પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળકોમાં પ્રશ્નો પૂછવાની વૃત્તિ કેળવી શકાય...✍🏻🌼



બાળક માત્ર સાંભળીને ભણશે તો માત્ર અર્થગ્રહણ કરશે. બાળક વાંચી, સમજીને ભણશે તો ભાવાર્થ ગ્રહણ કરશે. પણ બાળક જો જાતે પ્રવૃત્તિ કરીને ભણતો હશે તો, તેનાં મર્મ સુધી પહોંચી શકશે. તે વિજ્ઞાનનાં જે તે મુદ્દાઓના તર્ક, સંકલ્પના વૈજ્ઞાનિક અભિગમ, અધ્યયન નિષ્પતિ કે જે આપણે બાળકોમાં સિદ્ધ કરવા માંગીએ છીએ, તે સાચાં અર્થમાં આત્મસાત થઈ શકશે અને બાળકો પ્રવૃત્તિમાં ઇનવોલ્વ થઈ ને ભણતાં હોવાથી કુતુહલતા, આશ્ચર્ય ઉત્સાહના ભાવ ખૂબ સફળ રીતે તેમનામાં કેળવાય છે. એ જ તેમને વર્ગમાં પ્રશ્નો પૂછવા પ્રેરે છે. કારણ કે કેમ? શા માટે? કેવી રીતે? જેવાં પ્રશ્નો તેમનાં મનમાં સતત ઉદ્દભવતા રહે છે.


શિક્ષણ પ્રક્રિયાનું સૌથી સફળ સોપાન એટલે બાળકને વર્ગમાં પ્રશ્નો પૂછતાં કરવાં. જે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા ખુબ સહજ રીતે થઈ શકે છે. આ પ્રવૃત્તિમય શિક્ષણ એટલે બાળકમાં બાળવૈભવને જીવંત રાખીને એક સહજ ફ્લોમાં બાળકમાં નોલેજ, વિચાર અને નાવિન્ય ને વાવવું. ગોખણપટ્ટી અને ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિ કરતાં થોડું અલગ ,બાળકમાં આત્મવિશ્વાસ અને જીવંતતા સાથે જ્ઞાન સંપાદન કરાવતું શિક્ષણ એટલે પ્રવૃત્તિમય શિક્ષણ.

વર્ગખંડમાં ક્યારેક માત્ર કથન પદ્ધતિથી ભણતાં બાળકોના મો અને આંખોના હાવભાવ નિહાળજો અને પ્રવૃત્તિ દ્વારા ભણતાં બાળકોના ચહેરાના હાવભાવ નું અવલોકન કરજો. પ્રવૃત્તિથી ભણતાં બાળકોમાં એકાગ્રતા, કુતુહલતા અને ઉમંગનો સમન્વય જોવા મળશે. ભણતર ક્યારેય બાળકો માટે બોજારૂપ ન બનવું જોઈએ. એન્જોયેબલ હોવું જોઈએ. એવું શિક્ષણ કોઈ જ કામનું નથી જે બાળકોની મૌલિકતાને ઢાંકી દે. શબ્દો અને વાક્યોની માયાજાળમાં બાળકને ગુંચવી દે. માર્ક્સ લાવવાની લાયમાં બાળક ચોપડીના જ્ઞાનની બહારનાં નવીન વિચારો ન પામી શકે. બાળક એ જ્ઞાનનું સર્જન કરવા સક્ષમ છે, શિક્ષકોએ તો માત્ર ઇન્ટરમિડીયેટ બનવાની જરૂર છે. ઇન્સ્ટ્રક્ટર નહીં. હન્ટર મેન નહી, માર્ગદર્શક બનવાની જરૂર છે. પ્રેરક અને સાથે સાથે ઉદ્દીપક બનવાની જરૂર છે. માત્ર વર્ગખંડ શિક્ષણ માટે જ નહીં શિક્ષકનું જીવન પણ બાળકો માટે ઉદ્દીપકનું કામ કરે તેવું હોવું જોઇએ. તેના વિચારો, વર્તન બાળકો માટે અનુકરણીય હોવા જોઈએ. શ્રેષ્ઠતાનું સિંચન કરે તેવું હોવું જોઇએ.


‌ પ્રવૃત્તિમય શિક્ષણ માટે સાધનો જ માધ્યમ થઈ શકે એવુ જરુરી નથી. બાળક વર્ગમાં આગળ આવી ખુદને રજુ કરતો હોય, પોતાના વિચારો વ્યક્ત કરતો હોય, નવી નવી આઈડીયાઓ વહેંચતો હોય, group discussion કરીને પ્રોજેક્ટ વર્ક કરતો હોય, નાટક ભજવીને કે કવિતા ગાઇને શિક્ષણ મેળવતો હોય,આંખ કાન નાક ચામડી બધી ઇન્દ્રિયોને involve કરીને જ્યારે બાળક ભણતો હોય, પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તે શિક્ષણ ચિરંજીવી બની જાય છે. બાળક અલગ અલગ રંજકદ્રવ્ય ધરાવતા પર્ણો ભેગા કરી તેને સ્પર્શીને, નીહાળીને તે મુદ્દો શીખે. સુતરાઉ કાપડ સિન્થેટિક કાપડને જાતે સ્પર્શીને અલગ તારવતો હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયાને એનિમેશન વિડીયો નિહાળીને ભણતો હોય. અંગ્રેજીમાં સંવાદ, ઉચ્ચાર ,સાંભળીને ભણતો હોય તો તે સંકલ્પનાઓનો બાળકોમાં સાચા અર્થમાં સમજણ, વિચાર કેળવાય છે. આત્મસાત થાય છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી
Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

Gujarati Motivational by Mital Patel : 111796369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now