"મિસ્ટર માયક્રોફ્ટે આદેશ આપ્યો છે કે તે રૂમમાં તાળાં રાખવા જોઈએ."
મારું આશ્ચર્ય મારા ચીડ કરતાં વધુ હતું. "શાં માટે?"
"મિસ ઈનોલા, આ મારું પૂછવાનું સ્થાન નથી."
"ખૂબ સારું. જો તમે મારા માટે દરવાજો ખોલો તો મને ચાવીની જરૂર નથી."
"મારે મિસ્ટર માયક્રોફ્ટની પરવાનગી લેવી જોઈએ, મિસ ઈનોલા, અને જો હું તેમને જગાડું, તો તે મને બહાર કાઢી મૂકશે. મિસ્ટર માયક્રોફ્ટે આદેશ આપ્યો છે-"
મિસ્ટર માયક્રોફ્ટ આ, મિસ્ટર માયક્રોફ્ટ તે, મિસ્ટર માયક્રોફ્ટ વરસાદના પાણીના બેરલમાં પોતાનું માથું ડુબાડી શકે છે. ચુસ્ત હોઠ રાખીને, મેં ડ્રેસ ઇમ્પ્રુવર લેન પર ફેંક્યું. "મારે આ પાછું જ્યાં છે ત્યાં મૂકી દેવાની જરૂર છે."
બટલર ખરેખર શરમાઈ ગયો, જેનાથી મને સંતોષ થયો, કારણ કે મેં તેને પહેલાં ક્યારેય આવું કરતા જોયો ન હતો.
"વધુમાં," મેં મારા દાંત કચકચાવીને ધીમેથી કહ્યું, "મારે કંઈક પહેરવા માટે મારી માતાના કપડામાં શોધ કરવી પડશે. જો હું આ ફ્રોક પહેરીને જમવા જઈશ, તો મિસ્ટર માયક્રોફ્ટ ખૂબ જ ગુસ્સે થઈ જશે. તેમના મોં પર ફીણ આવશે. દરવાજો ખોલો."
લેને બીજું કંઈ કહ્યું નહીં. પરંતુ તેણે પોતે ચાવી રાખી અને દરવાજાની બહાર મારી રાહ જોતો ઊભો રહ્યો.
તેથી, વિકૃત ભાવનાથી ભરપૂર, મેં મારો સમય લીધો. પરંતુ જેમ જેમ મેં મારી માતાના કપડામાં શોધખોળ કરી, મેં આ નવા વિકાસ વિશે પણ વિચાર્યું. મમ્મીના રૂમનો દરવાજો બંધ હતો, ફક્ત માયક્રોફ્ટની પરવાનગીથી પ્રવેશ મળે- તેનાથી આ ક્યારેય થશે નહીં.
મને આશ્ચર્ય થયું કે મમ્મી કદાચ પોતાની ચાવી ક્યાં મૂકીને ગઈ હશે.
આ વિચારથી હું ગભરાઈ ગઈ, કારણ કે જો તે દિવસ માટે બહાર જવા માંગતી હોત તો - જો તેણીએ પાછા ફરવાનો ઇરાદો રાખ્યો હોત, તો તે ચાવી પોતાની સાથે લઈ ગઈ હોત.
તેથી, જો તેણી ચાવી મૂકીને ગઇ હોય - તો અર્થ ખૂબ જ સ્પષ્ટ હતો.
મને તેના ચાલવાના સૂટ સુધી પહોંચવામાં એક ક્ષણ અને ઘણા ઊંડા શ્વાસ લાગ્યા, જે હજુ પણ ઉભા રહેલા અરીસા પર લટકતો હતો.
મને તરત જ ચાવી જેકેટના ખિસ્સામાંથી મળી ગઈ.
મારા હાથમાં તે ભારે લાગતી હતી. હું તેને એવી રીતે જોઈ રહી હતી જાણે મેં તેને પહેલાં ક્યારેય જોઈ ન હોય. તેના એક છેડે ઓવલ હેન્ડલ, બીજા છેડે દાંતાવાળું લંબચોરસ. વિચિત્ર, ઠંડી લોખંડની વસ્તુ.
તો, તે ખરેખર પાછા આવવાનું વિચારી રહી ન હતી.
છતાં ધાતુનો આ ઘૃણાસ્પદ હાડપિંજર અચાનક મારી સૌથી કિંમતી સંપત્તિ બની ગયો હતો. તેને પકડીને, મેં મારી માતાના કપડામાંથી એક ડ્રેસ મારા હાથ પર ઢાંક્યો જેથી તે છુપાવી શકાય અને ફરીથી બહાર નીકળી ગઈ.
"ખૂબ સારું, લેન," મેં તેને નમ્રતાથી કહ્યું, અને તેણે ફરી એકવાર દરવાજો બંધ કરી દીધો.
રાત્રિભોજન સમયે, માયક્રોફ્ટ પાસે મારા ઉધાર લીધેલા ડ્રેસ વિશે એક પણ શબ્દ ન કહેવાની સૌજન્ય હતી, એક ઢીલો, સૌંદર્યલક્ષી ગાઉન, જે મારી ગરદન ખુલ્લી હતી પણ મારા શરીરનાં બાકીના ભાગ પર સાવરણી પર ચાદરની જેમ લટકતો હતો. જોકે હું મમ્મી જેટલી ઊંચી હતી, પણ મારામાં તેના સ્ત્રીત્વનો અભાવ હતો, અને કોઈપણ સંજોગોમાં, મેં ડ્રેસ તેના રંગ માટે પસંદ કર્યો હતો, ક્રીમ-પીચ, જે મને ગમ્યું - ફિટ થવાના ઢોંગ માટે નહીં. તે ફ્લોર પર ઢસડાઈ રહ્યો હતો, પણ ખૂબ સારી રીતે, આમ તેણે મારા નાની છોકરીના બૂટ છુપાવી દીધા. મેં મારા સીધા પોકર જેવા કમરના ભાગની આસપાસ એક પટ્ટો બાંધ્યો હતો જેથી તે કમર જેવો લાગે; મેં ગળાનો હાર પહેર્યો હતો; મેં મારા વાળ ગોઠવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે તેનો ભૂખરો રંગ તેને સુંદરતાનો તાજ પહેરાવતો નહોતો. એકંદરે, મને ખાતરી છે કે હું ડ્રેસ-અપ રમતા બાળક જેવી દેખાતી હતી, અને હું તે જાણતી હતી.
માયક્રોફ્ટે, જોકે તેણે કંઈ કહ્યું નહીં, સ્પષ્ટપણે ખુશ ન હતો. માછલી પીરસતાંની સાથે જ, તેણે મને કહ્યું, "મેં લંડનમાં એક દરજીને તને યોગ્ય કપડાં પૂરા પાડવા માટે મોકલી છે."
મેં માથું હલાવ્યું. કેટલાક નવા કપડાં સારા હશે, અને જો મને તે પસંદ ન હોય, તો તેની પીઠ ફેરવતાની સાથે જ હું મારા આરામદાયક નીકરબોકર્સ પર પાછી ફરી શકું છું. પણ મેં કહ્યું, "અહીં કાઈનફોર્ડમાં એક દરજી છે."
"હા, મને તે ખબર છે. પણ લંડનનાં દરજીને બોર્ડિંગ સ્કૂલ માટે તારે શું જોઈએ છે તે બરાબર ખબર પડશે."
તે શું વાત કરી રહ્યો હતો? મેં ખૂબ ધીરજથી કહ્યું, "હું બોર્ડિંગ સ્કૂલમાં નથી જવાની."
તેણે એટલી જ ધીરજથી જવાબ આપ્યો, "અલબત્ત, તું જવાની છે, ઈનોલા. મેં યુવતીઓ માટેની ઘણી ઉત્તમ સંસ્થાઓમાં પૂછપરછ કરાવી છે."