ચીકુ મીકુ
એક હતા ચકારાણા અને એક હતી ચકીરાણી. બંનેએ ભેગાં મળી બાંધ્યો એક સુંદર મજાનો માળો.એનું સરનામું હતું - ક્રિશાવનાં દાદાનાં ફોટા પાછળ, ડ્રોઈંગરૂમ, મુખ્ય દરવાજાની સામે, પંખાથી દુર.
ચકારાણા અને ચકીરાણીને બે બચ્ચાં, ચીકુ અને મીકુ. ચકારાણા જાય ચોખાનો દાણો લેવા જાય. ચકીરાણી બચ્ચાંઓ સાથે માળામાં રહે. બચ્ચાંઓને નવડાવે, ખવડાવે, વાર્તાઓ કહે, કવિતાઓ સંભળ લે, ખૂબ પ્રેમ કરે, ચકારાણાએલાવેલ સરકડીઓમાંથી જાતજાતનાં અને ભાતભાતનાં રમકડાંઓ બચ્ચાં માટે બનાવે. બચ્ચાંને મીઠામધુરાં હાલરડાં સંભળાવતાં સંભળાવતાં સુવડાવે.
ચકારાણા ચોખાનો દાણો કમાયને ઘરે આવે એટલે ચકીરાણી બહાર જાય દાળનો દાણો લેવા.ચકીરાણી ઘરે આવે ત્યાંસુધી ચકારાણા ચીકુમીકુને ભણાવે. જીવનનાં મુલ્યો શીખવે. પાંખો કસરત કરાવે, ઘરની સારસંભાળ રાખે.
ચકીરાણી ઘરે આવી જાય પછી ચકારાણા અને ચકીરાણી દાળનાં દાણા અને ચોખનાં દાણા ભેગાં કરી બનાવે ખીચડી. ચીકુમીકુ હરખતાં જાય ખાતાં જાય, એમનાં મમ્મી – પપ્પાને વ્હાલ કરતાં.
ચકારાણા અને ચકીરાણીને પણ ચીકુ મીકુ ખુબ પ્યારા. એટલે જ તો ચકારાણા અને ચકીરાણી વારાફરતી કમાવવા જાય.
રાતે ખાઈ – પી પરવારી, માળાની સાફસફાઈ કરે. ચીકુ અને મીકુ નાનાં – નાનાં કામમાં એમનાં મમ્મી – પપ્પાને મદદ કરે. પછી નિરાંતે પથારીમાં સુતાં – સુતાં ચકારાણા અને ચકીરાણી એમનાં વ્હાલાં વ્હાલાં ચીકુ અને મીકુને આકાશ દર્શન કરાવે. તારાઓ અને ચાંદામામાની વાર્તાઓ કહે. ગ્રહો અને નક્ષત્રોનું જ્ઞાન આપે. ચીકુ અને મીકુ પણ ખુબ હોશિયાર. ઝટ દઈને આકાશમાં સપ્તર્ષિ અને ધ્રુવ તારો ઓળખી બતાવે અને પછી... ચારે ખુબ હરખાય અને સુઈ જાય.
શુકલપક્ષનાં અજવાળિયાં દિવસોમાં ચીકુ અને મીકુ હોંશે – હોંશે રમે, ભણે અને આનંદ કરે. પરંતુ, કૃષ્ણપક્ષનાં અંધારિયા દિવસોમાં ચીકુ અને મીકુને બહુ ડર લાગે. ચકારાણા અને ચકીરાણી પાંખો ફફડાવી પોતાની આગોશમાં એ બંનેને લપેટી દે અને ક્રીશવની વાતો કસરે, ક્રિશાવ જેવું ‘ બહાદુર’ બનવા પ્રોત્સાહન આપે.
ચીકુ, મીકુ અને ક્રિશવની પાક્કી દોસ્તી. ક્રિશવ આંખો દિવસ ગાતો જાય... ચીકુ ઉડે ફરરર..... મીકુ બોલે ચીં... ચીં.... ચીં.. અને ત્રણેય પકડાપકડી, સંતાકુકડી રમે. ગોળમટોળ ક્રીશવને ચીકુમીકુ ‘લડુગોપાલ’ કહેતાં અને આનંદ કરતાં.
એકદિવસ ચીકુ અને મીકુ સવાર સવારમાં બહુ જોરજોરથી ચીં... ચીં... ચીં... કરી રડી રહ્યાં હતાં. તે દિવસે એમનાં મમ્મી – પપ્પા ચકારાણા અને ચકીરાણી પણ માળામાં જ હતાં.તેઓ કમાવવા પણ ગયા નહી. ચીકુ અને મીકુને એનાં મમ્મી – પપ્પા બહુ સમજાવે પણ કોઈ વાતે ચીકુ – મીકુ રડવાનું બંધ કરે નહી. ચકીરાણીએ કહ્યું “ જુઓ! ગઈકાલે રાણાજી કેટલી મહેનત કરીને તમારાં માટે ઘઉંનાં દાણા અને ખાંડના દાણા લઇ આવ્યાં હતાં. એની ઓજ મેં મધમધતી લાપસી બનાવીને! તમને ખાવાની કેવી મજા પડી! હવે, તમારે પણ મમ્મી - પપ્પાની વાત માનવી પડેને! તમે બંને મારાં ખુબ ડાહ્યા ડમરા બચ્ચાં છે. આવી જીદ કરે તો અમને બહુ દુઃખ થાય. તમારે પણ રાણાજી જેવાં મોટાં થયું છે ને! તો, તમારે પણ રાણાજી જેવાં મોટાં થવું છે ને! તો,તમારે હવે પાંખો તો ખોલવી જ પડશે. ઊંચે ઊંચે આભમાં ઊડવું પડશે. શરુઆતમાં તો બધાને ડર લાગે. પણ છેવટે તો ‘ આપણે જ આપણો દીવો – આપ્યા દીપો ભાવ:||’ પોતાનાં માટે પોતે જ મહેનત કરવી પડે.”
દાદીનાં ખોળામાં બેસીને દાદીનાં હાથથી કોળિયા ભરતાં ક્રિશવે દાદીને પૂછ્યું “ દાદી.. દાદી ચકીરાણી ચીકુ અને મીકુને શું સમજાવે છે?” સમય લગ જોઈ, દાદીએ કહ્યું “ બાળક નાનું હોય ત્યાંસુધી જ મમ્મી – પપ્પા એમની બધી જરૂરિયાતો પૂરું પાડે.જેમ ચકીરાણી અને ચકારાણા એનાં બચ્ચાંને ઉડવા માટે કહે છે. જેથી તેઓ આકાશનો, આનંદ સ્વતંત્રતતાનો અને આત્મનિર્ભરતાનો સ્વાદ ચાખી શકે. પોતાની જરૂરિયાત પોતે જ પૂરી પાડવી જોઈએ. શરૂઆતમાં બહારની દુનિયાનો ડર લાગે, થાકી જવાય પણ પછી એ આદત બની જાય. અને આત્મનિર્ભયતાનો આનંદ જે ચાખે એ જ અનુભવી શકે.આવતીકાલથી તારે પણ શાળાએ જવાનું છે. જેથી તું પણ શાળામાં, બહારની દુનિયામાં અવનવી બાબતો શીખી શકીશ. સર્વાંગી વિકાસ કરી શકીશ અને મોટો થઇ તારા મમ્મી – પપ્પાની જેમ આત્મનિર્ભર બની શકીશ.”
ક્રિશવે દાદીમાને કહ્યું “ હા...હા... હં.. સમજી ગયો. હું પણ શાળાએ જઈશ. ખૂબ ભણીશ, ખુબ શીખીશ, સર્વાંગી વિકાસ કરીશ અને આત્મનિર્ભર બનીશ.”
ગોળ ગોળ ધાણી
લઇ નાસ્તા પાણી
ખભે ભેરવી દફતર
બન્યાં સૌ આત્મનિર્ભર.