પ્રકરણ:11
તેને ઓરડો ખોલ્યો.નાના મોટા બદલાવ સિવાય આજે પણ તે એજ હાલતમાં હતો.ફર્ક બસ એટલો હતો કે જરૂરી સમાન લઈ જવામાં આવ્યો હતો.આથી તે થોડો ખાલી અને મોટો લાગી રહ્યો હતો.તેને પટારા સામે જોયું,તે તેની મૂળ જગ્યાએ જ હતો.તેને નજીક જઈને તેને ખોલ્યો.થોડી જામેલી ધૂળ આળસ મરડીને ઉભી થઇ.રુદ્રને થોડી ઉધરસ આવી.તેને તે કાગળ પટારામાં સૌથી નીચે મૂક્યુ હતું.તેને થોડા જુના કડપા ઉઠેલ્યા.તેના નજરમાં એક કાગળ આવ્યું.તેના મુખ પર સ્મિત આવ્યું અને તેને તે કાગળ હાથમાં લીધું.તેને તે કાગળ ખોલ્યું.તેમાં રહેલા શબ્દો વાંચી તે થોડો નિરાશ થયો.તેમાં રહેલા અક્ષરો સમય સાથે આછા અને ભેજના લીધે ધૂંધળા થયા હતા.તે વાંચી શકાય તેવી હાલતમાં નહોતા.
તેને જે હતું એ બધું એમજ રાખી જલ્દી જલ્દીમાં ઉપર ચડ્યો તેને આશા હતી કે ઉપર રહેલ કાગળ વાંચી શકાય તેવી હાલતમાં હશે. તેને આજે તેના પાગલપન અને બીમારી પર ગર્વ હતો.જો તે કદાચ તે દિવસે નોર્મલ હાલતમાં હોત તો કોઈ દિવસ આ રીતે કાગળ ન રાખત.તે ઉપર ગયો.તેને રૂમની વચ્ચે ઉભો રહ્યો.તેને આખી દીવાલ પર નજર નાખી.તેની નજર એક જગ્યા પર સ્થિર થઈ,એક ઉપસેલા ભાગ પર. તે ત્યાં ગયો.તેને બાજુમાં પડેલ લોખંડની કાટ ખાઈ ગયેલી એક રોડ ઉપાડી તેનેથી દીવાલ પર મારવાનું શરૂ કર્યું.કપચી વગરની સિમેન્ટ બહાર આવી અને રુદ્રના આશ્ચર્ય વચ્ચે તેને લગભગ દસ વર્ષ પહેલાં મુકેલી પ્લાસ્ટિકની કોથળી એમને એમ જ હતી.
તેને તે હાથમાં લીધી.તેને પહેલી અને બીજી કોથળી વારાફરતી ખોલી ત્યારબાદ અંદર રહેલું સિલિકાજેલ કાળું પડી ગયું હતું.જો કે અંદર રહેલ કાગળ હજી એમને એમ જ દેખાઈ રહ્યું હતું.તેને તે ખોલ્યું અને તેના ચહેરા પર એક અપાર સ્મિત અને આનંદ છવાયો.તે કાગળ પર લખેલ એક એક શબ્દ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.રુદ્ર જલ્દીથી નીચે ગયો.તેનું લેપટોપ લીધું અને તેમાં તેનું બીટકોઇન વોલેટ ખોલવા ટર્મિનલ ચાલુ કર્યું.તેને કાગળમાં રહેલ રિકવરી ફેઝ તેમાં એન્ટર કર્યો અને પાસવર્ડ નાખ્યો.કોમ્પ્યુટરમાં પ્રોસેસિંગનું ચકરડું ફરી રહ્યું હતું.રુદ્ર માટે તે બે-ચાર સેકન્ડ પણ કોઇ સદી જેટલી મોટી હતી.તેને હજી એક અવિશ્વાસ પરેશાન કરી રહ્યો હતો.જો તેને લીધેલા બીટકોઈન તેની પાસે આવી જાય તો તેની સાત નહીં પણ ચૌદ પેઢીને કમાવવાની જરૂર ન પડે.
સ્ક્રીન પર એક વોલેટ દેખાયું.આ જોઈ રુદ્રનું લોહી થીજી ગયું.તેના માથામાં એક ઠંડી વાયુ પ્રસરી ગયું.ધબકારા વધી ગયા અને આંખો પલકારા માર્યા વગર સ્થિર થઈ.તેના બન્ને હાથ અચાનક મોઢા પર આવી ગયા.તેના મોં માંથી ઉદ્ગાર નીકળ્યો "હે..ભગવાન...આ..તો.."
સ્ક્રીન પર એક લાખ બસાઠ હજાર બસો પચાસ બીટકોઈન દેખાઈ રહ્યો હતા અને નીચે તેની ડોલર ટર્મમાં વેલ્યુ લગભગ '8,531,250,000' હતી. રુદ્ર તેને એક નજરમાં ગણી પણ ન શક્યો.તેને શાંત મગજે તે ગણી લગભગ તે સાડા આઠ બિલિયન ડોલરની વેલ્યુ હતી.તેના અપાર આનંદની સાથે એક પરમ શાંતિનો ભાવ પણ આજે જાગ્યો.તેના જીવનનો પહેલો ગોલ્ડન નિયમ બન્યો 'ખૂબ માવજતથી કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય વિફળ જતું નથી."
રુદ્ર લેપટોપ બંધ કરી પેલા કાગળના રિકવરી ફેઝ લેપટોપ માં બરાબર લખી ફરી અગાસી પર ગયો અને ત્યાં જઈ કોઈ જીતેલા સૈનિકની છટાથી બેઠો.તેનું વડોદરાનું ઘર આ ઘર કરતા ક્યાંય મોટું હતું.તેમ છતાં તેને કઈક અલગ જ લગાવ આ ઘર પ્રત્યે રહેતો હતો.તેને પોતાની જિંદગીના સુવર્ણ વર્ષો આ જગ્યાએ જીવ્યા હતા.તેને એક ઊંડો શ્વાસ લીધો.તેને આજે પણ એજ મહેક,એજ સોડમ આ હવામાં વર્તાઈ,જે કદાચ દસ વર્ષ પહેલાં હતી. ગામના ઘણા પાત્રો તેને મગજમાં આવ્યા.કોઈ ખૂબ રમુજી,તો કોઈ કરુણ,તો કોઈ ભટકબોલું, કોઈ ધીર-ગંભીર.તેને દૂર દેખાતા એક વડના ઘેઘુર ઝાડ તેની નજરે ચડ્યું.તે તેની સ્કૂલના મેદાનમાં સ્થિત હતું.તે વડ ખબર નહિ કેટકેટલી પેઢીઓનો સાક્ષી હશે.તેને એક અદભુત શાંતિ મહેસુસ થઈ રહી હતી.
આ સુખદ યાદ પછી તેને કાલ રાતની વાત યાદ આવી.તેને થયું કે કાલે તે જે ઘટનાથી દુઃખી થઈ રહ્યો હતો.તે જ ઘટનાએ આજે તેને એક અલગ જ દુનિયામાં લાવીને મૂકી દીધો હતો.જો તેને માથા પર વાગ્યું ન હોત તો કદાચ તેને તેના જિંદગીનું પાનું જીવનમાં ક્યારેય ખુલ્યું ન હોત અથવા એમાં બહુ સમય લાગ્યો હોત.
રુદ્ર બપોર સુધી ત્યાંને ત્યાં બેઠો.કોઈ અજાણી રીતે તે આંતરિક પ્રફુલતાને અનુભવતો તે ત્યાં બેસી રહ્યો હતો.તે વિચારી રહ્યો હતો કે આગળ તેને શું કરવું જોઈએ.તેને એક નિર્ણય લીધો.તે કઈક આ મુજબ હતો કે તે પોતે અત્યારે સુરત જશે અને પપ્પાની માફી માંગશે. તેને આ બીટકોઇન વિશે તેમને કહેવાની કોઈ ઈચ્છા નહોતી.તે એમ મસ્ત મગન રહેવા માંગતો હતો.
******************
સ્થળ:વડોદરા
સમય: સાંજના સાત
રુદ્ર જ્યારે તેના ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેના પપ્પા મહેશભાઈ અને વનિતાબહેન ઓસરીમાં જ હતા.વનિતાબહેન કોઈ ટેંશનમાં બેઠા હતા અને મહેશભાઈ તેમને કઈક સાંત્વના આપી રહ્યા હતા.રુદ્ર જ્યારે પ્રવેશ્યો ત્યારે જ તે સમજી ગયો હતો કે તેની હોસ્ટેલમાંથી ભાગવાની ખબર અહીં સુધી પહોંચી ગઈ છે. તેને અત્યારે એવી કોઈ બીક નહોતી તે બેધડક રીતે ઘરમાં પ્રવેશ્યો.મહેશભાઈએ અને વનિતાબહેન બન્નેએ તેને જોયો. કોઈ રણમાં મૃગજળ દેખાયું હોય તેમ બન્ને તેની તરફ દોડયા.વનિતાબહેન અને મહેશભાઈ બન્ને તેને વારાફરતી ભેટ્યા અને સ્નેહમિલાપ પૂરો થતાં મહેશભાઈ બોલ્યા "કેમ તું અત્યારે અહીં અને હોસ્ટેલમાંથી કેમ ભાગ્યો" પણ તેમના આવાજમાં ગુસ્સો જાણતો નહોતો.
"પપ્પા કાલની ઘટના પછી તમેં કઈક વધારે જ ગુસ્સે અને દુઃખી પણ હતા.તમે ફોન પર મારી કોઈ વાત સાંભળી રહ્યા નહોતા. આથી હું તમારી માફી માંગવા હું અહી આવી ગયો" રુદ્રએ કઈક વ્યાકુળતાથી કહ્યું કેમકે તેને ખોટું બોલવાની આદત નહોતી.
"જોયું તમે,બિચારો છેક સુરતથી તમારી માફી માંગવા આવ્યો અને તમે હમેશા તેના પર ગુસ્સો જ કર્યા કરો છો" વનિતાબહેને રુદ્ર પર હાથ ફેરવતા કહ્યું.
"બેટા,તું અહીં ફક્ત મારી માફી માંગવા આવ્યો! હું તો તારું ફક્ત સારું જ ઇચ્છતો હતો.કાલે હું થોડો ગુસ્સે થઈ ગયો હતો અને આજે હું પોતેજ તને ફોન કરવાનો હતો.તું હવે બધી આડી-અવળી વસ્તુ મૂકી કોઈ પણ ચિંતા વગર ફક્ત ભણવામાં ધ્યાન દે હું તો એટલું જ ઈચ્છું છું."
"પપ્પા તમે ચિંતા ન કરો.તમારા સમજાવ્યા પછી હું સમજી ગયો છું,હું હવે ફક્ત ભણવા પર જ ધ્યાન આપીશ." રુદ્રએ કહ્યું.
"શાબાશ બેટા,એક કામ કર હવે કાલે સવારે જ તું પાછો ચાલ્યો જા તારું ભણતર બગડે એ ઠીક નથી.હું તારી સ્કૂલમાં વાત કરી લઈશ"
"ઠીક છે પપ્પા"
"હા પણ અત્યારે ચાલ તુ અંદર હું જમવાનું બનાવું છું" વનીતા બહેને કહ્યું.
**************
સમય: સવારના સાત
સ્થળ: પેટલાદ-સુરત બસ
રુદ્ર સવારમાં જ સાત વાગ્યાની પેટલાદથી વાયા વડોદરા થઈને જતી સુરતની બસમાં બેઠો હતો.આખી બસ લગભગ ખાલી હતી. વડોદરાથી સુરત જતી બસ લગભગ કલાકે ડઝન જેટલી મુકાય છે.સવારના અને તહેવાર વગરના આ મોસમમાં ઘણીવાર આ રીતે પાંચ-સાત પેસેન્જર સાથે બસ જતી હોય છે.
રુદ્ર બારીની બહાર દોડી જતા વૃક્ષો જોઈ રહ્યો.તેના મગજમાં એક વિચાર આવ્યો "શુ આ મારા જીવનની છેલ્લી બસની મુસાફરી છે.જો સાચું કહું તો હા...મને નથી લાગતું કે આ બાદ મારે હવે બસની મુસાફરી કોઈ દિવસ કરવી પડશે.મેં જે પ્લાન બનાવ્યો છે એ મુજબ બધું જશે તો સુરતનો સૌથી ધનવાન વ્યક્તિ કદાચ હું જ હોઈશ. શુ આ મારું ભાગ્ય છે કે સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો ફાયદો.શુ આવું ઘણા લોકો સાથે થયું હશે કે ફક્ત મારી સાથે જ? લોકોને કમ્પાઉડિંગની પાવર ખબર નથી." રુદ્રની આંખો મીંચાઈ તેને હવે ઊંઘ આવી રહી હતી.તે કાલે આખી રાત આજના વિચારોમાં સુઈ નહોતો શક્યો.
********************
રુદ્રએ બસ જ્યારે સુરત પહોંચી ત્યારે જ દિયાને તેને સ્ટ્રીટ કેફેમાં આવવા કહ્યું હતું.હકીકતમાં રુદ્ર તેને બધું જણાવવા માંગતો હતો.તે અત્યારે એકમાત્ર દિયાને જ આ વાત કહી શકે તેમ હતો.આ તરફ દિયાને નવાઈ લાગતી હતી કે કાલ સુધી એક એક પૈસો બચાવતો રુદ્ર કેમ આ રીતે કેફેમાં મળવા બોલાવે છે.તે બહાર ઉભી જ રુદ્રની રાહ જોવા લાગી
ક્રમશ:..