ચંદા'
થાળી મૂકતા જ ખ્યાલ આવ્યો આજે એ જોવા ના મળી, હાથ ધોઈને પાછું એ બાજુ ધ્યાન ખેંચાયું. એની જગ્યાં એ બીજાં બે ભાઈઓ વાસણ સાફ કરી રહ્યાં હતાં. આવું ક્યારે પેહલા નોહ્તું બન્યું, આ સમયે અને આ જગ્યાંએ એની હાજરી અચૂક હોય.
એ બિહારની પંદર સોળ વરસની નાનકડી છોકરી. પણ બાળવયે થયેલાં લગ્ને એને સમજુ, પુખ્ત વયની બનાવી દીધેલી. એનો પતિ જે એનાથી માંડ બે વરસ મોટો હશે એની સાથે રહે. એ એનાં નાના - નાના હાથોથી આખી હોસ્ટેલના વાસણ સાફ કરતી હોય ને એને બોલાવીએ એટલે ઘૂંઘટ ઊંચો કરી સામે નજર કરે, નાનકડું સ્મિત વેરી, મોં પર શરમ નો શેરડો પડે કે તરત પલક ઝુકાવી ઘૂમટો તાણી પાછી કામે વળગી પડે. કોઈકવાર જોઈતી વસ્તુ લાવવા બહારથી એને સાદ પાડીએ ત્યારે એ વંટોળની જેમ આવે ને પાછી એ જ ગતિએ લાલ ઓઢણી લહેરાવતી અંદર સરકી જાય. જાણે એક્સપ્રેસ જોઈ લ્યો. કયારેક એની જોડે અલપ ઝલપ વાતો પણ થતી. તો ક્યારેક એ હકાર માં ડોકું ધુણાવી હા જ પાડ્યા કરે. કદાચ અમારી વચ્ચે ભાષા નું માધ્યમ અગવડરૂપ બનતું હશે, પરતું પ્રેમ ની કોઈ ભાષા નથી હોતી એમ અમારી વચ્ચે લાગણીનો સેતુ રચાયો. કયારેક કોઈક એને પૂછી પણ લેતું ચંદા તને અહીંયા ગમે ખરું?, તારે અમારી જેમ ભણવું નથી, તો કોઈક મસ્તી, ટીખળ કરવા પૂછતું હે ચંદા તારો પતિ તને પ્રેમ કરે છે? વગેરે વગેરે જેવા અનેક સવાલો...ત્યારે એ તો માત્ર મંદ મંદ હસે. કદાચ એનું જીવન આવી રીતે જ પસાર થશે એ જ એનો જવાબ હતો.
શિયાળા ની હાડ થીજાવતી ઠંડીમાં એ સ્વેટર પહેર્યા વિના ખુલ્લામાં વાસણ ધોતી હોય ત્યારે થયા કરે કે કયા આત્મબળે એ આ બધું કરી શકતી હશે. પણ આ વર્ષે શિયાળો સાક્ષાત્ કાળ જેવો, સૂસવાટા ભેર ફૂંકાતો ઠંડો પવન એનો આત્મબળ છીનવી લેવા માંગતું હતું. એ રાતે એ ટાઢના કારણે ધ્રૂજતી હતી. અતિશય ઠંડી લાગવાથી એ બે દિવસ પથારીવશ રહી. હોસ્ટેલ નું અસ્તવ્યસ્ત રસોડું, એઠાં વાસણો, એઠવાડ ની ડોલ માથે બણબણતી માખીઓ ચંદા ની ગેરહાજરી સૂચવતી હતી.ઘણાં દિવસો છતાંય ચંદા ના દેખાઇ. માંદી પડી એટલે એને વતન પાછી ફરી, જીવલેણ બીમારી નો ભોગ બની કે કોઈ વળી નવું કઈક કહેતું કે એને બીજાં કોઈ ભેગા મન મળતાં એની જોડે ભાગી ગઈ. વિધ વિધ અટકળોનો દોર ચાલ્યો પણ ચંદા નું રહસ્ય અકબંધ રહ્યું.
હવે એની જગ્યાએ બીજી બાઈઓ કામ કરે. એક જાય ને બીજી આવે એમ ચાલ્યા કરતું પણ ચંદા જેવું સ્થાન કોઈ જમાવી શક્યું નહિ. અમારાં રસોડાંમાં ચંદા શોભતી કે ચંદા થકી રસોડું એ હજી નથી કળી શકાયું.
થોડાં વરસો પછી મુંબઈ જવાનું થયું ત્યારે દોડતી સડકો પર ટ્રાફિક સિગ્નલ વખતે ગાડી રોકાઈ, ને મારી નજર ફૂટપાથ પર દોડી ગઈ. મુંબઈની કાળઝાળ ગરમીમાં તપી ને ફૂટપાથ સૂરજ ની સખી હોય એમ તાપ ઝરવતી હતી, સડક પરનું કાળુ ચકચકતું ડામર મારી આંખોને વીંધી મારી સામે ઘૂરકિયા કરતું હતું. ફૂટપાથ પર અવરજવર ચાલુ હતી. માણસો થી ઉભરાતા આ શહેર માં એકાએક મારી નજર કાંખે બાળક ને માથે પોટલું મૂકી, ઉભરાણે પગે ચાલતી સ્ત્રી પર ગઈ. એની લાલ ઓઢણી ને પગ જાણે હવા સાથે તાલબદ્ધ નૃત્ય કરતાં હતાં. એની બાજુમાં એની હાથની આંગળી ઝાલી ને પોતાના નાનકડા પગલાં વડે દુનિયા ને માપતી જતી પાંચેક વરસ ની બાળા એની મસ્તરંગી ચાલે ચાલતી હતી. એ બાઈ ને જોતાં જ, હોસ્ટેલ ના રસોડાં સુધી જઈ પહોચ્યું મારું મન ને મને કેમ જાણે એ યાદ આવી ગઈ. મારી આંખ સામેથી પાછી એ ખસી ને કોઈ અસીમ આકાશમાં સમાઈ જાય એ પહેલાં હું ગાડી માંથી ઉતરી એની પાછળ એને પકડવા ભાગી. એ ખાસ્સી આગળ નીકળી ગયેલી. મે મારી ગતિ વધારી. એ સડકના ખૂણે સાંકડી ગલીમાં વળી ગઇ.
કુબેર નો કાળો કોપ વરસ્યો હોય ને સાક્ષાત દરિદ્રનારાયણ દેખાય એવા આ મોહલ્લામાં જવું કે કેમ એવી અવઢવ હતી ત્યાં જ લાલ ઓઢણી એ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મે આગળ વધી એને પૂછ્યું તું ચંદા ને અમારી હોસ્ટેલમાં તારા વર ભેગી કામ કરતી એ? એના મૌને મને અકળાવી. ભારેખમ ક્ષણો વીતી. એણે મને અંદર આવવા કહ્યું. એક ખોલી એને ઘર તો શું કહું.
પાણી આપી કહે. 'મે યહાં કામ કરતી હું મેડમ, મેરે દો બચ્ચે, પણ દોનોં મેરે નહિ, ઉસકે' હું સ્તબ્ધ રહી ગઈ. એનો ઈશારો સમજી. એની કથની ચાલુ રાખી.બીમારી માંથી ઠીક થઈ, ગૃહ જીવન સંભાળ્યું ત્યાં પતિ દારૂડિયો, મારપીટ, શંકા જેવા પ્રશ્નો આવ્યાં. ભાગી છૂટવા મથી તો ઘરના મોટેરાંઓ એ બેય પ્રકારના ત્રાસ દીધાં. હામ ભેગી કરી અંધારી રાતે નીકળી આવ્યાં તે સવારે આ મહાનગરમાં મને એના દર્શન ફરી ના થયાં. એ અંધારે અલોપ થઈ ગઈ. અંજવાળું એના નસીબ માં નઇ હોય. "યહાં ભી લોગ તો એસે હિ હૈ, કહા જાયેંગે? પર થોડાં ખુદ કે ભરોસે થોડાં ખુદા ભરોસે જી લેતે હૈ." હું ઊભી થઈ સડસડાટ ચાલવા મંડી. ગલી નાં વણાંક પાસે ઊભી, પાછળ એક દ્રષ્ટિ નાખી તો એ સ્રી વાળ ખુલ્લાં કરી ઓઢણી કાઢી ચૂકેલી. નીચે પડેલી ઓઢણી જાણે માત્ર સ્ત્રીને જ સભ્યતાના પાઠ ભણાવતાં સમાજ સામે હસતી હતી.
ક્યાંય સુધી મારા મનમાં ચંદા ને આ સ્ત્રીની આકૃતિઓ પથરાઈ રહી. ચંદા માં રહેલી બીજી ચંદા કે બીજી માં પેલી ચંદા. કે મરવાના વાંકે જીવતી, જીવવા મથતી અગણિત ચંદા. સુરજ તપી ને શાંત થયો પણ મારું ભીતર...