MOJISTAN - SERIES 2 - Part 23 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 23

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 23

ભગાલાલે થોડીવાર પછી ફોન ઉપાડીને હેલો કહ્યું એટલે ડોકટરે "હેલો ભગાલાલ બોલો છો?" એમ પૂછ્યું."હાજી..ભગાલાલ જ બોલું છું. આપ કોણ?"  ડોકટરે ટેમુ અને બાબા સામે જોયું. પછી થોડી કડકાઈથી કહ્યું, "ભગાલાલ, હું ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી બોલું છું. તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે; તમે બોગસ કાર ફેકટરીના નામે જે સ્કીમ ચલાવી રહ્યા છો એની તપાસ માટે ફોન કર્યો છે."

"અરે સાહેબ શું નામ આપનું? મને ફોન કરતા પહેલા તમારે ડીવાય એસપી ઝાલા સાહેબને પૂછી લેવાની જરૂર હતી. કંઈ વાંધો નહિ; તમેં ઝાલા સાહેબને એકવાર પૂછી લેજો. એ તમને બધી જ વિગતો આપશે. હા, તો શું નામ છે આપનું?'' ભગાલાલે કહ્યું.

"ઓકે ભગાલાલ.." કહી ડોકટરે તરત ફોન મૂકી દીધો."આ ભગાલાલ તો પહોંચેલી માયા છે ટેમુ. આપણને એમ હતું કે પોલીસનું નામ પડતા જ એ ડરી જશે. પણ એણે તો બધી જ તૈયારી રાખેલી છે. હવે ઝાલા સાહેબનો ફોન ન આવે તો સારું. નહીંતર જવાબ આપવો આપણને ભારે પડી જશે."ડોકટરે કહ્યું. 

ટેમુ અને બાબો પણ મુંજાયા. હવે શું કરવું એ કંઈ સમજાતુ નહોતું. "ભગાલાલે સ્કીમ શરૂ કરતાં પહેલાં આ બધું વિચાર્યું હશે. કદાચ મોટા અધિકારીઓને ફોડયા હશે. અથવા ગોળી પીવડાવી હશે." બાબાએ કહ્યું.

"કોઈ અધિકારી આ રીતે સંડોવાય ખરા? સ્કીમ બોગસ છે એવી જાણકારી એમને મળી હોય તો તો ભગાલાલનું જ આવી બને. આપણે પહેલા તો આ સ્કીમ ખરેખર બોગસ છે કે નહીં એની ખાત્રી કરવી જોઈએ." ટેમુએ કહ્યું. 

ડોકટર કંઈ જવાબ આપે એ પહેલાં જ એમના ફોનની રીંગ વાગી. સ્ક્રીન પર કોઈ અજાણ્યો નંબર જોઈ ડોકટરે કહ્યું, "લાગે છે કે ભગાલાલે કાર્યવાહી ચાલુ કરી દીધી છે."

"હેલો કોણ બોલો છો?" ડોકટરે ફોન ઉપાડ્યો એટલે સામેથી કોઈએ પૂછ્યું."તમે કોણ? કોનું કામ છે?" ડોકટરે નામ આપ્યા વગર કહ્યું."હું ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી સબ ઈન્સ્પેકટર ચાવડા બોલું છું. તમે હમણાં પોલીસના નામે મુંબઈના વેપારીને ધમકી આપી છે. તમારું નામ લાભુ રામાણી છે ને?  તમારા વિરુદ્ધ ફરિયાદ મળી છે. કાલે સવારે દસ વાગ્યા સુધીમાં નહિ આવો તો એફ આઈ આર ફાઈલ થઈ જશે." 

"અરે ભાઈ મેં કોઈને ધમકી નથી આપી. હું તો ડોકટર છું. મેં તો ભગાલાલને કોલ કર્યો હતો. ભગાલાલ કાર ફેકટરીના નામે બોગસ સ્કીમ ચલાવીને લોકોના પૈસા ઉછેટી રહ્યો છે એટલે જાણકારી મેળવવા કોલ કર્યો હતો. તમને મારું નામ કેવી રીતે જાણવા મળ્યું?" 

"ડોકટર લાભુ રામાણી! બરાબરને? તમને એટલી પણ ભાન નથી કે કોલર આઈડી હોય તો કોણે ફોન કર્યો છે એ ખબર પડી જાય. ભગાલાલની સ્કીમ જે હોય તે; તમે તમારું કામ કરો ડોકટર. ભગાલાલે તમારા વિરુદ્ધ ધાકધમકી આપી હોવાની ફરિયાદ કરવાનું કહ્યું છે. આમાં તમારી ધરપકડ પણ થઈ શકે છે. આ તો તમે ડોકટર છો એટલે જવા દઉં છું. હું ભગાલાલને સમજાવીને ફરિયાદ નહિ લઉ કારણ કે હું તમને ઓળખું છું. તમે એક સેવાભાવી ડોકટર છો. તમારે આવા લફડામાં ન પડવું જોઈએ. તેમ છતાં તમારા મનમાં કીડો સળવળતો હોય તો કાલે પોલીસ સ્ટેશને આવીને જવાબ લખાવી જજો."

"પણ સાહેબ મેં કોઈ ધાકધમકી નથી આપી. હું તો બસ સ્કીમ વિશે...""કરતા હોય એ કરો ડોકટર, નકામા લેવા દેવા વગરના સલવાશો. છતાં મારી સલાહ ન માનવી હોય તો બોલો શું કરવું છે?" ચાવડાએ જરાક ઊંચા અવાજે કહ્યું.

"કંઈ નહીં સાહેબ..જવા દો. હવે પોલીસના નામે કોઈ પૂછપરછ નહિ કરીએ. આ તો ઉલ્ટાનો ચોર કોટવાળને દંડે છે." ડોકટરે કહ્યું.

"ઠીક છે; હું ભગાલાલને સમજાવી દઈશ. હવે પછી ધ્યાન રાખજો." કહી ચાવડા નામના એ વ્યક્તિએ ફોન કટ કર્યો.

  ડોક્ટરને પરસેવો વળી ગયો. ''મારો બેટો આ ભગાલાલ તો ખરો નીકળ્યો. મને સાલું એ યાદ જ ન રહ્યું કે એના ફોનમાં કોલર આઈડી હશે. એના છેડા છેક સુધી પહોંચેલા છે ટેમુ. તારો આ ભાવિ સસરો તો મોટી માયા છે યાર."  

ડોકટરના જવાબથી બાબો હસી પડ્યો. એને હસતો જોઈ ટેમુ અને ડોકટરને નવાઈ પામ્યા.

"બાબા તને હસવું આવે છે? હું આગ ઓલવવા જતા દાઝી જતા માંડ બચ્યો છું. સારું થયું એ ચાવડા મને ઓળખે છે. નહિતર લાંબુ થઈ જાત." ડોકટરે ગુસ્સે થઈને કહ્યું.

"હસવું આવે એવી જ તો વાત છે ને! તમે સમજ્યા નહિ ડોકટર સાહેબ. આપણે જેમ પોલીસના નામે ભગાલાલને પૂછ્યું એમ જ ભગાલાલે કોઈકને ચાવડા બનાવીને તમને ધમકાવ્યા. મને નથી લાગતું કે આમાં ક્યાંય ધંધુકા પોલીસ સ્ટેશન વચ્ચે આવ્યું હોય! કોલર આઈડીમાં તમારું નામ વાંચીને ભગાલાલે એક ને એક બે કરી લીધું હોય. કદાચ એણે હુકમચંદને ફોન કરીને જાણી પણ લીધું હોય કે લાભુ રામાણી કોણ છે! આવી જબરજસ્ત સ્કીમ જે માણસ ચલાવતો હોય એ સાવ અક્કલ વગરનો ન જ હોય. આપણે એને ઓછો આંકયો. તમારે ડરવાની કોઈ જરૂર નથી. આપણે બીજી રીતે તપાસ કરવી પડશે."  


ડોકટરને પણ બાબાની વાત સાચી લાગી. "કદાચ તારી વાત સાચી હોય. મારા ફોનમાં કોલર આઈડી હોત તો આપણને ખબર પડી જાત."

"એનાથી કંઈ ફરક ન પડત. કારણ કે જે વ્યક્તિએ ફોન કર્યો છે એ ચાવડા જ હતો. પણ ધંધુકા પોલીસ સ્ટેશન સાથે એને કંઈ લેવાદેવા નહિ હોય."

"બાબા ગોરપદું કરવાને બદલે તારે ડિટેકટિવ થવાની જરૂર હતી. ખરું મગજ ચાલે છે તારું." ડોકટર હસી પડ્યા. 

"હા હો બાબા, ડોકટર સાહેબ સાચું જ કહે છે. હવે તું જ વિચાર કે આપણે આ ભગાકાકાનો ભાંડો ફોડવો કઈ રીતે." ટેમુએ બાબાને ધબ્બો મારીને કહ્યું.

 "આપણે મીડિયાનો સહારો લઈએ. આ સ્કીમ વિશે આપણા મનમાં જે સવાલો છે એનો એક વિડીયો બનાવીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર મૂકીએ. લોકોને આપણે સમજ્યા વગર કે સાચી જાણકારી મેળવ્યા વગર પૈસા રોકતા અટકાવીએ. બીજાનું જોઈને પૈસા રોકી દેવાને બદલે ચોક્કસ માહિતી મેળવીને જ આગળ વધવા અનુરોધ કરીએ." બાબાએ ઉપાય સુચવ્યો.


 ડોક્ટરને બાબાનો આઈડિયા ગમ્યો. કંઈક વિચારીને એમણે કહ્યું, "તારી વાત સાચી છે બાબા. પણ આપણે રૂબરૂ સમજાવીએ તો પણ લોકો સમજતા નથી તો વિડીયો જોઈને કોણ સમજવાનું? આના માટે આ સ્કીમ બોગસ હોવાના પુરાવા આપણે આપવા પડે. એક કામ કરો તું અને ટેમુ જિલ્લા કલેકટરને મળો, ધારાસભ્ય અને સંસદ સભ્યને મળો. એ લોકોને આવી કોઈ કાર ફેક્ટરી ખુલવાની છે કે નહીં એ બાબતમાં પૂછપરછ કરીને એ લોકોનો ઈન્ટરવ્યુ રેકોર્ડ કરી લો. લોકોને આ બાબત વિશે એમનો લોકોને શું સંદેશ છે એ પણ પૂછી લેવું. આ ઉપરાંત આપણે ઉધોગ મંત્રાલયમાં આર ટી આઈ પણ કરીએ. આ પ્રકારનો વિડીયો જાહેર થશે એટલે તરત હોબાળો થશે. અત્યારે લોકો જે રીતે આંધળુંકિયા કરે છે એ લોકોના મનમાં શંકા ઊભી થશે. મીડિયાવાળાગીધની જેમ ભગાલાલ પાછળ પડશે. ભગો જો  સાચો હશે તો પુરાવા આપશે અને જો ફ્રોડ હશે તો ભાગી જશે. પણ એ ભાગે એ પહેલાં પકડાઈ જાય એવું આપણે કરવું પડશે."

"પણ ડોકટર સાહેબ, કલેકટર, ધારાસભ્ય અને સંસદસભ્ય અમારા જેવા છોકરાઓને મુલાકાત આપશે? અને આપે તોય રેકોર્ડિંગ કરવા દેશે?" બાબાએ કહ્યું.

"એની વ્યવસ્થા હું કરીશ. આપણે ઘણા કોન્ટેક છે. કાલથી જ એ બધું ગોઠવવા મંડીએ. જેમ બને તેમ જલ્દી બધું ભેગું કરીને વિડીયો અપલોડ કરી દઈશું. ટેમુ, તું તારા ભગા અંકલના સંપર્કમાં જ રહેજે. આપણે જે દિવસે વિડીયો અપલોડ કરીશું એ જ દિવસે તું મુંબઈ જજે. અને ભગા અંકલ જોડે જ રહેજે. જેથી એ ભાગી જવાની પેરવી કરે તો આપણને ખબર પડી જાય." ડોકટરે જડબેસલાક પ્લાન તૈયાર કરી દીધો.

  સ્કીમનું અચ્યુતમ કેશવમ્ કરવાનો નિર્ણય લઈ બાબા અને ટેમુએ ડોકટર પાસેથી વિદાય લીધી.

***** 

 ફોનની સ્ક્રીન પર કોલર આઈડી દ્વારા લાભુ રામાણીનું નામ જોઈ ભગાલાલે ફોન ઉચકયો. હુકમચંદે ગામમાં કોણ કોણ સ્કીમમાં રૂપિયા રોકી શકે એમ છે એની યાદી ભગાલાલને બતાવી હતી. એ યાદીમાં ડો. લાભુ રામાણીનું નામ હતું. ભગાલાલે ડોક્ટર વિશે પૂછપરછ પણ કરી હતી એટલે એને એ નામ બરાબર યાદ હતું. ભગાલાલ સમજ્યો કે ડોકટરે સ્કીમ વિશે વધુ માહિતી લઈ પૈસા રોકવાનો વિચાર કર્યો હશે. પણ લાભુ રામાણીને બદલે ધંધુકા પોલીસ સ્ટેશનનું નામ પડ્યું એટલે ભગાલાલ જેવો ખંધો માણસ આખી વાત સમજ્યા વગર રહે ખરો?   ભગાલાલે તરત જ હુકમચંદને ફોન કરીને લાભુ રામાણીનો જે રીતે કોલ આવ્યો હતો એ જણાવ્યું. હુકમચંદે લાભુ રામાણી સાથેની મુલાકત વિશે જણાવીને ડોકટર તપાસ કરવાનું કહીને ગયા હોવાની માહિતી આપી.ભગાલાલ સમજી ગયો કે ડોક્ટરને સ્કીમ વિશે પૂરેપૂરી શંકા છે. એટલે એના જેવા ભણેલા માણસને કેવી રીતે ચૂપ કરવો એ ભગાલાલ જાણતો હતો. 

રઘુ ચાવડા ભગાલાલની ઓફીસમાં જ આ સ્કીમનું સંચાલન કરતો હતો. એને બોલાવીને ભગાલાલે ડોકટર સાથે કેમ વાત કરવી એ સમજાવ્યું.  સ્પીકર પર ડોક્ટરને ચાવડાએ જે રીતે ડરાવ્યા એ સાંભળીને ભગાલાલ ખુશ થઈ ગયો. ભગાલાલને હતું કે ડોકટર હવે ચૂપ થઈ જશે. પણ ડોકટર જે કંઈ કરવાના હતા એની ભગાલાલને કંઈ ખબર નહોતી. ડરી ગયેલો દુશ્મન શાંતિથી બેસી જતો હોય છે એમ સમજતા ભગાલાલને એ ખબર નહોતી કે ડો. લાભુ રામાણી કોઈ સામાન્ય માણસ નહોતો!

*******

   તખુભાની ડેલીએ હમણાથી કોઈ આવતું નથી. જાદવો હમણાંથી નવરો જ નથી રહેતો. બીજા જે બે ચાર નવરા હતા એ પણ હવે નવરા નહોતા રહેતા. તખુભા ક્યારેય કોઈને ફોન કરીને ડેલીએ બેસવા આવવાનું કહેતા નહોતા. તખુભા સવારે ને બપોર પછી ઉઠીને ડેલીમાં આવે એ પહેલાં તો ડેલીમાં બેસવાવાળા આવી જ જતા. જાદવાને તખુભાના ટાઈમટેબલની ખબર હતી એટલે એ તરત ચા બનાવવા માંડતો.  પણ જ્યારથી હુકમચંદની સ્કીમ ચાલવા લાગી ત્યારથી તખુભાની ડેલી સુની પડી ગઈ હતી. આજે પણ તખુભા એકલા એકલા હુક્કો ગગડાવી રહ્યા હતા. પણ કાયમ ડાયરામાં રહેલા માણસને એકલું બેસવું ગમે? તખુભા હોકો પી રહે પછી જાદવાને ફોન કરતા. પણ જાદવો એના સગાઓને સ્કીમ સમજાવવા બહારગામ જ ગયેલો હોય છે. ભીમો, ખીમો પણ એ જ કામમાં લાગેલા છે. પેલો ચંચિયો તો હવે કોઈદિવસ ડોકાતો નથી. એને હુકમચંદની ઓફિસમાં પટ્ટાવાળાની નોકરી મળી ગઈ છે.  

 તભાભાભા એક દિવસ આવી ચડ્યા. તખુભાની ડેલીમાં વ્યાપેલો સુનકાર જોઈ એમને નવાઈ લાગી. તખુભાનો ખાટલો ડેલીના એક દરવાજે ઢાળેલો હતો. સામેના દરવાજે બીજો એક ખાટલો તકિયા સાચવીને પડ્યો હતો. ભાભાએ એ ખાટલા પર આસન લઈ તખુભાને જે માતાજી કર્યા. 

''આવો આવો ભાભા..બહુ દિવસે દર્શન દીધા." તખુભાને ભાભાનું આગમન આજે ગમ્યું.

 "તખુભા, તમારી ડેલી તો સુની સુની થઈ ગઈ લાગે છે. કેમ કોઈ આવ્યું નથી? ક્યાં ગયો પેલો જાદવ? ડાયરો બંધ થઈ ગયો છે કે શું?" તભાભાભાએ તમાકુની ડબ્બી કાઢતા કહ્યું.

"કાયમ કોણ નવરું હોય કયો! સવને પોતપોતાના કામ તો હોય ને. મોંઘવારી બવ વધી ગઈ છે એટલે કોઈને નવરુ બેહવું નો પોહાય ને. જે નવરા હોય ઈ આવે. ને કોઈ નવરુ નો હોય તો નો આવે. આપડે કાંય સમ દઈને તો બોલાવાતા નથી ને." તખુભાએ કહ્યું.

 "મોંઘવારી એકાએક વધી ગઈ? તમેં ભલે કયો, પણ વાત કાંક જુદી જ છે તખુભા. તમારી ડેલીએ કાગડા ઉડતા હોય એવું તો કેમ બને? જાદવો તો ખાઈને કોગળો આંય જ કરે છે. પેટ છૂટી વાત કરો તો કાંક સમજાય." આમ કહી ભાભાએ હથેળીમાં તમાકુ કાઢીને ચુનો નાંખી ચોળવા માંડી.

"હવે આમાં છુપાવવા જેવું શું છે ભાભા. આ હુકમચંદે ઓલી સ્કીમ કાઢી છે તે ગામ ગાંડુ થિયું છે. મારા બેટા લયદયને ઈ સ્કીમ વાંહે પડ્યા છે. ગોળનો ગાંગડો ભાળે પસી મકોડા હાથ રહે ખરા?" તખુભાએ હસીને કહ્યું.

"હા ઈ સ્કીમવાળી વાત તો મનેય ખબર છે. મેં બાબાને પૂછ્યું તો બાબો એમ કહેતો'તો કે આમાં પડવા જેવું નથી. માથે ઓઢીને રોવાનો વારો આવશે જેણે રૂપોયા રોક્યા હશે ઈને." કહી ભાભાએ તમાકુની ગોળી નીચેના હોઠમાં મૂકીને ફૂત ફુત કરીને ફોતરાં ઉડાડતા ઉમેર્યું, "લોભિયા હોય ત્યાં આવા ધૂતરા પોગી જ જતા હોય છે. આપણે સમજદાર માણસોએ છેટું રહેવાય શું કયો છો!"

"ના ના..સાવ એવું નથી હો ભાભા. સ્કીમ તો મારી બેટી બવ હાલે છે. રઘલા જેવા રખડેલ લોકોએ પણ બે પાંચ હજાર રોક્યા છે. મહિનામાં તો ડબલ થઈ ગ્યા ડબલ. આપડેય પાંચ રોક્યા છે ઈના આજ દસ આવે છે. પણ વેચવા નથી; કારણ કે હજી ભાવ તો વધ્યે જ જાય છે. પાસું આપડે કોકને રોકાણ કરાવવી તો કમિશન મળે છે. આ જાદવો લાખ રૂપિયા તો કમિશન કમાયો છે બોલો!" 

"શું વાત કરો છો તખુભા! તો તો આ કરવા જેવું. બાબાએ ના પાડી એટલે મેં વળી ધ્યાન નો દીધું. નકર મારા યજમાનો તો હું કવ એટલે તરત રૂપિયા રોકે."

"હું તો કવ છું કે સોટી પડો હજી. ગોરપદુ કરીને નહિ કમાયા હોવ એટલું કમાશો. વજુ શેઠેય રોક્યા છે. પોચા માસ્તરે તો પાંચના દસ કરી લીધા બોલો.. આપણી પાસે વધુ રોકાય એટલી મૂડી છે નહીં. નકર માલામાલ થઈ જવાય એવું છે."

"બાબાને કહેવું પડશે. બેએક લાખ તો પડ્યા છે." ભાભાને પણ લોભ લાગ્યો.

"તો તો તમે મોડા પડ્યા ભાભા. પેલા રોક્યા હોત તો બેના ચાર થઈ ગ્યા હોત ભલામાણસ! હજી મોડું નથી થિયું. રોકવા હોય તો બોલો..મારી હેઠે ફોર્મ ભરાવી દવ. બાબો તો સોકરું કહેવાય. હજી ઈને ધંધામાં શુ સમજણ પડે?" તખુભાએ મનોમન દસ ટકા કમિશન ગણી લીધું. ભાભા બે લાખ રોકે તો વીસ હજાર મળી જાય એમ હતું. તખુભાના મનમાં વીસ હજારનો આંકડો ઝબકતા એમની આંખોમાં ચમક આવી.

"પણ મારે બાબાને પૂછવુ પડે તખુભા. એ હવે મોટો થઈ ગયો છે. પાછો ભવિષ્યવેતા છે. ભવિષ્યકાળ જાણવો એ જેવા તેવાનું કામ નથી. બાબાએ ના પાડી છે એટલે જરૂર આ સ્કીમ એક મોટું ભોપાળું જ નીકળવાનું. બાબાને બધી ખબર જ હોય. જો આ સ્કીમમાં ખરેખર ફાયદો હોય તોય બાબાને તરત ખબર પડી ગઈ હોય. બાબો કંઈ સામાન્ય વ્યક્તિ નથી. એ તો સાક્ષાત.."

"સતનારણ નો અવતાર છે ઈમ જ ને? ભાભા તમે મારી આગળ આવા બણગાં નો મારો. પાતા હોય એને જ ગોળી પાજો, આંય એવી વાત નો કરવી. ગામ આખાના રૂપિયા ડબલ થઈ ગ્યા છે. હજી મોટરની ફેક્ટરી ચાલુય નથી થઈ. જ્યારે ચાલુ થશે ત્યારે રૂપિયાના કોથળા ભરાશે કોથળા. તમારા જેવા ચોળીને ચીકણું કરનારા આમ જ વાંહે રહી જશે. મારું માનો.. બાબાને પૂછ્યા વગર રોકી દો. બાબો ક્યાં રળવા ગયો છે. જોખમ લીધા વગર ફાયદો નો થાય. હુકમચંદ જેવો ચતુર માણસ આમાં મથતો હોય પછી આપડે મગજ દોડાવવાની જરૂર નથી. વજુશેઠ, પોચા માસ્તર જેવા માણસોએ રોક્યા છે એ કંઈ સમજ્યા વગર રોકતા હશે? તમે એક જ ગામમાં ડાયા છો? બીજા કોઈને કંઈ ભાન નહિ હોય? આ તો ઘરે બેઠા ગંગા છે, પણ તમારે કોરું જ રહેવું હોય તો તમારી મરજી. ભાગ્યમાં જ ભમરો હોય તો હાથવગુ હોય તોય માણસ લઈ નથી શકતો. તમારી દશા એવી જ છે. માગ્યા કરો ગામમાં લોટ બીજું શું!" તખુભા ખિજાઈ ગયા. 

ભાભાને તમાકુની ગોળીનો ચડેલો નશો ઉતરી ગયો. તખુભાની વાતમાં ભાભાને દમ લાગ્યો. લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવતી દેખાઈ રહી હતી. તખુભાએ ગામમાં લોટ માગ્યા કરવાનું કહ્યું એ એમની છાતીએ વાગ્યું હતું!   ભાભા તરત જ ખાટલેથી ઊભા થઈ ગયા. 

"તખુભા, અમે કંઈ લોટ માંગતા નથી હમજયા? આ તો બાબાએ ના પાડી હતી એટલે મેં રસ ન્હોતો લીધો. પણ હવે તમે આટલું કહો છો તેથી મને થોડું સમજાય છે. હું પણ વહેતી ગંગામાં શું કામ હાથ નો ધોઈ લઉં? અરે હું તો નહાઈ પણ લઉં એવો છું."

"શાબાશ ભાભા શાબાશ. સાચા ભામણનો રણકો હવે સાંભળાયો. જાવ લઈ આવો રૂપિયા.. ને કરી નાખો કંકુના. હું હુકમચંદને ફોન કરી દવ છું. તમે રૂપિયા આપી જાવ એટલે ફોર્મ ભરાઈ જશે." તખુભા પણ ઊભા થઈ ગયા. બેઠા બેઠા જ વીસ હજારની કમાણી જો થવાની હતી!  ભાભાએ ઉતાવળે પગલે ઘર તરફ પ્રયાણ કર્યું.

(ક્રમશ:) 

શું લાગે છે મિત્રો! ભાભા બાબાની જાણ બહાર બે લાખ રોકશે ખરા? બાબો, ટેમુ અને ડોકટર સ્કીમનો પર્દાફાશ કરી શકશે?  વાંચતા રહો મોજીસ્તાન-2. અને આપતા રહો પ્રતિભાવો..! કોઈ સૂચન હોય તો પણ જણાવજો.