એક સામાન્ય પુરુષ. જેનું નામ ધીરુભાઈ. એક સામાન્ય દુકાન માં નોકરી કરી પોતાના પરિવાર નું ગાડું શાંતી થી ચલાવ્યા કરે. કરકસર વાળું જીવન. પરિવાર પણ કરકસર થી ઘર ચલાવે. આવા ખુશહાલ પરિવાર તો નહિ પણ શાંત પરિવાર માં તેમને એક પુત્ર નો જન્મ થયો. પુત્ર ના જન્મ થી ધીરુભાઈ ખુશ રહેવા લાગ્યા અને શાંતી થી પોતાનું કામ કરવા લાગ્યા. એના ભાગ્ય માં કરકસર નું પ્રમાણ વધી ગયું. ઈશ્વર ને આટલી ખુશી પણ મંજૂર નહિ હોય. અચાનક તેમના પત્ની નું મૃત્યુ થયું અને પરિવાર નો માળો વિખાઈ ગયો.
પરિવાર માં શું કરવું એવી કોઈ ને સમજ ના રહી. પુત્ર ને સાચવવો અઘરું થયું એટલે પરિવાર ના બીજા લોકો એ બીજા લગ્ન કરવા માટે સમજાવ્યું. ધીરુભાઈ ને સંસાર નો મોહ હતો નહિ પણ પોતાના બાળક ને કોની પાસે આખો દિવસ રાખવો એ મુશ્કેલી દૂર કરવા તેમણે બીજા લગ્ન કર્યા. ઘર સંસાર પાછો પાટા પર આવ્યો. ઘર માં આવનાર સ્ત્રી નો સ્વભાવ સારો એટલે બાળક અને ઘર બધું સચવાય ગયું. સ્ત્રી વધારે હોશિયાર નહિ પણ દરેક કામ પોતાની ફરજ સમજી અને પૂરું કરે. બાળક ને સગી માં જેટલા લાડ કોડ નહિ પણ સાચવવામાં કાઈ બાકી રાખે નહિ. બાળક ને સાચવવું એ નૈતિક ફરજ છે એવું માને. આમ સંસાર નું ગાડું શાંતિ પૂર્વક ચાલવા લાગ્યું.
ધીરુભાઈ ને ત્યાં પરિવાર માં એક વધારો થયો. નવા આવનાર પત્ની થી પુત્રી નો જન્મ થયો. એક સંપૂર્ણ પરિવાર બની ગયો. બાળક ને એની બહેન મળી અને સાથે મોટા થવા લાગ્યા. ધીરુભાઈ ની આવક ઓછી પણ એમાં જે કાઈ થઈ શકે તે બાળકો ના ભવિષ્ય માટે કરવા લાગ્યા. વ્યવહાર ની દોરી ધીરુભાઈ ના હાથ માં એટલે ખોટા ખર્ચ થી જેટલું બચી શકે એટલું બચતા. પોતાના બાળકો ને ક્યાંય તકલીફ ના થાય તેનું પણ ધ્યાન રાખતા. એના કે એની પત્ની ના મન માં ક્યારેય ન રહ્યું કે આ બંને બાળકો ની માતા અલગ અલગ છે. બાળકો પણ સાથે મોટા થાય અને એને પણ એવું કઈક યાદ નહિ. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર બાળકો મોટા થવા લાગ્યા.
ધીરુભાઈ નો પુત્ર અને પુત્રી બંને ભણવામાં હોશિયાર એટલે એ જોઈ ને માતા અને પિતા બંને ખુશ રહે. પુત્ર મોટો થયો અને નોકરી માટે પ્રયત્ન કરવા લાગ્યો. નસીબ અને મહેનત સારી એટલે સરકારી નોકરી મળી ગઈ. નાની સરકારી નોકરી પણ ધીરુભાઈ માટે તો આખી જિંદગી નો થાક ઉતારે એવી હતી. ધીરુભાઈ ને થયું કે હવે આ ઢસરડા માં થી મુક્તિ મળશે. જો કે એને એની નોકરી મૂકવાની ઈચ્છા નહોતી. પણ દીકરા ને સરકારી નોકરી મળતા ખૂબ જ ખુશી ની લાગણી હતી. આખા કુટુંબ અને સગા સંબંધી માં પેંડા વહેંચ્યા.
થોડોક સમય પસાર થયો એને પુત્ર ના લગ્ન માટે તૈયારી શરૂ કરી. સગા સંબંધી ઓ માં વાતો શરૂ થઈ અને એક પરિવાર માં એની સગાઈ કરવા માં આવી. ધીરુભાઈ ને તો દુનિયા જીતી લીધી હોય એવો અનુભવ થયો. ઘર માં ખુશી રહેવા લાગી. કરકસર ઓછી થઈ. લગ્ન ની તૈયારીઓ થઈ. ધીરુભાઈ એ પોતાના પુત્ર ના લગ્ન પોતાના મોભા પ્રમાણે કર્યા. ઘર માં એક નવા વ્યક્તિ નું આગમન થયું. ઘર ખુશીઓ થી ભરાઈ ગયું. ઘર માં બે આવક હોવા થી આર્થિક પરિસ્થિતિ પણ સુધરી.
સમય પ્રમાણે ઘર માં વાતાવરણ બગડવા લાગ્યું. સાસુ વહુ ના જગડા થવા લાગ્યા. ધીમે ધીમે વાતવરણ અંકુશ બહાર ચાલ્યું ગયું. એક દિવસ સાસુ વહુ ના જગડા માં પુત્ર એ પણ પ્રવેશ કર્યો. ધીરુભાઈ ને સંભળાવી દીધું કે આ ક્યા મારી સગી મા છે. વર્ષો પહેલાં ની ભુલાઈ ગયેલી વાત આજે બહાર આવી. પુત્ર ના આવું બોલવા થી પરિવાર માં ભૂકંપ આવી ગયો. માતા ની આંખ માં આંસુ આવી ગયા. ફરજ સમજી જે બાળક ને મોટો કર્યો એ આજે આવું બોલ્યો.
પુત્ર નો પરિવાર નોખો થયો. ભાડે ઘર રાખી નોખો ચૂલો શરૂ કર્યો. ધીરુભાઈ ને પણ આઘાત લાગ્યો. એ દુનિયા નો નિયમ સમજતા હતા કે પુત્ર બધી જગ્યા એ નોખા જ છે પણ જે બોલી ને નોખો થયો એ અફસોસ જનક હતું. જે માં એ ભલે ફરજ સમજી ને ઉછેર કર્યો હોય તો પણ આવું બોલી અને દુઃખી કરવું એ યોગ્ય ના હતું. ધીરુભાઈ ને અચાનક ઉંમર વધી ગઈ અને પોતાનો ઢસરડો શરૂ રાખ્યો.
ફક્ત ત્રણ શબ્દો આ મારી માં નથી. આખા પરિવાર માં તિરાડ ઊભી કરી દીધી અને આખી જિંદગી ની મહેનત પર અફસોસ લાવી દીધો.