બિંદિયા એનું એક અંગ બની ગયેલી ભૂરી છત્રી લઈને ગામ નજીક જંગલ જેવા વિસ્તારમાં આવી. અત્યારે સીમ લગભગ નિર્જન હતી. આવાં ચોમાસાં પછી તરત કોણ પિકનિકમાં આ પહાડો પર આવે?
જમીન પણ ચીકણી, કાદવ વાળી અને ખૂબ લપસણી હતી. અત્યારે અહીં પાઈન નાં આભને અડે એવાં ઊંચાં વૃક્ષોમાંથી તડકો ચળાઈને આવતો હતો.
આ ઋતુમાં અહીં શાહુડી નામનાં પ્રાણી નીકળતાં. એ નાનાં પ્રાણીને અંગ્રેજીમાં porcupine કહે છે. એનાં પીંછાં એટલે કાંટાળા નાના સળિયા. ફુલઝરની દાંડી જેવા. અહીં આ તરફના લોકોને એનું ખાસ મહત્વ નહોતું પણ દક્ષિણ ભારત તરફ એને ખૂબ શુકનવંતી ચીજ માનવામાં આવતી. કેટલાક લોકો એને સાફ કરી કલમ બનાવી શાહીમાં બોળી લખવાના ઉપયોગમાં પણ લેતા. એટલે જ, ભોલારામ ગ્રામ્યજનો પાસેથી એ વખતે રૂપિયાનું એક પીછું લેતો અને પછી શહેરમાં પાંચ રૂપિયે, સીધો દક્ષિણનો ઘરાક મળે તો દસનું કે વધુનું એક એમ જથ્થાબંધ શાહુડીનાં પીંછાં વેંચતો.
અત્યારે રમતરમતમાં બિંદિયા એ પીંછાં વીણતી હતી. એ માટે એણે પોતાની જીવથી વહાલી ભૂરી છત્રી એક ખૂણે પાઇનનાં વૃક્ષનાં થડ પાછળ મૂકી અને એ એકધ્યાનથી શાહુડીનાં પીંછાં વીણવા લાગી. તરત જ પાંચ સાત પીંછાં મળી પણ ગયાં. આમ તો એ માછલી પકડવા જેવું કામ છે. મળે તો ખોબલે મળે, નહીં તો ખાલી હાથે પાછા ફરવું પડે.
આગળ શાહુડી હમણાં જ ગઈ હોય એવું લાગ્યું. અવાજ ન થાય એમ દબાતા પગલે બિંદિયા એ તરફ એનાં પીંછાં વીણવા ગઇ.
પાછળ જ એથી પણ વધુ દબાતે પગલે એક જગ્યાએ છૂપાઈને નજર રાખતો રાજારામ તરત નિકળ્યો.
એ ક્યારનો બિંદિયા તરફ નજર રાખતો એક ખડકની ઓથે ઊભો હતો. વીજળીવેગે એણે છત્રી હતી ત્યાં જઈ એક જ ક્ષણમાં છત્રી લઈ લીધી અને ઝાડીઓમાં ગાયબ થઈ ગયો.
એને એમ હતું કે અહીં કોઈ જોતું નથી. બિંદિયા તો એની પીંછાંઓની શોધમાં આગળ નીકળી ગઈ છે. એ એવાં જ દબાતાં પગલે છત્રી લઈ ઝડપથી ભાગ્યો. એમ કરવા જતાં એનાં પગલાંઓનો અવાજ સૂકાં પાંદડાંઓ પર થયો. તરત બિંદિયાએ પાછળ જોયું. રાજારામ ડાંફો ભરતો ભાગતો હતો ને એના હાથમાં ભૂરી છત્રી હતી. બિંદિયાએ ચીસાચીસ કરી મૂકી. વીણેલાં પીંછાંઓની પરવા કર્યા વગર, પગે કાંટા વાગે તો ભલે, એ રાજારામ પાછળ દોડી. બિંદિયા દોડમાં પાક્કી અને ચપળ હતી પણ ક્યાં એના નાનક્ડા પગો ને ક્યાં ઊંચા રાજારામના લાંબા પગો! બેય વચ્ચે સરખું એવું અંતર હતું. અંતર વધતું જતું હતું.
ત્યાં ટેકરીનો ઉતરતો ઢાળ આવ્યો. લાંબાં પગલાં ઉપર ચડવા વધુ કામ લાગે પણ એ જ પગલાં નીચે, સીધો ઢાળ હોય ત્યાં ઉતરવા ઝડપ ઘણી ઘટાડી નાખે. એમ ન કરો તો બેલેન્સ જઈ મોં ભર પડો.
જલ્દીથી ભાગવા રાજારામે છત્રી બંધ કરી અને એક હાથે છત્રી પકડી બીજો હાથ ટેકો દેવા નીચે રાખી લસરતો ટેકરી ઊતરવા લાગ્યો. બિંદિયા પણ સીધા ઢાળ પર લપસતી એની પાછળ લગભગ નજીક આવી પહોંચી ત્યાં હવે એક નાની કેડી વાળો સીધો રસ્તો આવી પહોંચ્યો. ઓચિંતો ઢાળ પરથી રસ્તો આવતાં દોડતો રાજારામ પડ્યો, થોડું ઘસડાયો, છોલાયો. બે હાથ આગળ કરી છત્રી આગળ કરી એ પડ્યો. દાઢી, છાતી, ગોઠણ છોલાયાં પણ અત્યારે એને ઊભવાનો ટાઇમ ન હતો.
પાછળ જ બિંદિયા હવે મોટેથી ચીસો પાડતી દોડતી આવી.
ત્યાં સામેથી બિજ્જુ માથે લાકડાંનો ભારો ઊંચકી આવ્યો. લાકડાં ઘરમાં રસોઈ માટે બળતણ માટે હતાં. એણે બિંદિયાને દોડતી આવતી જોઈ અને પૂછ્યું “આમ ભૂત પાછળ પડ્યું હોય એમ કેમ ભાગતી આવે છે? શું થયું છે?”
બિંદિયાએ ભાગતા રાજારામ તરફ આંગળી ચીંધી કહ્યું “ મારી છત્રી. એ ચોરીને ભાગી જાય છે.”
બિજ્જુએ લાકડાનો ભારો પડતો મૂક્યો અને રાજારામ પાછળ દોડ્યો. એણે આગળ ઝૂકીને દોટ મૂકી. જોતજોતામાં એ રાજારામની લગોલગ પહોંચી ગયો.
રાજારામ વચ્ચે આવતું એજ ઝરણું ઓળંગવા ધીમો પડ્યો ત્યાં બિજ્જુએ એને પકડી પાડ્યો.
ક્રમશ: