ગામમાં દાવાનળની જેમ ફરી વળેલી ભગાલાલની કાર ફેક્ટરીની સ્કીમ ડો લાભુ રામણી સુધી પહોંચી નહોતી. કારણ કે એ દિવસોમાં ડોકટર ગામમાં નહોતા. હુકમચંદના લિસ્ટમાં એમનું નામ તો હતું જ પણ જે રીતે સ્કીમેં અભૂતપૂર્વ પ્રગતિ કરી એ પછી ડોકટર જેવા ઘણા લોકોને મળવાની હુકમચંદને જરૂર નહોતી રહી. હવે તો એના હાથ નીચે એજન્ટોની ફોજ હતી. હુકમચંદ થડીયું હતો એટલે બધી જ શાખાઓમાંથી કમિશન ખેંચતો હતો.
નગીનદાસ અને હબો હવે જાની દુશ્મન નહોતા. હબાની દુકાને પાનમાવા ખાવા આવતા લોકો આ સ્કીમની જ ચર્ચાઓ કરતા. અનેકના ફોર્મ હબાની દુકાને જ ભરાતા. હબાએ પણ પચીસ હજારના યુનિટ લઈ લીધા હતા જેની કિંમત હાલમાં સવા લાખે પહોંચી હતી. હબાએ માવા ખાવા આવનાર ગ્રાહકોને પણ સ્કીમનો સ્વાદ ચખાડીને વીસ હજાર કમિશન અંકે કર્યું હતું. પણ વીસ હજાર ઘરમાં વાપરવાને બદલે એના પણ યુનિટ લઈ લીધા હતા. લગભગ બધા એવું જ કરી રહ્યા હતા. સ્કીમની આ જ તો ખાસિયત હોય છે ને! નગીનદાસને કોણ જાણે કેમ પહેલેથી જ આ સ્કીમના ચાલવા અંગે શંકા હતી.
હબાની દુકાને એક અઠવાડિયા પછી સ્કીમ પહોંચી ત્યારે જ હબાએ પચ્ચીસ હજાર લગાવી દીધા હતા. અને નગીનદાસને પોતાની નીચે જોડવા માટે એના ઘરે પહોંચી ગયેલો. પણ નગીનદાસને હબા નીચે જોડાવું પસંદ નહોતું. કારણ કે પછી પોતે કામ કરે એનું કમિશન પણ હબો કમાય! ઉપરનો કોઈ અજાણ્યો મેમ્બર કમિશન કમાય એનો નગીનદાસને વાંધો નહોતો પણ હવે મિત્ર બનેલો હબો પોતાની રકમમાંથી કમિશન લઈ જાય એ એને પસંદ નહોતું. લોકો પોતાના જાણીતા હોય, સ્નેહી હોય કે મિત્ર હોય એમની જ ઈર્ષા હંમેશા કેમ કરતા હશે? નગીનદાસે હબાને પચ્ચીસ હજારનું રોકાણ કરવાની હા પાડી. પણ કમિશન પૂરેપૂરું પાછું આપી દેવાનું. અને પોતે જેને સ્કીમમાં જોડે એમાંથી મળતું પાંચ ટકા પણ પોતે જ લેશે એવી શરતો મૂકી. એટલે હબો બોલ્યો,
"નગીનભાય સાવ આમ નો હોય પસી. તમારું કમિસન હાલો હું નો લવ. કારણ કે આપડે ભાયબન છી ને પાડોસી શોતે છી. પણ પસી તમારી હેઠેથી જે આવે ઈય તમે લય લ્યો ઈ ચીમ હાલે? તમે ગમે ઈની હેઠે જોડાશો તો કોઈપણ માણહ કમિસન તો લેહે જ. આતો આપડે સબંધ સે અટલે હું પેલું કમિસન જાતુ કરું સુ.""સબંધ સે અટલે જ કવ સુ ને હબા. આ તો તું કેસ અટલે હું તીયાર થિયો સુ. બાકી મને તો આ સ્કીમ ભગાનું ભોપાળું જ લાગે સે. મેં કીધું ઈ પ્રમાણે કરવું હોય તો ફોર્મ ભરી દે."નગીનદાસ નામકર ગયો. હબો પણ 'માય ગિયું નઈ.. મારે કાંય વગર મફતનું કામ કરવું નથી.' એમ બબડીને દુકાને જતો રહ્યો.
બે દિવસ વીત્યા. નગીનદાસ દરરોજ સ્કીમનો અહેવાલ મેળવતો હતો. ભાવ રોજેરોજ વધ્યે જતો હતો. જો હબાએ કહ્યું ત્યારે ફોર્મ ભરી દીધું હોત તો નગીનદાસને બે દીવસમાં દસેક હજારનો ફાયદો થઈ જાત. પણ કમિશન બચાવવા જતા નગીનદાસ ચારગણા કમિશન જેટલો નફો ગુમાવી ચુક્યો હતો. ફરી એ હબાની દુકાને ગયો, પણ હબો નવરો નહોતો. આઠદસ જણા હબાની દુકાને ફોર્મ ભરવા લાઈનમાં ઊભા હતા. નગીનદાસને હવે ચટપટી ઉપડી હતી. જેમબને તેમ જલ્દી ફોર્મ ભરીને રૂપિયા રોકી દેવા જરૂરી હતા. "હબા, મારું ફોર્મ ભરી દે. આપણે વાત થઈ'તી ઈ પરમાણે નો થાય તો હાલશે પણ મારું કમિશન પાછું આપજે." નગીનદાસે ફોર્મ ભરવા આવેલા આઠદસ જણની પાછળથી ડોકું ઊંચું કરીને કહ્યું. હબો કદાચ નગીનદાસનું કમિશન પાછું આપી દેત. પણ નગીનદાસે બીજા લોકોનો હાજરીમાં કમિશન પાછું આપવાની વાત કરી.
સ્વાભાવિકપણે ફોર્મ ભરી રહેલા લોકોએ પણ કમિશન પાછું માંગ્યું! "અલ્યા ભાય હું કોઈને કમિશન પાસુ નથી દેતો ભાય! તમેય તમારી હેઠે બીજાને જોડીને કમિશન કમાજોને! કોણ ના પાડે સે." હબાએ આમ કહી નગીનદાસને પણ રોકડું પરખાવ્યું, "નગીનદાસ તમારે ફોર્મ ભરવું હોય તો ભરો..હંધુય નિયમ પરમાણે થાસે"
નગીનદાસને હબાનો જવાબ ન ગમ્યો. હવે કમિશન ન લે એવો કોઈ શોધવો પડે તેમ હતું. નગીનદાસે બેચાર જણ કે જેમણે આ સ્કીમમાં પૈસા રોક્યા હતા એ લોકોને ફોન કરી જોયો પણ બધાએ નગીનદાસને એમ કહીને હસી કાઢ્યો કે 'તમેય નગીનદાસ ઠીક લાગો સો. કમિશન વગર્ય કોણ કામ કરે, હાલી સું નીકળ્યા સો..!" આખરે તે દિવસે સાંજે નગીનદાસ હબાને શરણે જ ગયો. હબાએ બહુ માથાકૂટ પછી અડધું કમિશન પાછું આપવાની હા પાડી પણ પચ્ચીસને બદલે પચાસ રોકે તો જ! નગીનદાસ ચોળવા ગયો ત્યાં ચીકણું થઈ ગયું!
*****
પોચા સાહેબે સતારને પાંચ લાખની મદદ કરવાની હા પાડી હતી. પોચા સાહેબ જાણતા હતા કે કોઈપણ લેભાગુ સ્કીમ શરૂઆતમાં જોરદાર ચાલતી હોય છે. લોકોનો વિશ્વાસ એકવાર જીતાઈ જાય પછી વીંટો વળી જતો હોય છે. તે દિવસે સાંજે જ હુકમચંદને બોલાવીને પાંચ લાખ પોચા સાહેબે સ્કીમમાં રોકી દીધા. થોડા દિવસો પછી જ્યારે યુનિટનો ભાવ ડબલ થઈ ગયો ત્યારે વધુ મેળવવાની લાલચ રાખ્યા વગર કંપનીમાંથી દસ લાખ ઉપાડીને યુનિટ જમા કરાવી દીધા. હુકમચંદે રોકાણ ન ઉપાડવા ઘણો આગ્રહ કર્યો પણ પોચા સાહેબે કહ્યું કે 'મારે આટલું ઘણું છે હુકમચંદજી. આવી સ્કીમ બતાવવા બદલ તમારો ઘણો આભારી છું. આશા રાખું છું કે લોકોને ખૂબ રૂપિયા તમારી સ્કીમમાં મળે. ભગાલાલ સાચો પુરવાર થાય ને આપણા ધંધુકામાં કારની ફેક્ટરી બને. ઘણા લોકોને રોજગારી પણ મળશે અને રોકાણનું સારું વળતર પણ મળે એવી શુભેચ્છા પાઠવું છું.'
****
આખરે સ્કીમ ફરતી ફરતી ડોકટર લાભુ રામણી પાસે આવી. એ પણ નર્સ ચંપાએ આવી કોઈ સ્કીમ ધૂમ મચાવી રહી હોવાનું જણાવ્યું હતું. ડો. લાભુ રામણી જમાનાના ખાધેલ આદમી હતા. એમના જીવનમાં આવી ઘણી સ્કીમો એમણે જોઈ હતી. ચંપાને તો ખાસ નોલેજ નહોતું. પણ હુકમચંદ આવી સ્કીમ ચલાવી રહ્યા છે એની એને ખબર હતી. ડોકટરે સીધો જ હુકમચંદને ફોન કર્યો એટલે હુકમચંદે ખુશ થઈને મળવા આવવાનું કહ્યું.
તે દિવસે સાંજે જ ડોકટર હુકમચંદને મળવા એમના ઘેર પહોંચી ગયા. હુકમચંદે ખુશ થઈને સ્કીમ સમજાવવા માંડી.
ડોકટરે શાંતિથી આખી વાત સાંભળી. કોઈ ભગાલાલ નામનો મીઠાલાલનો મિત્ર આગ લગાવીને જતો રહ્યો હતો. રોજેરોજ લાખો રૂપિયા આખા જિલ્લામાંથી જઈ રહ્યા હતા. ધંધુકા જેવા પછાત વિસ્તારમાં કાર ફેક્ટરી સ્થપાઈ રહી હોવાની વાત સાંભળીને ડોક્ટરની નવાઈનો પાર રહ્યો નહિ.
"તો બોલો ડોકટર..કેટલા રોકવા છે? તમારી પાસે તો ઘણી મૂડી હશે. હું તમને પહેલા જ મળવાનો હતો પણ તમે અમદાવાદ હતા. પછી તો અહીં ઉપડી ગયું મારું હાળું! એટલે સમય જ નો મળ્યો. પણ હવે તમે સામેથી જ આવી ગયા છો એટલે આપણે અમદાવાદમાં પણ આ સ્કીમ ચલાવીએ. તમે મુખ્ય એજન્ટ બની જાવ તો બખ્ખા થઈ જશે. આખી જિંદગી દાગતરીમાંથી જેટલું કમાયા નહિ હોવ એટલું આ કારની ફેક્ટરીમાંથી કમાશો. હું તો માલામાલ થઈ ગયો છું." કહી હુકમચંદ હસી પડ્યો.
પણ ડોકટર ગંભીર હતા. સ્કીમ તો સારી હતી પણ કોઈ મોં માથું નહોતું. ક્યાંય કશી જાહેરાત નહોતી. કે નહોતી કોઈ વિશ્વસનીય માહિતી! કોઈ ભગાલાલ નામના માણસના ફળદ્રુપ ભેજાની પેદાશ હતી આ સ્કીમ!"શું વિચારો છો? કેટલા રોકવા એમ જ ને? જેણે જેણે સાંભળ્યું એ બધાની હાલત તમારા જેવી જ થઈ'તી. આજે પાંચના પંદર બોલાય છે. બહુ મોડું નો કરતા. આમાં એવું છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય ભલામાણસ!"હુકમચંદે ફરી હસીને કહ્યું.
"હુકમચંદજી, મને એ નથી સમજાતું કે તમારા જેવો હોંશિયાર માણસ કંઈ જોયા જાણ્યા વગર કેવી રીતે આવી સ્કીમમાં ફસાયો! પહેલી વાત તો એ કે જો કોઈ કારની ફેક્ટરી ધંધુકામાં બનવાની હોય તો એના ન્યૂઝ છાપામાં આવ્યા વગર રહે જ નહીં. આવડા મોટા ઉધોગ માટે આવી કોઈ સ્કીમો દ્વારા રૂપિયા ઉઘરાવવામાં ન આવે! આ એક બહુ મોટું ફ્રોડ છે. એ ભગો તમને મૂંડીને ગાયબ થઈ જશે."ડોકટરે ગંભીરતાથી કહ્યું.
"ત્યાં જ તમે માર ખાવ છો. આ યોજના કેન્દ્ર સરકારમાં મુકાઈ ગઈ છે. ટૂંક સમયમાં જ એની જાહેરાત થવાની છે. હજી બધું ખાનગી ધોરણે ચાલી રહ્યું છે. મેં બધી જ તપાસ કરી છે યાર. તમે મને શું સમજો છો, આખરે હું ગામનો સરપંચ છું. શું મને ભાન નહિ પડતી હોય? જુઓ ડોકટર તમને વિશ્વાસ ન હોય તો નસીબ તમારા! બાકી સ્કીમમાં કંઈ જોવાપણું નથી એ સો ટકાની વાત છે."
"તમને આ બધું ભગાલાલે જ કીધું ને? તમે ધારાસભ્ય ધંધુકિયાને પૂછ્યું? યોજના ખાનગી ધોરણે ચાલતી હોય તોય રાજકારણીઓને તો ખબર જ હોય ને!"
"સ્થાનિક નેતાઓને હજી કશી જ જાણકારી આપવામાં નથી આવી. ભગાલાલ આફ્રિકાનો મોટો ઉધોગપતિ છે. ફેક્ટરી માટે જમીન પણ લેવાઈ ગઈ છે અને ઓફીસ પણ ચાલુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ બધી જાહેરાત છાપામાં આવશે. પણ ત્યારે યુનિટનો ભાવ આસમાને હશે. એટલે લાંબી પિંજણ રહેવા દો ને પચ્ચી પચાસ જે રોકવા હોય તે રોકી દો."
"ઠીક છે હુકમચંદજી. મને થોડો સમય જોઈશે. હું મારી રીતે તપાસ કરીને જ આગળ વધીશ. તમારી વાત મને બહુ ગળે ઉતરતી નથી. હું વધુ ચર્ચા કરવા નથી માંગતો કારણ કે તમે એ ભગાલાલ પર આંધળો વિશ્વાસ મુક્યો છે. પણ હું કોઈના પર આંધળો વિશ્વાસ મુકતો નથી. બે દિવસમાં જ હું તમારી આ સ્કીમનું મૂળિયું પકડી લઈશ. જો તમે કહો છો તેમ બધું બરાબર હશે તો હું ચોક્કસ રોકાણ કરીશ. ચાલો હવે હું રજા લઈશ." કહી ડોકટર ઊભા થઈ ગયા.
"હા તે કંઈ વાંધો નહિ! જાણવું જરૂરી છે. મેં તો જાણી લીધું છે, હવે તમેય જાણી લ્યો. પછી જમાવીએ અમદાવાદમાં હે હે હે!" કહી હુકમચંદે ડોક્ટરને વિદાય આપી.
******
બાબો અને ટેમુ સ્કીમ વિશે તપાસ કરી રહ્યા હતા પણ એ બંનેને આ પ્રકારની સ્કીમો વિશે ક્યાંથી જાણકારી મળે એની કંઈ ખબર નહોતી. ટેમુ કોમર્સ ગ્રેજ્યુએટ તો હતો પણ પછી બાપાની દુકાન સંભાળવા લાગેલો. જ્યારે બાબો તો છેલ્લા ચારપાંચ વર્ષથી કાશીએ ભણવા ગયો હતો. આગની જેમ ચોતરફ ફેલાઈ રહેલી સ્કીમમાં ગરીબથી માંડીને માલદાર લોકો આંખ મીંચીને પોતાના પરસેવાની કમાણી રોકી રહ્યા હતા. લાલચ બહુ બુરી બલા છે. શરૂઆતમાં સ્કીમથી દૂર રહેલા લોકોએ સ્કીમની પ્રગતિ જોઈ 'ક્યાંક આપણે રહી જઈશું' એમ સમજી કેપેસિટી કરતા વધુ નાણાં રોકવા માંડયા હતા. જે લોકોએ બીજાને ઉછીના કે વ્યાજે આપેલા હતા એ પરત માંગીને સ્કીમમાં રોકવા માંડ્યા હતા.
કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે ઉછીનાં કે વ્યાજે લીધેલા રૂપિયા પાછા આપવાની ના પાડી. કારણ કે જેટલી મુદત માટે લીધેલા હતા એ મુદત હજી પુરી થઈ નહોતી. આથી એવું પણ બન્યું કે પૈસા આપનાર અને લેનારના સબંધો બગડ્યા. અમુક લોકો વચ્ચે આ મુદ્દે ઝગડા પણ થવા લાગ્યા.
બાબો અને ટેમુ આખરે ડો.લાભુ રામાણીને મળ્યા. બાબાએ આ સ્કીમ જેના ફળદ્રુપ ભેજાની પેદાશ હતી એ ભગાલાલ ટેમુનો ભાવિ સસરો હોવાનું કહ્યું એટલે ડોકટરે ટેમુને પૂછ્યું, "ટેમુ, તારા પિતાજી આ ભગાલાલના મિત્ર છે. તને એનો જમાઈ બનાવવા માંગે છે. પણ તું મને એ જણાવ કે આ અગાઉ ક્યારેય એ ભગાલાલ તમારા સંપર્કમાં હતા? ક્યારેય એમનો ફોન આવેલો? તેં આ પહેલા તારા પિતા પાસેથી એમની વાત સાંભળેલી?"
''ના ડોકટર સાહેબ, મેં તો એમને પહેલીવાર જ જોયા. એ સજોડે અમારા ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે એ મારા બાપાના નાનપણના મિત્ર છે. આમ તો એ મને જોવા જ આવ્યા હતા, પણ પછી હુકમચંદને મળ્યા. એમના ઘરે રાત રોકાયા. હુકમચંદને એમણે કોણ જાણે શું ગોળી પીવડાવી કે હુકમચંદ એમના ખાસ મિત્ર બની ગયા. તે રાત્રે ભગા અંકલની સરભરા કરવામાં કંઈ ખામી નહોતી રાખી. પણ મને પહેલેથી જ એ માણસ ભેદી લાગે છે." ટેમુએ કહ્યું.
''એ માણસના ચહેરા પરથી લુચ્ચાઈ ટપકતી હતી. જાણે શિયાળ જોઈ લ્યો! ડોકટર સાહેબ ગામના લોકોએ ઘરની તિજોરી સાફ કરીને આ સ્કીમમાં રૂપિયા રોકવા માંડ્યા છે. જો આ સ્કીમ ફ્રોડ નીકળશે તો લોકો પાયમાલ થઈ જશે. આપણે આના વિશે તપાસ કરવી જરૂરી છે. જલ્દી આ સ્કીમનો ભાંડો ફોડવો પડશે."બાબાએ કહ્યું.
"તમે બેઉ બહુ ડાહ્યા અને સમજદાર થઈ ગયા છો હો! તમારી વાતો પરથી મને લાગે છે કે તમે બેઉ ગામનું હિત ઈચ્છો છો. મને તો એ જ સમજાતુ નથી કે આવડા મોટા ગામમાં કોઈને બુદ્ધિ જ નથી કે શું! આવી મોંમાથા વગરની સ્કીમમાં સાવ આંધળુંકિયા કરવાના ન હોય." ડોકટરે કહ્યું. પછી કંઈક વિચારીને ઉમેર્યું, "ટેમુ, એ ભગાલાલનો નંબર છે તારી પાસે?"
ટેમુએ તરત જ એના ફોનમાંથી ભગાલાલનો નંબર કાઢીને ડોક્ટરને આપ્યો."આપણે ભગાલાલને ફોન કરીએ. પણ પોલીસ ઈન્સ્પેકટર તરીકે! જોઈએ શું જવાબ આપે છે." કહીને ડોકટર હસ્યાં.
બાબા અને ટેમુને પણ ડૉક્ટરનો આઈડિયા ગમ્યો. "સ્કીમ વિશે કોઈ પોલીસ ઈન્સ્પેકટરનો ફોન આવશે એવી ધારણા કદાચ ભગાલાલે રાખી નહિ હોય! સાહેબ તમે અવાજમાં થોડી કડકાઈ રાખજો." બાબાએ કહ્યું.
"હું ફોન સ્પીકર પર રાખીશ. મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ પણ છે એટલે ભગાલાલનો જવાબ રેકોર્ડ પણ થઈ જશે. જોઈએ શું ઉંઠા આપણને ભણાવે છે. જો સંતોષકારક જવાબ ન મળે તો આપણે ભગાલાલ વિરુદ્ધ ફરિયાદ કરીશું. પોલીસખાતામાં મારે ઘણી ઓળખાણો પણ છે. એટલે જલ્દી તપાસ કરવાનું દબાણ પણ કરાવીશું." ડોકટરે ટેમુએ આપેલો નંબર એમના મોબાઈલમાંથી લગાડ્યો. ફોનના સ્પીકરમાં ભગાલાલના ફોનની રીંગ સાંભળાઈ...
(ક્રમશ:)