નિશાળમાં ત્રીજા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો બાળકોને નવા શિક્ષિકા બહેન માટે ઇંતેજારી હતી બાળકો અને શિક્ષિકા બહેન બંને એક બીજા માટે નવા હતા નિશાળનો બેલ પડ્યો. એક સુંદર શિક્ષિકાએ વર્ગમાં પ્રવેશ કર્યો. સ્વર્ગમાં અભિવાદન થયું. સૌવ પ્રથમ શિક્ષિકાએ પોતાનું નામ અને શીખવાડવામાં આવેલ વિષયની માહિતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોત પોતાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. શાળાનો પહેલો દિવસ હોવાથી બધા એક બીજા સાથે હળી મળી રહ્યા હતા. પરંતુ છેલ્લી પાટલી પર બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેઠો હતો લઘર વગર, શાંત, નીરસ એવો બાળક જેને શાળાની કોઈ પ્રવૃત્તિથી મતલબ નથી. શિક્ષિકાએ બાળકની પાસે જઈને તેનું નામ પૂછ્યું. તેણે કોઈ પણ જવાબ આપ્યો નહીં. બાજુમાં બેઠેલો વિદ્યાર્થી બોલ્યો. ટીચર આનું નામ વૃશાંક છે. હવે તો અવાર નવાર મારે તે વર્ગમાં જવાનું થતું અને મારી નજર શિક્ષણ કાર્ય દરમિયાન વૃશાંક પર જતી. તે તો એની દુનિયામાં જ ખોવાયેલો રહેતો. કશું પણ બોલ્યા ચાલ્યા વગર માથું નીચે રાખી બેસી રહેતો. બાળકો રિસેસ દરમિયાન ધમાલ, મસ્તી કુદાકુદ ,વાતચીત કર્યા કરે. પણ વૃશાંકતો શાંતિથી બેસી રહેતો. કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેના અક્ષરો પણ એટલા ગડબડીયા હતા કે ભાગે જ કોઈ ઉકેલી શકે. માર્ક ન આવવા છતાં જાણે કંઈ જ બન્યું ન હોય એમ વર્તીને નીચું જોઈને બેસી રહેતો ને પગના અંગૂઠાથી જમીન પર ખાડો ખોદતો હોય એમ ખોતરતો રહેતો.
ઘણી વાર હું વૃશાંકને જોવું તો એને લખવા,વાંચવાનું કહું કે કાર્ય પૂર્ણ કરવાનું કહું એના માથે હાથ મૂકીને એને વહાલ કરવાનું મન પણ થતું. એક દિવસ સાંભળવા મળ્યું કે તેની તબિયત સારી રહેતી નથી. એક દિવસ આવે અને પાંચ દિવસ ન આવે. એક દિવસ હાજર અને પાછો બે ચાર દિવસ ગેરહાજર હોય. વર્ગ શિક્ષિકાથી જાણવા મળ્યું કે તે કોઈ બીમારીથી સપડાયેલો છે.ઘણા દિવસથીએ દવાખાનામાં દાખલ પણ છે.
અચાનક એક દિવસ શાળાના whatsapp ગ્રુપમાં આચાર્ય સાહેબે વાલી તરફથી મોકલેલ મેસેજ ફોરવર્ડ કર્યો. કે અત્યંત દુઃખદ સાથે જણાવવાનું કે અમારા પુત્ર વૃશાંક રાઠોડ (ઉંમર વર્ષ - ૮) નું આજ તારીખ ૨૭ - ૧૧ - ૨૦૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા આવતી કાલે તારીખ ૨૮- ૧૧- ૨૦૨૫ના રોજ સવારે ૯: ૩૦ કલાકે અમારા નિવાસ સ્થાનેથી ગોતા સ્મશાને જશે. વાંચતાની સાથે જ ધ્રાસકો લાગે છે. હું સ્ટાફ રૂમમાં બેસીને વિચારતી કે એ જ વૃશાંક જે છેલ્લી પાટલી પર બેઠો કશું જ ન બોલતો પણ ઘણું બધું કહી જાય એવો નિર્દોષ બાળક જે વર્ગથી ચાલ્યો ગયો. દુનિયાથી વિદાય લીધી. ઘણી વાર વર્ગ શિક્ષિકા ગેરહાજર હોવાથી મારે ધોરણ ત્રણ બ માં જવાનું થતું અને જ્યારે પણ હાજરી લેતી ત્યારે વિદ્યાર્થીઓના નામ બોલીને હાજરી પૂરતી. વૃશાંકનું નામ આવતા જ ઉભી રહેતી.
આજે ધોરણ ત્રણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ધોરણ ત્રણ બના તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના ફાળવેલ સમય પ્રમાણે પરિણામ લઈ ગયા પરંતુ વૃશાંકનું પરિણામ મારા હાથમાં રહી ગયું. વાલી પણ પરિણામ લેવા આવશે કે નહીં ઈશ્વર જાણે.
આ સત્ય ઘટના પરથી મને થાય છે કે ચાલો આપણે આપણા મિત્રો, સ્નેહીઓ, સગા, વ્હાલા સંબંધીઓને કહી દઈએ કે આપણે એમને કેટલા ચાહિયે છીએ. એ લોકોના કયા સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીઓના સમયમાં માર્ગદર્શન પણ આપે છે ચાલો સમય તમારા હાથમાંથી છટકી ન જાય એ પહેલાં દુનિયાને કહી દઈએ કે અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
લિ.
ડૉ. રચના જૈન
એશિયા ઇંગ્લિશ સ્કુલ