"મને કોરો કાગળ ન કહો,હું તો વાવેતરની પ્રતિક્ષા કરતું ખેતર;
શું નીપજશે મારા માંથી...!!,
એ તો તમે જે વાવો,
તમે જે વરસાવો અને તમે જેવો આપો માવજતનો ગરમાવો,
એની પર જ બધું નિર્ભર છે..."
પ્રસ્તુત પંક્તિમાં પ્રોત્સાહનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. માવજતનો ગરમાવો એટલે હૂંફરૂપી પ્રોત્સાહન.
ગાંધીજી એ શિક્ષણની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, " વ્યક્તિમાત્રમાં જે કંઈ શ્રેષ્ઠ રહેલું છે તેને બહાર કાઢવું અને વિકસાવવું"
આ વાતને અન્ય અર્થમાં સમજીએ તો, " બાળક કે વ્યક્તિમાં રહેલ શ્રેષ્ઠ તત્ત્વને બહાર લાવીને તેને સંપૂર્ણરીતે વિકસાવતું ઔષધ એટલે પ્રોત્સાહન.
આવા પ્રોત્સાહન થકી વ્યક્તિના અંતર મનમં હકારાત્મક ઉર્જાનો ખડકલો બનાવી શકાય છે. એટલું જ નહિ આવો પ્રતિસાદ બાળક કે કોઈ પણ વ્યક્તિને સફળતાના શિખરેં પહોંચાડવામાં નિમિત્તરૂપ નિવડી શકે છે.
એક બાળક જ્યારે સમગ્ર વાતાવરણથી હતોત્સાહ બને છે ત્યારે તેની માતાના હકારાત્મક પ્રોત્સાહનથી વૈજ્ઞાનિક બને છે.
તે માતા કહે છે કે " One Day The World Will See That My Tom Is Not Donkey" આ એ માતાનું પ્રોત્સાહન જ હતું કે જેથી આપણને "થોમસ આલ્વા એડિસન" (બલ્બના શોધક) મળ્યા.
આવા પ્રોત્સાહન થકી જ "મોહનદાસ માંથી મહાત્મા" અને "વાલીયા લૂંટારા માંથી ૠષિ વાલ્મિકી"માં પરિવર્તન પામ્યા હશે...!! અને કદાચ આવા પ્રોત્સાહનના અભાવે જ જગતમાં "પાનસિંહ તોમર" અને "ઓસામા-બિન-લાદેન" પેદા થતાં હશે...??
તેથી, પ્રોત્સાહનની તાકાત અને તેનો મહિમા અનેરાં છે,જેના થકી "દાનવ માંથી માનવ" અને "નર માંથી નારાયણ" નિપજે છે.અને પ્રત્યેક જીવમાં અમાપ ક્ષમતાઓ રહેલી છે જે માનવમનને અડીખમ બનાવે છે જરૂર છે તો માત્ર તેને જાગૃત કરવાની....🥰
આ સમગ્ર ચર્ચાને અંતે હું માત્ર એટલું જ કહીશ કે,
"મોતની શી તાકાત કે મારી શકે...!;
જિંદગી તારો ઈશારો જોઈએ.
જેટલે ઉંચે જવું હોય માનવી;
તેટલા પ્રોત્સાહક વિચારો જોઈએ. "
- Radhika Goswami "આશ"