The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"છેવટ નું એક સફરજન" એક સત્યઘટના પર આધારિત હૃદયસ્પર્શી પ્રસંગ | ૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ મિત્રો, આ એક વાસ્તવિક પ્રસંગ છે, જે મેં ૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ મારી ડાયરીમાં નોંધ્યો હતો. આજે વિચાર્યું કે આ પ્રસંગને માત્ર મારી ડાયરીનાં પાનાંઓ પૂરતો સીમિત રાખવાને બદલે આપ સૌની સમક્ષ રજૂ કરું. આ પ્રસંગે મારા અંતરપટ પર જે અમીટ છાપ છોડી છે, એ જ અનુભૂતિ આજે તમારી સાથે વહેંચવા માગું છું. “જ્યારે કોઈ દુઃખી કે ગરીબ માણસને જોઈને તમારા હૃદયમાં તેના પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ જાગે, ત્યારે સમજવું કે ઈશ્વરે તમને મનુષ્ય બનાવીને કોઈ ભૂલ કરી નથી.” દરેક માણસના હૃદયમાં ક્યાંક ને ક્યાંક દયા અને કરુણાની લાગણી છુપાયેલી હોય જ છે. પરંતુ જ્યારે એ લાગણીને વ્યક્ત કરવાનો સમય આવે, ત્યારે જો એ બહાર ન આવે તો એનો અર્થ શો? જોકે, એને બહાર લાવવાનો પ્રયત્ન કરવા કરતાં યોગ્ય સમયે એ લાગણી આપમેળે પ્રગટ થાય, એ વધુ યોગ્ય લાગે છે. આમ પણ, સમય અને સંજોગોને અનુરૂપ દયા-કરુણાની ભાવના પ્રગટ થવી એ માનવીની સ્વભાવગત વૃત્તિ છે. આવો જ એક પ્રસંગ હું અહીં વર્ણવવા માગું છું. થોડા સમય પહેલાં મારા એક સ્નેહીજન બીમાર હોવાથી સાંજના સમયે હું તેમના ખબરઅંતર પૂછવા જતો હતો. વિચાર્યું કે સાથે ફળ વગેરે પણ લઈ જાઉં. રસ્તામાં એક જગ્યાએ બાઈક ઊભું રાખીને હું ફળ ખરીદવા ગયો. ત્યાં મેં એક વૃદ્ધ વ્યક્તિને જોયા. તેમનો દેખાવ સાવ સામાન્ય હતો. શરીરે ઝભ્ભો અને લેંઘો પહેરેલો, માથે લાલ રંગનો રૂમાલ વીંટાળેલો અને હાથમાં ગામડાના વડીલો હટાણે જતી વખતે લઈ જાય એવી કાપડની એક થેલી હતી. તેમના ચહેરા પરથી તેઓ સજ્જન વ્યક્તિ હોય એવું મને લાગ્યું. મેં જોયું કે એ સજ્જન વૃદ્ધ, લારીવાળા ભાઈ પાસેથી ફળ ખરીદી રહ્યા હતા. તેઓ ઘણા સમયથી જુદાં-જુદાં ફળોના ભાવની પૂછપરછ અને રકઝક કરી રહ્યા હતા. અંતે તેમણે રૂ. ૬૦ના ભાવે ૫૦૦ ગ્રામ સફરજન ખરીદ્યાં. પરંતુ પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમની પાસે પૂરતા પૈસા નથી. હવે શું કરવું? થોડી વાર પછી તેમણે ખરીદેલાં સફરજનોમાંથી લારીવાળા ભાઈને કહ્યું, “મારે તો બસ એક જ સફરજન જોઈએ છે. એના કેટલા રૂપિયા થશે?” લારીવાળા ભાઈએ જવાબ આપ્યો, “ત્રીસ રૂપિયા.” મને લાગ્યું કે એ વૃદ્ધ માટે ત્રીસ રૂપિયા પણ ઘણી મોટી રકમ હતી . તેમ છતાં તેમણે પોતાના ખિસ્સામાંથી ત્રીસ રૂપિયા કાઢીને લારીવાળા ભાઈને આપી દીધા. આ દરમ્યાન મેં તે ભાઈ પાસેથી મેં કેટલીક નારંગી અને સફરજન પણ ખરીદ્યા. ફળ ખરીદતાં-ખરીદતાં મારી નજર સતત એ સજ્જનના ચહેરા પર હતી. હું તેમના મનોભાવને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેમના અંતરની ઊંડાઈમાં છુપાયેલું કોઈક દુઃખ, કોઈક મજબૂરી જાણે ધીમે-ધીમે મારી સામે પ્રગટ થઈ રહી હતી. મને દુઃખ એ વાતનું થયું કે હું એ વૃદ્ધની લાગણીઓને કદાચ સમજતો હોવા છતાં તેમના માટે કંઈ જ કરી શક્યો નહીં. હું જ્યારે ફળ ખરીદી રહ્યો હતો, ત્યારે એ વૃદ્ધ મારી સામે જોઈ રહ્યા હતા. કદાચ તેઓ વિચારતા હશે કે, “મારે તો એક સફરજન ખરીદવાનાં પણ ફાંફાં છે અને આ ભાઈ કેટલાં બધાં ફળ ખરીદી રહ્યો છે!” સાચું કહું તો, તેમણે ખરીદેલઉં પેલું એક સફરજન પણ પાછું આપી દેવાનો તેમનો વિચાર હતો એવું મને લાગ્યું. પરંતુ મને આટલાં બધાં ફળ ખરીદતો જોઈને કદાચ તેમને પણ પોતાનાં કોઈ વહાલાં પૌત્ર કે પૌત્રીની યાદ આવી હશે એવું મને લાગ્યું અને કદાચ એ પરિસ્થિતિ જોતા એવું સહજપણે વિચારવું કઈ ખોટું નથી. અને અંતે, એ સજ્જન વૃદ્ધે માત્ર એક સફરજન લીધું. એ દિવસે મેં માત્ર કેટલાક ફાળો જ ખરીધ્યા નહોતા પણ ; માનવજીવનની એક એવી વાસ્તવિકતા જોઈ હતી, જે મારી અંદર ઊંડે સુધી ઊતરી ગઈ. તે રાત્રે હું લગભગ ખૂબ મોડે સુધી જાગતો રહ્યો. વારંવાર એ દૃશ્ય મારી આંખો સામે જીવંત થતું રહ્યું. મારું મન આત્મગ્લાનિથી ભરાઈ ગયું. વારંવાર એક જ વિચાર આવતો રહ્યો કે, “કાશ! મેં ખરીદેલાં બધાં જ ફળ હું એ વૃદ્ધને આપી શક્યો હોત!” જોકે, એ સમયે એક ક્ષણ માટે એવો વિચાર મારા મનમાં આવ્યો પણ હતો. પરંતુ પછી મને થયું કે, આમ કરવાથી ક્યાંક તેમના સ્વાભિમાનને ઠેસ તો નહીં પહોંચે ને? કદાચ મારા આ વર્તનથી તેમની કોઈ લાગણી દુભાય તો? આ જ વિચારમાં અટવાઈને હું કંઈ જ કરી શક્યો નહીં. ક્યારેક કોઈની મદદ કરવાની ઇચ્છા હોવા છતાં આપણે યોગ્ય રીતે મદદ કરી શકતા નથી. કારણ કે એક તરફ આપણું હૃદય આપણને મદદ કરવા પ્રેરે છે, તો બીજી તરફ સામેની વ્યક્તિના સ્વાભિમાન અને લાગણીઓનો વિચાર આપણને રોકી દે છે. કોઈની ગરીબી જોઈને દયા આવવી સહેલી છે, પરંતુ તેની મજબૂરીને સમજતાં-સમજતાં તેના સ્વાભિમાનનું જતન કરવું એ સાચી માનવતા છે. આખી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે કલ્પના કરી શકીએ કે એ વૃદ્ધનો કોઈ નાનકડો પરિવાર હશે. પરિવારમાં તેમનું કોઈ વહાલું પૌત્ર કે પૌત્રી હશે. જેમ દરેક નાનું બાળક સાંજ પડે ત્યારે દાદા કે પપ્પા પોતાના માટે કંઈક લાવશે એવી આશાએ આતુરતાથી રાહ જોતું હોય છે, એમ કદાચ એ વૃદ્ધ માટે પણ કોઈ વહાલું બાળક ઘરે તેમની રાહ જોઈને બેઠું હશે. કદાચ એ જ બાળકના નિર્દોષ ચહેરાની કલ્પના કરીને તેમણે એ એક સફરજન ખરીદ્યું હશે. કદાચ તેમના મનમાં પણ એવો જ વિચાર આવ્યો હશે કે ઘરે જઈને પોતાના વહાલા પૌત્ર કે પૌત્રીને આ સફરજન આપશે તો તેના ચહેરા પર કેટલી ખુશી છવાઈ જશે!!! આવી કલ્પના કરવી કંઈ અતિશયોક્તિ નથી. કારણ કે ઘણી વાર માણસ પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓને બાજુ પર રાખીને પોતાના સ્વજનોના ચહેરા પર સ્મિત લાવવા માટે જીવતો હોય છે. અને કદાચ એ વૃદ્ધે ખરીદેલું એ એક સફરજન તેમના માટે માત્ર એક ફળ નહોતું; એ તો પોતાના વહાલા બાળક પ્રત્યેના પ્રેમની એક નાનકડી ભેટ હતી. આજે પણ જ્યારે હું એ પ્રસંગને યાદ કરું છું, ત્યારે મનમાં અનેક વિચારો ઊભા થાય છે. કેટલાય એવા પ્રસંગો આપણા જીવનમાં બનતા હોય છે, જે આપણને ઘણું બધું શીખવી જાય છે. જરૂર હોય છે માત્ર યોગ્ય દૃષ્ટિકોણ કેળવવાની. અને ક્યારેક તો આ જ દૃષ્ટિકોણ આપણા જીવનનો ઉદ્દેશ્ય બદલી નાખે છે. પછી ભલેને પ્રસંગ સારો હોય કે ખરાબ, જો આપણે તેમાંથી કંઈક શીખીએ તો એ અનુભવ આપણા જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે છે. જ્યારે પણ તમને એવું લાગે કે મારા જીવનમાં તો બહુ જ તકલીફો છે, નોકરીમાં ખૂબ કામ છે, કામ કરતાં-કરતાં થાકી જવાય છે, વેતન ઓછું છે કે જીવનમાં અનેક મુશ્કેલીઓ છે, ત્યારે આવા કોઈ સ્વાભિમાની વૃદ્ધ કે કોઈ અન્ય માણસ ની મજબૂરીને એક વાર સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ તેમની પરિસ્થિતિને જોઈને તમને તમારા અનેક પ્રશ્નોના જવાબ મળી જશે. તમને એ પણ સમજાશે કે જીવનમાં આપણી પાસે જે કંઈ છે, તેની કદર કરવી કેટલી જરૂરી છે. આપણે ઘણી વાર આપણી પાસે શું નથી, તેના વિશે વિચારવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી પાસે શું છે, તેનો વિચાર કરવાનું જ ભૂલી જઈએ છીએ. આપણી પાસે પૂરતું ભોજન છે, માથે છત છે, કામ કરવાની તક છે અને જીવન જીવવા માટે અનેક સગવડો છે. પરંતુ ઘણી વાર આ બધું આપણને એટલું સહજ લાગે છે કે તેનું મહત્ત્વ જ સમજાતું નથી. બીજી તરફ, કોઈ વ્યક્તિ પોતાની નાનકડી ઇચ્છા પૂરી કરવા માટે પણ કેટલી મથામણ કરતી હોય છે! જીવનની સાચી સમૃદ્ધિ આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પરંતુ આપણી પાસે જે કંઈ છે તેની કદર આપણે કેટલી કરીએ છીએ તેમાં રહેલી છે. છેલ્લે એટલું જ કહીશ કે આ બધું સમજ્યા પછી ઈશ્વર પ્રત્યેની આપણી પ્રાર્થના પણ કદાચ બદલાઈ જશે. ઈશ્વર પાસે માત્ર વધુ ને વધુ મેળવવાની ઇચ્છા રાખવાને બદલે, જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મન થશે. અને હૃદયમાંથીઅપોઅપ જ ઉદ્ગાર સરી પડશે: “હે પ્રભુ! તેં મને ઘણું બધું આપ્યું છે. જેની પાસે નથી, તેને પણ તું આપ. અને તેં મને જે કંઈ આપ્યું છે, તેનો ઉપયોગ હું બીજા કોઈના હિત માટે કરી શકું એવી સદબુદ્ધિ અને સદ્વૃત્તિ મને આપ. હે પ્રભુ! તેં મને જે કંઈ આપ્યું છે, એ બધું તારું જ છે. તારી આ અમૂલ્ય ભેટોનો ઉપયોગ તારા જ બીજા સંતાનોના હિતાર્થે થાય, એ જ તારા પ્રત્યેની મારી સાચી ભક્તિ છે.” અને અંતમાં, ગુજરાતી ભાષાની એક સુંદર પંક્તિ રજૂ કરવાનું મન થાય છે: “જીવન અંજલિ થાજો, મારું જીવન...” આજે આપણી પાસે જે કંઈ છે, તે માત્ર આપણા પૂરતું જ સીમિત ન રહે, પરંતુ તેનો લાભ બીજાં લોકોને પણ મળી રહે એવી ભાવના આપણા સૌના હૃદયમાં જાગે. આપણા જીવનમાં પરસ્પર પ્રેમ, સહાનુભૂતિ, કરુણા અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ઈશ્વરકૃપાથી સતત વહેતું રહે, તો આપણું જીવન ઉપવન ની જેમ ખરેખર ખીલી ઊઠે. કારણ કે અંતે, જીવનની સાચી સાર્થકતા માત્ર પોતાના માટે જીવવામાં નહીં, પરંતુ બીજાના જીવનમાં પણ થોડી ખુશી, થોડી આશા અને થોડો પ્રકાશ પાથરવામાં રહેલી છે. કદાચ એ વૃદ્ધના જીવનમાં હું એ દિવસે કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ તેમણે "છેવટના એક સફરજન" માટે કરેલ સંઘર્ષે મને જીવનભર યાદ રહે એવો એક પાઠ શીખવ્યો કે ક્યારેક એક નાનકડું સફરજન પણ માનવતાનો સૌથી મોટો અર્થ સમજાવી જાય છે. ખરું ને?
નવરાત્રિ: ભક્તિ, આધ્યાત્મિકતા અને આપણી સંસ્કૃતિનું સાચું મહત્ત્વ ॥ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે। શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ॥ નવરાત્રિનો આધ્યાત્મિક અર્થ નવરાત્રિ એટલે નવરાત્રિઓનો સમૂહ, મા આદ્યશક્તિની ઉપાસના કરવાનો અને આત્મચિંતન દ્વારા આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત કરવાનો પવિત્ર સમય. આ નવ દિવસોમાં મા ભુવનેશ્વરીનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ પવિત્ર પર્વ દરમિયાન ઋષિ-મુનિઓ, તપસ્વીઓ અને જ્ઞાનીઓ પણ પવિત્ર મનથી બ્રહ્મચર્યનું પાલન કરી, મા ભગવતીની વિધિવત્ પૂજા-અર્ચના અને ઉપાસનામાં મગ્ન રહેતા આવ્યા છે. પરંતુ, શું આપણે ખરેખર નવરાત્રિનું આધ્યાત્મિક મહત્ત્વ સમજીએ છીએ? શું નવરાત્રિ માત્ર ગરબા રમવા, મનોરંજન કરવા અને ઉત્સવ ઊજવવા પૂરતી જ સીમિત છે? કે પછી તેની પાછળ કોઈ ગહન આધ્યાત્મિક રહસ્ય અને જીવનને નવી દિશા આપતો સંદેશ પણ છુપાયેલો છે? નવરાત્રિની પાછળની પૌરાણિક કથા અને આધ્યાત્મિક ભાવના પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે મહિષાસુર જેવા અસુરોના અત્યાચારથી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચ્યો હતો, ત્યારે મા ભગવતીએ આદ્યશક્તિના સ્વરૂપે પ્રગટ થઈને દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. નવરાત્રિ એ જ શક્તિની આરાધના કરવાનો, અધર્મ પર ધર્મના વિજયને યાદ કરવાનો અને આપણી અંદર રહેલી નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવાનો પવિત્ર અવસર છે. નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ઉપાસના આપણને યાદ અપાવે છે કે શક્તિ માત્ર બાહ્ય જગતમાં જ નથી, પરંતુ આપણી અંદર પણ રહેલી છે. જરૂર છે તેને ઓળખવાની, જાગૃત કરવાની અને જીવનમાં સદુપયોગ કરવાની. ગરબાનું સાચું મહત્ત્વ શું છે? આપણે સૌ નવરાત્રિ દરમિયાન ગરબા રમીએ છીએ, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ગરબા પાછળનું આધ્યાત્મિક રહસ્ય શું છે? ગરબો માત્ર માટીનો ઘડો નથી; તે બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા અનુસાર, ગરબામાં ૨૭ છિદ્રો હોય છે, જે ૨૭ નક્ષત્રોનું પ્રતીક છે. દરેક નક્ષત્રના ચાર ચરણ ગણતાં ૨૭ × ૪ = ૧૦૮ થાય છે. આ રીતે ૧૦૮ની સંખ્યા ભારતીય આધ્યાત્મિક પરંપરામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. નવરાત્રિ દરમિયાન ગરબાને મધ્યમાં રાખીને તેની આસપાસ ૧૦૮ વખત ગરબા રમવા કે પરિભ્રમણ કરવાને બ્રહ્માંડની પ્રદક્ષિણા સમાન પુણ્યદાયી માનવાની ધાર્મિક માન્યતા પણ પ્રચલિત છે. આ પરંપરા પાછળનો ભાવ માત્ર નૃત્ય કરવાનો નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા, એકાગ્રતા અને સમર્પણ સાથે આદ્યશક્તિની આરાધના કરવાનો છે. ગરબાનું વર્તુળ આપણને જીવનચક્ર, સૃષ્ટિના અવિરત પ્રવાહ અને શક્તિના અખંડ સ્વરૂપની યાદ અપાવે છે. જ્યારે આપણે ભક્તિભાવથી ગરબા રમીએ છીએ, ત્યારે તે માત્ર શારીરિક પ્રવૃત્તિ રહેતી નથી; પરંતુ ભક્તિ, સંગીત અને સમૂહભાવના દ્વારા આધ્યાત્મિક જોડાણ અનુભવવાનો એક માર્ગ બની શકે છે. આધુનિક નવરાત્રિ: પરંપરા અને દેખાડા વચ્ચેનો તફાવત આજે આપણે નવરાત્રિને સ્વાગત કરવા માટે ખૂબ ઉત્સાહિત હોઈએ છીએ. મોટા આયોજન, ભવ્ય સ્ટેજ, આધુનિક સંગીત, મોંઘાં વસ્ત્રો અને આકર્ષક આયોજન આપણા ઉત્સવનો ભાગ બની ગયાં છે. ખાસ કરીને યુવા પેઢીમાં નવરાત્રિનો ઉત્સાહ અનેરો હોય છે. પરંતુ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે: શું નવરાત્રિનું સાચું મહત્ત્વ માત્ર આધુનિક સંગીત, ફેશન, મોંઘાં વસ્ત્રો અને મનોરંજન પૂરતું જ રહી ગયું છે? આજે અનેક સ્થળોએ પરંપરાગત ગરબાના નામે ફિલ્મી ગીતો, આધુનિક સંગીત અને દેખાડાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેમાં કશું જ ખોટું નથી કે સમય સાથે ઉત્સવોની ઉજવણીની રીત બદલાય; પરંતુ આ પરિવર્તનની વચ્ચે આપણે આપણી સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો અને આધ્યાત્મિક ભાવનાને ભૂલી ન જઈએ, એ વધુ જરૂરી છે. આપણે આધુનિક બનીએ, આનંદ કરીએ, ઉત્સવ ઊજવીએ અને સમય સાથે આગળ વધીએ; પરંતુ સાથે સાથે આપણી પરંપરા, સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોનું જતન પણ કરીએ. કારણ કે સંસ્કૃતિની સાચી સુંદરતા માત્ર બાહ્ય દેખાવમાં નહીં, પરંતુ તેની પાછળ રહેલા ભાવ, વિચાર અને જીવનમૂલ્યોમાં રહેલી છે. નવરાત્રિ આપણને શું શીખવે છે? નવરાત્રિ આપણને માત્ર મા દુર્ગાની પૂજા કરવાનું જ નથી શીખવતી, પરંતુ જીવનમાં રહેલા અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા, લોભ અને નકારાત્મક વિચારો જેવા આંતરિક અસુરો સામે લડવાની પ્રેરણા પણ આપે છે. જો આપણે નવ દિવસ સુધી મા આદ્યશક્તિની આરાધના કરીએ, પરંતુ આપણા વર્તનમાં દયા, કરુણા, નમ્રતા, સત્ય અને માનવતાનો વિકાસ ન કરીએ, તો નવરાત્રિના આધ્યાત્મિક સંદેશને સાચા અર્થમાં આત્મસાત્ કર્યો કહેવાય ખરો? નવરાત્રિ એ આત્મશુદ્ધિ, આત્મચિંતન અને આત્મવિકાસનો અવસર છે. આ દિવસોમાં આપણે આપણા વિચારો, વર્તન અને જીવનશૈલીનું મૂલ્યાંકન કરીને પોતાનામાં રહેલી ખામીઓને દૂર કરવાનો સંકલ્પ કરવો જોઈએ. સાચી ઉપાસના એ જ છે, જેમાં ભક્તિની સાથે માનવતા, સંસ્કાર અને સદાચારનો પણ વિકાસ થાય. પરંપરાનું જતન એ જ સાચી ઉજવણી આજે આપણે આપણા સ્વાર્થ અને મનોરંજન માટે અનેક તહેવારોની ઉજવણી કરીએ છીએ, પરંતુ ઘણી વાર તેની પાછળ રહેલા ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને ભૂલી જઈએ છીએ. આપણા પૂર્વજોએ જે પરંપરાઓ અને રિવાજો આપ્યા છે, તેની પાછળ કોઈ ને કોઈ જીવનમૂલ્ય, અનુભવ અથવા આધ્યાત્મિક વિચાર રહેલો હોય છે. આપણે આપણી આવનારી પેઢીને માત્ર ગરબા રમતાં, નવા વસ્ત્રો પહેરતાં કે ઉત્સવમાં આનંદ માણતાં જ નહીં, પરંતુ આ પરંપરાઓ પાછળ રહેલા આધ્યાત્મિક મહત્ત્વને સમજતાં પણ શીખવીએ. જેથી આવનારી પેઢી આધુનિકતા સાથે જોડાયેલી રહેવા ઉપરાંત પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોનાં મૂળિયાં સાથે પણ જોડાયેલી રહે. આપણી સંસ્કૃતિનું જતન કરવું એ માત્ર ભૂતકાળને યાદ કરવાનું કાર્ય નથી; પરંતુ ભવિષ્યની પેઢીને યોગ્ય દિશા આપવાની જવાબદારી પણ છે. સમાપન અંતમાં એટલું જ કહીશ કે નવરાત્રિ માત્ર નવ દિવસનો ઉત્સવ નથી, પરંતુ આપણી અંદર રહેલી શક્તિને ઓળખવાનો, જીવનને શુદ્ધ અને સાત્ત્વિક બનાવવાનો તથા ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરવાનો પવિત્ર અવસર છે. આવો, આ નવરાત્રિએ આપણે સૌ સંકલ્પ કરીએ કે ઉત્સવની ઉજવણીની સાથે તેની પાછળ રહેલા આધ્યાત્મિક મહત્ત્વને પણ સમજીશું, આપણી પરંપરાઓનું સન્માન કરીશું અને ભક્તિ સાથે માનવતાનાં મૂલ્યોને પણ જીવનમાં ઉતારીશું. ધર્મો રક્ષતિ રક્ષિતઃ। — અંકિત પ્રજાપત
“લાગણીઓના ખંડેરમાં” ઘણા ચહેરા મળ્યા, પણ કોઈ અરીસો ન મળ્યો, આ આખા શહેરમાં મને મારો જ ચહેરો ન મળ્યો. સંબંધોના વૃક્ષને અમે લોહીથી સિંચ્યું હતું, છાંયડો તો દૂર, એક પાન પણ લીલું ન મળ્યું. દરેક જણ પોતાની જ ઋતુ લઈને આવી હતી, કોઈ એવું ન મળ્યું, જે મારી ઋતુમાં ખીલ્યું. શબ્દોના મહેલ તો અનેક ઊભા થયા આસપાસ, લાગણીનો એક પણ પાયો ક્યાંય ઊંડો ન મળ્યો. અમે તો દરિયો બનીને સૌને સ્વીકાર્યા હતા, પણ કિનારાનો સ્વભાવ કદી દરિયા જેવો ન મળ્યો. જેને પૂજ્યા હતા હૃદયના મંદિરમાં વર્ષો સુધી, એ જ પ્રતિમામાંથી એક પણ ધબકારો ન મળ્યો. સમયના હાથમાં કેટલા સંબંધો રેતી સમા થયા, મુઠ્ઠી બંધ રાખી છતાં એક કણ પણ સાચવાઈ ન મળ્યો. લોકો કહે છે પ્રેમ એ આત્માનો ઉત્સવ છે, મને તો એની પાછળ ઘણો નિઃશબ્દ વિલાપ મળ્યો. સંબંધોની કબર પર આજે પણ ફૂલ મૂકી આવું છું, મરેલા અહેસાસોને કદાચ એટલો તો અધિકાર મળ્યો…. અંકિત પ્રજાપતિ
"લાગણીઓના ખંડેરમાં” ઘણા ચહેરા મળ્યા, પણ કોઈ અરીસો ન મળ્યો, આ આખા શહેરમાં મને મારો જ ચહેરો ન મળ્યો. સંબંધોના વૃક્ષને અમે લોહીથી સિંચ્યું હતું, છાંયડો તો દૂર, એક પાન પણ લીલું ન મળ્યું. દરેક જણ પોતાની જ ઋતુ લઈને આવી હતી, કોઈ એવું ન મળ્યું, જે મારી ઋતુમાં ખીલ્યું. શબ્દોના મહેલ તો અનેક ઊભા થયા આસપાસ, લાગણીનો એક પણ પાયો ક્યાંય ઊંડો ન મળ્યો. અમે તો દરિયો બનીને સૌને સ્વીકાર્યા હતા, પણ કિનારાનો સ્વભાવ કદી દરિયા જેવો ન મળ્યો. જેને પૂજ્યા હતા હૃદયના મંદિરમાં વર્ષો સુધી, એ જ પ્રતિમામાંથી એક પણ ધબકારો ન મળ્યો. સમયના હાથમાં કેટલા સંબંધો રેતી સમા થયા, મુઠ્ઠી બંધ રાખી છતાં એક કણ પણ સાચવાઈ ન મળ્યો. લોકો કહે છે પ્રેમ એ આત્માનો ઉત્સવ છે, મને તો એની પાછળ ઘણો નિઃશબ્દ વિલાપ મળ્યો. સંબંધોની કબર પર આજે પણ ફૂલ મૂકી આવું છું, મરેલા અહેસાસોને કદાચ એટલો તો અધિકાર મળ્યો…. -અંકિત પ્રજાપતિ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser