Asmani Rangni Chhatri re.. - 9 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસમાની રંગની છત્રી રે.. - 9

Featured Books
Categories
Share

આસમાની રંગની છત્રી રે.. - 9

પહેલાં ધોમધખતો તાપ  અને પછી ચોમાસું માથે ઝીલી છત્રીનો ભૂરો રંગ થોડો ઝાંખો પડ્યો હતો. છતાં એ હજી બિંદિયાની શાન અને ગામના લોકો માટે ઈર્ષ્યાનું કારણ હતી.

હવે ઘેરા ભૂરામાંથી છત્રી મેઘધનુષના વાદળી રંગમાં પલટાઈ ગઈ હતી તેમાં તો ક્યારેક વધુ આકર્ષક લાગતી હતી. એની ઉપયોગિતા તો પુરવાર થઈ જ ચૂકી હતી. એટલે જ, ભોલારામની કોઈ પણ ભોગે એ છત્રીના માલિક બનવાની ઇચ્છા બળવત્તર બની હતી.

 

એને છત્રી કોઈ પણ ભોગે મેળવી, કોઈને વેંચવી ન હતી. એ દુકાન છોડી ખાસ બહાર જ જતો ન હતો એટલે એણે એ છત્રીની જરૂર પણ ન હતી. પોતે કદાચ ગામનો સહુથી સમૃદ્ધ વ્યક્તિ હતો એટલે સહુને પોતાની સાહ્યબીની વસ્તુ તરીકે દેખાડવા જ એને આ છત્રી જોઈતી હતી.

એક દિવસ એવો નહીં ગયો હોય જ્યારે એણે બિંદિયાને ભૂરી છત્રી ઓઢીને જતી જોઈ નિઃસાસો  ન નાખ્યો હોય.

શાળાઓમાં વેકેશન પડ્યું. બિજ્જુ  ભણવામાંથી નવરો પડ્યો કે મા એ ગાયો નું વધુ દૂધ વેંચવું શરૂ કર્યું. એક લીટર હેડમાસ્ટરને ઘેર, એક લીટર પૂજારીને ઘેર ને પરાણે બીજા કરતાં ઓછા ભાવે ભોલારામની દુકાને એક દોઢ લીટર. ભોલારામે દૂધ આપવા આવેલા બિજ્જુને પોતાને ત્યાં વેકેશનમાં નોકરી કરવા કહ્યું. બિજ્જુએ  એમ કહીને ના પાડી કે એને સમય નથી. એના ઘરનાં બધાં જ ખેતરમાં ડાંગર વાવવામાં પડ્યાં છે અને એની જરૂર છે. એની વાત સાવ સાચી હતી.

ભોલારામે હવે બાજુનાં ગામમાંથી એક છોકરા રાજારામને નોકરીએ રાખ્યો. એણે દુકાનનાં નાનાં મોટાં પરચૂરણ કામો કરવા ઉપરાંત સફાઈ જેવાં  કામ પણ કરવાં પડતાં. એ બિજ્જુના ક્લાસમાં જ હતો પણ બેય વચ્ચે મિત્રતા તો નહીં, ખાસ પરિચય પણ નહોતો.

એક દિવસ બિંદિયા દૂધ આપવા આવી. છત્રી તો હવે એનું અંગ બની ગયેલી! એ ગઈ અને મૂછ ચાવતો ભોલારામ કશુંક બબડ્યો. 

રાજારામે પૂછ્યું “શેઠ, શું વાત છે? કેમ દુઃખી દેખાઓ છો?”

“એમ તો કશું નહીં. બાકી આ બિંદિયા  મને સખ લેવા દેશે નહીં. સા..** ” વ્યથિત થયેલો ભોલારામ ગંદી ગાળ બોલ્યો.

“કેમ, એ  અંગૂઠા જેવડી છોકરીએ તમારું શું   બગાડ્યું છે?” રાજારામે  પૂછ્યું.

“અરે એ ને એની  *** છત્રી.. મેં કેટલા પૈસા આપવાનું કહ્યું, એ  ** માની જ નહીં.”

“શેઠ, હજી વીસ પચીસ વધુ આપવાનું કહો. કદાચ માની જશે. પૈસાની જરૂર તો આ ગામના બધા ખેડૂત કુટુંબોને હોય છે. અને એ લોકો કાંઈ મોટા ધનિક નથી.” રાજારામે કહ્યું.

પછી બેય વચ્ચે આવો સંવાદ થયો.

“લ્યો બોલો, વધુ પૈસા આપવાનું કહો!  મફત આવે છે? થોડું આડું તેડું કરી, તેલ નીકળી જાય ત્યારે આ તેલ વેંચતા દુકાન ચાલે છે. સમજ્યો?” ગુસ્સામાં ભોલારામ બોલ્યો.

“એને સમજાવો કે છત્રી હવે જૂની થઈ. એના હવે સો તો શું, પચીસ પણ ન આવે.  રંગ ઉખડી ગયો છે, ટાંકા પણ માર્યા છે.  એ સમજાવી એના તમે ત્રીસ કહો.”

“એ કે એનાં મા બાપ નહીં સમજે.”

“સાચું કહું છું શેઠ, આ છત્રી તમે પણ વેંચવા જશો તો સરખા પૈસા નહી આવે. 

આમેય તમે દુકાન છોડીને ક્યાંય જતા નથી તો એનો તમારે કોઈ ઉપયોગ પણ નથી.

એનો મોહ રાખી શું કામ દુઃખી થાઓ છો?”

“તે અહીં કોણ એનાં ફદીયાં  ઊભાં કરવા માગે છે? હું કોણ? આ ગામનો એક માત્ર શાહુકાર. આ છત્રી તો મારી દુકાનમાં જ શોભે. એક ઘરેણાં તરીકે. લોકોમાં મારો મોભો પાડવા. સમજ્યો?”

“એમ તો ખેતરમાં ચાડિયાની પણ શું જરૂર હોય છે? લોકો પક્ષીઓ દૂર રાખવા રાખે અને એની ઉપર બેસીને જ ચકલાં દાણા ચણે. શેઠ, જરૂર વગર શોભાના ગાંઠિયા રાખી દુઃખી શું કામ થવું?”

ક્રમશ: