દિકરો બિમાર હતો એમ મમ્મીએ માન્યું કે નહીં એ તો ખબર નહીં પણ એમણે દિકરાને બિલકુલ હાથમાં લીધો પણ નહીં. બસ ભાણિયાને લઈને રમાડ્યા કર્યું. જાન વલસાડ જવાની હતી. જાન વલસાડ પહોંચે પછી ત્યાંથી ઘરની સ્ત્રીઓએ બીજે જવાનું હતું. એટલે હું, બેન અને બીજા કાકી જે જવાના હતા એ તૈયાર થયા. આ બધા સમય દરમિયાન દિકરો તો મારી પાસે જ હતો ને ભાણિયો મમ્મી પાસે. બીજે જવાનો સમય થયો ત્યારે બેને મમ્મીને કહ્યું લાવ હું ભાણિયાને લઈ જાઉં, તો મમ્મીએ ના પાડી કે ના તું તારે જા એને તો હું રાખીશ. જ્યારે આપણા દિકરાને તો બિલકુલ જોયો પણ નહી ને કહ્યું પણ નહીં કે હું રાખીશ તું એને મૂકી જા. મેં ત્યારે એમ વિચાર્યુ હતું કે કદાચ દિકરો બિમાર છે ને હું એને મૂકી ને જાઉં ને કદાચ પાછો તાવ આવે એવી એમને બીક હશે એટલે ન કહ્યું હોય. આપણે ત્યાંથી લગ્ન પતાવીને આવી ગયા. દિકરાને ફરીથી એકવાર આપણે ડોકટર ને બતાવી આવ્યા. ત્યારે પણ એમને કહ્યું કે સા ખાતામાં લખી દેજો હું એમને આપી દેવા. બેન લગ્નમાંથી સીધા જ આપણા ઘરે રહેવા આવી ગયા હતા. બીજા દિવસે મમ્મીએ તમને પૈસા આપ્યા કે બેન રહેવાની છે તો તું આ પૈસામાંથી છોકરાઓ માટે નાસ્તા અને ફળ લઈ આવ. એ સમયે તમે એમને જોયા જ કર્યું કે ગઈકાલે દિકરાની દવા માટે પેસા ન હતા અને આજે નાસ્તા અને ફળ માટે પૈસા ક્યાંથી આવ્યા ? તમે મારી સામે જોયું હું સમજી ગઈ કે તમારા મગજમાં પણ સવાલો છે પણ હું કંઈ બોલી નહીં. તમે બધું લેવા નીકળી ગયા. બેન થોડા દિવસ રહીના ગયા. પછી મમ્મીના બેન રહેવા આવ્યા હતા. મમ્મી મને કોઈ કામ તો કરવા દેતા ન હતા એટલે માસી રોજ મને કહેતા રહેતા કે હું તો ઘરે કામ કરું જ નહીં બધું જ કામ વહુ કરે. મારે એને કહેવું પણ ન પડે અને બીજું ઘણું બધું. મને ઘણી વાર એમ થતું કે હું એમને કહી દઉં કે હું કામ કરવાની ના નથી પાડતી પણ એ મને કરવા જ નથી દેતા. ને એ વસ્તુ એ પણ અહીં આવ્યા ત્યારના જોતા જ હતા કે હું જે કામ હાથમાં લઉં તે મમ્મી મુકાવી દેતા હતા. પણ મારામાં કોઈને કંઈ પણ કહેવાની હિંમત ન હતી કે પછી હું કંઈ પણ બોલીને કોઈને ઠેસ પહોંચાડવા માગતી ન હતી. એટલે હું ચૂપ જ રહેતી. હવે એમ થાય છે કે ત્યારે જ કંઈક બોલી હોત તો આજે કંઈ પરિસ્થિતિ જુદી હોત. હું હજી પણ નોકરી માટે કોશિશ કરી રહી હતી. પણ કોઈ આપણા સમય પ્રમાણે મળતી જ ન હતી. માસી આવ્યા હતા ત્યારે જ આપણા ફળિયામાં ત્રીજા ઘરે એક કાકા હતા એ ગુજરી ગયા. મોડી સાંજે ગુજરી ગયા એટલે એમની અંતિમયાત્રા બીજા દિવસે સવારે નીકળવાની હતી. એટલે ત્યાં આખી રાત કોઈએ ને કોઈએ બેસી રહેવું પડે. મમ્મીએ કહ્યું કે દિકરો નાનો છે એેટલે તું ન જતી હું જઈશ. અને મમ્મી ત્યાં ગયા હતા. આખી રાત ત્યાં બેઠા પછી મમ્મી વહેલી સવારે ઘરે આવ્યા અને નાહ્યા વગર જ આપણા ઘરનું જમવાનું બનાવી દીધું. હું જાગતી જ હતી. મેં એમને કહ્યું પણ ખરું કે પછી હું બનાવી દેવા પણ એ ન માન્યા અને રસોઈ બનાવીને ફરી પાછા ત્યાં ગયા. એટલે આપણા ઘરમાં માસીએ બોલવાનું ચાલું કર્યું કે આવું થોડું હોય. મરણવાળા ઘરમાંથી આવે તો નાહવું પડે. આમ નાહ્યા વગર રસોઈ કોણ બનાવે ? આ તો આ ઘરમાં પણ સૂતક લાગે જે ક્યારેય ન જાય. હું તો કંઈ બોલી નહીં બસ સાંભળ્યા કર્યું. પણ માસીએ એ દિવસે ખાધું નહીં અને એ જ દિવસે એમના ઘરે પરત ફર્યા.