“કાદવને ભૂલતું કમળ સુંદર તો બની શકે, પણ જે કમળ પોતાના કાદવનું માન રાખે તે જ ખરેખર મહાન બને છે.”
એક સુંદર ગામની બહાર એક શાંત તળાવ હતું. તળાવમાં ઘણો કાદવ હતો, પરંતુ એ જ કાદવની વચ્ચે એક સુંદર કમળ ખીલ્યું હતું. કમળની પાંખડીઓ ખૂબ સ્વચ્છ અને નાજુક હતી. તેની મીઠી સુગંધ આખા તળાવમાં ફેલાતી અને આસપાસનું વાતાવરણ મહેકી ઉઠતું. તેની સુગંધથી જાણે કાદવ પણ મહેકતો હોય એમ લાગતું. તળાવ પાસે આવનાર દરેક વ્યક્તિ થોડો સમય ત્યાં ઊભો રહી આ કમળને નિહાળતો.
કમળને પોતાની સુંદરતા અને પોતાની કિંમત વિશે ખાસ ખબર નહોતી. તે તો કાદવને જ પોતાની દુનિયા માનતું હતું. કાદવે તેને ઉછેર્યું હતું, તેને આધાર આપ્યો હતો. કાદવ વગર તે ખીલી જ ન શક્યું હોત. તેથી કમળ માટે કાદવ જ તેનું ઘર અને તેની સાચી દુનિયા હતી.
એક દિવસ એ રસ્તા પરથી એક રાજકુમારી પસાર થઈ રહી હતી. અચાનક તેની નજર તળાવમાં ખીલેલા કમળ પર પડી. કમળ એટલું સુંદર હતું કે રાજકુમારી ત્યાં જ થંભી ગઈ. તે ધીમે ધીમે તળાવ પાસે આવી અને કમળને પ્રેમથી નિહાળવા લાગી. તેની મીઠી સુગંધથી રાજકુમારીના મનમાં એક અદ્ભુત શાંતિ ઉતરી આવી.
રાજકુમારીના મનમાં વિચાર આવ્યો કે આ કમળ એટલું પવિત્ર અને સુંદર છે કે તેનું સાચું સ્થાન તો ભગવાનના પવિત્ર ચરણોમાં છે. પરંતુ રાજકુમારી કમળને જબરદસ્તી લેવા માંગતી નહોતી. તે પહેલા કમળના મનનું સમાધાન કરવા માંગતી હતી.
રાજકુમારીએ પ્રેમથી કમળને કહ્યું,
“હે સુંદર કમળ, શું હું તને એક વાત કહું?”
કમળે નમ્રતાથી જવાબ આપ્યો,
“હા રાજકુમારીજી, તમે જરૂર કહો.”
પછી રાજકુમારીએ પૂછ્યું,
“શું તમે મારા એક પ્રશ્નનો જવાબ આપશો?”
કમળે હસીને કહ્યું,
“હા, જરૂર પૂછો.”
ત્યારે રાજકુમારીએ ધીમે અવાજે પૂછ્યું,
“જો તું ભગવાનના ચરણોમાં ચઢે, તો શું તારા કાદવને ગર્વ નહીં થાય? શું લોકોને નહીં સમજાય કે આ કાદવમાંથી એટલું સુંદર કમળ જન્મ્યું છે? શું એથી કાદવનું માન નહીં વધે?”
કમળ થોડું વિચારમાં પડી ગયું. પછી તે ધીમેથી બોલ્યું,
“આ કાદવ જ મારી દુનિયા છે. આ કાદવે મને પાળી-પોશી ને મોટું કર્યું છે. હું તેને છોડીને કેવી રીતે જઈ શકું? જેણે આપણને ઉછેર્યા હોય, તેનું ઋણ આપણે ક્યારેય ભૂલવું નહીં જોઈએ. મને કાદવ સાથે રહેવાની જ મજા આવે છે. જો હું અહીંથી જઈશ તો કાદવને મહેકાવશે કોણ?”
રાજકુમારી સ્મિત કરીને બોલી,
“હું તને એક વાત કહું? ભગવાને તને એટલું સુંદર અને સુગંધિત એટલા માટે બનાવ્યું છે કે લોકો કાદવની પણ કિંમત સમજી શકે. જો તું ભગવાનના ચરણોમાં પહોંચે, તો લોકો ગર્વથી કહેશે કે આ કમળ કાદવમાંથી જન્મ્યું છે. એથી કાદવનું પણ માન વધશે.”
આ વાત સાંભળીને કમળના મનની મૂંઝવણ દૂર થઈ ગઈ. હવે તેને સમજાયું કે ભગવાનના ચરણોમાં પહોંચવાથી કાદવનું પણ ગૌરવ વધશે.કમળ ખુશ થઈને બોલ્યું,
“જો આથી કાદવનું માન વધે, તો મને ભગવાનના ચરણોમાં પહોંચવામાં આનંદ જ થશે.”
રાજકુમારી ખૂબ પ્રસન્ન થઈ. તેણે પ્રેમથી કમળને લઈને મંદિર તરફ પ્રયાણ કર્યું અને ભગવાનના પવિત્ર ચરણોમાં અર્પણ કર્યું.
તે દિવસથી લોકો સમજવા લાગ્યા કે કાદવમાંથી પણ એવી સુંદરતા જન્મ લઈ શકે છે, જે ભગવાનના ચરણો સુધી પહોંચી શકે.
નીતિ :-
જે આપણને ઉછેરે છે તેનું ઋણ ક્યારેય ભૂલવું નહીં, અને આપણા ગુણોનો ઉપયોગ એવો કરવો કે આપણું પણ માન વધે અને આપણા મૂળનું પણ ગૌરવ વધે. 🌸🙏
આ વાર્તા આપણને શીખવે છે કે આજના આધુનિક સમયમાં પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાની સફળતા પછી પોતાના મૂળ અને પોતાના ઉછેરનારને ભૂલી જાય છે. પરંતુ સાચી મહાનતા તેમાં છે કે આપણે જેટલા ઊંચા જઈએ તેટલું પોતાના મૂળને માન આપીએ અને તેના ગૌરવમાં વધારો કરીએ.
“જે માણસ પોતાની ઊંચાઈ સુધી પહોંચ્યા પછી પણ પોતાના મૂળને માન આપે છે, તે જ સાચે મહાન બને છે.”