Ruff note in Gujarati Fiction Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | બાળપણની એ રફનોટ - 11

Featured Books
  • فرصت کے لمحات

    کہاں جا رہے ہو؟ کیا آپ کو سکون مل رہا ہے؟   کس کی یاد م...

  • نیم بسمل

    حرف آغاز بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِجب درخت سے آخر...

  • शायद उसी दिन मैं मर गया

    शायद उसी दिन मैं मर गयालगता है जैसे मेरा सपना मुकम्मल हो गया...

  • Safar e Raigah - 19

    منظر ۔آیت نے دھیرے سے اپنے کمرے کا دروازہ کھولا اور اندر داخ...

  • والدین کے فرائض

    والدین کے فرائضتحریر۔شاہد شکیلوالدین اور اولاد کا رشتہ محض خ...

Categories
Share

બાળપણની એ રફનોટ - 11

પ્રકરણ ૧૧: રાજકુમાર નિખિલનો જન્મદિવસ

વર્ષ ૨૦૦૦ના એ ઉનાળાની એક નવી જ ભાસ્કર-કિરણોથી ભરેલી સવાર પશ્ચિમ દિશાના એ સુસ્ત મધ્યમવર્ગીય શહેર પર પોતાના સોનેરી રંગો રેલી રહી હતી. રાત્રિનો ઉકળાટ ધીમે ધીમે ઓસરી ગયો હતો અને સવારનો નવશેકો પવન ગલીઓની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.

પરંતુ આજે નિખિલના મનમાં સવારનો મિજાજ સાવ જુદો હતો. જેમ કોઈ પ્રાચીન રજવાડાનો નાનામાં નાનો પણ અતિ લાડકો રાજકુમાર પોતાના જન્મદિવસની સવારે પોતાની જાતને અષ્ટસિદ્ધિ અને નવનિધિનો માલિક સમજે, એ જ મિજાજમાં નિખિલ આજે પોતાના પલંગ પર આળોટી રહ્યો હતો. ગઈકાલે પપ્પાએ આપેલી 'વિડીયો ગેમ'ની  આશ્ચર્યજનક ગીફ્ટ  અને આજે પોતાના જન્મદિવસના વૈભવથી તેનો ચહેરો આત્મસંતોષથી મરક-મરક હસી રહ્યો હતો. તેણે મનોમન નક્કી કર્યું હતું કે આજે તો દિવસનો સરતાજ પોતે જ છે. રાત્રે જ મમ્મીને કડક આદેશ આપી દીધો હતો કે સવારે કોઈએ તેને વહેલા ઉઠાડવાની કે જગાડવાની હિંમત કરવી નહીં.

બીજી તરફ, ઘરની પાછળની બાજુની સોસાયટીના બીજા માળે આવેલા બે રૂમના ઘરમાં આર્યનની આંખો સૂરજ ઊગે તે પહેલાં જ ખૂલી ગઈ હતી. ગઈકાલે નિખિલ નાં ઘરે સોફા પર બેસીને ટીવીના પિક્સેલેટેડ પડદા પર લાલ ટોપીવાળા 'મારીઓ'ના જે કુદકા અને સિક્કાઓનો રણકાર જોયો હતો, તેનો અસલી ઘેન આર્યનના મગજ પર સવાર હતો. રાત્રે ઊંઘમાં પણ તેના હાથની આંગળીઓ જાણે 'A' અને 'B' બટનો શોધી રહી હતી.

આર્યને ઉતાવળે સ્નાન પતાવ્યું, તેલ નાખીને વાળ ઓળ્યા અને મમ્મી કશું પૂછે કે છાપું લાવવાનું કામ સોંપે તે પહેલાં તો ઘરનો ઉંબરો ઓળંગીને નીચે દોટ મૂકી. તેના પગ હવામાં ઊડતા હતા. તે સીધો બાજુની સોસાયટીમાં આવેલા નિખિલના આલીશાન ઘરના આંગણે પહોંચી ગયો.

પરંતુ નિખિલના ઘરનો લાકડાનો મોટો દરવાજો હજુ અડધો વાસાયેલો હતો. આસપાસ સવારની શાંતિ હતી. આર્યને અધીરાઈથી આંગળીઓના સરસ ઉપયોગથી દરવાજો ખટખટાવ્યો—'ઠક... ઠક...'.

દરવાજો ખૂલ્યો અને હાથમાં પૂજાની થાળી તથા અગરબત્તી લઈને નિખિલના મમ્મી બહાર આવ્યા. સવાર-સવારમાં જ આર્યનના ચહેરા પરનો ઉતાવળો અને અધીરો ઉત્સાહ જોઈને તેમના ચહેરા પર એક વાત્સલ્યસભર મધુર હાસ્ય રેલાઈ ગયું.

"અરે! આર્યન બેટા? આજે તો આટલો વહેલો વહેલો? હજુ તો સૂરજ પણ બરાબર ઊગ્યો નથી!" નિખિલના  મમ્મીએ અગરબત્તીનો ધુમાડો હવામાં ફેલાવતાં પૂછ્યું.

આર્યને આજુબાજુ નજર દોડાવતાં અધીરાઈથી પૂછ્યું, "નમસ્તે માસી! નિખિલ ક્યાં છે માસી? હજુ જાગ્યો નથી?

નિખિલના મમ્મીએ ખડખડાટ હસી પડતાં કહ્યું, "અરે દીકરા ! આજે તો તારા ભાઈસાહેબનો જન્મદિવસ છે! કાલે રાત્રે જ મને કડક ઓર્ડર આપીને સુતો છે કે, 'મમ્મી, કાલે મારો બર્થડે છે એટલે મને કોઈએ સવારે વહેલો ઉઠાડવો નહીં, કાલે  તો હું કુંભકર્ણની જેમ શાંતિથી મોડો જ ઉઠીશ!' એટલે મહારાજા તો હજુ પથારીમાં ઘોંટી રહ્યા છે. તું બહુ વહેલો આવી ગયો બેટા!"

આ સાંભળતાં જ આર્યનનો બધો ઉત્સાહ ક્ષણભરમાં પહાડ પરથી નીચે પટકાયો. તેના ચહેરા પર નિરાશાની આછી છાયા પથરાઈ ગઈ. તેણે મોં મચકોડ્યું, પગ અંગૂઠાથી જમીન પર ઘસ્યો અને કીધું, "ઓહો માસી! આ તો ભારે કરી... સારુ, હું સોસાયટીમાં જઈને રાહ જોઉં છું."

આર્યન ધીમે પગલે પાછો સોસાયટીના કમ્પાઉન્ડમાં આવ્યો અને લીમડાના ઝાડ નીચે પડેલા સિમેન્ટના ઓટલા પર ગાલ પર હાથ મૂકીને બેસી ગયો. વહેલી સવારનો શીતળ પવન તેને અડી રહ્યો હતો, પણ તેનું મન વારંવાર નિખિલના રૂમની બંધ બારી તરફ જતું હતું. એક-એક મિનિટ તેને એક-એક કલાક જેવી અકળાવનારી લાગતી હતી. અચાનક તેને પોતાની 'વાનરસેના'ના બાકીના બે શૂરવીરો—બિશન અને જુગલની યાદ આવી.

આર્યને ઓટલા પરથી ઊભા થઈને ગળું ફાડીને મોટેથી બૂમો પાડી, "એલા ઓ જુગલિયાાા... બિશનિયાાા... સોસાયટીના કમ્પાઉન્ડમાં આવો લ્યા!"

તેનો અવાજ સોસાયટીની દીવાલો સાથે અથડાઈને ગૂંજ્યો. થોડી જ વારમાં જુગલ અને બિશન પણ અડધી ઊંઘ ચોળતા, આંખો મસળતા ઘરની બહાર આવ્યા. બિશન પોતાના સેન્ડલની પટ્ટી સરખી કરી રહ્યો હતો અને જુગલ પોતાના શર્ટના બટન સરખા કરી રહ્યો હતો.

"અરે આર્યન! સવાર-સવારમાં કેમ ગળું ફાડે છે? શું થયું? સોસાયટીમાં ચોર આવ્યો છે કે શું?" જુગલે આળસ મરડતાં પૂછ્યું.

આર્યને બંનેને પોતાની પાસે ઓટલા પર બેસાડ્યા. તેની આંખોમાં ગઈકાલનો રોમાંચ પાછો ફરી આવ્યો. "એલા મિત્રો! ગઈકાલે નિખિલના ઘરે શું થયું ખબર છે? એના પપ્પા એના બર્થડે માટે એક એવી અજાયબ વસ્તુ લાવ્યા છે કે તમે જોશો તો તમારી આંખો ફાટી જશે! 'વિડીયો ગેમ'... સીધું આપણા કલર કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી સાથે જોડી દેવાનું! અને વાયરવાળા રીમોટના બટન દબાવો એટલે ટીવીની અંદરનો માણસ આપણા ઈશારે દોડે, કૂદકા મારે, સિક્કા ભેગા કરે અને બંદૂકમાંથી ગોળીઓ પણ છોડે!"

આ સાંભળતાં જ બિશનનું મોઢું ખુલ્લું રહી ગયું! જુગલની ઊંઘ પલભરમાં ક્યાંય ગાયબ થઈ ગઈ.

"શું વાત કરે છે આર્યન?!" બિશને ઉત્સાહમાં આવીને આર્યનનો ખભો પકડી લીધો, "એટલે ટીવીની અંદરનો માણસ આપણે કહીએ એમ કરે? એ આપણું માને? સાચે જ? અરે યાર, તો ચાલ ને અત્યારે જ જઈએ નિખિલના ઘરે! આપણે પણ જોઈએ આ જાદુ!"

આર્યને એક ઊંડો નિસાસો નાખ્યો, "ક્યાંથી જઈએ? એ ગેમનો માલિક, આપણો મહારાજા નિખિલ અત્યારે કુંભકર્ણની જેમ ઓઢાડાઈને ઘોંટી રહ્યો છે! એની મમ્મી કહે છે કે દસ વાગ્યા પહેલાં કોઈ હિસાબે નહીં જાગે."

બિશન અને જુગલ તો જાણે કાચની દુકાનમાં કૂતરું ઘૂસી ગયું હોય તેમ અદ્ભુત તાલાવેલીથી નાચી ઉઠ્યા! તેમને પણ એ અજાયબ ગેમ એકવાર પોતાની નજરે જોવાની અને રમવાની અતિ તીવ્ર ઇચ્છા જાગી ગઈ. પણ હવે સમય કાઢવો અઘરો હતો. ગલીમાં ગીલી-દંડો કે ટાયર ફેરવીને તો થાક્યા હતા, અને સવારના સમયે ટીવીમાં પણ દૂરદર્શન પર કોઈ ખાસ પ્રોગ્રામ્સ આવતા નહોતા. ચારેય બાજુ બસ રાહ જોવાનો કંટાળાજનક સમય હતો. ત્રણેય મિત્રો ઓટલા પર બેસીને ધૂળમાં કાંકરીઓથી લીટા દોરતા રહ્યા અને સમયના કાંટા સરકવાની રાહ જોતા રહ્યા.

આમને આમ આતુરતાની ક્ષણો વિતતી ગઈ અને આખરે ઘડિયાળમાં સવારના દસ વાગ્યાનો ટકોરો પડ્યો.

નિખિલ આંખો ચોળતો, વાળ અસ્તવ્યસ્ત રાખીને પોતાના ઘરની પાછળની વરંડા વાળી બારીમાં આવ્યો. તેણે નીચે નજર કરી તો લીમડાના ઓટલા પર તેના ત્રણેય ખાસ મિત્રો—આર્યન, જુગલ અને બિશન—તેની જ રાહ જોઈને વિહવળ નજરે બેઠા હતા. પોતાના મિત્રોને આ રીતે આતુરતાથી પોતાની અધીરી રાહ જોતા જોઈને નિખિલના મનને ભારે ગર્વ અને આનંદ થયો. આમ પણ આજે તેનો જન્મદિવસ હતો, એટલે તેનો વટ કઈં ઓછો નહોતો!

"હેપી બર્થડે નિખિલિયા!" ત્રણેય મિત્રોએ સામેથી  એકસાથે જોરથી બૂમ પાડીને શુભેચ્છા પાઠવી.

નિખિલે કોઈ રાજા પોતાના પ્રજાજનોને અભિનંદન સ્વીકારતો હોય તેમ હાથ હલાવ્યો, "થૅન્ક યુ ભાઈઓ! તમે લોકો ઊભા રહો, હું ફટાફટ નાહાઈ-ધોઈને તૈયાર થઈને ત્યાં આવું છું!"

બરાબર પિસ્તાળીસ મિનિટમાં નિખિલ સોસાયટી કંપાઉન્ડ માં  આવ્યો. આજે તેણે નવા નવકોર, કડક ઇસ્ત્રી મારેલા કપડાં  પહેર્યા હતા. તેના હાથમાં એક ગોળ, મોટો, ચમકતો લાલ-પીળો ડબ્બો હતો—એ જમાનાનો અતિ લોકપ્રિય અને મોંઘો 'Eclairs' ચોકલેટનો ડબ્બો!

જેમ કોઈ ઉદાર મહારાજા પોતાના રાજ્યમાં કોઈ શુભ પ્રસંગે પ્રજાજનો વચ્ચે સોનામહોરો ભેટસ્વરૂપે વહેંચે, તેમ નિખિલે પોતાના ખાસ ત્રણેય મિત્રો તરફ એ ડબ્બો ધર્યો. બધાને એક-એક ચોકલેટ આપી, પણ આર્યન તરફ જોઈને તેણે લુચ્ચું સ્મિત કર્યું અને આર્યનની હથેળીમાં ખાસ બે ચોકલેટ વધારે મૂકી!

"લે આર્યન, આ તારા માટે એક્સ્ટ્રા! મારા સૌથી પાક્કા મિત્ર તરીકે !" નિખિલે ગર્વથી કીધું.

ત્યારબાદ નિખિલે આર્યનને પોતાની સાથે લીધો અને આખી સોસાયટીમાં ઘરે ઘરે જઈને ચોકલેટ વહેંચવાનું અભિયાન શરૂ કર્યું. બિશન અને જુગલ પણ પાછળ પાછળ ચમચાની જેમ ચાલવા લાગ્યા.

સૌથી પહેલાં તેઓ સામેના મકાને પહોંચ્યા. નિખિલે આગળ વધીને દરવાજો ખટખટાવ્યો, "રમીલામાસી... ઓ રમીલામાસી!"

અંદરથી મધ્યમ ઉંમરના, સાડીનો છેડો કમરે બાંધેલા રમીલાબેન દરવાજો ખોલીને બહાર આવ્યા. "કોણ છે લ્યા સવાર-સવારમાં બૂમો પાડે છે?"

"માસી, હું નિખિલ! આજે મારો જન્મદિવસ છે, આ લો ચોકલેટ... તમારા ચિન્ટુ માટે!" નિખિલે ડબ્બામાંથી બે-ત્રણ ચોકલેટ માસીના હાથમાં મૂકી.

રમીલાબેને પ્રેમથી નિખિલના માથે હાથ ફેરવ્યો, "અરે વાહ નિખિલ! જીવતો રહે બાપ! ખૂબ ભણી-ગણીને મોટો સાહેબ બન! ચિન્ટુ તો હજુ ઊંઘે છે, હું એને આપી દઈશ."

આમ કરીને બંને જણા આખી સોસાયટીમાં ઘેર-ઘેર ફર્યા. એક ડબ્બો પોતાની સોસાયટીમાં પૂરો થયો, તો નિખિલ ઘરની અંદરથી બીજો ડબ્બો લઈ આવ્યો અને આર્યનની સોસાયટીમાં પણ બધાને ઘરે જઈ જઈને ચોકલેટ વહેંચી આવ્યા.

બધી ચોકલેટો વહેંચાઈ ગઈ અને ડબ્બા ખાલી થયા, પણ જેની માટે સવારથી ત્રણેયના જીવ અધ્ધર હતા, એ વિડીયો ગેમની વાત હજુ બાકી હતી. બિશને આખરે પોતાની ધીરજ ગુમાવી અને કીધું, "એલા નિખિલ! ચોકલેટો તો બહુ ખાધી, પણ પેલી અજાયબ વિડીયો ગેમ ક્યારે બતાવીશ? આર્યન તો સવારનો એના એવા વખાણ કરે છે કે અમારું પેટમાં પાણી હલે છે!"

નિખિલના ચહેરા પર અલ્લાઉદ્દીનના જિન્ન જેવો રોફ આવી ગયો. તેણે કોલર ઊંચો કરતાં કીધું, "અરે હા હા! કેમ નહીં? આજે તો મારો બર્થડે છે, આજે નહીં રમીએ તો ક્યારે રમીશું? ચાલો બધા મારા ઘરે!"

ચારેય મિત્રો ઉતાવળે સીડીઓ ચડી, ચોગાનમાંથી થઈને નિખિલના ઘરમાં પ્રવેસ્યા. પરંતુ ઘરમાં પગ મૂકતાં જ એક નવી મુશ્કેલી સામે આવીને ઊભી રહી.

નિખિલની મોટી બહેન માનસી હાથમાં સાવરણો અને પોતું લઈને હોલ સાફ કરી રહી હતી. ચાર-ચાર છોકરાઓને ધૂળવાળા પગ સાથે ઘરમાં ઘૂસતા જોઈને તે ચિડાઈ ગઈ.

"એય નિખિલ!" માનસીએ સાવરણો સોફા પર પછાડતાં કીધું, "આ આખી વાનરસેનાને કેમ અંદર લાવી ઘરમાં ઘૂસાડી? બહાર જઈને રમો ને! જોતો નથી કે હું ઘરમાં કચરા-પોતું કરું છું? ધૂળવાળા પગે અંદર આવવાનું નહીં!"

નિખિલ આજે પોતાના જન્મદિવસના પાવરમાં હતો. તેણે બહેન સામે આંખો કાઢીને રોફથી કીધું, "અરે તું છાનીમાની બેસ ને ઝાડી! તારે જે કરવું હોય એ કર! આજે મારો બર્થડે છે, એટલે આજે તો મારું જ ચાલશે!"

'ઝાડી' શબ્દ સાંભળતાં જ માનસીનો પિત્તો ગયો! તે લાલચોળ થઈ ગઈ અને પોતું એકબાજુ ફેંકીને નિખિલને મારવા માટે તેની પાછળ દોડી. "ઉભો રહે તું! તારો બર્થડે આજે જ નીકાળું છું! તું મને ઝાડી કહે છે?!"

આ બંને ભાઈ-બહેનને આ રીતે સિંહ-વાઘની જેમ બાખડતાં જોઈને પાછળ ઊભેલા આર્યન, જુગલ અને બિશન તો ગભરાઈ ગયા! તેમણે તો ધીમેથી પાછળ હટીને દરવાજાની બહાર નીકળવાનો રસ્તો પકડવા માંડ્યો, કે રખેને આપણને પણ બે-ચાર ઝાપટ પડી જાય!

અચાનક ઉપરના ધાબા પરથી કપડાં સૂકવીને નીચે આવી રહેલાં નિખિલના મમ્મીએ આ દ્રશ્ય જોયું. તેમણે વચ્ચે પડીને બંનેને અલગ કર્યા. "અરે માનસી! મૂક એને! તું તો એનાથી મોટી છે, તારામાં તો થોડી અક્કલ હોવી જોઈએ કે નહીં? બર્થડેના દિવસે નાના ભાઈ સાથે આમ મારામારી કરાય?"

માનસીએ રડમસ અવાજે ફરિયાદ કરી, "પણ મમ્મી! જો તો ખરો, એ મને બધાની સામે 'ઝાડી' કહે છે!"

મમ્મીએ હસતાં હસતાં માનસીને શાંત કરી, "અરે એ તો નાનો છે, તું ક્યાં સાચે જ ઝાડી છે તે મન પર લે છે? કઈ ઝાડી કહેવાથી થોડું ઝાડું થઈ જવાય છે? ચાલ હવે, તું અંદર જા." અને પછી બહાર ગભરાઈને ઊભેલા ત્રણેય છોકરાઓને પ્રેમથી બોલાવ્યા, "અરે બેટા આર્યન, જુગલ, બિશન! આવો અંદર, બહાર કેમ ઊભા છો? શાંતિથી બેસીને રમો, કોઈ કશું નહીં કહે!"

મમ્મીની લીલી ઝંડી મળતાં જ નિખિલ જાણે વર્લ્ડ કપ જીતી ગયો હોય તેવા ઉત્સાહ સાથે ટીવી પાસે કૂદી પડ્યો. તેણે ઝડપથી વિડીયો ગેમનું કન્સોલ ટીવી સાથે કનેક્ટ કર્યું. લાલ પાવર બટન દબાવ્યું અને ટીવી પર ચમકી ઉઠ્યું એ જમાનાનું સુપરહીરો શૂટિંગ ગેમ—'CONTRA'!

ટીવીના સ્પીકરમાંથી 'CONTRA' ગેમનું એ આક્રમક, આર્મી સ્ટાઈલનું મ્યુઝિક વાગવા લાગ્યું—'ટુ-ડુ-ડુ-ડુ... ધિંચાક... ધિંચાક!'

સ્ક્રીન પર બે મજબૂત કમાન્ડો દેખાયા—એક લાલ પેન્ટવાળો (બિલ) અને બીજો વાદળી પેન્ટવાળો (લેન્સ).

"જો ભાઈઓ!" નિખિલે  ઉત્સાહથી સમજાવ્યું, "આ 'CONTRA' ગેમ 'ડ્યુઅલ' (બે જણા સાથે) રમી શકાય! આ એક પ્લેયર આર્યન બનશે અને બીજો પ્લેયર હું બનીશ! અમે બંને સાથે મળીને સામેથી આવતા દુશ્મનોને ગોળીઓથી ઉડાવીશું!"

બિશન અને જુગલ સોફા પર પલાંઠી વાળીને આંખો પહોળી કરીને ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા. તેમના માટે તો આ દ્રશ્ય કોઈ થિયેટરના સિનેમાથી કમ નહોતું!

રમતના બટનો દબાવવાનું શરૂ થયું અને વાર્તાલાપ રસાકસી ભરી ઊંચાઈ પર પહોંચ્યો:

આર્યન: "નિખિલ! જલ્દી 'START' બટન દબાવ! જો, આપણે જંગલમાં બ્રિજ (પુલ) પરથી એન્ટ્રી મારીએ છીએ!"

નિખિલ: "હું લાલ કપડાં વાળો છું હોં આર્યન! જો મારી પાસે રાઈફલ છે, હું ગોળીઓ છોડું છું—'ઠાંઠાંઠાં!'"

જુગલ: (સોફા પરથી અડધો ઊંચો થઈને) "ઓહ હો હો! આર્યન સાચવ! ઉપરથી પેલો લાલ બંદૂકવાળો સૈનિક ગોળી મારે છે, નીચે નમી જા!"

આર્યન: "હું 'DOWN' બટન દબાવીને જમીન પર સુઈ ગયો છું! આ જો... એની ગોળી મારા માથા પરથી નીકળી ગઈ! અને આ મેં એને ઉડાવ્યો—'ડિશૂમ!'"

બિશન: "અરે અરે! હવામાં પેલું ગોળ ઉડતું બોક્સ આવ્યું! એને ગોળી મારો, જોઈએ એનાથી શું થાય છે !"

નિખિલ: "હું મારું છું, હું મારું છું! આ વાગ્યું... અરે વાહ! એમાંથી 'S' લખેલું લાલ ગોળ નીકળ્યું!"

આર્યન: "'S' એટલે સ્પ્રેડ ગન! નિખિલ, એ તું લઈ લે, એનાથી એકસાથે પાંચ ગોળીઓ છૂટશે!"

નિખિલે પોતાની જોયસ્ટીક પરથી એરો પકડીને પેલા 'S' ને અડ્યો, અને અચાનક તેની બંદૂકમાંથી એકસાથે ફેંકાતી ગોળીઓની જ્વાળાઓ છૂટવા લાગી—'ટ્ર્ર્ર્ર્ર્ર્ર્ર્...!' સ્ક્રીન પરના બધા જ દુશ્મનો પલભરમાં સાફ થઈ ગયા!

જુગલ: "બાપ રે! આ તો સુપરહીરો શક્તિમાન જેવી બંદૂક આવી ગઈ! કેવા દુશ્મનો ઉડી રહ્યા છે!"

બિશન: "અરે આર્યન, આગળ પેલો મોટો પુલ છે, એ તૂટવાનો છે! ઝડપથી કૂદકો માર!"

આર્યન અને નિખિલે એકસાથે 'A' બટન દબાવ્યું. બંને કમાન્ડો હવામાં ગોળ ફરીને તૂટતા પુલ પરથી કૂદીને સામેના કિનારે પહોંચી ગયા! આ જોઈને સોફા પર બેઠેલા જુગલ અને બિશને જોરથી તાલીઓ પાડી—"જીઓ મારા વીરા! ફાડી નાખ્યું!"

પરંતુ આગળ જતાં જ પાણીમાંથી એક મોટો રોબોટ જેવો દુશ્મન (Boss) બહાર આવ્યો. તેના મુખમાંથી અગનગોળા છૂટી રહ્યા હતા.

નિખિલ: (ગભરાઈને) "આર્યન! આ મોટો રાક્ષસ આવ્યો! આ મારી બધી લાઈફ ખાઈ જશે! શું કરું?!"

આર્યન: "ગભરાઈશ નહીં નિખિલ! તું નીચે બેસીને સતત ગોળીઓ ચાલુ રાખ! હું ઉપર કૂદીને એની આંખ પર નિશાન સાધું છું! આપણે બંને ભેગા મળીને આને પાડી દઈશું!"

બંને મિત્રોની આંગળીઓ જોયસ્ટીકના બટનો પર વિજળીની ઝડપે દોડવા લાગી. ટીવીમાંથી ગોળીઓનો 'ઠાં-ઠાં-ઠાં' અને વિસ્ફોટનો 'ધબાકા' અવાજ ગુંજતો હતો. સામે બિશન અને જુગલ શ્વાસ રોકીને આ રણસંગ્રામ જોઈ રહ્યા હતા. આખરે, એક મોટા ધમાકા સાથે પેલો રાક્ષસ ફાટી ગયો અને સ્ક્રીન પર લખાઈને આવ્યું—'STAGE 1 CLEAR'!

ચારેય મિત્રો એકસાથે ઉત્સાહથી કૂદી પડ્યા! નિખિલ અને આર્યને હવામાં 'હાઈ-ફાઈવ' આપી. જુગલ અને બિશનના ચહેરા પર પણ એવો આનંદ હતો જાણે તેમણે પોતે જ આ જંગ જીતી લીધો હોય.

ઉનાળાની એ ગરમ બપોરે, બહાર તડકો વરસી રહ્યો હતો, પણ નિખિલના એ રૂમમાં ચાર મિત્રોની દોસ્તી અને આનંદનો એક અનોખો ઉત્સવ ખીલી ઉઠ્યો હતો. જન્મદિવસની એ ચોકલેટ અને 'CONTRA' ગેમનો એ વિજય તેમના બાળપણના એ સુવર્ણ પાનાઓમાં આજીવન માટે અંકિત થઈ ગયો.

​​


પ્રકરણ ૧૧  નો અંત. (ક્રમશ: )