બેનને તો કહેવાય નહીં કે મમ્મીએ પૈસા નથી આપ્યા કેવી રીતે કોઈને બતાવવા જઈએ. તમે પણ વિચારતા હતા કે હવે શું કરીએ ? કોઈની પાસે પૈસા માગીએ તો ઘરનું જ ખરાબ દેખાય એટલે મંગાઈ પણ નહીં અને કોઈને કહેવાય પણ નહીં એવી પરિસ્થિતિ હતી. પછી મેં તમને કહ્યું કે અમે પપ્પાના ઘરેથી જે ફેમિલિ ડોકટરને બતાવતા હતા એમને ત્યાં જઈએ. આમ પણ ત્યાં પપ્પાનું ખાતું ચાલે છે કહી દેશું એમાં લખી દેવા માટે. પછી પપ્પાને આપી દઈશું. ને આપણે લગ્નમાંથી એમને ત્યાં નીકળી ને ત્યાં ગયા. એેમણે દિકરાને જોયો, દવા આપી અને કહ્યું કે આજે તમારા ઘરે ન જતા રાત્રે તાવ જો ન ઉતરે તો દિકરાને દાખલ કરવો પડશે. એટલે આપણે મારા ઘરે ગયા. તમે કહ્યું કે તું રોકાય જા હું ઘરે જાઉં છું. મમ્મી કાલે સવારે આવશે તો ઘરે આપણને ના જોઈને ગભરાય જશે. અને તમે મને મૂકીને ઘરે ગયા હતા. મોડેથી પણ દિકરાને તાવ તો ઉતરી ગયો એટલે થોડી રાહત થઈ. બીજા દિવસે સવારે મમ્મી ઘરે આવ્યા ત્યારે તમે એમને કહ્યું. તો એમણે કહ્યું કે હું સવારે ગઈ ત્યારે તો દિકરો સારો હતો અચાનક કેમ બિમાર પડી ગયો ? હવે એમના આવા સવાલનો તો તમે જવાબ જ કેવી રીતે આપી શકો ? પછી તમે એમને કહ્યું કે મને પૈસા આપજો કાલની દવાના આપવાના બાકી છે અને આજે દવા લઈશું તો એ પણ આપવા પડશે. તો મમ્મીએ તમને એમ કહી દીધું કે મારી પાસે કુટુંબી દિકરાના લગ્નમાં જે વહેવાર કરવાનો એટલા જ રૂપિયા છે કહેતો હોય તો આપી દઉં પછી વહેવાર શું કરવાનો એ તારે જોઈ લેવાનું. એમની આવી વાત સાંભળીને તમે ના પાડી કે રહેવા દે દવાના પૈસા મારો પગાર થશે ત્યારે આપી આવીશું. ને તમે મમ્મીને કાકાના ઘરે મૂકીને રૂપિયા લીધા વગર જ મને લેવા આવ્યા હતા. આપણે ત્યાંથી જાનમાં જવાનું હતું. તમે મને મમ્મીએ જે વાત કહી હતી તે કરી અને કહ્યું કે તારી મમ્મીને કહી દેજે કે મારો પગાર થશે એટલે દવાના જે પૈસા છે તે આપી જઈશું. મેં મમ્મીને કહ્યું કે મારા સાસુ હજી આવ્યા નથી એટલે અમે પાછા આવીશું ત્યારે દિકરાની દવાના જે પૈસા છે તે આપી દઈશું. મમ્મીએ કહ્યું કે તું રહેવા દે ને શાંતિથી તમે લગ્નમાં જાવ. મને ત્યારે વિચાર આવ્યો કે મમ્મી એવું કઈ રીતે કહી શકે કે દિકરો સવારે સારો હતો અચાનક કેમ બિમાર પડી ગયો? તાવ આવે તો કંઈ આગળથી કહીને તો ન આવે ને ? મને તો એવું જ લાગ્યું મમ્મી એ માનવા તૈયાર જ ન હતા કે દિકરો બિમાર થયો છે. વળી, તમારો પગાર આવે એ પણ તો તમે એમને જ આપી દેતાં હતા. તો દિકરાની દવા માટે એમણે પૈસા કેમ ન આપ્યા ? મારી પાસે જે પૈસા હતા એ તો ક્યારના તમે બંને જણાએ લઇ લીધા હતા તો આવા સમયે મમ્મી પૈસા ન આપે તો આપણે દિકરાની દવા કેવી રીતે લાવી શકીએ ? એ તો સારું થયું કે અમારા ડોકટર કાકાને ત્યાં પપ્પાનું ખાતું ચાલે એટલે ઉધારીમાં દવા લઈ આવ્યા. પણ જો એવું ન હોતે તો શું કરતે ? પણ મેં તમને કંઈ કહ્યું નહીં. આપણે કાકાના ઘરે પહોંચ્યા. જાન નીકળવાની હજી વાર હતી. હું મમ્મી પાસે જઈને બેઠી હતી. પણ મમ્મીએ દિકરાને હાથમાં પણ ન લીધો કે પૂછયું પણ નહીં કે હવે એનો તાવ કેવો છે ? પણ ત્યાં જે આવે તે બધા સીધા મારી પાસે આવીને દિકરાને કેવું છે તે પૂછીને જતા હતા. થોડીવારમાં બેન પણ આવ્યા. તો તરત મમ્મીએ બેનના હાથમાંથી ભાણિયાને લઈ લીધો અને કહ્યું કે હવે આને હું રાખીશ તું તારે મળી લે જેને મળવું હોય તેને. બેન તરત મારી પાસે આવ્યા ને દિકરાને કેવું છે એમ પૂછ્યું ? ને પછી એમણે મમ્મીને કહ્યું કે ગઈકાલે આની તબિયત ખૂબ જ બગડી ગયેલી દવા આપવા છતાં તાવ ન ઉતરેલો એટલે તાત્કાલિક ડોકટરને ત્યાં લઈ જવો પડેલો. ત્યારે એવું લાગ્યું કે મમ્મીએ હવે માન્યું કે દિકરો ખરેખર બિમાર થયો હતો.