વાંચન લેખન સંગીત સાંભળવું

બને?

રઝળતા પથ્થર મળે રસ્તે તરાસી ઘર બને?
હાથ જોડો એક પથ્થરને, અહીં ઈશ્વર બને.

ખૂબ નડતો તાપ તડકો છાંયડો શોધી વળી,
જિંદગીની રઝળતી વાર્તા અહીં અધ્ધર બને.

સાવ માટી જેવી કાયા ધૂળ ભેગી ધૂળ થઈ,
આગમાં ભડભડ બળી ત્યાં વ્હાલનું વળતર બને?

તરબતર મન નાચતું ગાતું મનાવે છે ખુશી.
ધારણાઓ બાંધતો માણસ કદી સધ્ધર બને?

દાન દાતારી અહીં સૌના ગજાની વાત છે?
વાત જ્યાં સંસ્કારની આવી પછી ઘડતર બને.

આપવાની વાત કરતાં જીવ કચવાતો નહીં,
માફ કરજો બોલવામાં આંખ જ્યાં સરવર બને.

ક્લ્પનાની પાંખ પ્હેરી આંબવું છે આભ પણ,
આજ ભણતર સાથ ગણતર જિંદગી નક્કર બને.©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

અચાનક

મધ્ય રાત્રીએ અચાનક ઉંઘ ઉડી ગઈ
આંખ ખોલી જોઉં તો
અંધકારને બદલે ચોપાસ ઉજ્જ્વળ પ્રકાશ
આહહહ! મનના તરંગોને શાંત કરતો અલૌકિક પ્રકાશ
ને
ઝીણા મોરલીના સૂર
રાતનો ઉદ્વેગ જાય ભાગ્યો
મનમાં આનંદની લહેરો
મન કહે હરિ તું આસપાસ છે
તારા વગર
ચમત્કાર ક્યાં શક્ય છે?
આંખો ચોળી તને શોધું
પ્રકાશમય વાતાવરણ
આંખોય પૂરી ન ખૂલ્લી.
ન દેખાયો તું..
કદાચ કરમ...
હરિ હરિ ક્યાં છો તમે?
મારા શ્વાસ કહે છે તું જ છે.
તો
અડચણ કેમ?
અચાનક આવી ચોંકાવી..

કાયમ તું કહે હરિ આવો ને..
આવો ને હ્રદયમંદિરમાં બિરાજો.
તો લે આવી ગયો..
તો હવે..
મને પ્રકાશમાં
મોરલીના સૂરમાં
કે
મોરપીંછ માખણમાં ન શોધ
હું છું કણકણમાં
દરેકના હ્રદયમાં
તો મને ભીતર શોધ...
તને મળીશ જ..

અચાનક તંદ્રા તૂટી..
પ્રકાશ ભીતર સમાયો
છતાં..
ચોપાસ પ્રકાશ જ પ્રકાશ
હરિ સાથે મિલનનો..
અલૌકિક મિલન.
બરાબર ને મનવા?©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

ટેવ કાં પાડી તમે

અધ વચાણે છોડવાની ટેવ કાં પાડી તમે.
દ્રાર મનનાં ભીડવાની ટેવ કાં પાડી તમે.

બંધ બારી બારણાં રાખી શકો આદત થકી,
હાથ સાથે જોડવાની ટેવ કાં પાડી તમે.

મૌન રહેવું એટલું અઘરું નથી તો કેમ ત્યાં,
ભેદ સૌના ખોલવાની ટેવ કાં પાડી તમે.

કોઈ પણ આરોપ સ્વીકારી શકાતો નથી,
એ બીજા પર ઢોળવાની ટેવ કાં પાડી તમે.

ખાસ સમજી રાખશે વિશ્વાસ, સોપી ને બધું,
ત્યાં ભરોસો તોડવાની ટેવ કાં પાડી તમે

આમ બીજાના ખભે બંદૂક રાખ્યે શું થશે?
આમ તોડી ફોડવાની ટેવ કાં પાડી તમે.

બંધ બેઠી પાઘડીને પ્હેરવી સારું નથી.
કે બધુંયે ઓઢવાની ટેવ કાં પાડી તમે.©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

હશે.

એક રેખા લક્ષ્મણે દોરી, કદી પાળી હશે?
જયાં મજામાં છું કહો છો ત્યાં મજા માણી હશે?

મામલો આખો સમજ, હાલાત જાણી લાગશે,
આયનો મલકી રહ્યો જોઈ, અહીં પાણી હશે?

રાખ પાસે બોલી આપ્યું ત્યાં ઘણું, ઓછું હતું?
કાયદો વચ્ચે રખાવી માનશે શાણી હશે.

ઢાલ સરખો દોસ્ત ઊભો આજ બાજુમાં પછી,
ભાગશે ડર દૂર અમથી, આપવી તાળી હશે.

પાંપણે છે કેદ સપનાં મૂક છૂટા આભમાં,
એકલાં લાંબી ભરે ઉડાન ત્યાં લાણી હશે.

છોડ તારું હુંપણું રાવણ નથી તું એ સમજ,
એટલે તો કાયમી વ્હાલી મીઠી વાણી હશે

કેમ સમજાવું તને અભિમાન સારું તો નથી.
લાગણીનો થાય ત્યાં અહેસાસ ને તાણી હશે.©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

રિચાર્જ

ફોન ટેબ લેપટોપ
રિચાર્જ કરતાં
વિચારે ચડ્યું મન
મગજ સૌથી શક્તિશાળી
માનવે યંત્રો બનાવ્યા
ગણકયંત્ર ગણતરી આસાન કરે
પણ
માનવ મગજને આરામ આપી ને?
સ્મૃતિ ધટતી ચાલી
આંગણીના ટેરવે મોબાઇલ
અંગુઠો કરે કમાલ
બધું સરળ
હાથવેંતમાં
ના મુઠ્ઠીમાં જ
મગજ નવરું ધૂપ
નિષ્ક્રિય

તો
હવે એક નિર્ધાર
મગજને રિચાર્જ કરો
સ્મૃતિને ચકાસો
યાદશક્તિ વધારો
બ્રેનપાવરને વધારો

હા! માનવતા માટે
ઉત્તમોત્તમ પરિણામ
રિચાર્જથી.©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

લાવી

ઘણું મોટું હતું મન માફી માંગીને ઘરે લાવી.
ભૂલાયેલા ઘણા સપનાં અહીં પાછાં લઈ આવી.

હથેળીના એ ફોલ્લાનું દરદ પાંપણની ભીતરમાં,
જરા ભીનાં નયનમાં વેલ સપનાંની પછી વાવી.

પછી રહેતી સદા તૈયાર સ્વાગત પ્રેમથી કરવા,
ખબર પડતી નથી ક્યાંથી મળી સુખની એને ચાવી.

કરીને કાંકરીચાળો સગા વ્હાલા થયાં છે દૂર,
કરી ઘા પીઠ પાછળ આજ દુશ્મન પણ થતાં હાવી.

વફાદારી નિભાવી છેક અંતિમ શ્વાસ સુધી તોય,
હવે આવી નકામી વાત પર ગાળો નથી ખાવી.©

કાજલ
કિરણ પિયુષ શાહ


.

Read More

નીકળે છે

હિસાબ આજ કરું તો ઉધાર નીકળે છે.
જવાબ આપ હવે, જો હજાર નીકળે છે.

ઉજાગરા ભરી રાતો, ગણી શકો ગણજો,
ઉધાડ બંધ હથેળી સવાર નીકળે છે.

માંગવા હાથ ધરી આજ ઈશ સામે ત્યાં,
માંગ વરદાન હવે ત્યાં નકાર નીકળે છે.

બારણાં બારી બધું બંધ રાખુ છું તો પણ
હાઉકી કેમ કરી જાય સાર નીકળૈ છે.

દ્વાર મનનાં બંધ કરી હોઠ ભીડી દીધાં,
આ હવા આમ છતાં આરપાર નીકળે છે.

શેકવો હાથ અહીં તાપણું કરી સૌને,
આગ ચિંતાની ભલે હોય ખાર નીકળે છે.

સાંભળી ચીસ નજર આસપાસ ફેરવી ને,
ચીસથી ઘાવ જૂના ત્યાં અપાર નીકળે છે. ©
લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

છે.

રૂપ ઘુંઘટમાં રહી શરમાય છે.
તોય એનું રૂપ ત્યાં છલકાય છે.

રાખશો વિશ્વાસ થોડો જો તમે,
આજ મોટી વાત ત્યાં સમજાય છે.

સુખ મળે રસ્તામાં ત્યારે પ્રેમથી,
હોઠ ચુપકેથી પછી મલકાય છે.

જિંદગી છે ફૂલ જેવી એટલે,
સાંજ પડતાં રોજ એ કરમાય છે.

દર્દ સાથે તો ઘરોબો છે અહીં,
એટલે મન કાયમી હરખાય છે.

રાખ ધીરજ આ સમય તારો નથી,
દુઃખ નજીવું લાગતા સહેવાય છે.

નામ તારું પૂછતાં આવી ચડે,
કેમ આજે આટલો અકળાય છે.©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

નથી બાકી

હથેળીમાં હવે તો કાલનો ઓળો નથી બાકી,
ને આઈનો કહે છે કોઈ પડછાયો નથી બાકી.

ચલો પકડો તમારા કાન માફી માંગવા માટે,
ખબર છે ને હવે એકપણ નવો મોકો નથી બાકી.

વખાણે વાળ કાળા ખૂબ લાંબા ચોટલા વાળી,
કરે ગુંફન નવા એમાંય અંબોડો નથી બાકી.

નિતારી ઝેર આજે કાંચળી બદલી બની માનવ,
મહોરા રોજ બદલાવે હવે ભોળા નથી બાકી.

દરદ હદથી વધારે હોય ત્યારે ચૂપ રહેવાનું,
હતી સમજણ ઘણીયે બોલવા શબ્દો નથી બાકી.

કદાચિત વાત તમને આજ સમજાવી શકું સાચી.
હવે મનમાં સમાવ્યા ભેદ પરપોટો નથી બાકી.

હરખ ને શોકમાં રડતી રહે આંખો સદાયે ત્યાં,
નજર કોરી રહીં ભીજાય છે આંખો નથી બાકી.©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

શ્વાસમાં

સાચવ્યો'તો ખાસ એને શ્વાસમાં.
પ્રીત પણ ગવરાવજો ત્યાં રાસમાં.

આમ માની અવગણી જેને હતી,
થાય ગણના આજ એની ખાસમાં.

કેમ પૂરી થાય રામાયણ અહીં ?
છે શરૂઆતી સમય એ તાસમાં.

રાખવું સઘળું હતું પાસે છતાં,
કંઈ બચતું પણ નથી ત્યાં પાસમાં.

ખોઈ બેઠો ખૂબ ગમતીલી પળો.
શોધવી છે આજ એનાં ચાસમાં. ©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More