16-12-2019 પપ્પા નો પગાર
(રવિવાર ની એક સવારે)
બાળક - (એના પિતા ને) પપ્પા આજે કેમ ઘરે છો ?
પિતા - જેમ સ્કુલ માં રવિવારે રજા હોય ને તેમ ઓફિસ માં પણ રજા હોય.
બાળક - પપ્પા આ પૈસા કઈ રીતે મળે ?
પિતા - (બાળકને ખોળામાં બેસાડી માથે હાથ ફેરવતા ફેરવતા) સવારે વહેલા ઉઠી ટાઈમસર ઓફિસ જવા નીકળુ ત્યારે ટાઇમ પર પહોંચવા ની સાથે સાથે ઓફિસ ના દરવાજા માં પ્રવેશુ ત્યાં જ જવાબદારીઓ ના ભાર નો અહેસાસ થવા લાગે. પછી કોમ્પ્યુટર ચાલુ થાય ફાઈલો ના ઢગલા અાવે અને ક્લાયંટ્સ ના કોલ આવે એટલે સમજો આજનુ કામ ચાલુ.
આ બધા ની વચ્ચે એક ગરમ ચા ની ચુસ્કી મળે તો ક્યારેક ઠંડો ધુંટડો ઉતારવો પડે. પછી 1:30 વાગ્યા ની અાસપાસ તો ક્યારેક 2 વાગ્યે બીજા ના ભોજન ની સુવાસ અને હોજરી માં થતા તરવરાટ થી ખ્યાલ આવે કે હવે જમી લેવુ જોઇએ. પછી ટિફિન ખોલતા મમ્મી એ વેહલા ઉઠીને પ્રેમ થી બનાવેલા શાક અને ઠંડી થઈ ગયેલી રોટલી ના ફટાફટ 2-4 કોડિયા ભરવા પડે.
હજુ આટલુ કામ બાકી છે એ વિચાર ની સાથે સાંજે 4:00 વાગે બે ઘુંટડા ચાના ભરવા થી લઇ ને છેક સાંજે આઠ વાગ્યે લેવાતી પરમિશન "હું જવું સાહેબ ?" ક્યારે થાય ખબર જ ના પડે. પછી ઘરે આવી સોફા પર બેસી ઊંડો શ્વાસ લઈ અને ઠંડું પાણી પીતા આજની જવાબદારી પુરી કર્યા નો અહેસાસ થાય.
બસ આજ રીતે એક મહિના ના રુટિન ની સાથે સાથે...
કામ આટલું પેન્ડિંગ કેમ રહે છે ?
ફાઈલો ફટાફટ પતાવો.
ટાઈમ સર આવતા જાવ.
રજા નહી મળે. પછી તમારા કામ કોણ કરશે ?
કામ પેન્ડિંગ રહેશે તો રાત્રે મોડા સુધી બેસીને પતાવવું પડશે.
અમુક ક્યાયંટ્સ સાથે તમારુ બિહેવિયર સારુ નથી. "ઇમ્પરુવ યોરસેલ્ફ એન્ડ યોર વર્ક"
આવા કેટ-કેટલાય ટોંણા કે સુવિચારો ને કંઠસ્થ કરતા કરતા.....
મહિનો પતી ગયા પછી ની પાંચમી તારીખે એકાઉન્ટન્ટને આજીજી કરતા પગાર નો ચેક મળે અને 2 દિવસ પછી ક્લિયર થતાં આવેલા "યોર સેલેરી ડિપોઝીટેડ" મેસેજ ને લઇ એટીએમ ની લાઇન મા ઉભા રહી પગાર ઉપાડીયે ત્યારે તે પગાર ને પૈસા મળ્યા કહેવાય બેટા....