Gujarati Quote in Book-Review by Divya Modh

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળેલા જીવ
લેખક : પન્નાલાલ પટેલ
કિંમત: ૨૪૦રૂ.
પ્રકાશન વર્ષ:૧૯૪૧

"મળેલા જીવ" એ ગુજરાતી  સાહિત્યના જાણીતા લેખક પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ એક પ્રેમકથા છે. જે સૌપ્રથમ ફૂલછાબ નામના દૈનિકમાં પ્રકાશિત કરવામાં આવી હતી જે બાદ વર્ષ ૧૯૪૧માં તેને પુસ્તક  સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.આ પુસ્તક ભલે વર્ષો પહેલા પ્રકાશિત થઈ ગયું હોય પણ એમાં કરવામાં આવેલ  સમાજ અને જ્ઞાતિ ભેદને કારણે અધૂરા રહી  જતા પ્રેમની વાત આજના સમાજમાં પણ એટલી જ લાગુ પડે છે.એટલું જ નહિ પરંતુ લોકોની  અમુક ખોટી ધાર્મિક માન્યતા પર પણ લેખકે આછો કટાક્ષ કર્યો છે. સાથે જ જ્યારે પ્રેમ અને સહનશકિત પોતાની હદ વટાવી જાય છે ત્યારે માણસની શી દશા થાય છે એનું આલેખન પણ લેખકે અંતમાં ગાંડી થઈને આખા ગામમાં રખડતી જીવીના પાત્ર દ્વારા કર્યું છે.


સૌપ્રથમ પુસ્તકની પ્રસ્તાવના વિશે વાત કરું તો  આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખી છે. પ્રસ્તાવના મેઘાણી સાહેબે  એટલી તો સચોટ રીતે તૈયાર કરી છે કે વાંચ્યા બાદ તો વાર્તા વાંચવાની તાલાવેલી વધી જ જાય . તેમણે આ વાર્તાના પાત્રોને ઉદ્દેશીને પણ જે સવાલ કર્યા છે કે આખીયે જે ઘટના બને છે , જીવી અને કાનજી નામના બે મુખ્ય પાત્રોના જીવનની જે દુર્દશા થાય છે તેમાં વાંક કોનો? આ સવાલો વાચકના મનને પણ વાર્તા વાંચતી વખતે થશે જ. સાથે જ વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે.


"મળેલા જીવ"ની કાનજી અને જીવીની આ પ્રણય કથા  કાનજીના ઉધડિયા ગામના પોતાના મિત્રો સાથે મેળામાં જતા અને એ મેળામાં જોગીપરા ગામેથી આવેલી  જીવી સાથે અજાણતા જ મેળાની ચકડોળમાં બેસી જતા શરૂ થાય છે અને પ્રણયકથા અને વાર્તાનો અંત પણ એક મેળામાં બંનેના મિલનથી જ થાય છે,  ફરક છે તો બસ એ જ કે  અંતમાં કાનજી અને જીવી નામના બે મળેલા જીવ, બે  પ્રેમી એકબીજાને મળે તો છે પરંતુ અલગ અલગ દિશામાંથી આવી આ મેળામાં એક થતાં પહેલાં જીવી અને કાનજી એ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે: .
'શીદ મેલ્યું 'લ્યા ઝરમર કાળજું!
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન!'

એક હૈયામાં ઉઠેલી લાગણીઓને લીધે જ કાનજી અને જીવીને અનેકગણું સહેવું પડ્યું અને હૈયાની લાગણીઓને લીધે જ તો આખીયે વાર્તા ઘડાઈ હતી.

ટુંકમાં કહું તો "મળેલા જીવ" એટલે જેને વાંચતા વાંચતા આપણો જીવ અધ્ધર થઈ જાય એવી એક ગામડાની પ્રમગાથા જે કુલ ૨૨ પ્રકરણમાં વણાયેલી છે. જેમાં પોતાના પ્રિયપાત્રને પરિવારથી છૂપાઈ ને મળવાનો હરખ પણ છે અને પોતાના પ્રિય પાત્રને લોકલાજે અને સમાજના ડરથી કોઈ બીજાને સોંપી દેવાની વેદના પણ છે. આ જ વાર્તાનો એક દોહરો જે આજના યુવાન હૈયાની અને સમાજને લીધે અલગ થયેલા પ્રેમીઓની મનોદશાનુ વર્ણન કરી આ વાર્તાને અત્યારના સમય સાથે પણ સાંકળી લે છે:

"ભૂલ્યા ભુલાશે મહિયર માળખાં,
ભૂલી જશું મોસાળે વાટ;..
ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
પણ નહિ રે ભુલાય એક આટલું :
કોક દન કરી'તી પ્રીત."

એટલે સમાજ, આબરૂ અને સંબંધ સાચવવા માટે ભલે બે પ્રેમ કરનાર વ્યક્તિઓએ અલગ થવું પડતું હોય પરંતુ બંનેના હૈયામાં એકબીજાને ચહ્યાની યાદ તો હમેશા અકબંધ રહેવાની જ .
--divyamodh (diya's poetry)
પ્રથમવાર બૂક રિવ્યૂ લખવાની કોશિશ કરી છે તો તમારા પ્રતિભાવ જરૂરથી જણાવશો.

Gujarati Book-Review by Divya Modh : 111709100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now