સૌને પુસ્તક દિવસની શુભકામનાઓ 📚📚
પુસ્તક દિવસ નાટ્યક્ષેત્રના ટ્રેજેડી કિંગ એવા વિલિયમ શેક્સપિયરની યાદમાં મનાવવામાં આવે છે.આજે એમની જન્મ તેમજ મૃત્યુતિથિ બંને છે. એમના લેખનમાં અવનવા,અટપટા શબ્દોનો (ન જોયેલા, ન સાંભળેલા, ન વાંચેલા) નવતર પ્રયોગ જોવા મળતો. એમના લેખનમાં શબ્દો પણ પોતાના બનાવેલા જોવા મળતા.નાટ્ય સર્જનની સાથે શબ્દ સર્જન પણ કરતા.
હવે પુસ્તકની વાત કરીએ. પુસ્તક વાંચન પાછળ વાચકનો કોઈક ને કોઈક હેતુ છુપાયેલો હોય છે. પુસ્તક જાતજાતના ભાતભાતના અનુભવ કરાવે છે. એક પુસ્તક આખેઆખું વ્યક્તિત્વ બદલવામાં - ઘડવામાં ભાગ ભજવતું હોય છે. પુસ્તક મિત્ર પણ છે, ગુરુ પણ છે અને માર્ગદર્શક પણ.એમાં લખાયેલા શબ્દો - વાક્યો આત્મા સ્પર્શી જાય છે. આપણા માઈન્ડને ડિટોક્સ કરવાનું કામ કરે છે.જ્યારે પણ જીવનમાં હતાશા આવી હોય કે તૂટ્યા હોય ત્યારે માણસ કાં તો પુસ્તક વાંચન તરફ વળે છે અથવા તો ભગવાન પાસે જાય છે.પુસ્તક અને ભગવાન આ બંને પાસે માણસ હળવોફૂલ થઈ જાય છે.એક રાહ દેખાડે છે અને બીજા જીવન તારે છે. પુસ્તક વાંચન મનમાં વિચારરૂપી બીજ રોપે છે.પુસ્તક વાંચન ક્યારેય દેખાવ ખાતર પરાણે ન હોવું જોઈએ કે મારે વર્ષનો આટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે. કારણ કે પુસ્તકને વાંચવા કરતા વધારે આત્મસાધ કરવાનું હોય છે. એને આપણા હૃદય સોંસરવા ઉતારવાનું હોય છે.
મારી વાત કરું તો, હું વાંચવાની બાબતમાં પહેલેથી સિલેક્ટિવ છું. જેમાંથી માહિતી મળે એ પુસ્તક વાંચું છું, કારણ કે એ મારો વિષય છે.હું શીખવા માટે, નવા ટોપિક્સ માટે વાંચું છું. હું દેખાવ માટે પુસ્તક નથી ખરીદતી.જેટલા પણ છે એ બધા બીજીવાર વાંચવા ગમે એવા છે.
- વિશાખા મોઠિયા