જેનું દિલ ખાલી એનું જીવન ખાલી
ભાગ - ૨ 
અમદાવાદના બસ સ્ટેન્ડનાં પાર્કિંગમાં લક્ષ્મીચંદ પોતાનું સ્કૂટર પાર્ક કરી, બસ સ્ટેન્ડની અંદર આવી રહ્યાં છે. 
બસ સ્ટેન્ડના નાકા પર એક ફ્રુટવાળાની દુકાન છે, ને એ દુકાનનાં માલિક લક્ષ્મીચંદના મિત્ર છે. 
લક્ષ્મીચંદને જોતાજ એ દુકાનદાર... 
દુકાનદાર :- આવો આવો લક્ષ્મીચંદ, કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા કંઈ ? 
લક્ષ્મીચંદ :- અરે ભાઈ લક્ષ્મીચંદ કોઈ દિવસ ભૂલો પડે ? એ તો ભલભલાને ભૂલા પાડે, 
આ તો નોકરી ધંધા માટે મહેસાણાથી મારો ભાણો આવવાનો છે, એ અમદાવાદમાં ભૂલો ના પડી જાય, એટલે એને લેવા આવ્યો છું.  
એમ કહિને બંને હસે છે, પછી....
લક્ષ્મીચંદ :- પેલી મહેસાણાવાળી લોકલ બસ આવી ગઈ ? 
એટલે એ દુકાનદાર એ બસ સામે જોઈને....
દુકાનદાર :- હા હમણાં જ આવી.
હજી તો પેસેન્જર ઉતરે જ છે, ને એ બસમાં કદાચ ટિકિટ ચેકીંગ પણ ચાલે છે.
લક્ષ્મીચંદ :- ક્યાં ઉભી છે એ બસ ? 
દુકાનદાર મિત્ર લક્ષ્મીચંદને આંગળીથી ઈશારો કરતા....
દુકાનદાર :- પેલી સામે ઊભી.
લક્ષ્મીચંદ :- સારું ત્યારે ભાઈ, હું આવું હમણાં. 
એટલું કહી લક્ષ્મીચંદ ઝડપભેર એ બસ બાજુ જઈ રહ્યાં છે, બસની નજીક જતાં એમણે જોયું કે, 
બેથી ત્રણ ટિકિટ ચેકરમાંથી, એક ટિકિટ ચેકિંગવાળા ભાઈ, 
ભાણાભાઈને કોલરથી પકડીને ઊભા છે, એટલે લક્ષ્મીચંદ થોડા ઝડપથી દોડીને એમની નજીક જઈ તુરંત...
લક્ષ્મીચંદ :- શું થયું વિરાટ  ? 
વિરાટ :- મામા, આ લોકોએ મારી પાસે ટિકિટ હોવા છતાં, મને ખોટી રીતે પકડ્યો છે. 
ત્યાંજ ચેકર લક્ષ્મીચંદ ને....
ચેકર :- વડીલ તમારો ભાણો ક્યાંથી આવવાનો હતો? 
લક્ષ્મીચંદ :- સાહેબ, મહેસાણાથી
કેમ, શું થયું ? 
એણે ટિકિટ નથી લીધી કે શું ?  
વિરાટ :- મામા, મેં ટિકિટ લીધી જ છે, અને એ ટિકિટ એ સાહેબના હાથમાં જ છે. 
લક્ષ્મીચંદ :- સાહેબ એણે ટિકિટ લીધી છે, તો પછી એને કેમ પકડ્યો છે ? 
ચેકર :- કાકા, એણે જે ટિકિટ લીધી છે, એતો કલોલથી અમદાવાદની છે. 
લક્ષ્મીચંદ :- હા તો સાહેબ, મહેસાણાથી કલોલ સુધી એ બીજા કોઈ વાહનમાં આવ્યો હશે, અને કલોલથી આ બસ પકડી હશે. 
આ સાંભળી વિરાટ....
વિરાટ :-  ના ના મામા, 
આ બસ તો મેં મહેસાણાથી જ પકડી છે. 
આ બસમાં ખૂબ જ ભીડ હતી, તો પણ હું આ બસમાં જ આવ્યો છું. 
લક્ષ્મીચંદ :- વિરાટ, જો તુ મહેસાણાથી જ આ બસમાં આવ્યો છે, તો પછી તે ટિકિટ કેમ કલોલથી અમદાવાદની લીધી ? 
વિરાટ :- મામા, મે કલોલથી અમદાવાદની ટિકિટ માંગી જ નથી, એતો કંડક્ટરે મને આપી. 
ચેકર :- ભાઈ એક મિનિટ, ઊભા રહો...
તમે એટલું તો માનો છો ને કે, તમે મહેસાણાથી આ બસમાં આવ્યા છો ?
વિરાટ :- હા સાહેબ 
ચેકર :- હવે તમે આવો છો મહેસાણાથી, ને આ તમારી પાસે જે ટિકિટ છે, એ તો કલોલથી અમદાવાદ છે, તો આમાં તમે કંડકટરનો વાંક કેમ કાઢો છો ? 
વિરાટ :- સાહેબ જુઓ, પહેલાં તમે મારી આખી વાત સાંભળો, 
મેં મહેસાણાથી બસ પકડી બરાબર ? 
ચેકર :- બરાબર
વિરાટ :- બસમાં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી, બરાબર ? 
ચેકર :- બરાબર 
વિરાટ :- તોય મારો આ મોટો થયેલો લઈને હું આ બસમાં જ  આવ્યો, બરાબર ? 
ચેકર :- અરે ભાઈ બધું બરાબર જ છે, તુ બોલને આગળ 
વિરાટ :- સાહેબ...કંઈ જ બરાબર નથી. 
એક તો બસમાં લોકોના ધક્કા ખાવાના, ભીડમાં બસની મુસાફરી કરવાની, અને ઉપરથી આ ગરમીનો સમય, આમાં શું બરાબર છે ? 
પાછા કહો છો બધું બરાબર છે. 
ચેકર :- હા ભાઈ બરાબર, આગળ બોલ 
વિરાટ '- લોકલ બસને કારણે દરેક સ્ટેન્ડ પર બે પેસેન્જર ઉતરે, અને ચાર પેસેન્જર ચડે જતા હતા, બરાબર ? 
ચેકર :-  બરાબર 
વિરાટ :- બસમાં ભીડ વધતી જતી હતી, બરાબર ? 
હવે ચેકર વિરાટનાં આ બરાબર બરાબરથી, બરાબરના થાકીને, કંટાળીને, ધીરે રહીને બરાબર બોલવાની જગ્યાએ, ખાલી મુંડી હલાવે છે, એટલે વિરાટ ફરીથી... 
વિરાટ :- બરાબર ?
પહેલો ચેકર બરાબર કંટાળ્યો હોવાથી, એ બીજાં ચેકર ને હાથથી પકડી વિરાટની નજીક લાવી ને...
પહેલો ચેકર :- ભાઈ તુ થોડીવાર અહીંયા ઉભો રહે.
બિજો ચેકર :- કેમ સાહેબ ?
પહેલો ચેકર :- કંઈ નહીં, આ જેટલી વાર બરાબર બોલે એટલી વાર તારે એનાં બરાબરનો જવાબ આપવાનો, બરાબર ?
બિજો ચેકર :- હા સાહેબ, બરાબર
પછી વિરાટ બીજા ચેકરને....
વિરાટ :- સાહેબ તમે મારી આગળની પુરી વાત સાંભળી છે ને બરાબર, કે પછી ફરી શરૂઆતથી કહું ?
આ સાંભળીને પહેલાં ચેકર ભાઈ મુઠ્ઠીવાળીને પોતાનાં ગુસ્સાને કાબૂમાં લઈ રહ્યાં છે.
ચેકર બે :- હા ભાઈ મેં સાંભળી છે બરાબર, તુ આગળ બોલને ભાઈ 
વિરાટ :- બસમાં ભીડને કારણે કંડકટરને ટિકિટ કાપતા કાપતા, અને છુટારી મગજમારી કરતા કરતા, મારી પાસે આવવામાં કલોલ પણ નીકળી ગયું હતું, બરાબર ? 
ચેકર બે  :- બરાબર
વિરાટ :- પછી કંડક્ટર મારી પાસે આવ્યા, એટલે, મે સો રૂપિયાની નોટ કંડકટરને આપી, અને અમદાવાદની એક ટિકિટ માંગી, બરાબર ? 
ચેકર બે :- બરાબર
વિરાટ :- પછી કંડક્ટરે મને પૂછ્યું કે, ક્યાંથી બેઠા ? 
એટલે મેં કહ્યું કે હું કલોલથી બેઠો, એટલે એમણે મને એક ટિકિટ, અને બાકીના પૈસા પાછા આપ્યા, 
એટલે એ ટિકિટ, અને બાકીનાં પૈસા મેં જોયા વગર જ મારાં ખિસ્સામાં મૂકી દીધા, બરાબર ?
ચેકર બે  :- બરાબર 
વિરાટ :- તો તમે જ કહો કે આમાં મારો વાંક ક્યાં આવ્યો ?
ત્યાંજ ચેકર નંબર એક.... 
ચેકર એક :- એક મિનિટ ભાઈ ,એક મિનિટ,
તે ભલે ટિકિટ, કે પૈસા ચેક કર્યા સિવાય તારા ખિસ્સામાં મૂક્યા, પરંતુ તુ મોઢેથી તો એવું બોલ્યો ને કે, તું કલોલથી બસમાં બેઠો છે ? 
વિરાટ :-  હા તો એમાં મારો શું વાંક ?  
ચેકર :- ભાઈ તું આવે છે મહેસાણાથી, અને ખોટું બોલે છે કે તુ કલોલથી બેઠો :- 
વિરાટ :- અરે સાહેબ, હું ખોટું ક્યાં બોલ્યો છું ? 
હું તો અત્યારે પણ એજ કહું છું કે હું મહેસાણાથી આવ્યો છું 
ચેકર એક :- તો પછી તે કંડકટરને ખોટું શા માટે કહ્યું કે, તુ કલોલ થી બેઠો ?  
એટલે વિરાટ નોનસ્ટોપ એની પુરી વાત જણાવે છે કે....
વિરાટ :- અરે સાહેબ, મહેસાણાથી તો હું ભીડમાં ઉભા ઉભા જ આવ્યો, પછી મને કલોલથી બેસવાની જગ્યા મળી, એટલે હું બેઠો, ને એટલામાં જ કંડકટર મારી પાસે આવ્યા, મે એમને સો રૂપિયાની નોટ આપી, અને અમદાવાદની એક ટિકિટ માંગી,  ત્યારે કંડક્ટરે મને પૂછ્યું કે, તમે ક્યાંથી બેઠા ? એટલે મેં કહ્યું કે હું કલોલથી બેઠો, સાહેબ, કેમકે, મહેસાણાથી તો હું એક પગે ઊભો ઉભો જ આવ્યો હતો, ને કલોલથી જગ્યા મળી એટલે હું બેઠો, ને એટલે જ મેં એમ કહ્યું કે, હું કલોલથી બેઠો, હવે તમે જ કહો કે, આમાં મે ખોટું શું કીધું ?  
લક્ષ્મીચંદ વિરાટની વાતને સમજી ગયા, એટલે એ પણ કંટાળીને ચેકર ને....
લક્ષ્મીચંદ :- સાહેબ છોડો હવે, જે થયું તે, એને બહુ લાંબી ખબર નથી પડતી, તમ તમારે જે દંડ થતો હોય તે કહો, હું આપી દઉં છું. 
ચેકર :- વડીલ ૪૦૦ રૂપિયા આપો. 
એટલે લક્ષ્મીચંદ દંડના ચારસો રૂપિયા ચેકરને આપે છે, સામે ચેકર દંડના ચારસો રૂપિયાની રસીદ લક્ષ્મીચંદ ને આપે છે, આ જોઈને વિરાટ, ફરી ચેકર ને...
વિરાટ :- સાહેબ.....હવે તો બરાબર બોલો.
એટલે મામા થોડાં ગુસ્સે થઈ પોતાનાં ભાણા વિરાટને, 
લક્ષ્મીચંદ :- એ બરાબર વાળી, છાનો માનો ચાલ ઘરે, સુધર હવે ને થોડો પ્રેક્ટીકલ થા, આ ગામ નથી શહેર છે. 
અહીંયા હજારો પ્રકારની ખોપરીઓ સાથે, દિવસમાં દસ વાર પાલો પડશે તારો, એટલું સમજી લેજે.
આમ તો મામા પોતાનાં ભાણાને ગાડી લઈને લેવાં આવવાનાં હતાં, પરંતુ એ કરકસરમાં માનતા હોવાથી સ્કૂટર લઈને ભાણાને લેવાં આવ્યા, છતાં ભાણાએ મામાને ચારસો રૂપિયાની ચાકી તો ચડાવી જ દીધી, 
છતાં મામાએ એમ સમજીને મન મનાવી લીધું કે, હશે ગવે કોઈ વાર થાય આવું..... એમ સમજી લેવાનું કે હું ભાણા ને ગાડી લઈને લેવાં આવ્યો હતો. 
પરંતુ હજી મામાને એ વાતની ખબર નથી કે, 
હજી તો એ બસ સ્ટેન્ડની બહાર પણ નથી નીકળ્યા, ને ચારસોની ચાંદી થઈ છે, તો ભાણા ને લઈને ઘરે પહોંચતા પહોંચતા મામાના બીજાં કેટલાં રૂપિયાની ચાંદી થવાની છે ? 
ખાસ - વાર્તાનાં પહેલાં ભાગમાં જે વિરાટને આપણે ઓળખ્યો, એ નોકરી ધંધા માટે અમદાવાદ આવ્યાને ચાર મહિના પછીનો વિરાટ હતો, અને આ ભાગ બેમાં જે વિરાટને આપણે જાણ્યો, એ વિરાટનો અમદાવાદ આવ્યા નો પહેલો દિવસ છે.
શું વિરાટ આવો જ છે, કે પછી એ કંઈ છૂપાવી રહ્યો છે ?
વાચક મિત્રો એ જાણીશું, આ વાર્તાનાં આગળનાં ભાગમાં 
વધુ ભાગ ૩ માં