ગર્ભપાત - ૯
" પ્રતાપ તને કંઈ ખબર છે?? ડો. ધવલ દવેનું પોતાના દવાખાનાની અંદર કમકમાટીભર્યું મોત થયું છે. " શંકરે સવારે ફેક્ટરી પર આવતાં જ આ સમાચાર પ્રતાપસિંહને સંભળાવ્યા.
" શું વાત કરે છે તું! ડો. ધવલનું મોત પણ કેવી રીતે?? આમ અચાનક એને શું થયું?? " એકસાથે ઘણાં બધા સવાલો કરતા પ્રતાપસિંહના ચહેરા પર દુઃખ અને આશ્ચર્યના ભાવો હતા.
" એ વિશે કંઈ જાણકારી નથી પણ આપણો મિત્ર હોવાના નાતે પોલીસ જરૂર પૂછપરછ કરવા આવશે " શંકર હજુ આમ બોલી રહ્યો ત્યાં સુધીમાં તો પોલીસની જીપ ફેક્ટરીમાં પ્રવેશી ચૂકી હતી.
" આવો ઈન્સ્પેકટર સાહેબ! અમારી ફેક્ટરીમાં તમારું સ્વાગત છે. " પોલીસને જોઈને સ્વસ્થતા ધારણ કરી પ્રતાપસિંહે કહ્યું.
" હું ઈન્સ્પેકટર હિંમતસિંહ. તમારા મિત્ર ડો. ધવલ દવેના મૃત્યુના સંદર્ભે થોડી પૂછપરછ કરવા આવ્યો છું. " પ્રતાપસિંહને પોતાના આવવાના હેતુ સાથે હસ્તધનુન કરી ઈન્સ્પેકટરે કહ્યું. "
" મને પણ તમારા આવ્યા પહેલાં જ આ દુઃખદ સમાચાર મળ્યા, એનું આમ અચાનક મોત થયું એ આશ્ચર્ય સાથે આઘાતજનક છે. " પ્રતાપસિંહે દુઃખના ભાવ સાથે કહ્યું.
" સવારે એનો કમ્પાઉડર મનસુખ જ્યારે દવાખાને પહોંચ્યો ત્યારે ડો. ધવલ પોતાની ઓફિસમાં મૃત હાલતમાં પડ્યા હતા. એનું મોત ખૂબ જ ભયાનક રીતે થયું છે. એમનું પેટ ફાટી ગયું હતું અને હાથના નખ ફર્શ પર ઘસાવાથી ઉખડી ગયા હતા. મનસુખ દ્વારા જાણકારી મળતાં અમે તાત્કાલિક ત્યાં પહોંચીને તપાસ કરી હતી. " ડો. ધવલ દવેના મોત અંગે જણાવતાં ઈન્સ્પેકટરે કહ્યું.
" હે ભગવાન! એનું મૃત્યુ કેવી રીતે થયું એ વિષે કંઈ જાણવા મળ્યું? " પ્રતાપસિંહે સવાલ કરતાં કહ્યું.
" એમણે રાતે ખૂબ જ વધારે પ્રમાણમાં વ્હીસ્કી પીધી હતી. એમની લાશ પાસેથી વ્હીસ્કીની ખાલી બોટલ પણ મળી છે. કદાચ તેમણે નશાની હાલતમાં અમુક દવાઓ ખાધી હતી અને એના રિએક્શનના લીધે તેમનું મૃત્યુ થયું હોવું જોઈએ. વધુ જાણકારી તો ડોક્ટરના રિપોર્ટ પછી મળશે.
અને હા એમના હાથમાંથી અમને આ પ્લાસ્ટિકમાંથી બનેલી લાલ રંગની બુટ્ટી મળી આવી છે. " બધી માહિતી સાથે પ્લાસ્ટિકની કોથળીમાં રહેલી બુટ્ટી બતાવતાં ઈન્સ્પેકટરે કહ્યું.
" તમારી સાથે ડો. ધવલ દવેને સારું બનતું હતું અને ઘણીવાર તે તમારી ફેક્ટરી પર રાતે આવતો હતો એ અંગેની માહિતી અમને મળી એટલે વધુ તપાસ કરવા અર્થે તમારી પાસે આવ્યા છીએ.. કદાચ કોઈ સાથે મરહુમ ધવલ દવેની દુશ્મની હોય અને એ અંગે તમે જાણતા હોય કે પછી કોઈ એવી બાબત કે જેના આધારે એમના મૃત્યુનું કારણ જાણવા મદદ મળી શકે. " ઈન્સ્પેકટર હિંમતસિંહે પ્રતાપસિંહને પોતાની મદદ કરવાનું કારણ જણાવતાં કહ્યું.
" ડો. ધવલ મારો ખાસ મિત્ર હતો. અમારા પરિવારમાંથી કોઈને પણ કંઈ તકલીફ થાય તો એ હંમેશા મદદ માટે તૈયાર રહેતો હતો. એ એકરીતે ખુલ્લા સ્વભાવનો માણસ હતો એની કોઈ સાથે દુશ્મની હોય એવું મેં સાંભળ્યું નથી. આથી કોઈએ એની હત્યા કરી હોય એવું હું માનવા તૈયાર નથી. એનું મૃત્યુ તમે કહ્યું એ મુજબ દવાના રિએક્શનથી જ થયું હોવું જોઈએ. " પ્રતાપસિંહે ડો. ધવલ દવે અંગે જણાવતાં કહ્યું.
" પ્રાથમિક દ્રષ્ટિએ તો અમને પણ એવું જ લાગી રહ્યું છે પરંતુ એમના હાથમાં આ લાલ રંગની બુટ્ટી મળી હતી એટલે તપાસ તો કરવી પડે. તમને જો કોઈ વધારે માહિતી મળે તો મને જરૂરથી જણાવજો. " આટલું કહી હિંમતસિંહે ત્યાંથી નિકળવાની તૈયારી દર્શાવી.
પ્રતાપસિંહે આ દરમિયાન પોલીસકર્મીઓ માટે ચા - પાણીની વ્યવસ્થા કરી એટલે બધાએ સાથે મળી ચા પીધા બાદ ત્યાંથી વિદાય લીધી.
પોલીસના ગયા બાદ પ્રતાપસિંહ કલાકો સુધી ડો. ધવલ અંગે વિચારતો રહ્યો. આવતીકાલે પોતે એના અંતિમ સંસ્કારમાં જશે એવું નક્કી કરી એ સાંજ પડતાં હવેલી તરફ જવા રવાના થયો.
"ગઈ રાતે ડો. ધવલ દવેનું મૃત્યુ થયું છે. આપણે હમણાં દવાખાને બતાવવા જવાનું મુલતવી રાખવું પડશે. " રાત્રે જમતી વખતે પ્રતાપસિંહે મમતાબાને ડો. ધવલ દવેના મૃત્યુ અંગે જણાવતાં કહ્યું.
" હે ભગવાન! એમને એવું તો શું થયું કે આમ અચાનક એનું મૃત્યુ થયું? એમની ઉંમર પણ હજુ તો માંડ ત્રીસ વર્ષની આસપાસ હશે. " મમતાબાને ડો. ધવલ દવેના મૃત્યુની વાત સાંભળી આશ્ચર્ય થયું હતું.
" દારૂના નશામાં અમુક દવાઓ એણે ખાધી હતી એટલે એનું રિએક્શન આવવાના લીધે એનું મોત થયું છે. " પ્રતાપસિંહે એના મૃત્યુનું કારણ તો જણાવ્યું પરંતુ એના હાથમાંથી મળેલી લાલ રંગની બુટ્ટી વિશે જણાવવાનું એને મુનાસીબ ન લાગ્યું.
" સવારે હું એના અંતિમ સંસ્કારમાં જવાનો છું. થોડા દિવસો પછી વિચારીને કોઈ સારા ડોક્ટર વિશે જાણીને બતાવવા જશું. " પ્રતાપસિંહે જમતાં - જમતાં કહ્યું.
મમતાબા એ જાણતાં હતાં કે ડો. ધવલ દવે અને પ્રતાપસિંહ ખાસ મિત્ર હતા અને વધારામાં એમના મૃત્યુનું દુઃખ પણ પ્રતાપસિંહને હશે એટલા માટે દવાખાને બતાવવા જવાની પોતાની ઈચ્છા હોવા છતાં એમણે એને મનમાં ધરબીને એ વાત અંગે કોઈ પ્રત્યુત્તર ન આપવામાં જ ભલાઈ સમજી.
પ્રતાપસિંહ જ્યારે હવેલી પર હોય ત્યારે સાવિત્રી ઢીંગલીને પોતાના ઓરડામાં રાખશે એવું એમણે અગાઉ વિચારી લીધું હતું. પ્રતાપસિંહ તે રાત્રે હવેલી પર રોકાયો હતો પરંતુ ઢીંગલી સાવિત્રી પાસે હોવાથી એ ઢીંગલીની બાબતથી અજાણ હતો. એને તો કદાચ એ પણ યાદ નહોતું કે મમતા લગ્ન પછી પોતાની સાથે આવી કોઈ ઢીંગલી લઈને આવી હતી.
બીજે દિવસે સવારે પ્રતાપસિંહ ડો. ધવલ દવેની અંતિમયાત્રામાં ભાગ લેવા માટે સવારે નિકળી ગયો. એક દિવસ પહેલાં બનેલી ઘટના પછી સાવિત્રીને પણ અંદરથી એવું લાગી રહ્યું હતું કે કદાચ મમતાબાની વાત સાચી પણ હોય! ઢીંગલી પોતાની રીતે ક્યાંક જતી હોય એવું બની શકે કારણકે માહિબાના મૃત્યુની આગલી રાતે પોતે જ ઢીંગલીને ચાલીને એમના રૂમ તરફ જોઈ હતી.
સાવિત્રી અને મમતાબા પોતાના નિત્યક્રમમાં પરોવાઈ જાય છે. ઢીંગલીને ફરી પાછી મમતાબાના રૂમમાં એ જ ટેબલ પર રાખવામાં આવી હતી. પ્રતાપસિંહે પોતાને આવવામાં મોડું થશે એ અંગે સવારે જ જણાવી દીધું હતું. મોડી રાત્રે પોતે કદાચ ફેક્ટરીએ જતો રહેશે એવું પણ કહી રાખ્યું હતું જેથી રાત્રે જમવામાં કે એના આવવાની રાહ ન જોવે.
ડો. ધવલ દવેની અંતિમયાત્રામાં પ્રતાપસિંહ પોતાના બધા મિત્રો સાથે જોડાયો હતો. એમના મૃત્યુની ચર્ચા તો ઘણી થઈ રહી હતી પરંતુ કોઈએ તેની હત્યા કરી હોય એવું એક પણ કારણ સામે આવ્યું નહોતું. બુટ્ટી સિવાય એવા કોઈ સબૂત પણ મળ્યાં નહોતાં કે પોલીસ આગળ વધુ કંઈ તપાસ કરી શકે.
ડો. ધવલ દવેના પરિવારમાં આમ તો કોઈ પોતાનું હતું નહીં. એ વર્ષોથી જેસલમેરમાં જ રહીને ડોકટર અંગેનું શિખ્યો હતો. શરૂઆતમાં એક ડોક્ટર સાથે બે - ત્રણ વર્ષ પ્રેક્ટિસ પછી એણે પોતાનું નાનકડું દવાખાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ ધીમે ધીમે એણે આ હાલનું દવાખાનું ઊભું કર્યું હતું. એમના પરિવારમાં એક દૂરના કાકા હતા જેને એના મૃત્યુની જાણ થતાં તેઓ અંતિમવિધિ વખતે આવ્યા હતા.
પ્રતાપસિંહે અંતિમવિધિ બાદ એમના દૂરના એ કાકા સાથે મુલાકાત કરી. પોતાના અને ધવલ દવેના સંબંધો અંગે એમને પરિચિત કરાવ્યા અને આગળ જે કંઈપણ પારંપરિક વિધિ કરવાની હોય તેમાં પોતે હાજર રહી મદદ કરવાની તૈયારી દર્શાવી.
ડો. ધવલ દવેના નિવાસ સ્થાનેથી પ્રતાપસિંહ નિકળ્યો ત્યારે રાતના બાર વાગવા આવ્યા હતા. પોતે સીધો ફેક્ટરી પર જઈને આરામ કરશે એવું નક્કી કરી એણે જેસલમેરથી પોતાની જીપને ફેક્ટરી પર જતા રસ્તે ભગાવી મૂકી.
આ તરફ છત્તરપુરમાં મમતાબાના ઓરડામાં ટેબલ પર રાખેલી ઢીંગલીનું મોઢું દિવાલ તરફ હતું તે એકાએક ૩૬૦ ડિગ્રીએ ગોળાકાર ફરીને મમતા અને સાવિત્રી તરફ સ્થિર થયું. ઢીંગલીના ચહેરા પર એક કાતિલ મુસ્કાન ફરી વળી. મમતા અને સાવિત્રી ભર ઊંઘમાં છે એવું જાણતી હોય એમ એ ટેબલ પરથી નીચે આવી. એણે પોતાના ડાબા કાન પર હાથ ફેરવ્યો. ડાબા કાનની બુટ્ટી નહોતી એ જાણીને જાણે અણગમો વ્યક્ત કરતી હોય એમ એણે પોતાનું નાક ફુલાવ્યુ.
ઢીંગલીએ એક દ્રષ્ટિ દરવાજા તરફ ફેંકી એટલે દરવાજો આપમેળે ખુલી ગયો. જાણે કોઈ લડવૈયો યુદ્ધ લડવા જતો હોય એવી અદાથી તે દરવાજાની બહાર નીકળી એ સાથે જ દરવાજો બંધ થઈ ગયો. પોતાનું લક્ષ્ય જાણતી હોય એમ એ થોડે આગળ વધીને હવામાં ઓગળી ગઈ.
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી વિનંતી. મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમે પ્રતિભાવો મોકલી શકો છો...