Asmani Rangni Chhatri re.. - 14 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસમાની રંગની છત્રી રે.. - 14

Featured Books
Categories
Share

આસમાની રંગની છત્રી રે.. - 14

14.

ભોલારામ હવે ખુશખુશાલ દેખાતો. સહુને કહેતો ફરતો કે બિંદિયાએ સામેથી આ છત્રી એને ભેટ આપી છે.

હવે શિયાળો બેસી ચૂકેલો. નજીકમાં સીમમાં વહેલું અંધારું થઈ જતું અને રાતવરત  ચિત્તા, દીપડા જેવાં જાનવરો ઢોરોને ઉઠાવી જવાના બનાવો પણ ક્યારેક બનતા એટલે બિંદિયા હવે  ગાયો ચરાવતી વહેલી  ઘેર આવી જતી.

ક્યારેક આ ગામ હતું એનાથી ઉપરવાસમાં ખૂબ ઠંડી પડતી.

ભોલારામની દુકાન ફરીથી ચાલવા લાગેલી. શહેરમાંથી ધાબળા અને ચાદરોની ગાંસડી મગાવી એ વેંચવા લાગ્યો. દુકાનમાં જ  સવારે ઉકળતી પહાડી ચા  ની સોડમ  લોકોને આકર્ષવા લાગી અને ઠંડીમાં ગરમ ચા પીવા લોકો આવવા લાગ્યા.

એક વાર બિંદિયા અને બિજ્જુ  સવારના પહોરમાં કોઈ કામે શહેર જતી બસ પકડવા નીકળ્યાં.  બિજ્જુ  બિંદિયા સાથે દુકાને ચા પીવા ઊભો અને પૈસા આપ્યા.  એક દૂધ વગરની ચા મળે એટલા જ પૈસા લઈ એણે બેય છોકરાંઓને કઢેલું દૂધ એલચી નાખી આપ્યું. કહે બસ, આવી ગયું. કશું ઉધાર નથી. બિજ્જુને આ હૃદયપલટો  જોઈ નવાઈ લાગી. બિંદિયાને ખુશી થઈ હતી કે એની છત્રીને કારણે કોઈને ગરીબાઈ અને દુઃખ આવી પડેલું એ કોઈને ભેટ આપવાથી સારું થયેલું. તો વાઘનખ વગેરેની જેમ આ છત્રી પણ લકી હતી. સારું. ખુશીથી આપેલ ભેટ પાછી લેવાની વૃત્તિ આ ખેડૂત પુત્રીમાં  ન હતી.

છત્રી દુકાનની બહાર ઓટલે જ પડી રહેતી. જેને થોડી વાર ક્યાંય જવું હોય ને જોઈતી હોય એને ભોલારામ  એમ જ આપી દેતો. એવું તો ક્યારેક કરા સાથે વરસાદનું ઝાપટું પડે કે બપોરનો તાપ હોય તો જ બનતું.

છત્રીનો ઉપયોગ ભોલારામ  હડ  હડ  કરી સામે આવતું કૂતરું કે ભૂંડ દૂર રાખવા કરતો.

છત્રી હવે ગ્રામલોકોનું ગર્વનું પ્રતીક બની ગયેલી. રંગ સાવ ઊડી ગયો હતો અને પાંચ છ ટાંકા મારેલા છતાં હતી તો કેવી ભૂરી મઝાની! ક્યાંય જોટો ન જડે એવી!

એક રાત્રે ઉપરવાસમાં  પહેલી બરફવર્ષા સાથે  વરસાદ અને ખૂબ ઠંડી પડી. ટેકરી ઉપરનાં જંગલમાંથી એક રીંછ નીચે ગામમાં આવી પહોંચ્યું. એકાંત રાત્રે ગામની શેરીમાં ફરતાં એને ભોલારામ ની દુકાનના છાપરે પડેલ પાકાં કોળાની ગંધ આવી. એ કોળું લેવા ભોલારામનાં ઘરની પાછલી ભીંતમાં નખ ભરાવતું  અને નળિયાંમાં પણ નખથી પક્કડ લેતું  ચડ્યું તો ખરું પણ એમાં એના પંજાનો એક નખ તૂટીને નીચે ભોલારામની દુકાનમાં પડી ગયો. એ તો કોળું લઈ  ત્યાં જ ચૂંથી, ખાઈને ચાલ્યું ગયું.

સવારે ભોલારામે દુકાન ખોલી તો આ નખ જોયો. એને  કોઈ વિચાર આવ્યો. પહેલી વાર કોઈના ઉપકારનો બદલો વાળવાનો.

એ નજીકના તાલુકે એક સોની પાસે ગયો અને  થાય એટલી ઓછી મજૂરી ઠરાવી આ નખ ચાંદીમાં મઢાવી, એક પાતળી ચાંદીની ચેઇન બનાવી એમાં લોકેટ તરીકે જડાવ્યો. એ લઈ એ ઘેર  હવે એની ભૂરી છત્રી ઝુલાવતો આવ્યો.

એ જ સાંજે બિંદિયા નવરાત્રી હોઈ સરસ ચણિયા ચોળી પહેરી તૈયાર થઈને દુકાન પાસેથી નીકળી. એણે પ્રેમથી બિંદિયાને બોલાવી અને કહ્યું કે આવ, તને એક વસ્તુ આપું.

થોડી સાવચેત, નવાઈ સાથે બિંદિયા દુકાનમાં ગઈ. ભોલારામે  એના હાથમાં એ નખ મઢાવેલી ચાંદીની ચેઇન મૂકી દીધી અને કહ્યું  કે આ તારે માટે. વાધ ના જ નખ શુકનિયાળ હોય એવું નથી, રીંછના વધુ દુર્લભ હોઈ વધુ શુકનિયાળ હોય.

બિંદિયાએ એ ચેઇન પહેરી અને દુકાનમાં વેંચવા પડેલાં ચાટલાં  (નાનો અરીસો) માં લોકેટ સાથેની ચાંદીની પાતળી ચેઇનમાં પોતાને જોઈ ખૂબ જ ખુશ થઈ. એણે ભોલારામને જે મિલિયન ડોલર સ્મિત આપ્યું એ ભોલારામ  માટે જીવનભરની યાદ બની ગયું.

દુકાનના ખૂણે પડી ભૂરી છત્રી ઓટલા તરફથી આવતા હળવા પવનમાં સહેજ ઝૂલતી જાણે આછા પ્રકાશમાં એમની સામે હસી રહી હતી.

(સમાપ્ત)