Garbhpaat - 14 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 14

Featured Books
Categories
Share

ગર્ભપાત - 14

ગર્ભપાત  - ૧૪

        મમતાબાને ત્યાં દિકરીનો જન્મ થયો અને તેનું નામ સોનલબા રાખવામાં આવ્યું. આખી હવેલીમાં ખુશીનો માહોલ હતો. પ્રતાપસિંહ પણ જૂનું બધું ભૂલીને દિકરી જન્મના ઉત્સાહમાં હતો. 

         અચાનક મોડીરાત્રે હવેલીમાંથી બધા મહેમાનોના ગયા બાદ નાનકડી સોનલ રડવાનું શરૂ કરે છે. તે એટલી હદે રડતી હતી કે મમતાબા અને સાવિત્રીને પણ ચિંતા થતી હતી. કદાચ જો નાનકડું બાળક વધુ રડે તો તેને ઘાટી જવાનો ડર હતો. 

           અચાનક એકદમ નાનકડી સોનલનું રડવાનું બંધ થઈ ગયું અને તે પોતાના હાથ ઉંચા કરીને છત સામે જોઈને હસવા લાગી. સાવિત્રી અને મમતાબાને નવાઈ લાગી અને બંનેનું ધ્યાન એકસાથે ઉપર ગયું. ઉપરનું દ્રશ્ય જોઈને બંને એકદમ ડરી ગયાં. 

      ઉપર ઢીંગલી હવામાં ઉડી રહી હતી. નાનકડી સોનલ તરફ જોઈને હસી રહી હતી. પોતાના હાથ લાંબા કરીને બોલાવી રહી હતી. નાનકડી સોનલ પણ જાણે તે ઢીંગલીને પકડવા મથતી હોય તેમ હાથ લાંબા કરી રહી હતી. 

      બીજી તરફ મમતાબા અને સાવિત્રીને ડર લાગી રહ્યો હતો. એ બંનેને લાગી રહ્યું હતું કે કંચન ફરી પાછી આવી ગઈ છે. અત્યાર સુધી તો કંચને તેમની રક્ષા જ કરી હતી પરંતુ હવે મમતાબાને એક અલગ જ ડર સતાવી રહ્યો હતો. 

     મમતાબાને લાગ્યું કે કદાચ ઢીંગલીના રૂપમાં રહેલી કંચનને જો સોનલ સાથે લગાવ થઈ જશે તો ?? સોનલ પોતાનાથી કદાચ ધીમે ધીમે દૂર થઈ જશે તો?? એક અજાણ્યો ડર એમના તન - મનમાં વ્યાપી ગયો. સાવિત્રીને પણ ઢીંગલીના રૂપમાં રહેલી કંચન પોતાની પાસે રહે એવી ઈચ્છા હતી તે હવે ખટકી રહી હતી. સાવિત્રી કોઈ કાળે કંચનને સોનલ સાથે લગાવ થાય તે ઈચ્છતી નહોતી. 

     નાનકડી સોનલના શાંત થયા પછી ઢીંગલી અદ્રશ્ય થઈ ગઈ એ જોઈને મમતાબા અને સાવિત્રીએ રાહતનો શ્વાસ લીધો. 

      સવારે બધા પોત પોતાના કામકાજમાં પરોવાઈ ગયા. સોનલબાને કોઈ એકલી મૂકતા નહોતા. કોઈને કોઈ થોડી થોડીવારે એમને રમાડવા પહોંચી જતું. આમને આમ દિવસ પસાર થઈ જતો. 

       જેવી રાત પડે કે તરત જ નાનકડી સોનલ જોરજોરથી રડવાનું શરૂ કરે. બધા પ્રયત્નો કરવા છતાં તે છાની જ ન રહે. અચાનક છત સામે જોઈને તે હસવાનું શરૂ કરે અને પછી હસતી હસતી રમવા લાગે. ઉપર છતમાં ઢીંગલી નાનકડી સોનલ સામે હાથ ફેલાવતી ઉડી રહી હોય. 

        આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. નાનકડી સોનલ હવે છ મહિનાની થઈ ગઈ હતી. મમતાબા અને પ્રતાપસિંહે રાત્રે તેના રડવાનું કારણ જાણવા ડોક્ટરને પણ બતાવ્યું પરંતુ તેને કોઈ તકલીફ હોય એવું ડોક્ટરને પણ ન લાગ્યું. 

     મમતાબા ઢીંગલી અંગેની વાત પ્રતાપસિંહને કરવા માંગતા હતા પરંતુ તે મન હોવા છતાં ટાળી રહ્યા હતા. પ્રતાપસિંહ હજુ પણ માહિબાના ઓરડામાં જ સુતો. તેને રાત્રે ઢીંગલીના આવવાની વાત અંગેની જાણકારી નહોતી. 

   નાનકડી સોનલ હવે ઘુંટણીયાભર ચાલતી હતી. પ્રતાપસિંહે બજારમાંથી તેને રમવા માટે ઘણી બધી ઢીંગલીઓ અને રમકડાંઓ લાવ્યા હતા પરંતુ સોનલને તે એકપણ રમકડું કે ઢીંગલી પસંદ નહોતી. તે રાત્રે રડતી અને જ્યારે ઢીંગલી એની સામે આવે પછી જ શાંત થતી. 

    એક દિવસ નાનકડી સોનલ ઘોડીયામાં સુતી હતી. મમતાબા અને સાવિત્રી રસોડાના કામમાં વ્યસ્ત હતાં. મમતાબાએ થોડીવાર પછી સાવિત્રીને સોનલબાને જોવા માટે મોકલી. સાવિત્રી જેવી મમતાબાના ઓરડા પાસે પહોંચી તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તેના શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ. 

      અંદર ઓરડામાંથી કોઈના બોલવાનો અવાજ આવી રહ્યો હતો. નાનકડી સોનલ પણ પોતાની કાલીઘેલી ભાષામાં જાણે એની સાથે વાતો કરતી હોય એવો અવાજ આવી રહ્યો હતો. સાવિત્રીએ કાન દઈને સાંભળવાની કોશિષ કરી તો તેને લાગ્યું કે અંદર કોઈ નાની છોકરી જાણે વાતો કરીને સોનલને રમાડી રહી હોય એવું લાગ્યું. 

      સાવિત્રી દોડીને તરત જ નીચે જ્યાં મમતાબા હતાં ત્યાં આવી અને તેને બધી વાત કરી. મમતાબા પણ એકદમ ડરી ગયાં. મમતાબા અને સાવિત્રી સીધાં ઓરડા તરફ ઉતાવળા પગલે ગયાં. મમતાબાએ ફટાક દઈને દરવાજો ખોલી દીધો પરંતુ તે બંનેના આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ નહોતું. નાનકડી સોનલ એકલી ઘોડીયામાં રમી રહી હતી. 

     " બેન બા! મેં મારા કાનોકાન કદાચ કંચનને જ આ ઓરડામાં સોનલ સાથે વાત કરતાં સાંભળી હતી. જ્યારે સોનલ એકલી હોય ત્યારે કંચન તેની પાસે આવતી હોય એવું મને લાગે છે. " સાવિત્રીએ મમતાબાને કહ્યું. 

  " મને પણ તારી વાત પર ભરોસો છે. હવેથી સોનલને આપણે એકલી નહીં મૂકીએ. " મમતાબાએ સજ્જડ આંખોથી સાવિત્રી તરફ જોઈને કહ્યું. 

     તે દિવસ પછી કોઈને કોઈ સોનલબાની આસપાસ રહેવા લાગ્યું. મોટાભાગે સાવિત્રી અથવા મમતાબા સોનલને સાથે રાખીને જ ઘરકામ કરતાં હતાં. હકીકતમાં તેઓ કંચનથી તેનો પીછો છોડાવવા માંગતા હતા પરંતુ નાનકડી સોનલ જાણે કંચનને જોવા ઈચ્છતી હોય એમ આમતેમ તેને શોધ્યા કરતી અને રડ્યા કરતી. 

     આમને આમ સોનલ એક વર્ષની થઈ ગઈ. શિયાળાની ઋતુ હતી. કડકડતી ઠંડીએ સમગ્ર સૃષ્ટિને જાણે બાનમાં લીધી હોય એમ સૌ કોઈ હૂંફ મેળવીને સૂઈ રહ્યા હતા. અડધી રાતનો સમય હતો. અચાનક કોઈના હસવાનો અવાજ સાંભળીને મમતાબાની ઊંઘ ઉડી ગઈ. 

       તેણે ઉઠીને તરત જ પોતાની પાસે જોયું તો ત્યાં સોનલ નહોતી. તેના શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ. તેમણે આસપાસ ઓરડામાં જોયું પરંતુ ક્યાંય સોનલ જોવા ન મળી. અચાનક તેમનું ધ્યાન ઉપરની છત તરફ ગયું. ઉપરનું દ્રશ્ય જોઈને તેમને કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો. 

       ઉપરની તરફ સોનલ ઢીંગલીનો હાથ પકડીને હવામાં ઉડી રહી હતી. ઢીંગલી હવામાં ઉડતી ઉડતી તેની પાસે બોલાવી રહી હતી અને સોનલ તેની પાછળ પાછળ હવામાં ઉડી રહી હતી. આવું ભયંકર દ્રશ્ય જોઈને મમતાબાના મુખેથી ચીસ નીકળી ગઈ સાથે તેમણે પોતાની આંખો બંધ કરી દીધી. 

      સાવિત્રી પોતાના ઓરડામાં સુતી હતી. મમતાબાની ચીસ સાંભળીને તે દોડતી મમતાબા પાસે પહોંચી ગઈ. ઓરડામાં આવીને એણે તરત જ ફાનસ ચાલુ કર્યું. મમતાબા પાસે આવીને ચીસ પાડવાનું કારણ પૂછ્યું. 

     મમતાબા હજુ પણ પોતે જોયેલાં દ્રશ્યને લીધે ધ્રુજી રહ્યા હતાં. અચાનક સોનલનો અવાજ સાંભળીને તેણે પલંગ પર જોયું તો સોનલ તેની પાસે જ હતી. 

   " શું થયું બેનબા! તમે ચીસ કેમ પાડી? " સાવિત્રીએ ચિંતિત થઈને પૂછ્યું. 

   " સાવિત્રી! મને લાગે છે કંચન સોનલને આસાનીથી છોડે એમ નથી " એટલું કહીને તેણે પોતે જોયેલાં દ્રશ્ય વિશે સાવિત્રીને વાત કરી. 

   " કંચન! તું આ ઓરડામાં આસપાસ હોય તો હું તને વિનંતી કરું છું, સોનલથી તું દૂર રહે. તું કોઈ જીવિત વ્યક્તિ નથી. મહેરબાની કરીને એનાથી દૂર રહે. " મમતાબાએ વિનંતી ભર્યા સ્વરે આસપાસ જોઈને કહ્યું. 

    મમતાબાનો આવાજ બસ ઓરડામાં પડઘાઈને શાંત થઈ ગયો. સામેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. 

   મમતાબા અને સાવિત્રી ઘણીવાર સુધી એમને એમ ત્યાં બેસી રહ્યાં. સાવિત્રી પણ મમતાબા પાસે જ સુઈ ગઈ. 

   મમતાબાની ઊંઘ હવે ઉડી ગઈ હતી. તેને પોતાની નાનકડી સોનલની ચિંતા સતાવી રહી હતી. સોનલના જન્મ પાછળ જરૂર કંચનનો હાથ હતો પરંતુ હવે તેને કંચન જાણે ખૂંચી રહી હતી. કોઈ આત્માનો અતિશય લગાવ નુકસાન કારક નિવડે છે એ વાત તેઓ જાણતાં હતાં. તેમણે કંચનને હવેલીથી દૂર કરવાનો મનમાં નિર્ધાર કરી લીધો. 

     પ્રતાપસિંહ હવે ફેક્ટરી પર જતો હતો. સવારે મમતાબાએ પ્રતાપસિંહને પોતાના રાજપૂરોહિત એવા પંડિત દિનાનાથ પાસે જવાની વાત કરી. પ્રતાપસિંહે તરત જ ભીમાને કહીને મમતાબા માટે વાહનની વ્યવસ્થા કરવાનું કહ્યું. 

    પંડિત દિનાનાથ માહિબા અને તેમના પરિવારના રાજ પૂરોહિત હતા. તેઓ પાસેના સુરજપુર ગામમાં રહેતા હતા. મમતાબાને વિશ્વાસ હતો કે પંડિત દિનાનાથ તેમને જરૂર કોઈ રસ્તો બતાવશે. 

     સાવિત્રીને બોલાવીને સોનલનું ધ્યાન રાખવાનું કહી તેઓ પોતે એક કામથી સૂરજપુર જાય છે એવું જણાવી પંડિત દિનાનાથને મળવા માટે નિકળી ગયાં. 

     શું મમતાબાની સમસ્યાનું સમાધાન થશે?? પંડિત દિનાનાથની મદદથી કંચનને તેઓ હવેલીથી દૂર કરી શકશે?? એ જાણવા માટે જોડાયેલા રહો....

( વધુ આવતા અંકે )

   મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે... તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો....