shyam rang samipe n javu in Gujarati Comedy stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | શ્યામ રંગ સમીપે ન જાવું.

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

શ્યામ રંગ સમીપે ન જાવું.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

શ્યામ રંગ સમીપે ન જાવું. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

પોતાની કાળી મેશ જેવી કે કાળી ભેંસ જેવી છોકરીને જોવા આવેલા એક દેખાવે સુંદર એવા મૂરતીયાને છોકરીના પિતાએ લાલચ આપતાં કહ્યું, ‘ બેટા, તું મારી દિકરી સાથે લગ્ન કરશે, તો હું તને દહેજમાં એક એસ.યુ.વી. કાર ભેટમાં આપીશ.’ છોકરાએ ખુબ સલૂકાઇથી કહ્યું, ‘વડીલ, આમ તો મને તમારી આ વાત સામે કોઈ વાંધો નથી, અમાસની રાત જેવી તમારી આ છોકરીને હું પરણી તો જાઉં, પણ ભવિષ્યમાં મારે ઘેર પણ તમારી દીકરીની પ્રતિકૃતિ સમાન આવી જ કાળી છોકરી જન્મી તો મારે એને પરણાવવા દહેજમાં જમાઇને હેલિકોપ્ટર આપવું પડશે, એનું શું? એ હું ક્યાંથી લાવીશ?’

‘પત્નીને કાળી કહેવી, તે અત્યાચાર ન કહેવાય.’, એવા શીર્ષક હેઠળ તારીખ ૩૦-૩-૨૦૧૫ ના દિવ્ય ભાસ્કર અખબારમાં છપાયેલા એક સમાચારે લોકોનું ખાસ ધ્યાન દોર્યું છે. સમાચારની વિગત એવી છે, કે તિરુનેલવિલી ના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજે પરમશિવમ નામના એક શખ્સને એની પત્નીને, ‘તું કાળી છે.’ એમ કહીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. જે દિવસે એણે એની પત્નીને કાળી કહી એ જ દિવસે એટલે કે ૧૨ સપ્ટેમ્બર, ૨૦૦૧ ના રોજ પત્ની મૃત અવસ્થામાં મળી આવી હતી. કદાચ આ ઘટના ‘કાગનું બેસવું અને ડાળનું પડવું’ જેવી આકસ્મિક પણ હોઈ શકે. પણ જજે આ ઘટના માટે પરમશિવમ ને દોષિત ઠેરવી સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. અહીં ‘ફટકારી’ શબ્દ પત્રકારત્વની અસરકારકતા ઉપજાવવા પ્રયોજાયો છે. એનો સાચો અર્થ સજા સંભળાવી એવો થાય છે.

એટલું જ નહિં, થોડા વર્ષો પહેલાં, એટલે કે ૨૭ ઓક્ટોબર, ૨૦૦૬ ના રોજ પણ પરમશિવમને ‘દહેજ ધારા’ હેઠળ ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. કેમ કે એણે એની પત્ની પાસે પૈસા માંગ્યા હતાં. જો કે એ પૈસા એણે કાર રીપેર કરાવવા અને બીઝનેસ શરુ કરવા માટે માંગ્યા હતા.

એક કહેવત મુજબ જેમ ‘શેરના માથે સવાશેર’ હોય છે, તેમ ‘ડીસ્ટ્રીક્ટ જજના માથે હાઇકોર્ટ જજ’ હોય છે. ડીસ્ટ્રીક્ટ જજના આ ચુકાદાને મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચમાં પડકારાયો હતો. બિચારા - બાપડા પતિ પરમશિવમ ના સદનસીબે હાઇકોર્ટ ના જજ જસ્ટીસ એમ. સત્યનારાયણે સત્ય શોધી કાઢીને એના પર લાગેલાં તમામ આરોપો માંથી એને મુક્ત જાહેર કર્યો હતો. બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, પરમશિવમે કાર રીપેર કરાવવા અને બીઝનેસ શરુ કરવા પત્ની પાસે પૈસા જરુર માંગ્યા હતાં, પણ એ પૈસા પરમશિવમના જ હતા, જે ભૂતકાળમાં એણે એના સસરાને મદદ માટે પૈસા આપ્યા હતાં. એટલે એણે પાછા માંગેલા પૈસાને દહેજ ગણી શકાય નહીં. નોર્મલી કોઈ જમાઈ સસરાને પૈસા આપતો નથી બલ્કે સસરા જ જમાઇને દહેજરુપી (પોતાના વાવાઝોડા એટલે કે દીકરી ને લઈ જવા અને સાચવવા બદલ) પૈસા આપતા હોય છે, એટલે આવી ગેરસમજ થવા પામી હતી.

પણ મહત્વની વાત તો એ છે કે આ કેસના ચુકાદાને અંતે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચ દ્વારા એટલું તો સિધ્ધ થયું કે, ‘પત્નીને કાળી કહેવી તે અત્યાચાર ન કહેવાય.’

જુના જમાનાના ડાહ્યા માણસો કહી ગયા છે, કે...

‘કાણાને કાણો કહે વરવું લાગે વેણ,

ધીરે રહીને પૂછીએ શાથી ખોયા નેણ?’

મતલબ કે કોઇની પણ ખામીને સીધે સીધી રીતે ન પૂછતાં એને આડકતરી રીતે એટલે કે ખરાબ ન લાગે તેમ પૂછવી જોઇએ. ખેર! ઉપરના મદુરાઇવાળા કેસ પછી પતિ યુનિયનની માંગણી છે, કે ‘પુરા લગ્નજીવન દરમ્યાન પત્નીઓ પતિઓને જેટલું કહે છે, એના પ્રમાણમાં પતિઓ પત્નીઓને દસ ટકા પણ કહેતા નથી, આ વાત સહાનૂભુતિ પૂર્વક ધ્યાનમાં રાખીને પતિ એની પત્નીને કંઇ પણ કહે તો તેને અત્યાચાર ગણવો ન જોઇએ.’

એક સ્ત્રી હોવાને નાતે, એક પત્ની હોવાને નાતે મારી તો તમામ પરિણીતા બહેનોને વિનંતી છે, કે તમારો પતિ કે તમારા સાસરીયા તમને ‘કાળી’ કહે તો તમારે એ દિલ પર લેવું નહીં. કેમ કે કાળા તો ક્રિષ્ણ પણ હતાં જ ને? એ પણ જશોમતી મૈયાંને પૂછતાં જ હતાં ને, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા. રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા?’ પછી જશોમતી મૈયાંએ ક્રિષ્ણને સમજાવ્યું કે, ‘કાલી અંધિયારી આધી રાતમેં તુ આયા, લાડલા કનૈયા મેરા કાલી કમલી વાલા, ઇસ લીયે કાલા.’ ક્રિષ્ણ ભગવાન પણ પછી તો મૈયાંએ ‘લાડલા’ કહ્યું એટલે માની ગયા. જો કે રાધાએ એકવાર ક્રિષ્ણથી રિસાઇને એવી પ્રતિજ્ઞા કરી, કે ‘શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.’ મતલબ કે ‘આજ પછી હું કોઇ દિવસ શ્યામ એટલે કે કાળા રંગની પાસે નહીં જાઉં.’

મારી વહાલી બહેનો, ઠીક છે, રાધા તો મજાક-મસ્તીમાં આવું બધું કહે. પણ તમને કોઇ ‘કાળી’ કહે તો તમારે એ વાત ગંભીરતાથી ન લેવી. આત્મહત્યા કરવા જેટલી ગંભીરતાથી તો કદાપી નહીં. ‘ગોરાં તો ગધેડાં પણ હોય છે, ’ આવી વાત કોઇએ કહીને ગધેડાંઓનું અપમાન કર્યું છે. પણ જ્યાં સુધી કોઇ એનીમલ - લવર યુનિયનના ધ્યાન પર આ વાત આવી નથી, ત્યાં સુધી આવું તો ચાલતું જ રહેવાનું. આજકાલ કાળા લોકોને ઇન્સ્ટન્ટલી ગોરાં કરી આપે એવા ઘણાં સૌંદર્ય – પ્રસાધનો બજારમાં ઉપલબ્ધ છે. લોકોને સાત દિવસમાં ગોરાં કરી આપવાની ગેરન્ટી પણ વિક્રેતાઓ અને ઉત્પાદકો આપે છે. ફક્ત છોકરીઓ માટે જ નહી, પરંતુ છોકરાઓ માટે પણ આવા ફેરનેસ ક્રીમ બજારમાં મળે છે, અને ધૂમ વેચાય પણ છે. હવે છોકરાઓમાં પણ ગોરાં થવાનું ભૂત પેઠું છે.

મેં ફિલ્મોમાં જોયું છે, અને વાર્તાઓમાં વાંચ્યું પણ છે, કે ‘શ્યામ રંગની મોટી બહેનને જોવા માટે મૂરતીયો આવવાનો હોય તો એનાથી બે-ત્રણ વર્ષે નાની ગોરી - રુપાળી બહેનને છુપાવી દેવાય છે.’ જેથી મૂરતીયો ભુલેચુકે પણ એમ ના કહે, ‘હું આ મોટી શ્યામા સાથે નહિં, પણ આ નાની શ્વેતા સાથે પરણવા માંગું છું.’ એકવાર શ્યામાનું ઠેકાણું પડી જાય, પછી શ્વેતાને તો કોઇ પણ મળી જ રહેવાનો છે.

સોસાયટીના ગેટ પાસે મળેલા બે મિત્રોમાંથી એક મિત્ર બીજા મિત્રને પૂછે છે,

‘યાર,- પેલી કલર જાય તો પૈસા પાછા- એવી ભયંકર કાળી સ્ત્રી કોણ છે?’

‘એ મારી પત્ની છે.’

‘ઓહ! આઇ એમ વેરી સોરી. પણ તેં આવી કાળી છોકરીને પત્ની તરીકે કેમ પસંદ કરી?’

‘જો, સોસાયટીમાં પાર્ક કરેલી પેલી લાલ રંગની મર્સીડીઝ કાર દેખાય છે?’ ‘હા, શું સુપર્બ કાર છે, યાર. કોની છે?’

‘મારી. છે. મને દહેજમાં મળી છે.’

‘બંદિની’ ફિલ્મમાં નૂતન પર એક ગીત ફિલ્માવાયું છે, ‘મોરા ગોરા રંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે.’ કોઈ ગોરા રંગના બદલામાં કાળો રંગ માંગે એવી આવી વાત તો ફિલ્મમાં જ સારી અને શક્ય લાગે. બાકી તો અસલ જિંદગીમાં કોણ આવું કરવા તૈયાર થાય? ‘કાળી પણ કામણગારી’ એવું બધું વાર્તા અને કવિતામાં જ સારું લાગે, વાસ્તવિકતામાં નહીં. છોકરાઓ પોતે ગમે તેવા કાળા કે કુરુપ કેમ ના દેખાતા હોય, પત્ની તો એમને ગોરી અને રુપ રુપના અંબાર જેવી જ જોઇએ. એટલે જ તો ‘શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું’ એ વાત કંઇક અંશે આજે પણ સાચી અને વાસ્તવિક લાગે છે.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com