One blow is enough in the flute. in Gujarati Short Stories by Heena hemant Modi books and stories PDF | એક ફૂંક ઈનફ છે વાંસળીમાં

Featured Books
Categories
Share

એક ફૂંક ઈનફ છે વાંસળીમાં

મલ્ટીનેશનલ કંપની હૈદ્રાબાદમાં નવા ઇજનેરોની રીક્રુટમેન્ટ થઈ. કંપની તરફથી ફ્રેશર્સ માટે વેલકમ પાર્ટી હતી. વેલકમ પાર્ટીમાં શાબ્દિ અને વૈવિધ્ય એકમેકને અચાનક જોઈ ખુશ થઈ ગયા. કારણ, બંનેનું સ્કૂલિંગ સાથે થયું હતું. નર્સરીથી લઈ બારમા ધોરણ સુધી બંને એક જ શાળા અને એક જ કોચિંગ કલાસમાં ભણતાં હોય કલાસમેટ હતાં.  

                 અચાનક એક જ ગામનાં અને એ પણ એક જ સ્કૂલનાં સહાધ્યાયનો અજાણ્યાં શહેરમાં અને અજાણી જગ્યાએ ભેટો થાય તો જાણે એવું જ લાગે કે આપણું પોતીકું કોઈ મળી ગયું. કંપનીની પાર્ટી પુરી થઈ બંને ત્યાંથી નીકળી રહ્યાં હતાં. બંને કેબની રાહ જોતાં હતાં અને વાતે વળગ્યાં.

વૈવિધ્યએ પૂંછ્યું "શાબ્દિ ! તારું રેસીડન્ટ ક્યાં?" શાબ્દિએ જવાબ આપ્યો હમણાં તો હું હોટલમાં રોકાય છું. ઓનલાઈન ઘર શોધી રહી છું. મળી જાય એટલે શીફ્ટ થઈ જઈશ. તું વૈવિધ્ય ?" વૈવિધ્યએ કહ્યું "હમણાં તો હું સિનિયરનાં ફ્લેટ પર રહું છું. અહીં નજીકમાં ઘર શોધી રહ્યો છું. મળી જશે એટલે શિફ્ટ થઈ જઈશ. શાબ્દિની કેબ આવી ગઈ. બાય,સી.યુ કહી એ કેબમાં બેસી ગઈ. જતાં જતાં એકદમ સ્ટ્રાઇક થતાં એણે કેબને અટકાવી ગ્લાસ ડોર ખોલી કહ્યું "અરે વૈવિધ્ય ! વાતવાતમાં એકબીજાનો ફોન નંબર શેયર કરવાનું જ ભૂલી ગયાં." વૈવિધ્ય એ કહ્યું "યશ … યશ  સારું થયું યાદ કર્યું તો. વૈવિધ્યની કેબ પણ આવી ચૂકી હતી. ફોન નંબરની આપ-લે કરી બંને છૂટાં પડ્યાં.

         કંપનીમાં બે દિવસ પછી જોઈન થવાનું હોય. ફરી મળ્યાં. હવે તો એક જ કંપની હોય મળવું સ્વાભાવિક હતું.

વૈવિધ્યએ પૂછ્યું " શાબ્દિ! ઘર મળી ગયું?" શાબ્દિએ જવાબ વાળ્યો "ના યાર!કંઈ મેળ પડતો નથી. કંપનીની નજીક શોધું છું. જેથી ટ્રાન્સપોટેશનમાં વધુ સમય નહીં બગડે. હું એમ.બી.એની તૈયારી પણ કરી રહી છું. સમય અને ટ્રાન્સર્પોટેશન ખર્ચ બંનેની બચત થાય. અમુક ફલેટ મળે છે તો ગમે નહી અને ગમે તો રેન્ટ વધારે હોય. જોને! આપણે પેરેન્ટસ સાથે રહેતાં હોઈએ ત્યારે આપણને ઘરની વેલ્યુસ નહીં હોય. બહાર નિકળ્યાં પછી આ બધી વેલ્યુસ સમજાય." "અરે! મને તો આપણાં ગુજરાતી દાળભાત બહુ યાદ આવે. હા.. હા..'' વૈવિધ્ય હસતાં હસતાં હકાર ભણ્યો. શાબ્દિએ કહ્યં  "તારાં સિનિયર સાથે તું સેટ થઈ જશે. તને ક્યાં ઘર-બરની ચિંતા છે""ના..ના..એવું નથી. એની ફિયાન્સી આવતી-જતી રહે છે એટલે મને ઓડ ફિલ થાય છે. મારે પણ વહેલાંસર ઘર શોધવું તો પડશે. વળી, યુ.કે.ના સિનિયરની અંડરમાં રહેવું જરા ટફ તો ખરું જ ને "હા - એ વાત તારી સાચી. "

                ઓકે બાય કહી બંને છૂટાં પડ્યાં.

બે દિવસ પછી લોંજમાં બધાં એમ્પ્લોઇઝ બહુ ચર્ચાએ ચડ્યાં. "કોરોના ઇન્ડિયામાં પ્રવેશી ચૂંક્યો છે. મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર પોઝીટીવ મળ્યાં છે. શાબ્દિ અને વૈવિધ્ય પણ ત્યાં ભેગાં થઈ ગયાં. વૈવિધ્ય બોલ્યો "ઈટ ઈઝ વેરી સિરિયસ . ટેઇક કેર "શાબ્દિએ કહ્યું "હા! ગઈકાલે રાત્રે ન્યૂઝ જોઈ મમ્મી-ડેડીનો  ફોન હતો. કહે છે જે ઘર મળે એ લઈ લે. આવનાર દિવસોની ગંભીરતા ખબર નથી. ચાઇનાની જેમ લોકડાઉન આવી જશે તો તું ફસાઈ જઈશ."વૈવિધ્યએ કહ્યું, એ વાત સાચી છે. મારાં મમ્મી-ડેડી પણ મને ફોર્સ કરે છે કે હવે તું પણ શિફ્ટ થઇ જા." “હા.. યાર! હવે તો એકાદ બે દિવસમાં જે - તે ડિસીઝન લઈ જ લેવું પડશે. કહી બંને છૂટાં પડ્યાં ”

ન્યૂઝ ચેનલો રોજે - રોજ કોરોના પોઝીટીવનો આંકડો વધારેને વધારે બતાવતા જતી હતી . જનજીવન અસ્તવ્યસ્ત થવાં માંડ્યું હતું. ઘરથી દૂર રહેતાં છોકરાંઓ પર પણ માતાપિતાનું દબાણ વધતું જતું હતું. વૈવિધ્ય અને શાબ્દિને પણ એમનાં ઘરેથી કહી દેવામાં આવ્યું 'જાન બચી તો લાખો પાય' જીવનમાં જોબ બીજી મળી રહેશે પણ જીવન નહીં મળે. ઘરે આવી જાઓ.

શાબ્દિ અને વૈવિધ્ય પણ અવઢવમાં પડ્યાં. શાબ્દિ એ કહ્યું "એક તરફ ઓલઓવર વર્લ્ડમાં રીસેશન ચાલે છે. એ તો આપણું ગુડલક કે આપણને આટલાં ઊંચા પેકેજની જોબ મળી. આમ કંઈ ડરીને જોબ થોડી ઓછી દેવાય."વૈવિધ્યએ કહ્યું, હવે જે મળે એ તાત્કાલિક ઘર લેવું પડશે. પછીથી સારું, મનગમતું શોધીશું." બંનેએ ઘર શોધવાનાં કામને પ્રાયોરીટી આપી. એક બંગલો મળ્યો. શાબ્દિ એ ઉપરનો ફ્લોર અને વૈવિધ્ય એ  નીચેનો ફ્લોર લઈ લીધો.

દેશમાં રોજેરોજ  કોરોનો પોઝીટીવ કેસીસનો આંકડો વધી રહ્યો હતો.  જાણે કલાકોમાં કેસીસનો સરવાળો થઈ રહ્યો હતો અને એક દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થઈ ગયું.

શાબ્દિ અને વૈવિધ્યને પણ કંપનીમાંથી 'વર્ક ફ્રોમ હોમ' થઈ ગયું. બંનેનાં મેઈડ પણ આવી શકતાં ન હતાં. બંનેનાં પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો. બંને પરિવારનાં જીવ એવાં તે ટાળવે ચોટયા હતાં કે શાબ્દિ અને વૈવિધ્યને જરા જો ફોન રીસીવ કરવામાં મોડું થાય તો તેઓ એકમેકને ફોન કરી ખબરઅંતર પૂછી લેતાં. આ દિવસોમાં શાબ્દિ અને વૈવિધ્ય પણ એકબીજાની સવલતો અને સગવડો સાચવી લેતાં હતાં. બંને એકબીજાની કાળજી રાખતાં હતાં. જમવાનું પણ એકમેકનું બનાવી લેતાં હતાં અને એકમેકના સહારે અને સથવારે પારકાં પ્રદેશમાં મહામારીનાં દિવસો સરળતાથી પાર પાડી રહ્યાં હતાં..

                કંપનીનાં કામોમાં પણ એકબીજાને મદદરૂપ થતાં નવરાશની પળોમાં મૂડ હળવો કરવાં બાળપણ વાગોળતાં. ભણતર અને કરિયરની દોડધામમાં જે પાછળ છૂટી ગયેલાં એ સ્કૂલનાં બીજાં ફ્રેન્ડસ, ટીચર્સને યાદ કરી ભાવવિભોર થતાં. એકેડેમીનાં છેલ્લાં દિવસે મમ્મીઓ મૂવી જોવા લઈ જતી. મેળામાં લઈ જતી. રીઝલ્ટનાં દિવસે ચશ્માં પાછળની પપ્પાઓની આંખો વિગેરે વિગેરે યાદ કરતાં અને લોકડાઉનનો બોરીંગ સમય પસાર કરતાં. તો, ક્યારેક મહાલક્ષ્મીની પાઉંભાજી, એ -વનનો કોકો, જાનીનો લોચો મીસ કરી ઉદાસ થતાં આવી રીતે સમયને સાચવી લેવામાં બંને સફળ રહ્યાં.

લગભગ બે મહિના પછી પરિસ્થિતિ થોડી થાળે પડતાં. બંને પોતાનાં હોમટાઉન સુરત ઘરે આવ્યાં. બંનેનાં પરિવારને હાશકારો થયો.

વૈવિધ્યની મમ્મીએ વૈવિધ્ય સહીસલામત ઘરે આવી જાય એ માટે ' સત્યનારાયણ' કથાની બાધા રાખી હતી. વૈવિધ્યનાં પાપાએ કહ્યું કથા ફાર્મ પર કરીએ અને હા ! આપણાં દીકરાની શાબ્દિએ ખૂબ કાળજી રાખી હતી તો શાબ્દિ અને એનાં પરિવારને પણ કથા માટે આમંત્રણ આપજે.

                કથાની પૂર્ણાહુતિ થઈ પ્રસાદની સાથે જમણ પણ હતું જ. બધું આટોપીને શાબ્દિ અને એનાં પરિવારે જવા માટે રજા માંગી ત્યારે વૈવિધ્યનાં દાદીએ રોક્યાં અને કહ્યું, "એંશી વર્ષની મારી જિંદગીમાં મેં નહીં જોયાં એવાં કપરાં દિવસો આપણને આ કોરોના કાળે બતવ્યાં. આ દિવસોમાં પારકાં પ્રદેશમાં આ છોકરાંઓએ એકબીજાને સાચવી લીધા તો મારી મરજી છે કે આ બંનેને લગ્નગ્રંથિથી જોડી દઈએ. હરજીની પણ આજ મરજી હશે એવો મારો અનુભવ કહે છે."

                શાબ્દિ અને વૈવિધ્ય એકબીજાની સામે જોઈ રહ્યાં. એમની આંખો પહોળી થઇ ગઈ. શાબ્દિ તો રીતસરની ગભરાય ગઈ. વૈવિધ્ય એ કહ્યું "શાબ્દિ ! ચીલ ડાઉન" અને દાદીને કહ્યું "દાદી આ શું? એકવાર અમને પૂછો તો ખરાં!" દાદીએ કહ્યું, "એમાં પૂછવા - લૂછવાનું કંઈ નહીં હોય. મેં પણ દુનિયા જોઈ છે. બંને માટે આ જ યોગ્ય છે. પછી તમારી મરજી."

                દાદીએ છણકો કર્યો. શાબ્દિની મમ્મીને પણ વાત મગજમાં બેઠી. એમણે કહ્યું "આપણે બંનેને વિચારવા માટે સમય આપીએ પછી નિર્ણય લઇશું, "જયશ્રીકૃષ્ણ કહી બંને પરિવાર છૂટાં પડ્યાં.

બંને પરિવાર પોત પોતાની ગાડીમાં રવાના થયાં. બંનેનાં મમ્મી-પપ્પા અંદરોઅંદર વિચાર વિર્મશ કરવા મંડ્યા. અચૂકભાઈએ પોતાની પત્નિ અંજનાબેનને કહયું "આ બાની વાત સાવ કાઢી નાંખવા જેવી તો નથી જ. તું શું વિચારે છે? વૈવિધ્ય બોલ્યો "અરે! પપ્પા! તમે પણ શું દાદીની વાતમાં આવી ગયા!? દાદીને શું સમજ પડે!" અર્ચનાબેને કહ્યું "બેટા વૈવિધ્ય ! આવું ન બોલાય. તારાં દાદીમાં પણ અનુભવી છે. એમણે પણ દુનિયા જોઈ છે. આપણે તો એમનાં અનુભવનાં રેડીમેડ ચશ્મા પહેરી નવી દુનિયા જોવાની છે. અને આપણે ક્યાં કંકુ ચોખા મૂકી આવ્યાં? શાંતિથી વિચારીએ, જોઈએ અને આમ, પણ હવે તારી ઉંમર લગ્નને પાત્ર છે. વિચારવામાં કંઈ ખોટું નથી. બેટા! તું પણ તારી રીતે વિચાર અમે પણ અમારી રીતે વિચારીએ. તપાસ કરવાં જેવું તો કંઈ છે જ નહીં. વર્ષોથી ઓળખીએ જ છીએ. તારાં ધ્યાનમાં બીજું કોઈ પાત્ર હોય તો એ પણ તને છૂટ છે." ના મમ્મી ! અમારી ફિલ્ડ એટલી કોમ્પીટીટીવ છે કે કંઈ બીજું વિચારવાનો ટાઇમ ન નથી મળતો. સતત અપગ્રેડ રહેવું પડે. લોકોને આઇ.ટી. સેક્ટર બહુ હાઇફાઇ લાગે પણ સતત અમારો કશ નીકળી જાય." વૈવિધ્યએ  પોતાનાં મનનો બળાપો ઠાલવ્યો.

                શાબ્દિની ગાડીમાં પણ આ જ ચર્ચા ચાલતી હતી. શાબ્દિનાં પપ્પા મલયભાઈ બોલ્યાં, "અરે નીનું !તું કેમ ચૂપ બેસી ગઈ? કેમ કંઈ બોલતી નથી?" શાબ્દિ જરા ઉકળાટમાં બોલી "તો ના જ બોલે ને. વૈવિધ્યનાં દાદીમાએ કેવો બોમ્બ ફોડ્યો !"

નીનાબેને વાત આગળ વધારી “હું ચૂપ નથી થઈ ગઈ. હું વિચારી રહી છું. આ વાત કાઢી નાંખવા જેવી તો નથી જ. અજાણ્યાં ઘઉં ખાવાં કરતાં જાણીતી જુવાર ખાવી સારી. વળી, છોકરાંને નાનપણથી જોતાં આવ્યાં. સરળ અને સમજુ. બાકી, આજનાં છોકરાંઓ તો કેવાં વ્યસનનાં રવાડે ચડ્યાં હોય. સાચું કહું તો આ વિચાર મારાં મનમાં પણ આવ્યો જ હતો. પણ, શાબ્દિ તરફથી કોઈ અણસાર ન દેખાતાં હું કંઈ બોલી નહીં. જુઓ તો ખરાં વૈવિધ્ય શું વિચારે છે? ત્યાં સુધી આપણે પણ વિચારી લઈએ.જે થશે તે સારું જ થશે. આમ પણ, જોડી તો સ્વર્ગમાંથી જ બનીને આવતી હોય છે. આપણે તો માત્ર નિમિત છીએ. વળી, આપણી શાબ્દિ ભણેલી-ગણેલી, દેખાવડી, સુશિલ અને સંસ્કારી છે. મેં એને જન્મ કુંડળી બતાવી હતી. જ્યોતિષાચાર્ય કહેતાં હતાં એનાં ગ્રહો જોતાં મુરતિયો ભણેલો, ગણેલો, સાધન સંપન્ન ઘરનો અને સંસ્કારી જ હશે. આથી, ચિંતા છોડો. વેઈટ એન્ડ વોચ.”

“આપણે ક્યાં વરમાળા પહેરાવી દીધી છે! વળી, દાદીમા પણ આર્ટસ કોલેજમાં સાયકોલોજી ડીપાટમેન્ટનાં એચ.ઓ.ડી. રહી ચૂંક્યાં છે. એમની નજરથી સાવ મોઢું ફેરવી લેવું મુર્ખામી કહેવાય. આપણાં ઘરમાં તો કોઈ વડીલ હ્યાત નથી. જે નિર્ણય લેવાનો તે આપણે ત્રણ મળીને જ લેવાનો છે”

વાતવાતમાં ઘર આવી ગયું. ગાડીમાંથી ઉતરી બધાં પોતપોતાનાં રૂમમાં ચાલી ગયાં. બંને પરિવાર પોત પોતાનાં રૂટીનમાં આવી ગયા. વળી, બાળકો આવ્યાં હોય એટલે ઘરમાં અનેક આયોજનો હોય જ. વાતવાતમાં દિવસો ક્યાં પસાર થઈ ગયા એનો ખ્યાલ કોઈને રહ્યો નહીં.

                હૈદ્રાબાદ જવા માટે ટિકીટ બુક થઈ ગઈ. નીકળવાનાં આગલાં દિવસે ફરી એક ' ગેટ ટુ ગેધર'નું આયોજન ગોઠવાયું. દાદીમાએ ફરી આ મુદ્દો ઉચકયો.

     વૈવિધ્યએ દાદીને કહ્યું "જુઓ દાદી! અમારાં બંનેની પસંદ અલગ છે. શોખ અલગ છે. તો કેવી રીતે મેળ બેસે ?

દાદીએ પૂંછ્યું "જેમ કે ? "શાબ્દિએ કહ્યું "બા ! મને રાજસ્થાનનાં મહેલો, ત્યાંની રીત ભાત જોવી ગમે તો વૈવિધ્યને હિમાલયમાં ભમવું ગમે. મને સાઉથઇન્ડિયન જમવાનું ગમે તો વૈવિધ્યને નોર્થ ઈન્ડિયન. મને રિડિંગનો શોખ તો વૈવિધ્યને આઉટડોર ગેઇમનો. બોલો બા ! હવે તમે જ કહો અમે કંઈ રીતે એકબીજાને એડજસ્ટ થઈશું?"

દાદીએ કહ્યું "પસંદગીએ જિંદગીનો હિસ્સો છે. સંપૂર્ણ જિંદગી નથી. પોતાનાં ગમતાં ઝોનમાં, કમ્પફર્ટ ઝોનમાં જીવવું તો ખૂબ સહેલું છે. જિંદગીનું બીજું નામ અનુભવ છે. તમે એકબીજીનાં ઝોનમાં પ્રવેશ કરશો તો ખબર પડશે જિંદગી ખૂબ વિશાળ છે. આપણે ફક્ત કૂવામાંના દેડકાં જેવાં છીએ. અનુભવથી જ જિંદગી ઘડાય. અનુભવનું ભાથું એ જિંદગીમાં મેળવેલ સૌથી કિંમતી ભાથું છે. એક શેર છે - સફર ધૂપ કા કિયા તો યહ તર્જબા હુઆ, વો જિંદગી હી ક્યા જો છાંવ છાંવ ચલી ' બીજીવાત મને એ કહો કે જ્યારે તમે દોઢ મહિનો લોકડાઉન હતાં. તમારાં બે સિવાય કોઈ ત્રીજું ન હતું ત્યારે તમે કેવી રીતે જીવ્યા ?" વૈવિધ્યએ તરત જવાબ આપ્યો "અમે એકબીજા સાથે એડજસ્ટ થતાં હતાં. શાબ્દિ સાથે રહીને મને પણ અવનવું વાંચવામાં રસ પડ્યો હતો આટલું જનરલ નોલેજ તો મારી પાસે ક્યારેય ન હતું." શાબ્દિએ કહ્યું "એને ભાવતું નોર્થ ઈન્ડિયન હું પણ ખાતી હતી. મને જિંદગીમાં પહેલીવાર ખબર પડી કે મને પણ આ ફૂડ ભાવે છે. આ કોરોના કાળમાં ઘણું મને જ મારા માટે જાણવાં મળ્યું જે આજ સુધી મને ખબર જ ન હતી."

સમયને પકડી દાદી બોલ્યાં "ઓકે બીજો પ્રશ્ન "

તમે બંને કેમ એકબીજાની પસંદ સ્વીકારી લીધી? તમારે ચોખ્ખી " ના " કહી દેવી હતી." બંને સાથે બોલી પડ્યાં "એ અમારાં બંને વચ્ચેનું મ્યુચ્યુલ અન્ડરસ્ટેંડિંગ હતું."

દાદીએ ચપટી વગાડી બોલ્યાં "ધેટ્સ ધ પોઈન્ટ ... સમજણ... હું ક્યારેય કોઈ પણ નવયુગલને એવું નથી કહેતી કે ત્યાગ, બલિદાન, સમર્પણ એકમેક માટે આપો. પોતાની જાતને બીજાં માટે ઓગાળી દો. સામેવાળી વ્યક્તિ માટે પોતાની જાતને સ્વાહા કરી દેવાની કોઈ જરૂર પણ નથી. ફક્ત વાંસળીરૂપી આ જિંદગીમાં સમજણ રૂપી એક ફૂંક મારશો તો પણ સાર્થક જીવનનાં સૂર રેલાશે."

              વૈવિધ્યએ શાબ્દિ તરફ પોતાનાં બંન્ને હાથ લંબાવ્યાં. અને શાબ્દિને સાથે જીવી લેવાનાં કોલ આપ્યાં.શાબ્દિએ પણ પોતાનાં હાથ વૈવિધ્યનાં હાથમાં મૂક્યાં અને સહમતિનું દસ્તાવેજીકરણ કર્યું. બંને સાથે બોલી પડ્યાં " . જિંદગી જીવી લેવાં માટે સમજણ રૂપી 'એક ફૂંક ઈનફ છે વાંસળીમાં 'બંને પરિવારનાં મમ્મી પપ્પાએ શાબ્દિ અને વૈવિધ્યને શુભ મંગલમય જીવન માટે આશીર્વાદ આપ્યાં. ચશ્મા સહેજ નીચા કરી અનુભવી નજરીયો ઊંચો કરી દાદીમાએ બંને હાથે આશીર્વાદ આપતાં કહ્યું ''તો હવે કરો કંકુ ચોખા '' સૂરસપ્તકથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.