દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ ૩
બસનાં ટિકિટ ચેકીંગવાળા ભાઈને દંડની રકમ ચૂકવી, 
ભાણા વિરાટને શિખામણ આપતા-આપતા મામા લક્ષ્મીચંદ બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે. 
એમને આવતા જોતાં, મામાના મિત્ર એવાં પેલાં ફ્રૂટવાળા 
ભાઈ.....
ફ્રૂટવાળા:- આવો આવો લક્ષ્મીચંદ, આવિ ગયા તમારાં ભાણા ભાઈ ? 
આ સાંભળીને મામા ભલે અત્યારે મૂડમાં નથી, 
પરંતુ મિત્રએ કંઈ પૂછ્યું છે, તો મિત્રને એનો જવાબ તો આપવો જ પડે ? 
એટલે મામા બિલકુલ નરમ અવાજે,
મામા :- હા ભાઈ આવિ ગયા.
આ બાજુ વિરાટ તો હજી પણ વળી વળીને પેલાં ટિકિટ ચેકીંગવાળા સાહેબ સામે જ જોઈ રહ્યો છે.
એટલે મામા એમનાં ફ્રૂટવાળા મિત્રની ઓળખાણ, ભાણા વિરાટ સાથે કરાવવા માટે વિરાટને કહે છે કે,
મામા :- વિરાટ, 
આ મારા જૂના ને ખૂબ જ જીગરી દોસ્ત છે.
મામાની વાત સાંભળી હમણાં સુધી અવળો ફરીને ટિકિટ ચેકીંગવાળા સાહેબ સામે જોઈ રહેલ વિરાટ, 
મામાનો અવાજ સાંભળી, મામાના ફ્રૂટવાળા મિત્રને જોવા માટે, વિરાટ જેવો થોડો સીધો થવા જાય છે, ત્યાંજ....
વિરાટથી પાછું આ શું થઈ ગયું ?
વિરાટ જેવો સીધો થાય છે, એ સમયે વિરાટે પોતાનાં ખભે ભરાવેલ થેલો, 
ફ્રૂટવાળા ભાઈએ જે ટોપલામાં સફરજન ભર્યા હતા, એને વિરાટના થેલાનો ધક્કો વાગતાં, સફરજનનો ટોપલો ઊંધો વળી જાય છે.
ને ટોપલામાં ગોઠવેલ બધાં જ સફરજન પૂરાં રોડ ઉપર, 
આ છેડેથી બીજા છેડા સુધી રસ્તા પર સફરજન રગડી રહ્યાં છે, આમ અજાણતા ને અચાનક, એ સફરજનનો ટોપલો ઊંધો વળી જતાં, મામાના ફ્રૂટવાળા મિત્ર, 
મામા તરફ જોઈ રહ્યા છે, જ્યારે મામા.....
મામા તો અત્યારે સફરજન કરતાં પણ લાલઘૂમ થઈને, અતિશય ગુસ્સામાં આવી, વિરાટ સામે જોઈ રહ્યા છે, 
ને વિરાટ... વિરાટ તો થોડું અચરજ, ને થોડી શરમ, સંકોચ સાથે, 
રસ્તા પર રગડી રહેલ સફરજન સામે જોઈ રહ્યો છે.
આ બાજુ રસ્તા પર જતાં કેટલાક વાહનોનાં ટાયર નીચે આવી, અમૂક સફરજનનો તો જ્યૂસ નિકળી રહયો છે.
આટલું થવા છતાં, મામા થોડી સ્વસ્થતા જાળવી, 
પોતાનાં ફ્રૂટવાળા મિત્રને પોતાનાં પર્સમાંથી અમૂક રૂપિયા આપતા....
મામા :- લે ભાઈ, આ પૈસા રાખ, તારું નુકશાન થયું છે.
ત્યાંજ એક ગ્રાહક આવે છે, ને સીધો જ ફ્રૂટવાળાને પૂછે છે કે,
ગ્રાહક :- સફરજન છે ? 
એટલે ફ્રૂટવાળા મિત્ર એક નજર મામા સામે કરે છે, ને પછી પેલાં ગ્રાહકને,
ફ્રૂટવાળા:- ના ભાઈ, નથી.
ત્યાંજ રામ જાણે શું થયું, કે વિરાટ સીધો પેલાં ગ્રાહકને પૂછે છે કે,
વિરાટ :- તમારે કેટલાં સફરજન લેવાનાં છે ?
ગ્રાહક :- એક કિલો.
મામા અને ફ્રૂટવાળો ભાઈ  વિરાટની આ વાત સમજે એ પહેલાં તો વિરાટ પોતાનાં ખભે ભરાવેલ થેલો, કે જ્યારે સફરજનના ટોપલાને ટકરાયો ત્યારે ચાર પાંચ સફરજન એ થેલામાં ભરાઈ રહ્યાં હતાં, એ પાંચ સફરજન થેલામાંથી કાઢીને પેલાં મામાના ફ્રૂટવાળા મિત્રને આપતા, ગર્વ સાથે કહે છે કે,
વિરાટ :- લો કાકા, કિલો થઈ જશે.
હા, ના હા, ના કરતાં કરતાં, 
મામા સફરજનના નુકશાન પેટે એક હજાર રૂપિયા પોતાનાં મિત્રને આપી,
દોઢી નજરે વિરાટને અહીંથી ચાલવાનો ઈશારો કરી, 
મામા પોતાનુ સ્કૂટર લેવાં પાર્કિંગ તરફ જાય છે. 
પાર્કિંગ પાસે પહોંચી, મામા વિરાટને પાર્કિંગના ઝાંપે ઉભો રહેવાં કહી પોતે સ્કૂટર લેવાં જાય છે.
પણ આ શું ?
પાર્કિંગમાં પોતાનાં સ્કૂટર પર નજર પડતાં જ, 
મામા ત્યાંજ ઊભા રહી જાય છે, 
કારણ કે, 
પાર્કિંગમાં તેમનું સ્કૂટર પડી ગયું છે, અને એની ઉપર એક એકટીવા, અને બીજું એક બાઈક એમનાં સ્કૂટર પર પડ્યું છે. 
હવે પાર્કિંગમાં વોચમેન તરીકે માત્ર એક ઘરડા કાકા જ બેઠા છે, એટલે એમને તો મદદ માટે મામા કંઈ કહી ના શકે. 
પરંતુ દૂર ઊભેલો વિરાટ, 
મામાની દુવિધા સમજી જાય છે, ને એટલે એ મામાની નજીક આવી, પોતાનો થેલો મામાને આપતા, 
મામાને કહે છે કે, 
વિરાટ :- લો મામા, તમે આ થેલો લઈને નાકે ઊભા રહો, 
હું સ્કૂટર લઈને આવું છું. 
એટલે મામા પણ વિરાટનો થેલો લઈ થોડાં આગળ જઈને ઊભા રહે છે.
આ બાજુ વિરાટ, 
મામાના સ્કૂટર ઉપર પડેલું બાઈક ઊભું કરીને, એને થોડું સાઈડમાં લઈ જઈ સ્ટેન્ડ પર ચડાવે છે, 
ત્યાર પછી બાઈકની નીચે પડેલું activa પણ ઊભું કરે છે, ને એને પણ સાઈડમાં સ્ટેન્ડ પર ચડાવે છે, ને છેલ્લે....
સૌથી નીચે પડેલું મામાનું સ્કૂટર બહાર કાઢી, એને પણ સાઈડમાં કરે છે. 
મામાનું સ્કૂટર સાઈડમાં કર્યા બાદ, 
વિરાટ પહેલાં પેલું એકટીવા જ્યાં સ્ટેન્ડ પર ઊભું કર્યુ હતું, એ એકટીવા સ્ટેન્ડ પરથી ઉતારી, હમણાં જ્યાં નીચે પડી ગયું હતું, એ જગ્યા પર નીચે આડુ કરી દે છે, ને એજ રીતે પેલાં બાઈકને પણ એ એકટીવા પર, પહેલાં જેમ ઉપરા ઉપરી એ બે ટુ વ્હીલર પડયા હતા, એમ નીચે આડા પાડી દે છે. 
મામા તો અત્યારે બહાર છેક પાર્કિંગનાં ઝાંપે ઊભા હોવાથી, એમને તો કંઈ ખબર નથી, કે 
અંદર પાર્કિગમાં શું થઈ રહ્યું છે ? પરંતુ... પરંતુ... પરંતુ, 
પેલાં વોચમેન કાકા વિરાટની આ હરકત જોઈને વિરાટને કહે છે કે, 
કાકા :- તુ આ શું કરે છે ભાઈ, 
આ બાઈકને, અને એકટીવાને તે નીચે કેમ પાડી દીધા ? 
એટલે વિરાટ એ કાકાને,
વિરાટ :- કાકા મેં ક્યાં નીચે પાડ્યા છે, 
એતો પહેલેથી જ નીચે પડેલાં હતાં.
કાકા :- જબરો હો ભાઈ તુ.
વિરાટ કાકાની વાત સાંભળી ના સાંભળી કરી, 
મામાનું સ્કૂટર ચાલું કરી, 
જેવો પાર્કિંગમાંથી બહાર નીકળવા જાય છે, ત્યાંજ....
પેલાં નીચે પાડેલા એકટીવા, અને બાઈકમાંથી કંઈક તૂટવાનો અવાજ આવે છે, 
એટલે વોચમેન કાકા પાર્કિંગમાંથી બહાર નીકળી રહેલ વિરાટ પાછળ દોડે છે, ને 
વિરાટ પાર્કિંગના ઝાંપે ઊભેલા પોતાનાં મામા સુઘી પહોંચે, એ પહેલાં તો વોચમેન કાકા વિરાટ સુઘી પહોંચી જાય છે.
વધું ભાગ ૪ માં