પ્લાન મુજબ આદિત્ય અને કરણને અમદાવાદ જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા હતા. આખો કાફલો ભારે સુરક્ષા સાથે આગળ વધી રહ્યો હતો. ઉપર આકાશમાં ડ્રોન સતત નજર રાખી રહ્યું હતું. દરેક અધિકારી એક્શનમાં હતો. બધાની આંખો ગીધની જેમ શિકાર પર સ્થિર થઈ ગઈ હતી.
રસ્તો એકદમ સુમસામ હતો.
અચાનક દૂરથી એક બાઇકનો અવાજ સંભળાયો.
વ્રૂમ્મ...!
બાઇક પૂરપાટ ઝડપે કાફલા તરફ આવી રહી હતી.
સારા તરત જ વોકી-ટોકી પર બોલી:
“અર્જુન સર, ડ્રોન દ્વારા તસ્વીર મળી છે. બાઇક પર કોઈક આવી રહ્યું છે. માસ્કના કારણે ઓળખ થઈ રહી નથી, પરંતુ મને ખાતરી છે... આ છાંયો જ છે.”
એટલી જ વારમાં બાઇક છેલ્લી ગાડી સુધી પહોંચી ગઈ.
અર્જુન બંદૂક બહાર કાઢવા જતો હતો, ત્યાં જ છાંયોએ ગાડી પર ચુંબકીય બોમ્બ ચોંટાડી દીધો.
તે હળવું હસ્યો.
“યુ આર લેટ.”
એમ કહી તેણે બટન દબાવી દીધું.
ધડામ્મ...!
ભયંકર વિસ્ફોટ સાથે અર્જુન અને સારાની ગાડી હવામાં ઊડી ગઈ.
અર્જુન દૂર ફેંકાઈ ગયો. તેના કાનમાં સિસોટી વાગી રહી હતી. તેને કશું સંભળાતું નહોતું.
તે જેમ તેમ ઊભો થયો.
થોડે દૂર સારા મરણતોલ હાલતમાં પડી હતી.
“સારા...! સારા...!”
અર્જુન દોડી તેની પાસે ગયો.
સારા ધીમે બોલી:
“સર... હું હાલી શકું તેવી સ્થિતિમાં નથી. મારા પગ સુન્ન થઈ ગયા છે... તમે આ વોકી-ટોકી લો અને મિશન સંભાળો.”
એમ બોલીને તે બેભાન થઈ ગઈ.
અર્જુને તરત આદેશ આપ્યો:
“K1... ફાયર! તમારી પાછળ છાંયો છે!”
આર્મીના જવાનોએ ગોળીબાર શરૂ કરી દીધો.
એક ગોળી સીધી છાંયોના ખભામાં વાગી.
પણ તેને જાણે કંઈ થયું જ નહીં.
તેણે બાઇકનું બટન દબાવ્યું.
તુરંત બાઇક પર બુલેટપ્રૂફ કવચ સક્રિય થઈ ગયું.
છાંયો સીધો આર્મીના ટ્રક તરફ દોડ્યો અને ડ્રાઈવર કેબિનમાં સ્મોક બોમ્બ ફેંકી દીધો.
જોતજોતામાં ટ્રક કાબૂ ગુમાવી ખાઈમાં જઈ પડ્યો.
ધડામ્મ!
ભયંકર બ્લાસ્ટ થયો.
હવે છાંયો પોલીસ બસ તરફ આગળ વધ્યો.
અર્જુને તરત જ માઇન બ્લાસ્ટ કરવાનો આદેશ આપ્યો.
ધડામ!
વિસ્ફોટ થતાં છાંયોની બાઇક હવામાં ઉછળી ગઈ.
પણ છાંયો ફરી ઊભો થઈ ગયો.
એક જવાન તેને પકડવા દોડ્યો.
છાંયોએ સ્ટાર નાઈફ બહાર કાઢી અને એક જ ઘામાં તેને ઢાળી દીધો.
ત્યારબાદ તે ફરી પોલીસ બસ તરફ દોડ્યો.
કાર્લિન ગાડીમાંથી બહાર નીકળ્યો અને છાંયો પર ગોળીબાર શરૂ કર્યો.
છાંયોએ બાઇકનું બીજું બટન દબાવ્યું.
ધડધડધડ...!
બાઇકમાંથી ગોળીઓનો વરસાદ શરૂ થઈ ગયો.
કાર્લિનની ગાડીમાં આગ લાગી અને થોડી જ પળોમાં તે બ્લાસ્ટ થઈ ગઈ.
અર્જુન આ બધું જોઈને દંગ રહી ગયો.
તેણે હેલિકોપ્ટરમાંથી ગોળીબાર શરૂ કર્યો.
એક ગોળી બાઇકના ફ્યુઅલ ટેન્કમાં વાગી.
ધડામ!
બાઇક બ્લાસ્ટ થઈ ગઈ.
છાંયો હવામાં ઉછળી પોલીસ બસની પાછળ પટકાયો.
લોહીલુહાણ હાલતમાં પણ તેણે બસનો નીચેનો ભાગ પકડી લીધો અને દરવાજા સુધી પહોંચી ગયો.
દરવાજો ખોલતા જ રાકેશ અને સાહીન તેના પર તૂટી પડ્યા.
ત્રણે વચ્ચે ભયંકર મારામારી શરૂ થઈ.
છાંયોએ શોર્ટ સ્ટિકથી સાહીનના માથામાં ઘા કર્યો.
સાહીન બેભાન થઈ બસની બહાર પડી ગયો.
રાકેશે ગુસ્સામાં તેના પેટમાં છરી મારી.
છાંયો ઘાયલ થયો, પરંતુ તેણે જોરદાર લાત મારી રાકેશને પણ બસની બહાર ફેંકી દીધો.
“કરણ... આદિત્ય... હું તમને બચાવવા આવી ગયો છું!”
એમ કહી તેણે માસ્ક ઉતાર્યો.
એ જ ક્ષણે બસમાં બેઠેલા બે એજન્ટોએ તેના પર હુમલો કર્યો.
તેમણે તેની છાતીમાં છરી ઘોંપી.
પરંતુ ખાસ સુટના કારણે તે બચી ગયો.
તેણે પોતાની જાપાનીઝ કતાના બહાર કાઢી અને બંને એજન્ટોને મારી નાખ્યા.
ત્યારબાદ ડ્રાઈવરને બહાર ફેંકી પોતે બસ ચલાવવા લાગ્યો.
આ દરમિયાન સારા ફરી હોશમાં આવી.
તે ધીમે ધીમે આગળ વધી.
અર્જુને હેલિકોપ્ટરને બસની સામે લાવ્યું.
તેના હાથમાં રોકેટ લોન્ચર હતું.
તેને નિશાન સાધ્યું.
ધડામ્મ!
રોકેટ સીધી બસ સાથે અથડાયું.
બસ ત્રણ ફૂટ હવામાં ઉછળી ગઈ અને ઊંધી થઈ ગઈ.
છાંયો લોહીલુહાણ હાલતમાં બહાર નીકળ્યો.
અર્જુન પણ નીચે ઉતરી તેની સામે આવીને ઊભો રહ્યો.
“બસ... હવે બધું પૂરું થઈ ગયું.”
છાંયો હળવું હસ્યો.
“એ ઇન્સ્પેક્ટર... છાંયોને હરાવવું એટલું સહેલું નથી.”
ત્યારબાદ બંને વચ્ચે ભયંકર લડાઈ શરૂ થઈ.
લગભગ ત્રીસ મિનિટ સુધી બંને એકબીજાને મારતા રહ્યા.
બંને થાકી ગયા હતા.
પરંતુ કોઈ હાર માનવા તૈયાર નહોતું.
અચાનક છાંયોએ ચાકુ ઉઠાવી અર્જુનની છાતીમાં ઘોંપી દીધું.
“તારો ખેલ ખતમ, ઇન્સ્પેક્ટર.”
અર્જુન જમીન પર પડી ગયો.
ત્યાં જ પાછળથી સારા બૂમ પાડી:
“ખેલ તો તારો ખતમ થશે!”
અર્જુને છેલ્લી હિંમત ભેગી કરી.
તેણે ચાકુ પકડી સીધું છાંયોના ગળામાં ઘોંપી દીધું.
છાંયો થોડા પગલાં પાછળ હટ્યો.
પછી ધીમે ધીમે જમીન પર પડી ગયો.
તેની આંખોમાંથી ગુસ્સો ગાયબ થઈ ગયો હતો.
હવે માત્ર શાંતિ હતી.
અર્જુન પણ તેની બાજુમાં ઢળી પડ્યો.
સારા તેની પાસે આવી.
“સર... આંખો બંધ ના કરો... આપણે જીતી ગયા...”
અર્જુન ધીમેથી બોલ્યો:
“હા... આપણે જીતી ગયા... કાયદાથી મોટું કોઈ નથી...”
એમ બોલીને તે બેભાન થઈ ગયો.
થોડી જ પળોમાં બેકઅપ ટીમ આવી પહોંચી.
બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
બે દિવસ પછી...
અર્જુને આંખો ખોલી.
તેની બાજુમાં સારા અને માયરા ઉભી હતી.
સારા હસીને બોલી:
“વેલકમ બેક, હીરો.”
અર્જુન પણ હળવું સ્મિત કરી બોલ્યો:
“છાંયોનો અંત થઈ ગયો...”
અને એક લાંબી, લોહિયાળ સફર આખરે પૂરી થઈ ગઈ.