સમય કાઢીને 'પોતાની પંચાયત' બેસાડીએ તો ખબર પડે કે સમસ્યા ઘણીવાર આપણા પોતાના વલણ કે દ્રષ્ટિકોણમાં હોય છે. આપણે આખી દુનિયાને સુધારવા નીકળીએ છીએ. જે અશક્ય છે. પણ જો આપણે પોતાની 'મૂછ' (પોતાનો સ્વભાવ કે વિચાર) સાફ કરી લઈએ તો આખું જગત આપોઆપ સુગંધિત લાગવા માંડશે. જો તમારા ચશ્મા પર ધૂળ હશે તો તમને સામે દેખાતો હીરો પણ પથ્થર જ લાગશે. એટલે દુનિયાને બદલવા કરતાં પહેલાં પોતાના ચશ્માના કાચ સાફ કરવા વધુ હિતાવહ છે.